- આજકાલ-પ્રીતિ શાહ
- ભારત ઉપરાંત બાંગ્લાદેશ, જમૈકા, શ્રીલંકા, ફ્રાંસ, વિયેટનામ, નેપાલ, કેન્યા જેવા દેશોમાં પણ સોલર ડ્રાયરથી ખેડૂતોને ફાયદો થયો છે.
મ હારાષ્ટ્રના બીડમાં રહેતા સામાન્ય સ્થિતિના ખેડૂત પરિવારમાં વૈભવ તિડકેનો જન્મ થયો હતો. નાનપણથી જ વૈભવે જોયું કે એમના પિતા અને ગામના અન્ય ખેડૂતોને પોતાનાં શાકભાજી અને ફળો વેચવા માટે કપરો સંઘર્ષ કરવો પડતો હતો. એણે જોયું કે ખેડૂત પોતાના શાકભાજી અને ફળો બજારમાં વેચવા માટે લઈ જાય છે. જો આખા દિવસમાં તેની ઉપજ ન વેચાય, તો સાંજે સાવ સસ્તા ભાવે વેચી નાખવી પડતી. જો એ ન વેચે તો તે સડી કે બગડી જાય, કારણ કે એને જાળવવા માટે તેમની પાસે કોઈ સગવડ નહોતી. વળી આ સમસ્યા માત્ર બીડના ખેડૂતોની જ નહોતી, પરંતુ સમગ્ર દેશના ખેડૂતોેની હતી. ખેતરમાંથી બજાર સુધી લઈ જવામાં ક્યારેક ચાળીસ ટકા ઉત્પાદનો બગડી જતા હોય છે. વૈભવ તિડકેના મનમાં સતત આ સમસ્યા વ્યથા જગાવતી હતી. કેટલી બધી મહેનત પછી પાક તૈયાર થાય છે અને એ આ રીતે વેડફાઈ જતો જોઈને તેને પારાવાર દુ:ખ અને વેદના થતા.
અભ્યાસમાં તેજસ્વી વૈભવે બારમા ધોરણ પછી કેમિકલ એન્જિનીયરીંગમાં પ્રવેશ મેળવ્યો. કૉલેજના અભ્યાસકાળ સમયે જ એણે પોતાની એક ટીમ બનાવી જે ક્લાયમેટ ફ્રેન્ડલી ટૅક્નોલૉજીસ પર કામ કરતી હતી અને તેણે તેને નામ આપ્યું સાયન્સ ફૉર સોસાયટી. એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કરવાને બદલે એણે એવું કામ કરવાનો વિચાર કર્યો કે જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓ ઓછી થાય. એ માટે વૈભવ પાંચ વર્ષ સુધી ખેડૂતોની મુશ્કેલીઓને જોઈ, જાણી, સમજી અને પછી તેનો વૈજ્ઞાનિક ઉપાય શોધી કાઢયો. એણે એક એવું સોલર ડ્રાયર બનાવ્યું કે જેની મદદથી કોઈ પણ પ્રકારના કેમિકલ કે પ્રિઝર્વેેટિવ વિના શાકભાજી અને ફળોને સૂકવીને લાંબા સમય સુધી રાખી શકાય. આ કામ સમયે જ્યારે જ્યારે આર્થિક મુશ્કેલી આવી ત્યારે વૈભવ અને તેની ટીમે કન્સલ્ટન્સી પ્રોજેક્ટમાં કામ કર્યું, તો ક્યારેક ટયૂશન કર્યા કે જેથી આ કામ બંધ ન થઈ જાય.
