- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
એ ક આસ્થાવાન શિષ્યએ પોતાના ગુરુ પાસેથી ધ્યાન કરતાં શીખ્યું. હજારો પ્રયત્નો કર્યા છતાં શરૂઆતી ગાળામાં એનું ધ્યાન બરાબર લાગતું જ નહોતું. અલબત્ત, એક દિવસ સાધનામાં બેઠા પછી તેને ઊંડા ધ્યાનનો અનુભવ થયો.
તેણે પ્રસન્નતાપૂર્વક કહ્યું, 'ગુરુદેવ, આજે મારું ધ્યાન અદ્ભુત રહ્યું.'
ગુરુએ કહ્યું, 'કંઈ વાંધો નહીં, આ સમય વીતી જશે. બસ ધ્યાન કરતો રહેજે.'
'મને લાગે છે કે મેં ધ્યાનમાર્ગને પામી લીધો છે.'
'આ ભાવ પણ ક્ષણિક છે... વીતી જશે.' ગુરુદેવે કહ્યું અને પોતાના કામમાં પરોવાઈ ગયા.
શિષ્યને એ વાતનું ભારોભાર આશ્ચર્ય થયું કે ગુરુદેવે તેના જુસ્સામાં વધારો ન કર્યો. એટલું જ નહીં, સાથોસાથ ધ્યાનયોગમાં થયેલી પ્રગતિને પણ ગણકારવામાં ન આવી! પછીના થોડા દિવસો સુધી તેનું ધ્યાન ખરેખર ખૂબ સારું રહ્યું. જ્યારે તેને એવું લાગવા માંડયું કે પોતે યોગ્ય દિશામાં વિકાસ કરી રહ્યો છે, ત્યારે તેને અંદરથી ભ્રમ અને વ્યાકુળતાનો અનુભવ થવા માંડયો. એ જેટલો વધુ પ્રયત્ન કરતો, એટલું તેનું ધ્યાન બગડતું.
ખૂબ નિરાશ થઈને એ પોતાના ગુરુ પાસે પહોંચ્યો.
'ગુરુદેવ ! હું તો ધ્યાનમાં બેસી જ નથી શકતો. મારી એકાગ્રતા વારંવાર ખંડિત થઈ રહી છે.' એણે ભગ્ન હૃદય સાથે કહ્યું.
ગુરુએ અત્યંત કોમળ સ્વરે કહ્યું, 'ચિંતા ન કરો. આ સમય પણ વીતી જશે. બસ, તારા માર્ગ પર
ચાલતો રહેજે.'
'પરંતુ મને લાગે છે કે ધ્યાન કરવું એ હવે મારા ગજા બહારની
વસ્તુ છે.'
'આ ભાવ પણ ક્ષણિક છે. બસ, ધ્યાન કરતો રહે.' ગુરુએ જવાબ આપ્યો.
***
ઓમ સ્વામીએ એમના અંગ્રેજી પુસ્તક 'કુંડલિની: એન અનટાલ્ડ સ્ટોરી'માં જણાવ્યું છે કે જ્યારે આપ કુંડલિની જાગરણના માર્ગ પર હો છો, ત્યારે અમુક દિવસો કેટલાક સ્પંદનો અનુભવી શકાય છે. એ દરમિયાન એવું લાગવા માંડે છે કે ખરેખર હું આગળ વધી ચૂક્યો છું. પોતાની જાતને આ ભ્રમજાળનો શિકાર ન થવા દેતાં! જો ઉચિત સમય અને અભ્યાસ વગર જ આપને એવું લાગવા માંડે કે હવે હું આગળના ચક્ર પર ધ્યાન ધરવા માટે તૈયાર થઈ ગયો છું, તો માનજો કે આપ લગભગ ખોટા જ હશો. એકાગ્રતાની ગુણવત્તા વધારવા માટે નિરંતર વિકાસ થતો રહેવો ખૂબ જરૂરી છે.
