Get The App

બાર વર્ષે બોરસદમાં વલ્લભભાઈનું પુનરાગમન

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
બાર વર્ષે બોરસદમાં વલ્લભભાઈનું પુનરાગમન 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- બોરસદપ્રેમી વલ્લભભાઈને એ પંથક અને ત્યાંના રહેવાસીઓ માટે આફતના સમયે વ્હારે આવવામાં સ્હેજે ય વાર ના લાગી. 

- ખેડા સત્યાગ્રહ વખતના સાથીઓ મોહનલાલ પંડયા (મહારાજ)ની એક જાતતપાસ સમિતિ બનાવી. એ બંનેએ બોરસદ પંથકના ગામડે ગામડે ફરીને અહેવાલ આપ્યો. તે વાંચતાવેંત વલ્લભભાઈએ બોરસદની ભૂમિ ઉપર ધામા નાખ્યા, અને બોરસદ સત્યાગ્રહનું રણશિંગું ફૂંકાયું

બો રસદમાં વલ્લભભાઈની વકીલાત ધિક્તી હોવા છતાં તેમણે પોતાનો ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થવાનો દ્રઢ નિર્ણય બદલ્યો ન હતો. જો કે વલ્લભભાઈના ઘણાં સ્વજનોને તો એમ લાગતું હતું કે અમદાવાદના મોટા મોટા વકીલો જેટલું નથી કમાતા, તેટલું વલ્લભભાઈ બોરસદની વકીલાતમાં રળી લે છે, માટે ભારે કમાણીવાળી પ્રેક્ટિસ છોડીને ઈંગ્લેન્ડ જવાનો વલ્લભભાઈનો નિર્ણય બિનજરૂરી અને ખોટા માર્ગનો છે. છતાં વલ્લભભાઈ પોતાના એ નિર્ણયને વળગી રહ્યા હતા, જેના બે કારણો હતા.

એક તો, એમને અમદાવાદના બૅરિસ્ટર્સનો જે અનુભવ હતો, તે પરથી નક્કી કરી લીધેલું કે ઓછી આવડત અને મહેનતવાળા આ અમદાવાદીઓ માત્ર બૅરિસ્ટરીના ગુમાન હેઠળ ઘણું કમાય છે, જો પોતે બૅરિસ્ટર થાય તો એ કમાણીમાં બધાને પાછળ પાડી શકે. બીજું કે બોરસદ પંથકમાં મૅજિસ્ટ્રેટ્સ અને પોલીસ અમલદારો ભોળી, કચડાયેલી અને રાંક પ્રજા ઉપર કાળો કેર વર્તાવી રહી હતી, તેનો પડઘો અમદાવાદની મોટી કોર્ટમાં અપીલ કરીને પાડવો, અને ન્યાયના આંધળા જગતમાં નિર્દોષ માણસોને છોડાવવા કટિબદ્ધ થવું.

સરકારના આવા એક કાળા કેરનો અનુભવ બોરસદની પ્રજાએ પોતાના માથે નંખાયેલા હૈડીયા વેરાના સમયે અનુભવ્યો હતો. બોરસદના અગ્રણીઓ એક સવારે આ અન્યાયની રજૂઆત કરવા વલ્લભભાઈ પાસે ગયા, તેમણે બોરસદ પંથકમાં ગોરી સરકારની પોલીસના અન્યાયોની હૃદયદ્રાવક રજૂઆતો કરી. જે સાંભળીને વલ્લભભાઈનો આત્મા કકળી ઉઠયો. વલ્લભભાઈએ બોરસદ તો ૧૨-૧૩ વર્ષ પહેલાં છોડી દીધું હતું. બોરસદવાસીઓ આ રજૂઆત કરવા ગયા હતા ૧૯૨૩માં, અને વલ્લભભાઈ બોરસદથી ઈંગ્લેન્ડ જવા નીકળી ચૂક્યા હતા ૧૯૧૦માં. વિતેલાં આ વર્ષોમાં તેઓ બોરસદના સફળ વકીલમાંથી અમદાવાદના નામાંકિત બૅરિસ્ટર બની ગયા હતા. ઘરસંસારના જવાબદાર મોભીમાંથી મહાત્મા ગાંધીના દેખતા અનુયાયી થઈ ચૂક્યા હતા. બોરસદના સ્થાનિક કાર્યકરમાંથી રાષ્ટ્રીય કોંગ્રેસના એક ગંજાવર નેતા અને ચળવળોના સુકાની તરીકે પોંખાઈ ચૂક્યા હતા. એટલે બોરસદવાસીઓને પોતાની વાત વલ્લભભાઈના ગળે ઉતારતા વાર ના લાગી, અને બોરસદપ્રેમી વલ્લભભાઈને પણ એ પંથક માટે આફતના સમયે વ્હારે આવવામાં સ્હેજે ય વાર ના લાગી.

