અવચેતન મનમાંથી પ્રગટ થાય છે પાછલા જન્મની સ્મૃતિઓ
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- હિપ્નોટીક રીગ્રેશન દરમિયાન નાઓમી હેનરી નામની મહિલાના અવચેતન મનમાંથી એના આ જન્મની પહેલાંનાં બે જન્મોની માહિતી પ્રગટ થઈ જતી હતી
'वासांसि जीर्णानि यथा विहाय
नवानि गृहणाति नरोडपराणि ।
तथा शरीराणि विहाय जीणां-
न्यन्यानि संयाति नवानि देही ।।'
'જે રીતે માનવી એના ફાટેલાં-જૂનાં વસ્ત્રોનો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એ જ રીતે મૃત્યુ થાય ત્યારે આત્મા જૂના અને જીર્ણ શરીરનો ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે.'
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૨, શ્લોક-૨૨
વિશ્વના અનેક ધર્મો અને સંસ્કૃતિઓમાં પુનર્જન્મના સિદ્ધાંતનું પ્રતિપાદન થયેલું છે. આ સિદ્ધાંત અનુસાર શરીરનું મૃત્યુ એ જીવનનો અંત નથી. એ પછી જન્મ-જન્માંતરોની શૃંખલા ચાલતી જ રહે છે. ગીતાના ચોથા અધ્યાયના પાંચમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે -
बहूनि मे व्यतीतानि जन्मानि तय चार्जुन । तान्यं वेद सर्वाणि न त्वं वेन्थ परंतय ।।
'હે અર્જુન! મારાં અને તારાં અનેક જન્મો થઈ ચૂક્યા છે. હે પરંતપ! હું તે બધા વિશે જાણું છું એટલે કે મને તે બધાનું સ્મરણ છે, પણ તું તે બધાને ભૂલી ગયો છે.'
સંશયવાદી વિજ્ઞાની કાર્લ સેગાને એકવાર દલાઈ લામાને પૂછ્યું હતું - જો એમના ધર્મના એક મૂળભૂત સિદ્ધાંત-પુનર્જન્મને વિજ્ઞાન દ્વારા નિશ્ચિત રૂપે ખોટો સાબિત કરી દેવાય તો તે શું કરશે? દલાઈ લામાએ જવાબ આપતાં કહ્યું હતું, 'જો વિજ્ઞાન પુનર્જન્મને ખોટો સાબિત કરી શકે તો તિબેટનો બૌદ્ધ ધર્મ પુનર્જન્મનો સિદ્ધાંત છોડી દેશે. પણ પુનર્જન્મને ખોટો સાબિત કરવો બહુ મુશ્કેલ બનશે.'
અમેરિકાની વર્જિનીયા યુનિવર્સીટીના સાઈકિયાટ્રિસ્ટ ઇયાન સ્ટીવન્સને (Ian stevenson) પુનર્જન્મને લગતું ઘણું બહોળું વૈજ્ઞાનિક સંશોધન કર્યું છે. તેમણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં પરિભ્રમણ કરી પુનર્જન્મને લગતા ૧૬૦૦ કિસ્સા એકત્રિત કર્યા હતા. તેના આધારે તેમણે ૩૦૦ જેટલાં પેપર્સ અને ૧૪ જેટલાં પુસ્તકો પણ લખ્યા. ૧૯૬૬માં Twenty cases suggestive of reincarnation, ૧૯૯૭માં Reincarnation and biology:a contribution to the etiology of birth marks and birth defects અને ૨૦૦૩માં European cases of the reinrcarnation નામના પુસ્તકો પ્રકાશિત કર્યા તેમાં પણ પુનર્જન્મને લગતી ઘટનાઓનું તાર્કિક, વૈજ્ઞાનિક અધ્યયન અને સંશોધન રજૂ કરાયું છે.
માનવીનું અવચેતન મન સ્મૃતિઓનો ભંડાર છે. એમાં માત્ર આ જન્મની દરેકે દરેક પળની જ નહીં, પહેલાંના અનેક જન્મોની સ્મૃતિઓ સંગ્રહાયેલી હોય છે. કોઈકવાર તે આકસ્મિક રીતે અચાનક બહાર આવી જાય છે તો કોઈ વાર મનોવૈજ્ઞાનિક હિપ્નોટિક રીગ્રેશન (Hypnotic Regression)ની પ્રક્રિયાથી પણ બહાર લાવી શકાય છે. મનોવિજ્ઞાની વ્યક્તિને ગાઢ સંમોહનની સ્થિતિમાં લઈ જઈને રિગ્રેશનથી પાછળના જન્મોનાં સ્મરણો પ્રગટ કરાવી દે છે.