ઈ. સ. ૨૦૧૩ સુધીમાં ખ્યાલ આવી ગયો કે જો મોટા ફલક પર અને વ્યવસ્થિત કામ કરવું હોય તો આને માટે એક કંપની સ્થાપવી જોઈએ. વૈભવ પાસે મશીન હતું અને ટીમ પણ હતી, તેથી તેણે સાયન્સ ફૉર સોસાયટી કંપની શરૂ કરી, જે આજે ફૂડ પ્રોસેસિંગનું કામ કરી રહી છે. સોલર ડ્રાયર એલ્યુમિનિયમ, ઈન્સુલેશન અને પ્લાસ્ટિક દ્વારા બનાવવામાં આવ્યું છે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી લઈ જઈ શકાય છે. તેઓ કટિંગ મશીન, પ્રાથમિક પ્રોસેસિંગ ડ્રાયર અને સોલર ડ્રાયર આપે છે. સૂર્યની ઊર્જાથી એ કાર્ય કરે છે, તેથી વીજળીની જરૂર નથી, કારણ કે વૈભવને ખ્યાલ હતો કે ગામડામાં પૂરતી વીજળી મળતી નથી, તેથી તેણે સોલર પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તે મિક્સર કે ગ્રાઈન્ડરની જેમ જ સરળતાથી વાપરી શકાય છે. બજારમાં ઘણા સોલર ડ્રાયર છે, પરંતુ આ ડ્રાયરની ખૂબી એ છે કે તેમાં ૪૦ ટકા સમયની બચત થાય છે. ફળ કે શાકભાજીને સૂકાતાં છથી આઠ કલાકનો સમય લાગે છે અને એક સાથે બાર કિલો જેટલાં શાકભાજી કે ફળો સૂકવી શકાય છે. મશીનનો બીજો ફાયદો એ છે કે એના રંગ, સુગંધ અને પોષક તત્ત્વો યથાવત્ જળવાઈ રહે છે.
સાયન્સ ફૉર સોસાયટી કંપની મહિલા ખેડૂતોને તાલીમ આપે છે. એક ગામમાં વીસ મહિલાઓને ડીહાઈડ્રેશનના પ્રોજેક્ટમાં કામ કરતી વ્યક્તિ શીખવે છે. તેનું કારણ બતાવવા વૈભવ તિડકે કહે છે કે મરાઠાવાડમાં હંમેશાં પાણીની ખેંચ રહે છે, તેથી ચાર મહિના જ ખેતી થઈ શકે છે. બાકીના મહિનાઓમાં પુરુષો કામની શોધમાં બહારગામ જતા હોય છે, તેથી સ્ત્રીઓ ઘરે રહીને આના દ્વારા કામ કરીને રોજગારી મેળવી શકે. ઔરંગાબાદ નજીક રહેતી ૨૭૦૦ સ્ત્રી ખેડૂતોને અને બસો નાના એન્ટપ્રેેન્યોરને શાકભાજી અને ફળો સૂકવવાની તાલીમ આપી છે. આ ઉપરાંત ભારતના જુદાં જુદાં શહેરોમાં આશરે બે હજાર જેટલી મહિલાઓ આ કામ દ્વારા રોજગારી મેળવે છે. નાસિક જિલ્લામાં રહેતો ખેડૂત મકાઈ, કપાસ અને બાજરાની ખેતી કરે છે, પરંતુ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી એની સાથે સાથે લસણ, ડુંગળી, હળદર વગેરેને ઘરે સૂકવીને વર્ષે પચાસેક હજાર કમાઈ લે છે. તેમાંથી બિયારણ ખરીદે છે, વાહનની લોન ચૂકવે છે અને ઘરમાં અન્ય ખર્ચમાં મદદ થાય છે, તેથી હવે તેને બિયારણ ખરીદવા ઊંચા વ્યાજે લોન લેવી પડતી નથી.
વૈભવ તિડકે આજે ઘણા ખેડૂતો પાસેથી ખરીદી કરી, તેને સૂકવીને, પાવડર બનાવીને વેચે છે. તેમાં નેસલે, સોડેકસો, મેરિકો, તાજ સ્ટાર, કેપિટલ ફૂડ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, જમૈકા, શ્રીલંકા, ફ્રાંસ, વિયેટનામ, નેપાલ, કેન્યા જેવા દેશોમાં પણ સોલર ડ્રાયરથી ખેડૂતોને ફાયદો થયો છે. વૈભવ તિડકેનો આ નાનકડો વિચાર દેશમાં ક્રાંતિ લાવી શકે તેમ છે. એક બાજુ કરોડો લોકો ભૂખ્યા સૂવે છે, તો બીજી બાજુ વર્ષે અઠ્ઠાવન હજાર કરોડ રૂપિયાના ઉત્પાદનોની બરબાદી થઈ રહી છે. દેશના માત્ર પંદર ટકા ખેડૂતો પણ સોલર ડ્રાયરનો ઉપયોગ કરે તો દસ હજાર કરોડની આવક થઈ શકે તેમ છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ લીડરશિપ એૅવૉર્ડ મેળવનાર વૈભવ તિડકે વિશ્વમાં ભૂખમરાનો કાયમી ઉકેલ શોધી રહ્યા છે. તેમનું સ્વપ્ન છે કે ૨૦૫૦ સુધીમાં વિશ્વનો કોઈ માનવી ભૂખ્યો ન સૂવે !
