Get The App

ચેત મચ્છંદર, ગોરખ આયા !

- શ્રાવણમાં આધ્યાત્મની સરવાણી : સાંઈ કવિ મકરંદ દવેના 'યોગપથ'નું પ્રથમ પગથિયું

- હોરાઈઝન- ભવેન કચ્છી

Updated: Jul 26th, 2020

GS TEAM

Google News
Google News

- આપણને સૌને, રાજા હોય કે પ્રજા ગોરખ હર પળ ઢંઢોળે છે ચેત ! ચેત ! ચેત ! પણ આપણે મોહનિંદ્રામાં જ આસકત છીએ

- પોપટ-પારાયણ કે પોથીમાં પઢેલું જીવનમાં કે વર્તનમાં ઉતારો નહીં તો તે વિલાસ માત્ર જ કહેવાય

ચેત મચ્છંદર, ગોરખ આયા ! 1 - image

સાંઈ મકરંદ દવેએ 'યોગપથ' પુસ્તક  તેનો વાચક આધ્યાત્મિક અને સૂક્ષ્મ જગતને આત્મસાત કરી શકે તે હેતુથી જાણે માર્ગદર્શિકા હોય તેમ લખ્યું છે. યાત્રીને તળેટીનું પાથેય અને શિખરની પ્રસાદી બને પ્રાપ્ત થાય તેવી તેમની ભાવનાના દર્શન થઈ શકે છે. તેના પ્રથમ પ્રકરણની પ્રસાદી આચમન અત્રે આપેલું છે.

આપણે ત્યાં મહાયોગીની હાક લોકોને ઘેર ઘેર પહોંચી ગઈ છે. 'ચેત મચ્છંદર, ગોરખ આયા !' પણ એ હાક કેટલાએ સાંભળી છે ? કેટલાને થયું છે કે આ અવાજને સથવારે ચાલી નીકળીએ ? આપણે તો ઘોર નિદ્રામાં પડયા છીએ. ઘણા આંખ ચોળી જરા જુએ છે ને પાછા પોઢી જાય છે. પણ મહાયોગીનું મૃદંગ બજતું અટકતું નથી, એ તો શ્વાસે શ્વાસે, હૃદયને ધબકારે હાક પાડે છે : 'ચેત મચ્છંદર !'

ગોરખના જીવન આસપાસ જે દંતકથાઓ વણાઈ છે તે અદ્ભુત રસની લહાણ માટે નથી. પ્રાચીન ઈતિહાસના સંશોધક માટે આવાં વાણીનાં ખંડેરો ઊભા નથી. પણ એ જીવતા પુરુષની, જાગતા નરની કથા અજબ રંગથી કહી જાય છે કે એ જીવતરમાં ઝીલવા માટે જ છે. ગોરખને પગલે પગલે ચાલીએ તો યોગપથ ખૂલતો જાય છે. ગોરખને ઈશારે ઈશારે આંખો ખોલીએ તો યોગનું રહસ્ય છતું થાય છે. મોહનિદ્રામાં પડેલા પોતાના ગુરુને જગાડવા માટે જ ગોરખ નહોતા ગયા. આપણા ધારણને ભેદવા માટે પણ આ કથા દ્વારા એ રોજ આવે છે.

શું કહે છે આ કથા ?

ગોરખે સાંભળ્યું કે કામરૂપ દેશમાં ગુરુ મત્સ્યેન્દ્ર યોગનું મહાજ્ઞાાન ભૂલીને રમણીઓ સાથે વિહાર કરવામાં પડી ગયા છે. સોળસો સેવિકાઓ દ્વારા વીંટળાયેલી મંગલા ને કમલા નામની પટરાણીઓ ગુરુનું મન વશ કરીને બેઠી છે, અને ત્યાં કોઈનો પ્રવેશ પણ થઈ શકે એમ નથી. સ્ત્રીઓના રાજ્યમાં સ્ત્રી થઈને જ અંત:પુરમાં પ્રવેશ મળે. ગોરખે સુંદર નર્તિકાનો વેષ ધારણ કર્યો. હાથમાં લીધું મૃદંગ. પોતાના વાદનની કુશળતા ને અંતરની આરત ભરીને તેમણે બોલ ઉછાળ્યા : ચેત ! ચેત ! ચેત ! ગોરખે યોગદ્રષ્ટિથી જોયું હતું કે ગુરુનું આયુષ્ય હવે ત્રણ જ દિવસનું છે. આમાં ગુરુ જાગી ન ગયા તો સર્વનાશ.

