- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ
- 'મારા સાસરિયા મને દુ:ખી કરતા નથી, પણ મારું સુખ શેમાં છે તે સમજી શકતા નથી. મારાં લગ્નનો તમે લીધેલો નિર્ણય કદાચ તમારા માટે ખોટો નથી, પણ મારા માટે સાચોય નથી...'
'નં દિની હાથ થોડો ઝડપથી ચલાવજે. સયાલી અને કુમાર ગમે ત્યારે આવતા હશે. એ લોકો આવે તે પહેલાં જમવાનું તૈયાર થઈ જાય તે વધારે જરૂરી છે. નહીંતર મારી હરખઘેલી છોકરી આવીને સીધી જ રસોડામાં જતી રહેશે. ચાલ સલાડ રેડી કરવા માંડ, દાળમાં વઘાર હું કરી દઉં છું. કિશનને કહ્યું છે ને કે કુમારને ગમતો શ્રીખંડ લઈને આવે.' કુસુમબેને ફટાફટ આદેશ આપવા માંડયા.
'ભાભી તમે ક્યાં સુધી આ બધું કર્યા કરશો. હવે સયાલી સાસરે જતી રહી છે. હું અહીંયા વીસ વર્ષથી છું. મને પણ તમારી જેમ ઘરની બધી જ બાબતો ખબર છે. શાક રેડી છે, ચણા પણ બની ગયા છે. ભાત કુકરમાં મુકેલો છે. શ્રીખંડ અને ખાંડવી લઈને કિશન આવતો હશે. હવે માત્ર પુરી બનાવવાની અને સલાડ રેડી કરવાનું છે. અડધો કલાકમાં બધું જ કામ પૂરું થઈ જશે. પૂરી તો આપણા ઘરમાં છેલ્લે જ બનાવવાનો રિવાજ છે. તમે હૈયે થોડી ટાઢક રાખો.' નંદિનીએ જવાબ આપ્યો.
'અરે, મારી છોકરી લગ્ન પછી આજે પહેલી વખત ઘરે આવી રહી છે. આમ તો બે દિવસમા પગફેરો કરવાનો હોય પણ એ લોકો ફરવા જતા રહ્યા તો આપણે શું કરીએ. પંદર દિવસથી પાછા આવ્યા છે પણ અહીંયા આવવાનો સમય નથી એમની પાસે. આજે મેં પરાણે ઘરે બોલાવી લીધા. આપણી એક ફરજ પૂરી થાય.'કુસુમબેને કહ્યું અને નંદિની હસી પડી.
'ભાભી, વાત તો તમારી સાચી પણ સયાલીનું ઘર પણ કેવું મોટું. તેનો વસ્તાર વધારે છે. તેમાંય જમાઈ અને તેમના સાસુ સસરા મોટા અધિકારીઓ રહેલા એટલે થોડા વધારે ભરાઈ પડયા હશે. આમેય મોટા માણસને કામેય વધારે હોય. મારા ભાઈ પણ ક્યાં નવરા પડે જ છે. સયાલીના લગન લીધા તા તો પંદર દિ ઘરે રહ્યા બાકી પુરુષ જાત આવું ઘરે રહે. સયાલીને પણ આવું જ થયું હશે.' નંદિનીએ ફરી પોતાનો મત રજૂ કર્યો અને કુસુમબેન મલકાઈ ગયાં.
'તારી વાત તો સાચી. સયાલીનું ઘર ઘણું મોટું છે. મને તો આનંદ એ વાતનો છે કે, આપણે પહેલી કુંડળી મંગાવી અને સયાલી સાથે મેચ થઈ ગઈ. બાકી પહેલી વારમાં જ આવું ઘર અને વર મળી જાય એવું થોડું બને. આ તો ક્યાંક અમારી પુન્નઈ પાકતી હશે તો દીકરી સારા ઘરે ગોઠવાઈ ગઈ.' કુસુમબેન બોલ્યાં. નંદિનીએ માત્ર સ્મિત કર્યું.
લગભગ અડધો કલાક થયો અને નંદિની તથા કુસુમબેને ઘરનું કામ પૂરું કરી લીધું. તેઓ પરવારીને સહેજ નવરા થયા અને ઘરે મહેમાન આવવાના શરૂ થઈ ગયા. કુસુમબેનની મોટી બહેન, તેમની નાની બહેન, ભાઈ અને તેમના પરિવાર આવી ગયો. થોડીવારમાં કુસુમબેનના સાસરીયા પણ આવી ગયા. જોતજોતામાં આખું ઘર મહેમાનોથી ભરાઈ ગયું. બધા અલકમલકની વાતો કરતા હતા, લગ્નની યાદો વાગોળતા હતા ત્યાં ગાડીનો હોર્ન સંભળાયો.
