સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો, અબ ના ગોવિંદ આયેંગે
- અંતરનેટની કવિતા-અનિલ ચાવડા
લોગઇન:
સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો, અબ ના ગોવિંદ આયેંગે
છોડો મહેંદી ખડગ સંભાલો, ખુદ હી અપના ચીર
બચા લો,
દ્યૂત બિછાયે બૈઠે શકુની, મસ્તક સબ બિક જાયેંગે
સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો, અબ ના ગોવિંદ આયેંગે
કબ તક આસ લગાઓગી તુમ બિકે હુએ અખબારો સે,
કૈસી રક્ષા માંગ રહી હો દુ:શાસન દરબારો સે?
સ્વયં જો લજ્જાહીન પડે હૈ વો ક્યા લાજ બચાયેંગે?
સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો, અબ ના ગોવિંદ આયેંગે
કલ તક કેવલ અંધા રાજા, અબ ગૂંગા-બહરા ભી હૈ,
હોંઠ સિલ દિયે હૈ જનતા કે, કાનો પર પહરા ભી હૈ.
તુમ હી કહો યે અશ્રુ તુમ્હારે, કિસકો ક્યા સમજાયેંગે?
સુનો દ્રૌપદી શસ્ત્ર ઉઠાલો, અબ ના ગોવિંદ આયેંગે
- પુષ્યમિત્ર ઉપાધ્યાય
ભરસભામાં દ્રૌપદીના ચીરહરણ કરીને તેનું ઘોર અપમાન કરવામાં આવી રહ્યું હતું. પાંચ પાંડવ મોઢું નીચું કરીને બેઠા હતા. તમામ રાજઅધિકારીઓ આ ઘટનાઓ સામે આંખ આડા કાન કરીને જોઈ રહ્યા હતા ત્યારે લાચાર દ્રૌપદીએ કૃષ્ણને યાદ કર્યા હતા અને કૃષ્ણએ તેની લાજ બચાવી હતી. આજના સમયે કેટકેટલી દ્રૌપદીઓના ચીરહરણ થઈ રહ્યાં છે. દિલ્હીમાં છડેચોક એક છોકરીની હત્યા કરી દેવાઈ. લોકો રોજબરોજ પસાર થતા હોય એમ જ શાંતિથી પસાર થતા રહ્યા, નજારો જોતા રહ્યા અને ઘરભેગા થઈ ગયા. થોડા દિવસો પહેલા પાણીના પાઈપમાંથી એક છોકરીની લાશના ટુકડા મળ્યા. મુંબઈમાં લીવઇન રિલેશનશીપમાં પોતાની જ પાર્ટનરને મારીને તેના માંસના ટુકડા રાંધવામાં આવ્યા. અગાઉ દિલ્હીમાં જ એક છોકરીના સેંકડો ટુકડા કરી ઠેરઠેર ફેંકી દેવામાં આવ્યા હતા. નાની નાની બાળકીઓ સાથે કંપારી છૂટી જાય તેવી ઘટનાઓ ઘટે છે.
ન્યાય માટે ઝઝૂમતી ઘણી કળીઓ ન્યાયની સુગંધ પામ્યા પહેલાં કરમાઈ જાય છે. સત્તાની ઓળખાણ ગુનાને ઢાંકી દેતી હોય છે. સત્તા બહુ મોટી ચાદર છે. તમે ગમે તેટલા મોટા ગુનેગાર હોવ એ ચાદર તમને એ રીતે ઢાંકીને રાખશે કે તમે પગથી માથા સુધી નિર્દોષ છો.
દરેક દ્રૌપદીને એવું હોય છે કે કૃષ્ણ બચાવશે. એ કૃષ્ણ કાયદાનો હોય કે સમાજરૂપી હોય. મિત્રરૂપી કૃષ્ણ હોય કે કોઈ અજાણ વ્યક્તિરૂપી. મુશ્કેલ સ્થિતિમાં ચીર પૂરનાર દરેક વ્યક્તિ કૃષ્ણ છે. પણ થાય છે એવું કે જેની પાસે ચીર પૂરવાની આશા રાખી હોય તે જ ચીર ખેંચવા લાગે છે. પણ હવે લાજની રક્ષા માટે કોઈ ગોવિંદની રાહ જોવાની જરૂર નથી. હવે સ્ત્રીને મેંદીવાળા હાથે મજબૂત મુક્કો મારી શકે તેવી શક્તિ પણ વિકસાવવી પડશે. જાતે જ રૌદ્ર સ્વરૂપધારીણી થઈ જવું પડશે. સંજોગોની ચોપાટમાં ડગલે ને પગલે શકુનીઓ પડયા છે. દાવપેચમાં તમને હરાવવા માટે.
તમે ગમે તેટલા સાચા હોવ પણ દોષી વ્યક્તિ સત્તામાં હોય તો તેને દોષી સાબિત કરવો મુશ્કેલ થઈ જશે. પાસાં એવાં ગોઠવાશે કે તમે પોતે ગુનો આચરનાર સાબિત થશો. છાપાંઓ અને ન્યૂઝચેનલોમાં પણ એવા જ સમાચારો વહેશે કે તમે ગુનો કર્યો અને સામેની વ્યક્તિને અત્યાચાર કર્ર્યો. દુશાસનના દરબારમાં ન્યાય માગવા જેવું થશે.
હમણા મહિલા પહેલવાનોનો કેસ ખૂબ ચગી રહ્યો છે. લાંબા આંદોલન બાદ આખરે કેસ દાખલ થયો છે. પણ આ જ પહેલવાનોએ જ્યારે દેશને ઓલમ્પિકમાં મેડલ અપાવ્યો ત્યારે ગર્વ લેનાર એકપણ સત્તાધીશ અત્યારે આ મુદ્દે મગનું નામ મરી નથી પાડતા. ખેર, સત્ય હશે તે સમય જતાં બહાર આવશે. પણ મૂળ વાત શોષણની છે. કેટકેટલી ઘટનાઓ બહાર આવ્યા વિના જ રહી જતી હશે. ગર્વ લેવાની એક પણ ક્ષણ ન ચૂકનાર સરકાર આવી ઘટનાઓ પ્રત્યે કેમ આંખ ઉપર પાટા બાંધી લે છે. કેમ ન્યાય માટે આટઆટલી રઝળપાટ, મારપીટ, ઢસરડા અને વલખાં મારવા પડે છે?
સૌએ પરિસ્થિતિ જ એવી રચવાની હોય કે જગતની કોઈ દ્રૌપદીને શસ્ત્ર ઉઠાવવાની જરૂર ન પડે.
લોગઆઉટ:
હો દયાળુ તો મને ઉત્તર ખુલાસાવાર દે
કા અગોચર વિશ્વનો થોડો ઘણો અણસાર દે
ચિર ખૂટયા હોય તો આ વિશ્વની હર નારને
તું ભલે તલવાર ને દે ચીસમાં તો ધાર દે
એક પણ અખબાર કોરું કોઈ દી હોતું નથી
તો ભૂખ્યાને અન્ન કા ઓજાર કા હથિયાર દે
જિદ્દ મધુની છે જ નહિ કે તું ફરી અવતાર લે
કા પરત ગાંધી કરીદે કા બીજા સરદાર દે
- મધુસુદન પટેલ