પણ મત્સ્યેન્દ્ર તો મહાપુરુષ. ગોરખના સંદેશને તેમણે સંકેતમાં પારખી લીધો અને સાપ કાંચળી ઉતારે તેમ કામરૂપની સર્વ મોહિનીને ફગાવી શિષ્ય સંગાથે ચાલી નીકળ્યા. જે યોગી કથાકારે આ કથા રચી હશે તેણે એને રોચક, રસીલી બનાવવામાં કાંઈ કમી નથી રાખી. કામરૂપ અને મંગલા-કમલા ભણી કોનું મન ન ખેંચાય ? આ કથા તો આપણા લોકસમુદાયમાં અત્યંત પ્રિય થઈ પડી, પણ યોગીએ મૃદંગના બોલ વગાડયા એ જાણે બહેરા કાન પર પડયા. આ મૃદંગ કોઈ પૂર્વે થઈ ગયેલા મત્સ્યેન્દ્રને જ નહીં પણ મને, તમને, આ કથા સાંભળે તે તમામને માટે વાગી રહ્યું છે. આજે પણ એવી જ ઉત્કટતાથી તેના પર ગોરખની થાપી પડી રહી છે : ચેત ! ચેત ! ચેત !

આ મારા મનની નગરી કામરૂપ દેશ નથી તો બીજું શું છે ? એમાં વૃત્તિઓનું સ્ત્રિયારાજ્ય જ પ્રવર્તે છે. પ્રકૃતિથી હું ઘેરાઉં છું. આત્મપુરુષ ભણી નજર ક્યાં જાય છે ? વૃત્તિઓની પટરાણી મંગલા મને કાંઈક મંગલ, શ્રેય, કલ્યાણ ભણી થોડી વાર ખેંચે છે ત્યાં બીજી પટરાણી કમલા સુંદર, મધુરું ને મનગમતું બતાવીને ખેંચી જાય છે. આમાં મારી સ્વાધીનતા ક્યાં રહી ? મત્સ્યેન્દ્રનું મૃત્યુ ત્રણ દિવસમાં થવાનું છે એમ તો કથા કહે છે. આપણા પ્રમાદી પ્રાણને એટલો વખત કથાકારે કૃપા દર્શાવી આપ્યો છે. પણ મૃત્યુને આવતાં કેટલી વાર ? ત્રણ દિવસ શું, ત્રણ ઘડી પછીની કોને ખબર છે ? ભોગભૂમિમાં રમમાણ રહેનારો જીવ ક્યારે કાળનો ભોગ બની જશે તે કોણ કહી શકે ? માટે તો ગોરખનું મૃદંગ નાડીને ધબકારે ધબકારે વાગીરહ્યું છે : ચેત ! ચેત !