કુસુમબેન ઉત્સાહ સાથે ફળિયામાં દોડી ગયા અન જોયું તો સફેદ રંગની નવી જાજરમાન ગાડી દરવાજા પાસે આવીને ઊભી હતી. નવી નક્કોર અલ્ટ્રા લક્ઝુરિયસ ગાડી હતી. ગાડીમાંથી સફેદ યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર ઉતર્યો. તેણે પાછળ જઈ દરવાજો ખોલ્યો. સયાલી તેમાંથી ઉતરીને નીચે આવી. મલમલની સફેદ સાડીમાં સજ્જ સયાલી ખૂબ જ સુંદર અને સોહામણી દેખાતી હતી. કુસુમબેન તેને જોઈને વધારે હરખાઈ ગયાં.
સયાલી તેની મમ્મી સાથે અંદર ગઈ અને બધાએ તેને ઉત્સાહથી આવકારી. સયાલી માત્ર ફિક્કું સ્મિત આપીને સોફામાં ગોઠવાઈ ગઈ. કુસુમબેનને કંઈ સમજાયું નહીં. તેમ છતાં લોકોની સાથે તેમણે પણ ઉત્સાહ જાળવી રાખ્યો અને દીકરીને ઘર વિશે, પરિવાર વિશે થોડું ઘણું પૂછયું. તેમના મનમાં એક સવાલ ફર્યા કરતો હતો કે, કુમાર કેમ સાથે આવ્યા નહીં?
'ગટુ... કેમ કુમાર દેખાયા નહીં? મોડા આવવાના છે કે પછી તમે લોકો ઝઘડી પડયા છો?' સયાલીના કાકીએ કહ્યું અને કુસુમબેનના મનની વાત સામે આવી ગઈ.
'મોટી મમ્મી, એવું કશું જ નથી. લગ્ન અને ત્યારબાદ ફરવા જવામાં ઘણી રજાઓ પડી હતી. તેમને ઘણાં કામ પેન્ડિંગ હતાં. તેના કારણે ઓફિસ જવું પડયું. છેલ્લાં બે દિવસથી દરરોજ રાત્રે બાર-એક વાગ્યે આવે છે. ઓફિસમાં ઘણું કામ છે.' સયાલીએ નીરસતાથી જવાબ આપ્યો.
'અમારી આવી ફૂલ જેવી દીકરી લઈને ગયા છે અને મયંકકુમાર ઓફિસની ફાઈલોમાં બિઝી રહે છે. મને લાગે છે મારે તેમને વઢવા પડશે. અમારી દીકરીનું તો વિચારો.' સયાલીના કાકી ફરી બોલ્યાં અને બધા હસી પડયાં. સયાલી પણ ફરી ફિક્કું હસી પડી.
બધાએ થોડીઘણી વાતો કરી અને ત્યાર બાદ બધા વારાફરતી જમવા બેઠા. સયાલી ઉપરના માળે પોતાના રૂમમાં જતી રહી અને કુસુમબેને તે જોઈ લીધું.
'સયાલી, કેમ ઉપર જાય છે? આ બધા જમવા બેઠા છે. તને મળવા આવ્યા છે. એમની સાથે બેસ તો ખરી.' કુસુમબેને બુમ મારી.
'મમ્મી, મયંકનો મેસેજ આવ્યો છે. મારે લેપટોપની જરૂર છે એટલે ઉપર આવી છું. થોડીવારમાં નીચે આવું છું.' સયાલી સાવ ઠંડો પ્રતિસાદ આપીને રૂમમાં જતી રહી.
લગભગ અડધો કલાક થયો પણ સયાલી નીચે આવી નહીં. કુસુમબેનથી રહેવાયું નહીં અને તેઓ ઉપર રૂમમાં ગયાં. સયાલી પોતાના ગમતી ખુરશીમાં બેસીને દૂર આકાશને તાક્યા કરતી હતી.
'બેટા, શું થયું છે? મયંકકુમારે કશું કહ્યું છે? તારા ચહેરા ઉપર લગ્નનો આનંદ દેખાતો જ નથી...' કુસુમબેને કહ્યું.
'અરે, મમ્મી હું ખૂબ જ ખુશ છું. મારું આટલા સરસ ઘરમાં લગ્ન થયું છે. મને કોઈ તકલીફ નથી. મારી ચારે તરફ નોકરચાકરો ફર્યા કરે છે. મારે કોઈ કામ કરવાનું નથી. માત્ર ઓર્ડર ચલાવવાના છે.' સયાલીએ કહ્યું.
