ખમીરવંતા ખોરડાં .
- આજમાં ગઈકાલ- ભગીરથ બ્રહ્મભટ્ટ
- મકાનો અને મહેલો જેટલા વગોવાય એટલાં ખોરડાં વગોવાતા નહિ ખોરડાંનો પર્યાય ખાનદાની ગણાતો. ખોરડું એની હદમાં શ્વસતા માણસોને પ્રેમથી સાચવે છે.
આ જે બાળકને 'ખોરડું' શબ્દનો અર્થ પૂછો તો તમારે નિરાશ થવું પડે. છાણ- માટીનું પણ હૈયાના હેતનું પાણી મેળવીને બનેલું ઘર એટલે ખોરડું. ભૌગોલિક માપ મુજબ નાનું લાગે પણ એની ખાનદાનીનો વ્યાપ શહેરના મસમોટા મહેલો પણ પાણી ભરે એવાં જુદી જુદી જ્ઞાાતિઓના પાંચ- પચીસ ખોરડાં છૂટાં છવાયાં વસ્યાં હોય એ ગામ... થોડે છેટે પાણી હોય, ફળદ્રુપ જમીન હોય એ ખોરડામાં જ દેશનું ગૌરવ વસે છે, એ કાચાં ખોરડાં દિલનાં કેવાં પાકાં અને દિલદાર!! મોકળાશ મેદાનોમાં નથી હોતી આવાં ખાનદાન ખોરડાંમાં છુપાઈ હોય છે.
ખોરડું બને શી રીતે? ખોરડામાં વસનારાંના હેતમાંથી એ જન્મે છે. ગાર- છાણ- માટીના મિશ્રણમાંથી એની કાયા બને એની ઉપર દેશી નળિયા અને વાંસની પટ્ટીઓ ગોઠવેલી હોય જાણે કાયાને ટેકવતાં હાડ! પાછળની દીવાલને પછીત કહેવાય અને જ્યાં બારણું ગોઠવવાનું હોય એ દીવાલને ભડું કહેવાય.
ભડુંમાં ચોકઠું મેલાય... એ ચોકઠાની બે બાજુ બારસાખ કહેવાય એ બારસાખની બંને બાજુ ટોડલા હોય, જેને ઘોડલિયા પણ કહે. ચોમાસામાં પાણી પડે એ ભાગને નેજવું કહેવાય, છતનો આગળનો ભાગ એ નેજવું ટેકવવા માટે ગોઠવેલું લાકડું તેને મોતિયું કહેવાય. વરસાદી ધોવાણને રોકવા માટે ઘાસ પણ પથરાય... જેની ઉપર આખી છત બે તરફ, અથવા એક તરફ વાંસની પટ્ટીઓથી ગોઠવાઈ હોય એના ઉપર નળિયા છવાઈ ગયા હોય, એ મૂળ લાકડું તે મોભ. આમ જોવા જઈએ તો ખોરડું એ કાયા છે... પરિશ્રમ કરતા પગના જેવી એની દીવાલો છે... છત એ એનું માથું છે... માણસના હાડ એ પેલી વાંસની પટ્ટીઓ છે.
ચામ એ માટી- છાણની ગાર છે, નળિયાં છે... એનું નાક એ ઊંબરો છે એનો આવકારો એ આંગણું છે, એનો પિયાવો પાણિયારું છે એનો વિસામો એ ઓરડો છે.. એનું ઓશિયાળાપણું ક્યારેક લાચારી ઓસરી છે. ચૂલો એનો હવનકુંડ છે અને હાંડલી અને તવી વગેરે હવનની સામગ્રી સાચવનારા સહાયક પદાર્થો છે. તૂટી ફૂટી ગોદડી અને ડામચિયો એ એનાં વિશ્રામગૃહો છે. ઘંટી, સુંડલા અને વળગણી એ એનો અસબાબ છે. ખોરડા પાસે જે છે તે સીમિત સામગ્રી છે પણ જેનો સામગ્રીમાં સમાવેશ નથી થતો એવી મસમોટી સમૃદ્ધિ તો એ ખોરડાની ભીતર વસનારાંના હૈયામાં ભરી છે.
'આવકારો' જે ખોરડાં ન આપી શકે એ ખોરડાં ત્યારે તો ખંડેર ગણાતા, અને અંદર લઈ જઇ દિલનો પ્રેમ ના આપી શકે એવી ઓસરીને ત્યારે ઓસરી ન્હોતા કહેતા... ચેતનવંતા હોય તે ચૂલા કહેવાતા... ખોરડાની ચમક જ નોખી હતી! પાણિયારાનો પ્રભાવ પણ કેવો? મોતી ભરેલી ઇંઢોણીને કારણે હેલ્ય ઉજળી લાગે અને એવી ઉજળી લાગે હેલ્ય માથે લેનારી... શું ખાનદાની! જે પાણિયારાના જળ તરસ્યાંને ઠારે. જે ખોરડાં તરસ્યાને ના ઠારે એવાં પાણિયારાને પ્હાણા કહેવાતાં... આંગણે ગાયો ભાંભરે અને વાછડાં ખીલડે જોર કર્યા કરે... થડકારા માર્યા કરે. વાછડાં ગાયનું હેત ગોતે... ગાય પણ વાછડાને ગોતે... આમ આંગણે હેતના જ આંટાફેરા જોવા મળે ઇ ખોરડાં... ખોરડાંના માણસોને આંગણે ઉભેલા ઢોર જીવાડે કે ઢોરને માણસ જીવાડે? ઉભયના ભીતરની સામગ્રીનો તો પાર નહિ... ઢોલિયા, ડામચિયા, પટારા, ઘંટી, સાંબેલું, સૂંડલા અને વળગણી, છાસનાં, દહીના દુધાસણાં નેતરાં... આ બધો ખોરડાનો સાચો ખજાનો! આ ખજાનો એ એનો આત્મા. અને કોઈ આંગણે પધારે એ તો એને મન જાણે પરમાત્મા! આવા ખોરડાં એ ભારતીયતાનો દીવો હતાં, દીવો! એ ખોરડાં જ સત્યને સાચવનારા અને ખાનદાનીને ઉજાળનારાં હતાં.
