- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલ વર્લ્ડ ચેમ્પિયનશિપ,એશિયન ગેમ્સ, એશિયન ચેમ્પિયનશિપ, ઉબેર કપ સહિતની પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં સિદ્ધિ મેળવી ચૂકી છે
અં ધકારથી ઘેરાયેલા આકાશમાં જ્યારે અજવાસનું પહેલું કિરણ તીરના તેજપૂંજની જેમ પ્રવેશે છે, તેની સાથે જ ચેતનાનો સંચાર થાય છે. તેના પગલે જ ઉજાસની સાથે સાથે જિંદગી ધબકવા માંડે છે. તેવી જ રીતે નવી શરુઆત દરેક વેળાએ કપરી અને સામા પવને દરિયા તરવા જેવી જ હોય છે, પણ તેના થકી જ નવી દિશાનો દરવાજો ખોલી શકાય છે, અને પહેલા પ્રવાસી માટે જે કેડી કાંટાળી બની રહે છે, તે જ આગળ જતાં અનેકને માટે સફળતાનો રાજમાર્ગ બની રહે છે.
છેલ્લા દોઢ દશકથી ભારતીય બેડમિંટન જગતને વૈશ્વિક સ્તરે પ્રાપ્ત થયેલા આગવા ગૌરવના પાયામાં મહિલા બેડમિંટન સ્ટાર સાયના નેહવાલનું પ્રદાન પાયારુપ બની રહ્યું છે. વિશ્વ બેડમિંટનના ઈતિહાસમાં સૌપ્રથમ ભારતીય તરીકેના અનેક ગૌરવમય કીર્તિમાનો સાયના નેહવાલની સાથે જોડાયેલા રહ્યા છે, તેણે જબરજસ્ત રમતની સાથે સાથે આગવી સફળતાને પગલે ચીન, જાપાન, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને સાઉથ કોરિયા જેવા દેશોના દબદબા વચ્ચે ભારતને આગવી ઓળખ અપાવી. આ જ કારણે ભારતીય ખેલાડીઓે આજે પણ બેડમિંટનની દુનિયામાં આગવા સન્માન સાથેનું સ્થાન મળે છે.
ભારતીય બેડમિંટન જગતના ઈતિહાસમાં પ્રકાશ પદુકોણેે અને પુલેલા ગોપીચંદના નામ ભારે આદરની સાથે લેવામાં આવે છે. એક સમયે કોઈ પ્રકારની સુવિધાઓ કે તાલીમની વ્યવસ્થા વિના જ આ બંને દિગ્ગજોએ આંતરરાષ્ટ્રીય સ્તરે ધમાકેદાર દેખાવ કરતાં ભારતનું નામ ગુંજતું કર્યુ હતુ. જોકે તેમની નિવૃત્તિ સાથે એક પ્રકારનો ખાલીપો સર્જાયો હતો. આ દુષ્કાળનો અંત હરિયાણાના હિસ્સારમાં જન્મેલી સાયના નેહવાલે આણ્યો હતો. ભારતીય રમત જગતમાં થઈ રહેલી ક્રાંતિના પગલે આગળ વધી રહેલી સાયના નેહવાલ બેડમિંટનના ઈતિહાસમાં ભારતને સૌપ્રથમ ઓલિમ્પિક ચંદ્રક અપાવનારી ખેલાડી બની.
લંડનમાં ૨૦૧૨માં યોજાયેલા ઓલિમ્પિકમાં સાયના નેહવાલે મેળવેલો કાંસ્ય ચંદ્રક ભારતમાં બેડમિંટનની રમતના પુન:ઉત્થાનના ઉદ્ધોષ સમાન બની રહ્યો. સાયના નેહવાલે આ સાથે ભારતમાં નવી પેઢીને બેડમિંટનમાં કારકિર્દીના ઘડતર માટે અગ્રસેર કરી. તેણે કારકિર્દી દરમિયાન ૨૦૦૮ના બેઈજિંગ અને ૨૦૧૬ના રિયો ઓલિમ્પિકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. આ ઉપરાંત તે બેડમિંટનના વર્લ્ડ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન હાંસલ કરનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની હતી.