મનની વૃત્તિઓના ચંચલ રાજ્યમાંથી સત્વર બહાર આવી જવાની આ હાકલ. મત્સ્યેન્દ્ર શિષ્ય સાથે ચાલી નીકળે છે, પણ કથા અહીં અટકતી નથી. યોગી કથાકાર બરાબર જાણે છે કે બહારના ત્યાગથી કાંઈ વાસનાની નગરી તજાતી નથી. મનના અગોચર કમરામાં ક્યાંક ઈચ્છાઓ સૂતી પડી રહે છે ને પ્રસંગ મળતાં માથું બહાર કાઢે છે. મત્સ્યેન્દ્ર તો ભોગવિલાસનો ત્યાગ કરી ચાલી નીકળ્યા, પણ પોતાની મોજડીમાં તેમણે થોડી સોનામહોરો સંઘરી રાખી હતી. આમ કાંઈ ધનનો મોહ નહોતો, પણ ખપ પડયે કામ લાગે એમ તેમણે મનને મનાવ્યું હતું. ગોરખની નજર બહાર આ કાંઈ રહે ? ગુરુ-શિષ્ય ચાલ્યા જાય છે ત્યાં માર્ગમાં પર્વત આડો આવ્યો. આ કાળમીંઢ પાષાણ પાસે પગ અટકી ગયા. અત્યંત સુંવાળી જિંદગી જીવ્યા પછી આ પહાડ ઓળંગવો ગુરુને આકરો લાગ્યો હશે. તેમને થયું હશે કે મોજડીમાંથી સોનામહોર કાઢી કોઈને આપીએ તો ડોળીમાં બેસાડી પહાડ ચડાવી આપે. પણ યોગના માર્ગમાં કોઈની કાંધે બેસવાનું તો આવતું નથી, અને ધનનું બળ તો પહેલેથી ધૂળમાં મેળવી દેવું પડે છે. ગોરખે પોતાના કમંડળમાંથી જળની અંજલિ પહાડ પર છાંટી ને... શું થયું ? આખો પહાડ સોનાનો બની ગયો. તેની ઝળહળ કાંતિથી પેલી સોનામહોર તો મોજડીમાં પડી પડી જ શરમાઈ મરી હશે.

ગોરખનો આવો પ્રભાવ જોઈ ગુરુ ચકિત બની ગયા. યોગ-મારગે ચાલતાં મુઠ્ઠીભર સોનામહોર પર મદાર રાખવા માટે તેમને પસ્તાવો થયો. તેમણે સોનામહોર ફગાવી દીધી. પણ સોનામહોર જવાથી કાંઈ કામ નથી સરતુ. ગુરુની નજર તો પેલા સોનાના પહાડમાંથી જરૂર પડે ત્યારે ચોસલું કાઢી લેવા મથતી હતી. પણ ત્યાં ગોરખે જળની બીજી અંજલિ છાંટી અને પહાડ સ્ફટિકનો બની ગયો આ ધવલગિરિની કાંતિ જાણે સુવર્ણના મેરુ કરતાં પણ વધારે દીપી નીકળી. કોઈ ચક્રવર્તી સમ્રાટના ખજાનામાં અખૂટ સુવર્ણ ભંડાર ભર્યો હશે, પણ એક જ અંજલિથી આ શિખરોને શ્વેતવર્ણો કરી દે એવી શક્તિ ક્યાં ? પોતાના યશથી ચારે દિશાઓ ઊજળી કરી મૂકે એવી ગોરખની યોગસિદ્ધિ પાસે સુવર્ણ શું હિસાબમાં ? યોગના મારગે ધનની મહત્તા ગઈ, ધનની સ્પૃહા પણ ચાલી ગઈ. તો એની જગ્યાએ આવી યોગસિદ્ધિની લાલસા. પાર્થિવ સંપત્તિ કરતાં અનેકગણી ખતરનાક સિદ્ધાઈની પૂંજી. મત્સ્યેન્દ્રના મનમાં ક્યાંક ઊંડે ઊંડે આ સ્ફટિકની શિલાઓ ધરબાઈ રહી હતી.

ત્યાં ગોરખે ત્રીજી અંજલિ છાંટી અને સ્ફટિકનો પહાડ ગેરુનો બની ગયો. બધું જ ભસ્મીભૂત થયા પછી અંગારા સળગતા રહ્યા હોય એવા ભગવા રંગનો ઢગલો સામે પડયો રહ્યો.

ગોરખે કહ્યું : 'આદેશ !'

મત્સ્યેન્દ્રે કહ્યું : 'આદેશ.'

ભોગભૂમિને ત્યાગીને ચાલ્યા પછી આ જગ્યાએ આવીએ ત્યારે યોગનું પહેલું પગલું પડે. મનમાંથી કામના માત્રને છોડી દીધા પછી શું પ્રાપ્ત કરવાનું રહે છે ? ગોરખ કહે છે :

'સબદ બિંદૌ રે અવધૂ, સબદ બિંદૌ

થાને માંન સબ ધંધા,

આતમા મધે, પરમાતમા દીસે

જયૌ-જલ મધે ચંદા.