વિખ્યાત બ્રિટિશ કન્સલ્ટન્ટ હિપ્નોટિસ્ટ હેનરી બ્લાઈધ (Henry Blythe) નું પુસ્તક ''The Three Lives of Naomi Henry' પુનર્જન્મની ઘટનાને ખૂબ સરસ રીતે ઉજાગર કરે છે. તેમણે ૩૨ વર્ષની ચાર બાળકોની માતા શ્રીમતી નાઓમી હેનરી પર હિપ્નોસિસ રીગ્રેશનના પ્રયોગો કર્યા હતા જેનાં સેશન્સનું રેકોર્ડિંગ કરી લેવાતું અને ફોટોગ્રાફ્સ પણ પાડી લેવાતા હતા. હિપ્નોટીક રીગ્રેશન દરમિયાન નાઓમીના અવચેતન મનમાંથી એના આ જન્મની પહેલાંનાં બે જન્મોની માહિતી પ્રગટ થઈ જતી હતી. રીગ્રેશન દરમિયાન પહેલાં એનો જે પુનર્જન્મ પ્રગટ થયો તે હતો ક્લેરિસ હેલિએરનો. ક્લેરિસ અપરિણિત અંગ્રેજ નર્સ હતી.
તે પછી રીગ્રેશન દરમિયાન નાઓમીનો ક્લેરિસથી પણ પહેલાંનો અઢારમી સદીના અંત અને ઓગણીસમી સદીના ગાળા દરમિયાન થયેલા જન્મ અને જીવનની તારીખ પ્રગટ થઈ જતી. તે વખતે તેનો જન્મ કોર્ક શહેરમાં રહેતી આઈરિશ મહિલા મેરી કોહેન તરીકેનો હતો. મનોવિજ્ઞાની બ્લાઈધે જ્યારે રીગ્રેશન સમયે તેને પૂછ્યું - 'અત્યારે કયું વર્ષ ચાલી રહ્યું છે?' તો તેણે કહ્યું હતું - ૧૭૯૦. તેમણે જ્યારે પૂછ્યું - તું ક્યાં રહે છે? તો તેણે કહ્યુ ંકે 'હું કોર્ક શહેરના ગ્રીનગેટસ નામના ફાર્મમાં રહું છું.' પછી બ્લાઈધે તેને પૂછ્યું હતું - 'આ ફાર્મની નજીકમાં આવેલા ગામનું નામ શું છે? તો તેણે જવાબ આપ્યો હતો - મારા આ ફાર્મની નજીકમાં ગ્રેનર (Graner) નામનું ગામ છે.
તે પછી હેનરી બ્લાઈધે મેરી કોહેનના જીવનના વિવિધ તબક્કાઓને પ્રગટ કર્યા. તેણે કહ્યું - હું ગ્રીનગેટસ ફાર્મમાં ગાયોને દોહવાનું કામ કરું છું. મારા પતિ ક્રૂર અને ગુસ્સાવાળા સ્વભાવના છે. તે ઘણીવાર મારી સાથે મારઝૂડ પણ કરે છે. મારાં બાળકો નાની વયમાં જ મરણ પામ્યા છે એટલે હું એકલતાનો અનુભવ કરું છું. પછી બ્લાઈધે લંડનના 'ડેઈલી એક્સપ્રેસ' ન્યૂઝપેપરના વરિષ્ઠ પત્રકારો વગેરેની હાજરીમાં નાઓમી પર રીગ્રેશન કરી તેનું મેરી કોહેન તરીકેનું જીવન પ્રગટ કરી જ્યારે તેને પૂછ્યું હતું - તારે હજુ કેટલું જીવવાનું બાકી છે? તો તેણે કહ્યુ ંહતું - બસ હવે પૂરું થવાની તૈયારીમાં છે. અત્યારે તને કેટલામું વર્ષ ચાલી રહ્યું છે? એમ પૂછ્યું તો તેણે કહ્યું હતું - મને ૭૦મું વર્ષ ચાલી રહ્યું છે. આ જ ઉંમરે મારું મરણ થયું હતું. 'બસ, હવે મારા છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે. હેનરી બ્લાઈધ અને ડૉક્ટરે જોયું તો નાઓમીની નાડી ધીમી પડી રહી હતી. સહેજવાર માટે એમ લાગ્યું કે હવે એ ધબકતી બંધ થઈ જશે એટલે એમણે તરત કહી દીધું હતું - 'નાઓમી, તું એકદમ સ્વસ્થ છે, સહીસલામત છે, તને કંઈ જ થયું નથી, તું અત્યારના જીવનમાં પાછી આવી ગઈ છે.' એ સાથે નાઓમીની નાડી પાછી યથાવત્ ધબકવા લાગી હતી. નાઓમીના વર્તમાન જીવન અને પાછળના બે જીવન એમ ત્રણ જીવનની ઘટનાઓ રીગ્રેશન દ્વારા તેના અવચેતન મનમાંથી પ્રગટ થઈ હતી.