તેણે પ્રતિષ્ઠિત ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ૨૦૧૫માં ફાઈનલ સુધીની સફર ખેડી હતી અને ત્યાં તેને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. અલબત્ત, સાયના નેહવાલ ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં સિંગલ્સની ફાઈનલમાં પ્રવેશનારી ભારતીય બેડમિંટન ઈતિહાસની પ્રકાશ પદુકોણે અને પુલેલા ગોપીચંદ પછીની માત્ર ત્રીજી અને સૌપ્રથમ અને અત્યાર સુધીની એકમાત્ર મહિલા ખેલાડી બની રહી છે. આ રેકોર્ડ તેને દુનિયાની એલિટ ખેલાડીઓમાં સ્થાન અપાવવા માટે પુરતો છે.
સાયનાના બેડમિંટન રેકેટના આક્રમક સ્મેશિસ અને ફ્લેક્સિબિલીટ સાથેના દર્શનીય રિટર્નની કમાલ દુનિયાભરમાં જોવા મળી છે. તે વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપના ઈતિહાસમાં ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ ભારતીય ખેલાડી બની હતી. તેણે આ સિદ્ધિ ૨૦૧૫ની જકાર્તા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હાંસલ કરી હતી. જ્યાં તે ફાઈનલમાં સ્પેનની કારોલિના મરીન સામે હારતાં રજત ચંદ્રક મેળવી શકી હતી.આ પછી ૨૦૧૭ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ તેણે કાંસ્ય સફળતા હાંસલ કરી હતી. આ ઉપરાંત સાયના ખ્યાતિપ્રાપ્ત ઉબેર કપમાં બે વખત કાંસ્ય જીતનારી ભારતીય મહિલા ટીમની સદસ્ય રહી હતી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ત્રણ સુવર્ણની સાથે એક રજત અને એક કાંસ્ય એમ ચાર ચંદ્રક હાંસલ કર્યા હતા.
એશિયાડ અને એશિયન ચેમ્પિયનશિપમાં પાંચ કાંસ્ય જીતનારી સાયના નેહવાલે વર્લ્ડ ટૂૂરની સુપર સિરિઝમાં ૧૦ ટાઈટલ જીત્યા હતા અને પાંચ વખત તેને રનરઅપનો ખિતાબ મળ્યો હતો. ચીનની ખેલાડીઓ સામે પણ બેડમિંટનન કોર્ટમાં ભારત જીતી શકે છે, તેવો આત્મવિશ્વાસ સાયનાની સફળતાએ સાથી અને અનુગામી ખેલાડીઓમાં જગાવ્યો હતો. તેણે તેના સમયની કટ્ટર હરિફ એવી ચીનની વાંગ લિન, વાંગ શિક્ષીન, લી શુઈરુઈ, સુન યુઈની સાથે સાથે સ્પેનની કારોલિના મરિન અને જાપાનની યામાગુુચી તેમજ તાઈપેઈની તાઈ ત્ઝુ-યીંગ સામેના મુકાબલામાં વિજય મેળવતા ટાઈટલ જીત્યા હતા.
વૈશ્વિક સ્તરે ભારતીય બેડમિંટનને ગૌરવ અપાવનારી સાયના નેહવાલનો જન્મ હરિયાણા હિસ્સારમાં થયો હતો. તેના પિતા હરવીર સિંઘ કૃષિ વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવતા. હરવીર અને તેમની પત્ની ઉષારાની ફૂરસદના સમયમાં બેડમિંટન રમતા અને તેમના આ શોખનો પ્રભાવ તેમની બીજી પુત્રી સાયના પર વધુ ઘેરો પડયો. સાયના અને તેની મોટી બહેન અબુનું ઘણું-ખરું બાળપણ બેડમિંટન કોર્ટ પર જ પસાર થયુ. આ દરમિયાન જ હરવીર સિંઘની બદલી હૈદરાબાદમાં થઈ. જ્યાં સાયનાએ શરુઆતમાં કરાટે શરુ કર્યું.