એ ખોરડાંમાં ન્હોતાં પકવાન બનતાં, બનતા હતા કેવળ શાક- દાળ, રોટલો પણ પકવાનની તુલનામાં એનો ઓડકાર અમૃત સમાન હતાં ડાયનિંગ ટેબલ ન્હોતાં, પલાંઠીવાળીને ખાવાથી મનની વ્યગ્રતા અને અશાંતિ પણ એ ખોરડામાં ઢૂંકે નહિ. વિદ્યુત ન્હોતી પણ દીવાના ઉજાસમાં અંતર પણ ઉજળા રહેતાં હતાં. દીવડાનો કે ફાનસનો કોઈને ક્યારેય કરંટ ન્હોતો લાગતો... નિર્દોષતાને એ ખોરડાં ન્હોતાં ભરખી જતાં. ખોરડાના દીવાનો ઉજાસ સમાજમાં દૂર દૂર પથરાતો... એ દીવાને કારણે સંબંધો બંધાતા... વ્યવહારો થતા અને એ દીવો જ આબરૂનો પર્યાય ગણાતો.
મકાનો અને મહેલો જેટલા વગોવાય એટલાં ખોરડાં વગોવાતા નહિ ખોરડાંનો પર્યાય ખાનદાની ગણાતો. ખોરડું એની હદમાં શ્વસતા માણસોને પ્રેમથી સાચવે છે. તડકો- ટાઢ- વરસાદથી ઢાંકે છે... માંદા સાજા થાય ત્યારે ખોરડું જ સાક્ષી ભાવે રખવાળા કરે છે. મા-બાપ મજૂરીએ જાય ત્યારે છોકરાંને રમાડે છે. રાત પડે ત્યારે હરખાય છે છોકરાં રડે અને ખોરડાના માણસો મુશ્કેલીમાં આવે ત્યારે એમને ટેકો આપી હૂંફ આપે છે..
ડૂસકાતાં બાળકોને પણ થાબડે છે એની હદમાં એ મમતાના બળે સૌ જીવોને મોટા કરે છે... માનવેતર પાત્રો ય પ્રસન્નતાથી જીવે છે... કૂતરું ય એની હદમાં રાજીપો અનુભવે છે અને ગાય- ભેંસ પણ તેની કાયામાં અને છાયામાં વાગોળે છે. ખોરડાએ નથી કોઈની ઉપેક્ષા કરી કે નથી કર્યો કોઈનો દ્વેષ... આ ખોરડાં ભગવાધારી સાધુઓ જેવાં... ઓછી સમૃદ્ધિ અને ઝાઝી પ્રસન્નતા! ખોરડાને આકાશી ઓરતા નથી, આકાશ પણ ખુદ એના નળિયામાંથી ચાંદરણું થઈને એને ઓરડે પ્રસન્ન ચિત્તે ઉતરી આવે છે અને ખોરડાના બાળકોની રમતનું રમકડું બની જાય છે.
ગામની મર્દાનગી, પ્રદેશનું શૌર્ય, દેશનું ગૌરવ આવાં ખોરડાની સમૃદ્ધિ છે... ખાનદાનીનો ખજાનો ત્યાં જ સચવાઈને પડયો છે. ઝવેરચંદ મેઘાણીએ આ ખોરડાં ખુંદીને ખજાના શોધી 'સૌરાષ્ટ્રની રસધાર'માં બતાવ્યા છે. નાના- મોટાંનું માન રાખે... વડીલોની આમન્યા જળવાય, વચનો પળાય અને વચનોનું મૂલ્ય... સત્ય સચવાય... નીતિરીતિ અને નેકીટેકીના માહોલમાં જ જીવાય... આવાં મૂલ્યો શ્વાસમાં વણાયેલાં... કોઈ કાયદો નહિ, કોઈ પોલીસ નહિ... ભગવાનનો ડર અને બસ કેવળ વિશ્વાસે જ મૂલ્યોનું જતન થાય... મરી ગયેલા બાપનું દેવું દીકરો જાતને ગિરવે મૂકી ભરે... અંતિમ ક્રિયાઓ થાય...સામાજિક વ્યવહારો પણ પેટે પાટા બાંધીને કરે... સ્વનો નહિ પરનો ખ્યાલ રખાય. આવાં ગામડાં જ ખોરડાંથી ઉજળા છે... આવા ખોરડાં જ માનવતાનું ઐશ્વર્ય છે.