અમુક દિવસો એવા હશે, જ્યાં પ્રતીત થવા માંડશે કે મારાથી ધ્યાન થશે જ નહીં અથવા ધ્યાનયોગનો માર્ગ મારા માટે છે જ નહીં! એ વખતે હિંમત હારવાની જરૂર નથી. બસ, ધ્યાનમાં થોડો સમય વધારે બેસો. જુસ્સો ટકાવી રાખો. પરાજય સ્વીકારી લીધા પછી જીત નથી મળતી. કટિબદ્ધતા અને સભાનતા સાથે ધ્યાનયોગનો અભ્યાસ કર્યે રાખો. એક દિવસ એવો જરૂર આવશે, જ્યારે કુંડલિની ઊર્જા તમામ ચક્રોનું વિભેદન કરીને સહસ્રારમાં પહોંચી જાય. આ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં!
આપ વિચારતા હશો કે શું આ કુંડલિની ચક્રો દ્વારા પ્રાપ્ત થનારી નવી ઊર્જાને આધારે વધારે સારો સંબંધ, નોકરી, પ્રતિભાનું પ્રદર્શન અને મૂડ (સ્વભાવ) વગેરેમાં પણ પરિવર્તન લાવી શકાય? જવાબ છે, હા! કહેવાનો અર્થ એ નથી કે આપને જો ચાઇનીઝ ભાષા - મેન્ડેરિન - નહીં આવડતી હોય, તો રાતોરાત આવડી જાય. તાત્પર્ય એ કે વિચારોની શુદ્ધતા અને મનની સ્પષ્ટતાની સાથે ધ્યેય સુધી પહોંચવાની યાત્રા વધુ સરળ અને સહજ થઈ જશે.
કુંડલિની સાધનામાં આગળ વધવાની આ યાત્રામાં પ્રત્યેક પડાવ પર આપની અંદર ચેતનાનાં સાવ નવા સ્તરનો ઉઘાડ થાય છે. આપના વિચારોની સ્પષ્ટતામાં નિખાર આવી જાય છે; સ્મરણશક્તિમાં સુધારો થાય છે અને આપના શરીરની અંદર અવર્ણનીય સ્થિરતાનો ઉદય થવા માંડે છે. ધીરે ધીરે સ્વભાવમાં વ્યવહારિકતા વધતી જાય છે. બીજા દ્વારા થતી નિંદા સામે પ્રતિક્રિયા આપવાનું મુશ્કેલ થવા માંડે છે. આપની આસપાસ ચાલી રહેલી ગતિવિધિઓ અંગે જાણ હોવા છતાં મનુષ્ય અનાયાસે જ સભાનતા કેળવવા લાગે છે. આપ જોશો કે આપના વિચારો અસલ જીવનમાં સાકાર સ્વરૂપ ધારણ કરી રહ્યાં છે અને નજર સમક્ષ જ વાસ્તવિકતામાં પરિણમવા લાગ્યા છે.
સાવ સ્વાભાવિક રીતે જ મનુષ્ય મનોવાંછિત ચીજ-વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરવા માંડે છે. આપના જીવન, જીવનશૈલી અને રહેણીકરણીમાં સમાનતા આવવા લાગે છે. આસપાસના લોકો અને માણસ પોતે પણ આના થકી ચોક્કસ હકારાત્મક પરિવર્તનનો અનુભવ કરે છે. જેવી રીતે સૂર્ય અથવા ચંદ્ર સામે આડો અંગુઠો રાખવાથી તેના તેજમાં કોઈ ફેર નથી પડતો, એવી જ રીતે આપનામાં રહેલી અધૂરપ પણ નગણ્ય ભાસવા માંડે છે. એની સ્થિતિ છૂટાછવાયાં વાદળો જેવી થઈ જાય છે, જે આપમેળે જ વિખેરાઈ જતાં હોય છે. જેવી રીતે નાના નાના તારા આકાશમાં ઝગમગ થતાં હોય, એવી જ રીતે આ અધૂરાપણું પણ આપના અસ્તિત્વરૂપી બ્રહ્માંડમાં ચાર ચાંદ લગાવવાનું કામ કરવા માંડે છે.


