જેમ સુકાય તારી જૂઈનાં ફૂલ મારા વાલાજી રે!
- સોના વાટકડી રે- નીલેશ પંડયા
- કોઈ મારા પરણ્યાને સંદેશો આપો કે હું એના વિના સૂકાઈ-કરમાઈ રહી છું,એને સવેળા ઘેર આવી જવા વિનવો. અહીં એમને માટે ઉતારા ઓરડા, પોઢણ ઢોલિયા, દાંતણ દાડમી, નાવણ કુંડિયાં, ભોજન લાપસી જેવી બધી જ સુવિધા છે...
જેમ સુકાય તારી જૂઈનાં ફૂલ મારા વાલાજી રે!
એમ તારી ગોરાંદે કરમાય,જઈને કે'જો મારા વાલા ને રે!
ઉતારા દેશું ઓરડા મારા વાલાજી રે!
ઉતારા કરનારો પરદેશ,જઈને કે'જો મારા વાલા ને રે !
પોઢણ દેશું ઢોલિયા મારા વાલાજી રે!
પોઢણ કરનારો પરદેશ,જઈને કે'જો મારા વાલા ને રે!
દાંતણ દેશું દાડમી મારા વાલાજી રે!
દાંતણ કરનારો પરદેશ,જઈને કે'જો મારા વાલા ને રે!
નાવણ દેશું કુંડિયાં મારા વાલાજી રે!
નાવણ કરનારો પરદેશ,જઈને કે'જો મારા વાલા ને રે!
ભોજન દેશું લાપસી મારા વાલાજી રે!
ભોજન કરનારો પરદેશ,જઈને કે'જો મારા વાલા ને રે!
પ તિનું પરદેશ જવું તત્કાલીન ગૂર્જર નારીને ગમ્યું નથી, ભલે એણે સીધી ના ન પાડી હોય પણ અણગમો વ્યક્ત કર્યો હોય એની સાબિતીરૂપ અનેક લોકગીતો રચાયાં છે. પતિ પરદેશ જાય એટલે વર્ષે-બે વર્ષે આવે કેમકે ટ્રાન્સપોર્ટેશનની ઘણી જ મર્યાદા હતી. પતિની ગેરહાજરીમાં વનિતા વિરહિણી બને ને ઉપરથી સાસુ, જેઠાણી, નણંદની સતામણીની પણ શક્યતા. સાથોસાથ સેંકડો કિલોમીટર દૂર વસતા ભરથારની ચિંતા પણ ખરી! વિદેશની સંસ્કૃતિ અલગ, રિવાજો જુદા, ખાનપાન નોખું-આવા સંજોગોમાં 'અડધો ખાશું પણ ઘેર રહેશું' જેવી વિચારધારા સાથે મોટાભાગનો વર્ગ જીવતો હતો.
'જેમ સૂકાય તારી જૂઈનાં ફૂલ' વિરહિણી વામાનું લોકગીત છે જેનો પતિ કમાવા માટે પરદેશમાં વસે છે. પતિ પરદેશી થતાં પોતે કેટલી બધી દુ:ખી થઈ રહી છે એ દર્શાવવા 'જૂઈનાં ફૂલ' નું પ્રતીક પ્રયોજ્યું છે કેમકે સુગંધી એવું જૂઈનું ફૂલ સાવ નાનું-નાજુકડું હોય ને એ તરત જ કરમાઈ જાય છે.
નાયિકા કહે છે કે કોઈ મારા પરણ્યાને સંદેશો આપો કે હું એના વિના સૂકાઈ-કરમાઈ રહી છું,એને સવેળા ઘેર આવી જવા વિનવો. અહીં એમને માટે ઉતારા ઓરડા, પોઢણ ઢોલિયા, દાંતણ દાડમી, નાવણ કુંડિયાં, ભોજન લાપસી જેવી બધી જ સુવિધા છે, બસ મારા વાલાને વિદેશથી વહેલાસર બોલાવી લો. પરદેશમાં એને પૈસા જરૂર મળતા હશે પણ ઘર જેવી લાગણી નહીં મળતી હોય.
સાહસિક ગુજરાતીઓ વર્ષોથી વિદેશ કમાવા જવાની પરંપરા ધરાવે છે. સમયાંતરે એનું મહત્વ વધ્યું ને હવે અભ્યાસ માટે પણ યુવાધન પરદેશ જઈ રહ્યું છે. જો કે પરદેશ જનાર કે સ્થાયી થનારના દિલમાં સ્વદેશની ભાવના કાયમ હોય છે એમાંય જયારે વિદેશમાં વિકટ સ્થિતિ સર્જાય ત્યારે તો માતૃભૂમિને ખોળે જવાની તાલાવેલી લાગે!