જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરની રસજ્યોત
- રસવલ્લરી- સુધા ભટ્ટ
આસ્થા સ્થાને ધર્મ અને કળાનો સંગમ
જેમ પ્રકૃતિ તેમ કળા અને માનુનિ છે, મનસ્વિની છે, બન્નેના રૂપ- સ્વરૂપ પ્રત્યેક ક્ષણે નિરાળા જોવા મળે છે અને તે વખતે તે ઉભયમાં રહેલી આંતરિક બાહ્ય શક્તિનો પરચો વારંવાર મનુષ્યને મળતો રહે છે. આમ તો કળા પ્રકૃતિજન્ય પણ હોય અને માનવસર્જિતે ય ખરી. બન્ને પરિરૂપમાં એ મનભાવન જ લાગે કારણ કે કળાનો ધર્મ જ આનંદમાં રહીને સૌને આનંદિત કરવાનો છે. સાધન કે માધ્યમ ગમે તે હોય કોઈ પણ કળા પ્રેમથી આપણને મુદિત જ કરે એ નક્કી. વૈવિધ્યપૂર્ણ કળા સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, નૃત્ય ઇત્યાદિ વાહન ઉપર સવાર થઈને રાણીની જેમ સજી ધજીને પોતાની સવારી લઈને આવે ત્યારે રસિકોનું મન કળાના નવા રંગરૂપના વિશ્વમાં રમમાણ થવા લાગે છે.
શિલ્પો, સ્થાપત્યો કે સ્મારકોની જ માત્ર વાત જો આપણે સ્મરીએ તો આ ત્રણ અંગો સાથે એની અંદર અનેકાનેક મુદ્દાઓ ગર્ભિત હોય છે. વિવિધ વિષયો- શ્રદ્ધા, સ્મૃતિ, ભક્તિ, દેશભક્તિત, જ્ઞાાન-વિજ્ઞાાન, ઇતિહાસ, ખગોળ, ભૂગોળ, પ્રસંગો, પુરાણો, સંગીત, નૃત્ય, નાટક જેવી અન્ય કળાઓનું અંકન અને કુદરત સિખ્ખે આ ત્રણેયમાં દ્રષ્ટિગોચર થાય છે. અરે! કળાનો એક અતિ અગત્યનો મુકામ તે ધર્મસ્થાનો; એને કેમ વિસરાય વળી? વિશ્વના દરેક દેશના ધર્મસ્થાનો જે- તે ધર્મની વિભાવના અને ભાવનાને કળાના માધ્યમથી રજૂ કરેે જ છે.
અગિયારમી સદીમાં પરદેશી હુમલા સામે હામ ભીડી જ્યોતિર્લિંગ
આ દ્વીપનો આકાર પ્રાણધ્વનિ ઓમ જેવો છે તેથી આખો વિસ્તાર અને મંદિર ઓમકારેશ્વર કહેવાયા. મધ્યયુગીન આ સ્થાપત્યનું નિર્માણ મૃદુ પાષાણ વડે થયું છે. ભવ્ય સભામંડપમાં સાંઇઠ વિશાળ કથ્થઈ પથ્થરના સ્તંભ ઉપર વર્તુળાકારે બારીક કોતરણી છે. સ્તંભ ચૌદેક ફીટ ઉંચા છે. કલાકસબયુક્ત વિગતવાર નકશીકામવાળી અને સપાટ પટ્ટીઓ પર માનવ અને પશુના મિશ્ર આકારવાળી આકૃતિઓ છે. જેમાં મોટા ભાગના પાત્રોના ખભા પહોળા દેખાય છે અને ધ્યાનસ્થ હોય તેવા કપાળ લાગે છે. નદીના કેન્દ્રમાં આસ્થાની ઉંચાઈએ આવેલા આ શ્રી સ્થળમાં નિજમંદિરની પથ્થરની છત પણ પ્રભાવી, નાજુક, ગાઢ નકશીકામ અને વિવિધ જડતર કામથી શોભિત છે.
એની ઉપર બનેલી આકૃતિઓની ચિત્રવલ્લરી ખૂબ આકર્ષક રીતે આલેખાયેલી છે. મંદિરના પ્રદક્ષિણાપથ પર ઓસરીમાં ગોળાકાર સ્તંભ કતારબંધ ગોઠવાયેલા છે જે બહુદિશ દેખાય છે. વાસ્તુકલા (બાંધકામ)ની આ 'નગર શૈલી' મંદિરના શિખરને ખાસ ઉંચાઈ બક્ષે છે. સ્વયમ શિવજીની કહેવાતી આ સંરચનાની આસપાસ બે મોટી ટેકરીઓ છે નદીની ખીણોને કારણે તે વિભાજિત થયેલી છે.
પાંચ માળના આ મંદિર માટે દરેક માટે અલગ દેવતા છે. ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સિદ્ધનાથ, ગુપ્તેશ્વર અને રાજેશ્વર. પુરાતત્ત્વ ખાતાના મતાનુસાર ગર્ભગૃહનું શિવલિંગ મૂળ એક નાના પ્રાચીન મંદિરમાં હતું જેને ઇક્ષ્વાકુ રાજા માંધાતા અહીં લાવ્યા. હાલ લિંગ ઉપર મુખાકૃતિ છે. અહીં રાજાએ એક ગાદી મુકાવેલી તે હજુ અહીં દેખાય છે.