કોઈ ન્યંદૈ કોઈ બ્યંદૈ,

કોઈ કરે હમારી આસા,

ગોરખ કહૈ સુણો રે અવધૂ,

યહુ પંથ ખરા ઉદાસા.'

'હે અવધૂત, શબ્દને પ્રાપ્ત કરો ! શબ્દને ગ્રહણ કરો ! આ દુનિયાનાં સ્થાન ને માન તો ખાલી વ્યર્થ ધંધા છે, ફોગટનાં ફાંફાં છે. જળમાં જેમ ચંદ્રનું પ્રતિબિંબ જોઈ શકાય છે તેમ આત્મામાં જ પરમાત્માનું દર્શન થાય છે. કરવા જેવું એ એક જ કામ છે.'

કોઈ અમારી નિન્દા કરે, કોઈ અમને વંદન કરે, કે કોઈ અમારી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાની આશા રાખે, પણ ગોરખ કહે છે કે આ યોગપથ તો સંપૂર્ણ વિરકિતનો છે. અમારી પાસે નિન્દા-સ્તુતિની કાંઈ કિંમત નથી, તેમ કોઈની આશા-તૃષ્ણા પૂરી કરવાની પણ અમને પડી નથી.

ગોરખના પેલા મૃદંગમાંથી તો એક જ બોલ ઊઠે છે કે, જેને સ્વાધીન થવું હોય, પોતાના પરમાત્મસ્વરૂપને પામવું હોય તે આ પંથે ચાલ્યા આવો. એને પહેલે પગલે જ આશાને છોડવી પડશે, સંશયનો નાશ કરવો પડશે. ગોરખ કહે છે :

'જે આસા તે આપદા,

જે સંસા તો સોગ,

ગુરુમુખિ બિના ન ભાજસી,

ગોરખ યે દૂન્યો બડ રોગ.'

આશા કરી એટલી આપત્તિ અને સંશય રાખ્યો એટલો શોક. આ બંને ભારે રોગ છે. સદ્ગુરુ પાસેથી તેનું નિરાકરણ લાવ્યા વિના એ રોગ દૂર થતો નથી. યોગ આવું પ્રત્યક્ષ નિરાકરણ લાવવાનો પથ ચીંધે છે એટલે તો તેને પ્રત્યક્ષ દર્શન કહે છે. 'યોગજ પ્રત્યક્ષ' એ આવો અનુભવ કરાવતી દ્રષ્ટિ છે. આવી વાસ્તવિક અનુભૂતિ પર યોગનો ભાર છે. યોગમાં જ્ઞાાન સાથે ક્રિયા જોડાયેલી જ છે. ભજનિક સંત ડુંગરપુરી કહે છે :

જે વસ્તુ માત્ર વાણીમાં પ્રગટ થાય છે, વિચારમાં રમે છે પણ વર્તનમાં ઉતારી નથી, જેને ચકાસી તપાસી જોઈ સાચનું પારખું નથી કર્યું, તેનો એક દિવસ અભાવ આવી જાય છે. માણસે હજાર વાર મોં-પાઠ લીધી હોય પણ એ વસ્તુને ફગાવી દેતાં વાર નથી લાગતી. એટલે તો યોગની ચર્ચા-વિચારણા જ કરવામાં સમય ગાળવો એ યોગની વિડંબના જેવું લાગે છે. આ વિચારણા સાથે આચરણનો તાલ જળવાય તો જ યોગ સાર્થક બને, યોગનાં એક પછી એક દ્વાર ખુલતાં આવે. ગોરખ સ્પષ્ટ કહે છે : 'પઢિ દેખિ પંડિતા, રહિ દેખિ સાર' 'ઓ પંડિત, તેં જેને પોથીમાં પઢીને જોયું છે તે જરા વર્તનમાં ઉતારીને પણ જોઈ લે, કારણ કે આવી ખાંડાની ધાર જેવી રહેણી વિના જીવનનો સાર હાથમાં નહીં આવે.' ગોરખનાથે જે 'સબદ બિંદૌ !' 'સબદ બિંદૌ !' શબ્દ ગ્રહણ કરો ! - એવું આગ્રહભર્યું વચન ઉચ્ચાર્યું તે શબ્દને રટવા નહીં, પણ જીવંત કરવા માટે. યોગ બીજ એ માત્ર વાણીનો વિલાસ નથી, તર્કની જાળ નથી પણ જીવનના ખેતરમાં વાવવા માટે છે, આવું બીજ જ્યારે વાવીએ ત્યારે પૂરી કાળજી લીધી હોય તો ખળું પાકે છે, અને આ મૃત્યુલોકનો ભયાનક અંધકાર ભેદતી અમૃતધાનની ઉજાણી પણ થઈ શકે છે. ભવાનીદાસે તેનો આનંદાલલકાર કર્યો છે :