ભાગ્યને ઘડીએ પુરુષાર્થથી
ચંપા મહિલાઓ માટે કંઈક કરવા માગતી હતી, તેથી ૨૦૧૦ની યુનિયન પરિષદ અર્થાત પંચાયતની ચૂંટણીમાં ઊભી રહી, પરંતુ સિત્તેર મતથી હારી ગઈ
બાંગ્લાદેશની જન્નતુલ સરકાર ચંપાએ અનેક સંઘર્ષ કરીને સફળતા મેળવી છે. ઢાકાથી આશરે દોઢસો કિમી. દૂર પબના નામનો જિલ્લો આવેલો છે. તેના મોલિકબેન નામના ગામમાં આજથી આશરે પાંત્રીસ વર્ષ પહેલાં ચંપાનો જન્મ થયો હતો. પિતા ઈશાકઅલીની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી, પરંતુ એમણે એમના ત્રણ સંતાનોને સરકારી સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો હતો. આવા એક સામાન્ય પરિવાર પર આફતનો પહાડ તો ત્યારે તૂટી પડયો કે પિતાએ પરિવારને એના નસીબ પર છોડીને બીજા લગ્ન કરી લીધા. સગાંવહાલાંઓએ પણ આ બધાની જવાબદારી, પોતાના માથે આવી પડશે એવા ભયથી સંબંધો ઓછા કરી નાખ્યા. થોડા સમયમાં જ એમને પિતાના મૃત્યુના સમાચાર મળ્યા.
પિતાના મૃત્યુના સમાચારથી તેઓ ક્યારેક પાછા આવશે એવો ભ્રમ પણ ભાંગી ગયો. ચંપા, એના બે ભાઈઓ અને માતા - એમ ચાર વ્યક્તિના કુટુંબને બે ટંક ભોજન માટે સંઘર્ષ કરવો પડતો. આવી પરિસ્થિતિમાં મોટો ભાઈ કોઈ રોજગારની શોધમાં ઘરેથી નીકળી ગયો અને પછી ક્યારેય કુટુંબની પરિસ્થિતિ વિશે કંઈ પણ જાણવાની દરકાર સુદ્ધા કરી નહીં. માતા અને નાના ભાઈની જવાબદારી ચંપાને શિરે આવી. કપરી પરિસ્થિતિમાં પણ ચંપાએ પોતાનો અભ્યાસ છોડયો નહીં. બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. એના સમાજમાં અને એની પરિસ્થિતિ જોતાં તેના માટે આ એક મોટી ઉપલબ્ધિ હતી, પરંતુ તે જ્યારે નોકરી શોધવા ગઈ ત્યારે એને ખબર પડી કે એનાથી ઘણો વધારે અભ્યાસ કરીને ઊંચી ડિગ્રીઓ હાંસલ કરનાર પણ બેકાર છે. તેમ છતાં એ ઘણી જગ્યાએ નોકરીની તપાસ માટે ગઈ. સરકારી વિભાગોમાં પણ તપાસ કરી, કારણ કે તેના મનમાં એમ હતું કે એને કોઈ મોટા ઑફિસરની નોકરી તો નથી જોઈતી. એક સામાન્ય નોકરી જ મેળવવી છે જેથી પરિવારનું પાલનપોષણ થઈ શકે અને આવકની અનિશ્ચિતતામાંથી મુક્તિ મળે, પરંતુ સરકારી વિભાગમાં ક્યાંય નોકરી ન મળી.
૨૦૦૨માં એક ટેક્સટાઈલ મિલમાં ચંપાને મહિલા સુરક્ષા અધિકારી તરીકેની નોકરી મળી. ચંપા એના કામથી ખુશ હતી અને સંસ્થાને પણ ચંપાનું કામ અને નિા અનુકૂળ લાગવા માંડયા હતા. પરંતુ ૨૦૦૫માં પાસેના ગામ કંટાખલીના એક યુવાન સાથે ચંપાના લગ્ન થયા. શરૂઆતમાં તો બધું સમુંસૂતરું ચાલ્યું, પરંતુ પંદર દિવસમાં જ ચંપાને તેના પતિ વિશે સત્ય હકીકતની જાણ થઈ. ચંપાનો પતિ નશો કરતો હતો. થોડા દિવસોમાં એણે ચંપા નોકરી કરે તેનો પણ વિરોધ જાહેર કર્યાે. વાત આગળ ન વધે અને આટલેથી લગ્નજીવન ઉગરી જતું હોય તો ચંપાને લાગ્યું કે નોકરી છોડવામાં વાંધો નથી, પરંતુ ચંપાએ નોકરી છોડી તે સાથે જ પતિની જોહુકમી વધવા લાગી. અપશબ્દો બોલવા, મારપીટ કરવી - આ બધી રોજિંદી ઘટના બની ગઈ અને વાત તલાક આપવા સુધી પહોંચી.