પુરાણોએ કળાને પાયા પ્રેરણાના પિયૂષ
'વિવિધતામાં એકતા'માં માનતી આપણી સંસ્કૃતિને કારણે આપણને રસઝરણયુક્ત સાહિત્ય સરવાણીની ભેટ પણ મળી છે. ધાર્મિક ઇમારતોએ પૌરાણિક કથાસાગરને ઉલેચીને તેના પ્રેરણાદાયક પ્રસંગોને પોતાની કાયા ઉપર સાચવીને અમર બનાવી દીધા છે. કંઈ કેટલાંય શિલ્પોમાં પાત્રોએ નિર્જીવ કહેવાતા કાષ્ટ, પથ્થર, ધાતુ ઇત્યાદિમાં પ્રાણ પૂર્યા છે કોને?- શેને આભારી છે એ બધું? આજન્મ કલાકારોને જ વળી. તેમના રંધા, છીણી, હથોડી, ટાંકણ, ભઠ્ઠી અને તેમના મન- વચન- કર્મે શિલ્પો યુગો સુધી જીવંત લાગે છે. ટાંચા સાધનો પરંતુ ઉગ્ર પરિશ્રમ અને મનની સાચી લગનને કારણે આદિ કલાકારોએ અસંભવને સંભવ કરી દેખાડયું છે. એવું જ સ્થાપત્ય અને ચિત્રોના વિશ્વમાં પણ બન્યું છે.
આ સઘળું ભેગું લઈને ચાલે છે. આપણી પરંપરા અને આપણું ઔત્સુક્ય માત્ર મંદિરની કળાની જ વાત કરીએ તો 'ન ભૂતો ન ભવિષ્યતિ' જેવા આપણા દ્વાદશ જ્યોતિર્લિંગ ધરાવતા બારેય શ્રદ્ધા સ્થાનો આસ્થાની અખંડ જ્યોતની જોડાજોડ કળાની પણ છડી પોકારી રહ્યા છે. સૌરાષ્ટ્રના સોમનાથથી શરૂ થઈ મહારાષ્ટ્રના ધૃષ્ણેશ્વર સુધી પ્રત્યેક શિવલિંગ પવિત્રતા અને સુગંધની ધુમ્રસેર પ્રસરાવી રહ્યા છે.
ભારતના હૃદયસમા મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વરની જયજયકારનો નાદ બ્રહ્મરૂપે બ્રહ્માંડમાં ગુંજન કરે છે. ખળખળ વહેતી મા નર્મદાના અને કાવેરીના સંગમ પર સ્થિત છે. અહીં જલપ્રવાહ એક માઇલ લાંબો અને અડધો માઇલ પહોળો પ્રાયદ્વીપ સર્જે છે અને અહીં જ છે ઓમકારેશ્વર મહાદેવ.
વિંધ્યાચળ પર્વતમાળામાં છે આ માંધાતા ટાપુ - નર્મદાનું 'નાભિ સ્થળ'
પ્રતીકાત્મક રૂપે અહીં શિવલિંગની સામે જ શિવપાર્વતી માટે પથારી અને ચોપાટની રમત મુકેલી છે. હા, આ શિવલિંગ કાયમ પાણીમાં ડૂબેલું રહે છે જેની ઉપર દિવસમાં ત્રણ વાર અભિષેક થાય છે. આ સ્થળનો સૌંદર્યબોધ તેની દિવાલો ઉપરના પૌરાણિક પાત્રોવાળા શિલ્પોમાંથી ડોકાય છે. એમાં વાદ્યકારો પણ છે. કમળફૂલની નકશી અને વળાંકદાર રસવલ્લરી ઝુલતી લાગે છે. અંદર સ્તબ્ધ કરી દેતું સ્થાપત્યનું જાણે કે મ્યુરલ જ જોઈ લો. ચિત્રો ઉપરાંત કોતરણી અને નકશી આ સ્થાનને ખાસ લોકપ્રિય અને પ્રસિદ્ધ બનાવે છે.
મંદિર પાછળની દીવાલે માંધાતા મહેલ છે જે હોલકર વંશની માલિકીનો છે. થાંભલાઓથી ઘેરાયેલી ઓસરીની અર્થપૂર્ણ આભાને લીધે તે ઉત્તર ભારતની હવેલી જેવો જરૂર ભાસે છે. આગળ ચાલો અને મળે ભવ્ય રંગબેરંગી દરબાર હૉલ ગોળ ગેલેરી સુંદર કાચ કામથી ઝળકે છે અને ઝરૂખેથી ભવ્ય ઓમકારેશ્વર અને રમણીય નર્મદા નીરના દર્શન થાય જે ઉંડી ખીણો વચ્ચેથી ઉછળતી દેખાય. વળી જળ શિકોરોની વચ્ચેથી ડોકાય રંગબેરંગી બોટોની વણઝાર! એ પણ સામે જુઓ... ઓમકારેશ્વર જ્યોતિલિંગનો બીજો ભાગ મમલેશ્વર!
લસરકો :
સૌંદર્ય બોધ એ કળાનો ધર્મ છે
બોધ સૌંદર્ય એ ધર્મની કળા છે