'વણ રે વાદળ વરસાળો કહાવે,

ઘટડામાં પ્રગટયા ભાણ,

કણસડ પાક્યાં એમાં બૌ ફળ લાગ્યાં

એને વેડે કોઈ ચતુર સુજાણ ! -

સુડલા, સત બોલો ! સત બોલો !'

બહાર ક્યાંયે વરસાદની મોસમ નથી કળાતી, માણસને લીલાલહેર થઈ જાય એવી કોઈ ધન, માન, ઐશ્વર્યની પ્રાપ્તિ નથી થઈ, પણ અંદર જાણે આનંદમેઘ વરસી રહ્યા છે. આ મેઘવૃષ્ટિ પછી જ્ઞાાનના સૂર્યનો ઉઘાડ થયો છે. જીવનની વાડી પરમ સાર્થકતાના પાકથી રસભર ફળોથી લચી પડી છે અને ચતુર સુજાણ-જાગ્રત સંતજનો આવો અમર જીવનનો ફાલ લણી રહ્યા છે. પણ આ વાડીમાં પહેલો ટહુકો છે : સત બોલો ! સત બોલો !

મારી અંદર કાંઈ હોય ને બહાર કાંઈ બોલું તો યોગપથમાં પહેલું પગલું જ ખોટું પડે. 'સબદ બિંદૌ' શબ્દને જાણો, એટલે ઁ, શિવ, રામ, હરિ કે સોહં જેવા મંત્રનું જ રટણ કરો એમ નહીં. એવું પોપટ-પારાયણ તો માણસ આખી જિંદગી કરે ને એના હાથમાં કાંઈ આવતું નથી. સબદ બિંદૌ - એટલે તમે જે કોઈ શબ્દનો ઉચ્ચાર કરો છો તે ક્યાંથી આવે છે તેનો વિચાર કરો. તેનું મૂળ સતમાં છે કે અસતમાં ? ગોરખ કહે છે : 'જત સત કિરિયા રહણિ હમારી' - જત એટલે સંયમ અને સત એટલે હૃદયનો સચ્ચાઈપૂર્વક દ્રઢ ભાવ - બંનેને ક્રિયાત્મક સ્વરૂપ આપવું એ અમારું જીવન છે.

યોગપથ કેવો છે તેનું વર્ણન ભૈરવનાથ એક ભજનમાં કહે છે.

'જરણાને જારો,

વખ મત ભખના,

નિત મરવું મન માંહી,

જોગપથ દૂરા હૈ ભાઈ !'

જ્યાં સુધી ત્રણ વસ્તુને આચરણમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી યોગપથની ઝાંખી પણ દૂર છે. આ ત્રણ વસ્તુ કઈ ?

૧. જરણાને જારો - વાસનાને પચાવવાની શક્તિને જારો એટલે સ્થિર કરો, જારી રાખો. ૨. વખ મત ભખના - વિષનો આહાર ન કરો, અથવા ઝેરી વાણી ન બોલો. ૩. નિત મરવું મન માંહી - રોજ મનમાં ને મનમાં મરણ પામતા રહો.

'યોગપથ'નું આ પ્રથમ પગથિયું શ્રાવણ મહિનામાં ચઢીશું તે પછી જ આધ્યાત્મ શિખરે પહોંચવાની યાત્રા શરૂ કરી શકાશે.

Tags :