જે નિ:સહાયતાનો અનુભવ પિતા ઘર છોડીને ગયા ત્યારે થયો હતો, તેનાથી વધુ નિ:સહાયતા પતિના ઘર છોડતી વખતે લાગી, કારણ કે ત્યારે તો તેની સાથે માતા અને બે ભાઈઓ હતા. અત્યારે એકલી અને બેસહારા હતી. થોડા વિચાર કર્યા પછી એને લાગ્યું કે માતાના ઘરે પાછા જવા સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ફરી પાછી નોકરીની શોધ આદરી અને એક ઇન્સ્યોરન્સ કંપનીમાં નોકરી પણ મળી ગઈ, જોકે તે કાયમી નહોતી, પરંતુ ૨૦૦૮માં ફરી પાછી મુશ્કેલી એ આવી કે એની કંપનીએ બીજા જિલ્લામાં એની બદલી કરી. માતા અને નાના ભાઈને છોડીને જવા એ તૈયાર નહોતી તેથી એને નોકરી છોડવી પડી. ચંપા સતત વિચારતી કે હવે શું કરવું ?
જન્નતુલ સરકાર ચંપાએ અખબાર વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો તે માંડ પાંચ-સાત અખબાર વેચી શકતી. ત્યારબાદ એણે ઘરે ઘરે જઈને અખબાર વેચવાનું શરૂ કર્યું. તેને જોઈને લોકો મ્હેણાંટોણાં મારતા, ટીકા કરતા. કારણ કે આજ સુધી આ ક્ષેત્રમાં પુરુષોનું પ્રાધાન્ય હતું. ચંપાએ કોઈ વાત કાને ન ધરતા પોતાનું કામ ચાલુ રાખ્યું. એ માને છે કે, 'ટીકાઓ મને ભોજન કે ઘર આપવાના નથી. મને એવા લોકોની પરવા નથી. મારે તો ગૌરવપૂર્વક અને પ્રામાણિકતાથી જીવન જીવવું છે.' થોડા સમયમાં સાઈકલ ખરીદીને ચટમોહર બજારમાં અખબાર પહોંચાડવાનું શરૂ કર્યું. અખબાર લેનારા ગ્ર્રાહકો વધ્યા એટલું જ નહીં લોકોની દ્રષ્ટિમાં પરિવર્તન આવતા કેટલાક લોકો એની પ્રશંસા કરવા લાગ્યા. રોજ વીસ-પચીસ કિમી. ફરતી અને રોજના સાડા પાંચસો ટકા (બાંગ્લાદેશનું ચલણ)ની આવક થતી.
ચંપા મહિલાઓ માટે કંઈક કરવા માગતી હતી, તેથી ૨૦૧૦ની યુનિયન પરિષદ અર્થાત પંચાયતની ચૂંટણીમાં ઊભી રહી, પરંતુ સિત્તેર મતથી હારી ગઈ. ૨૦૧૬માં પણ એ પ્રમાણે જ થયું. છેવટે ૨૦૨૧માં એણે જીત મેળવી. બપોર સુધી અખબાર વેચીને તે જનપ્રતિનિધિ બનીને તેનું કાર્ય કરે છે. લોકોના પ્રશ્નો સમજીને બને તેટલી મદદ કરે છે. સમાજમાં એવા ઘણા લોકો છે જે નસીબને દોષ દે છે, પરંતુ ચંપાએ નસીબ પર આધાર રાખવાને બદલે પોતાના ભાગ્યને પુરુષાર્થથી ઘડયું. એને માટે બાંગ્લાદેશના વિખ્યાત અંગ્રેજી અખબાર 'ધ ડેઈલી સ્ટાર' દ્વારા અપાતો ૨૦૨૨નો અનસંગ વિમેન નેશન બિલ્ડર્સ એૅવૉર્ડથી તેને પુરસ્કૃત કરવામાં આવી છે.


