નિર્દોષોના વગર કારણના વેરીઓ
- સુભાષિત સાર- કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
- શિકારી અને હિંસક પ્રાણીઓ માંસાહાર પર નભે છે પણ શિકાર કરવાની તેમની રીત કુદરતે નિશ્ચિત કરેલી હોય છે અને આહાર બાબતમાં પણ તેમના ઉપર મર્યાદા હોય છે.
(आर्य)
मृगमीनसज्जनानां
तृणजलसंतोषवृत्तीनाम् ।
लुब्धकधीवरपिशुनां
निष्कारणमेव वैरिणो जगति ।।
ભાષાંતર: હરણ, માછલાં અને સજ્જનો જે માત્ર ઘાસ પાણી અને સંતોષથી જીવનનિર્વાહ કરનાર (નિર્દોષ) હોય છે, તેમના શિકારી, માછીમાર અને ચુગલીખોરો કોઈપણ કારણ વગર વેરી બનતા હોય છે.
જો સમાજને સુખી અને સમૃદ્ધ જોવો હોય તો બધા વર્ગોએ સુમેળ, સમજદારી અને સહકારથી સાથે રહેવું જોઈએ. આપણા એક પ્રખ્યાત ભજનમાં કહ્યું છે તેમ, જો કોઈ કોઈનું બુરૂ ન ઈચ્છે તો જ સહુ સુખમાં રહે?
માંસાહારી લોકો દલીલ કરે છે કે, બિનફળદ્રુપ અને ઉજ્જડ પ્રદેશમાં વનસ્પતિ મળતી નથી ત્યાં માંસાહાર વગર ચાલે નહિ, તેથી આ વિનાકારણ હિંસા નથી પણ આ દલીલ સાચી નથી. કારણ ફળદ્રુપ દેશોમાં પણ લોકો શોખ ખાતર માંસાહાર કરતા હોય છે. આ વિનાકારણ હિંસા જ થઈ.
હકીકત તો એ છે કે, દુનિયામાં વગર કારણની હિંસાનો કોઈ પાર નથી. કવિએ અહીં તો માત્ર ત્રણ દાખલા આપ્યા છે. લુબ્ધક એટલે શિકારી ધીવર એટલે માછીમાર અને પિશુન એટલે ચાડીઓ, નિંદાખોર.
લુબ્ધક અને માછીમાર માત્ર પોતાના કુટુંબની જરૂર પૂરતી હિંસા કરતા નથી પણ વેપાર માટે હિંસા કરે છે અને વેપાર એટલે હરીફાઈ, વધુને વધુ ઉત્પાદન અને નફો. આ ધંધા કવિએ ગણાવેલા ગેરવાજબી કારણોમાં ગણાશે.
શિકારી અને હિંસક પ્રાણીઓ માંસાહાર પર નભે છે પણ શિકાર કરવાની તેમની રીત કુદરતે નિશ્ચિત કરેલી હોય છે, અને આહાર બાબતમાં પણ તેમના ઉપર મર્યાદા હોય છે. દા.ત. મોટી માછલીને ભૂખ લાગે ત્યારે તેને 'હિંસા કરવી પડતી નથી, નાની માછલીઓ મોટા ટોળામાં ફરવા ટેવાયેલી હોય છે. મોટી માછલી તેમના રસ્તામાં મોંઢુ પહોળું કરીને ઊભી રહે છે. પેલું ટોળું પોતાના વેગમાં ભાન ભૂલીને મોટી માછલીના મોંમાં સરી જાય છે, ગરી જાય છે, મરી જાય છે. મોટા માછલાને પાપ લાગતું નથી!'
સિંહની અદાઓ જુદી જ હોય છે. ભૂખ્યો હોય, ત્યારે પોતાનાથી અનેક ગણા મોટા હાથીને મારી શકે, પણ જ્યાફત ઉડાવી આ વનનો રાજા આરામ ફરમાવતો હોય, ત્યારે તો દખ વિચારી બકરીનો પણ સિંહ ન જોતાં પકડે કાન જેવો સીન થાય. અલબત્ત, એમાં સિંહને કંઈ પુણ્ય ન મળે!
પ્રાણીઓમાં સૌથી ઓછો ભરોસાપાત્ર માનવ છે. એ ધારે ત્યારે એકવયની, વિશ્વાસુ થઈ શકે છે. અને ધારે ત્યારે મટકું માર્યા વગર છેહ દઈ શકે છે. તેમાં પણ પોતાનો લાભ થતો હોય, બીજાને ગેરલાભ કરીને જ પોતાનું કામ સધાય નહિ તેવા સંજોગોમાં કોઈ માણસ બીજાને નુકસાન પહોંચાડે તે માનવ. પણ કારણ વગર, પોતાના કોઈ સ્વાર્થ વગર, માત્ર બીજાનું બુરૂ જોવામાં અને કરવામાં આનંદ લેનાર એ તો મોટામાં મોટો વિના કારણ વેરી કહેવાય. તેવા દુષ્ટનો સાથ ખરાબ ગુણ પિશુનતા એટલે ચાડી, નિંદા છે. આ અવગુણ ઝાઝી મહેનત વગર દુશ્મનાવટો ઊભી કરે છે, સમાજને તોડે છે. પ્રજાનો વિનાશ કરે છે.
કવિ ભતૃહરિએ કહ્યું છે કે પોતાના થોડા લાભ ખાતર બીજાને મોટું નુકશાન કરનાર માનવ રાક્ષસ છે, પણ કોઈ પણ કારણ વગર બીજાને હાનિ કરનાર ને શું કહેવું તે અમે જાણતા નથી.