'એ બધું બરાબર છે. મને કેમ એવું લાગે છે કે, તું આ લગ્નથી ખુશ નથી. તારા ચહેરા ઉપર એ ખુશી દેખાતી નથી...' કુસુમબેન ખચકાતા મનથી બોલ્યાં.
'મમ્મી, એવું કશું જ નથી. હું ખુશ છું. મારા ઘરે ધનવૈભવ છે. જાહોજલાલી છે. મારે કોઈ બાબતે ઓછું આવે તેમ નથી. મારા સસરાએ આ નવી જ ગાડી મને મારા પોતાના યુઝ માટે ગિફ્ટ કરી છે. આ મલમલની સાડી મારી કાકાજીએ આપી છે. આ નેકલેસ જો, મયંકે મને લગ્નના દિવસે ગિફ્ટમાં આપ્યો હતો. લગ્ન થતાની સાથે જ મારું બેન્ક એકાઉન્ટ ખુલી ગયું અને તેમાં છ આંકડાની રકમ આવી ગઈ છે.' સયાલી મ્લાન ચહેરે બધું બોલતી જતી હતી.
'ભાભી, નીચે આવજો તો. મહેમાનો જમી રહ્યા છે. હવે તમે અને સયાલી જ બાકી રહ્યાં છો. તમે નીચે આવો તો બધા છુટા થાય.' નંદિનીએ નીચેથી બૂમ મારી. કુસુમબેન અને સયાલી ઊભાં થઈને રૂમની બહાર આવ્યાં. 'સ્વીટુ, એક કામ કરને યાર. બહાર ગાડી પાસે જયંતીકાકા હશે. તેમને પૂછી જો, એમણે જમી લીધું હોય તો હું બધા માટે જે ગિફ્ટ લાવી છું તે અંદર આપી જાય.' સયાલીએ પોતાની કઝીનને કહ્યું અને સ્વીટુ ઘરની બહાર દોડી ગઈ.
જયંતીકાકા અંદર આવીને ગિફ્ટની થેલીઓ મુકી ગયા. થોડીઘણી થેલીઓ સ્વીટુ પકડીને લાવી. સયાલીએ દરેકને તેમના નામ સાથેનું પાર્સલ પકડાવી દીધું અને બધા ઘરે જવા લાગ્યા. ગણતરીની મિનિટમાં તો ઘર ખાલી થઈ ગયું.
સયાલી, કુસુમબેન અને નંદિનીએ પણ જમી લીધું. જોકે આ બધા વચ્ચે કોઈ જ વાતચીત ના થઈ. જમ્યા પછી સયાલીએ મોબાઈલ હાથમાં લઈને ફોન જોડયો: 'જયંતીકાકા, ગાડી રેડી રાખજો હું આવું છું.'
'દીકરા, સાચુ બોલ તું લગ્નથી ખુશ નથી કે બીજી કોઈ તકલીફ છે? તું મને કશું કહેતી કેમ નથી?' ઘરની બહાર જતી સયાલીને ફરી એક વખત કુસુમબેને પૂછયું.
'મમ્મી, લગ્નમાં દીકરીઓની ખુશીને ક્યારથી મહત્ત્વ અપાતું થઈ ગયું।? કોઈપણ ઘરમાં દીકરીની કુંડળી મળે તે મહત્ત્વનું હોય છે, તેનું મન મળે કે તે ખુશ થાય તે ક્યાં મહત્ત્વનું હોય છે? તેં જે ઘરમાં મોકલી છે ત્યાં લોકો સાથે મન મળતું નથી અને એ લોકો પણ મને ખાસ મળતા નથી. તેઓ પોતાના કામમાં, પૈસા કમાવવામાં અત્યંત વ્યસ્ત છે. તેઓ મારું જરાય અપમાન કરતા નથી પણ તેમની પાસે મારા માટે સમય નથી. તેઓ મને દુ:ખી કરતા નથી પણ મારું સુખ શેમાં છે તે સમજી શકતા નથી. મારા લગ્નનો તમે લીધેલો નિર્ણય કદાચ તમારા માટે ખોટો નથી પણ મારા માટે સાચોય નથી.' સયાલી આટલું બોલીને ઝાંપામાંથી બહાર નીકળી લક્ઝુરિયસ કારના ખુલ્લા દરવાજાની અંદર સમાઈ ગઈ.
કુસુમબેન અવાક ચહેરે દીકરીને અને ઘર પાસેથી જઈ રહેલી તેની મોંઘીદાટ ગાડીને જોઈ રહ્યા...