આમ તો એ સમયે વલ્લભભાઈ દિલ્લીથી એક નિરાશા લઈને અમદાવાદ આવ્યા હતા. એ એવો સમય હતો, ૧૯૨૦ આસપાસનો, કે જ્યારે કોંગ્રેસ-મહાસભામાં બે વિરોધી સૂરના વાંજિત્રો જોરશોરથી વાગતા હતા. હમણાં જ નાગપુર ઝંડા સત્યાગ્રહ પૂરો થયો હતો. હમણાં જ રાજદ્રોહના આરોપસર ગાંધીજી જેલમાં પૂરાયા હતા, હમણાં જ દેશમાં અસહકારના આંદોલનને વેગ અપાયો હતો. ત્યારે કોંગ્રેસનું એક તડ ના-ફેરવાદી (ર્હ-ભરચહયીજિ)ના મતનું સમર્થન કરતું હતું, તો બીજું તડ ફેરવાદીઓ (ભરચહયીજિ)નું હતું. એક જૂથ એમ માનતું કે ગોરી સરકારની ધારાસભામાં જવું અને ત્યાં જઈને સરકારને હરાવવી. બીજાઓ ધારતા હતા કે ધારાસભામાં બરાડા પાડે કાંઈ નહીં વળે. વાઈસરૉય તો ધારાસભાને ખીસ્સામાં ઘાલીને પોતે ધારશે તે કાયદા ઘડશે જ. માટે અસહકાર દાખવવો અને અંગ્રેજોની ધારાસભાનો વિરોધ કરવો. છેવટે ના-ફેરવાદીઓએ સમાધાન કરીને ફેરવાદીઓ તરફે નમતું જોખવું પડેલું, તેથી વલ્લભભાઈ ઘણા દુ:ખી અને નિરાશ હતા.

પણ, નસીબજોગે ટૂંક સમયમાં જ વલ્લભભાઈનીએ નિરાશા દૂર થઈ. બોરસદ મામલે ફરીથી તેમનામાં જોમ પૂર્યું. એ જોમ પૂરનાર હતા બોરસદના પેલા અગ્રણીઓ, જેઓ વલ્લભભાઈને પોતાની ઉપર અંગ્રેજોએ ખોટી રીતે નાંખેલા હૈડિયા વેરાની રજૂઆત કરવા ગયા હતા. વલ્લભભાઈની ઝીણી નજરે આખા પ્રશ્નને આરપાર પારખી લીધો, તેઓ સક્રિય થયા, અમદાવાદમાં ૨૦-૧૦-૧૯૨૩એ ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક બોલાવી. અહીં બોરસદવાસીઓને થઈ રહેલાં અન્યાયનો આખો પ્રશ્ન ચર્ચાયો. તેમાં નક્કી થયા મુજબ વલ્લભભાઈએ આખા પ્રશ્નનો વિગતે ચિતાર મેળવી લીધો. એ માટે તેમણે પોતાના ખેડા સત્યાગ્રહ વખતના સાથીઓ મોહનલાલ પંડયા (કઠલાલ) અને રવિશંકર વ્યાસ (મહારાજ)ની એક જાતતપાસ સમિતિ બનાવી. એ બંનેએ બોરસદ પંથકના ગામડે ગામડે ફરીને અહેવાલ આપ્યો. તે વાંચતાવેંત વલ્લભભાઈએ બોરસદની ભૂમિ ઉપર ધામા નાંખ્યા, અને બોરસદ સત્યાગ્રહનું રણશિંગું ફૂંકાયું.

આ રીતે વલ્લભભાઈના જીવનમાં અગાઉ માત્ર વકીલાતના વ્યવસાયે કરીને બોરસદ સાથે જે નાતો બંધાયો હતો, તે હવે સત્યાગ્રહના સુકાનીને નાતે ફરીથી સંધાયો, દ્રઢ થયો અને સફળ રહ્યો. તેમણે પોતે જ આ દરમ્યાનની સભાઓમાં કહેલું કે 'બોરસદનું લૂણ ખાધું છે, એટલે દોડતો આવ્યો છું.'