સાયનાની કરાટેની સફર બહુ લાંબી ન ચાલી. એક જાહેર પ્રયોગ દરમિયાન સાયનાને સફળતા ન મળી અને તેને ઈજા થઈ. આ પછી તે રમતથી દૂર રહેવા માંડી. જોકે હૈદરાબાદમાં તેના ખાસ દોસ્તો પણ નહતા. તેની માતાએ પુત્રીને કોઈ પ્રવૃત્તિ તરફ વાળવાનો નિર્ણય લીધો અને ઘરની નજીક આવેલા લાલ બહાદૂર સ્ટેડિયમમાં તેને બેેડમિંટનના કોચિંગમાં મુુકી. સાયનાને આ સાથે જાણેે જિંદગીનો નવો મકસદ મળી ગયો. તેના માતા-પિતાએ સાયનાને બેડમિંટનમાં જ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી. સાયનાની અસાધારણ પ્રતિભાને ધીરે ધીરે નિખાર મળવા માંડયો.
પુત્રીનેે વધુ સારી સુવિધાઓ અને બેડમિંટન રેકેટની સાથે વિદેશ પ્રવાસમાં ટુર્નામેન્ટ્સ રમવાની તક મળે તે માટે તેના પિતાએ પોતાની જિંદગીભરની મુડીને દાવ પર લગાવી દીધી. તેની માતા દરેક વેળાએ તેની પડખે તેની તાકાત બનીને ઉભી રહી. આ દરમિયાન જ હૈદરાબાદમાં ભારતના બેડમિંટન લેજન્ડ ગોપીંચદની એકેડમી શરુ થઈ, જેમાં સાયના નેહવાલને પ્રવેશ મળી ગયો. પરિવારનો આર્થિક સંઘર્ષ જારી હતો, તેની સાથે સાથે સાયના તેના અભ્યાસ અને રમત વચ્ચે સંતુલન સાઘવા માટે સંઘર્ષ કરતી રહી. પોતાના કરતાં મોટી વયની ખેલાડીઓેને મહાત આપનારી સાયનાએ ૧૫ વર્ષની ઉંમરે નવી દિલ્હીમાં તે સમયની ધુરંધર ખેલાડી અપર્ણા પોપટને હરાવીને એશિયન સેટેલાઈટ ટુર્નામેન્ટ જીતીને બધાને ચોંકાવી દીધા.
નાની ઉંમરે સાયનાએ મેળવેલી સિદ્ધિ બાદ તેણે આંતરરાષ્ટ્રીય સ્તરની જુનિયર સ્તરની ટુર્નામેન્ટ્સમાં ભારતને ગૌરવ અપાવ્યું. વર્ષ ૨૦૦૪ની યુથ કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૦૬ની વર્લ્ડ જુનિયર બેડમિંટન ચેમ્પિયશિપના રજત ચંદ્રકને પગલે તેને દેશમાં આગવી ઓળખ મળી. તેને આ પછી આર્થિક મદદ પણ મળવા લાગી, જેના પગલે તેની કારકિર્દી તબક્કાવાર આગળ વધવા માંડી. માતા-પિતા અને પરિવારજનોએ પણ તેને તમામ પ્રકારે સમર્થન પુરું પાડયું અને તેેણેે આંતરરાષ્ટ્રીય બેડમિંટનમાં ભારતને આગવી ઓળખ અપાવી.
ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચંદ્રક જીત્યા બાદ ૨૦૧૬માં તેેને ઘુંટણની ગંભીર ઈજા થઈ, જેના કારણે તેની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાય તેવો ભય સેવાઈ રહ્યો હતો. જોકે તેણે મક્કમ મનોબળ સાથે પુનરાગમન કર્યું અને આ પછી વર્લ્ડ ચેમ્પિયનશિપ ૨૦૧૭માં કાંસ્ય તેમજ ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા સિંગલ્સમાં અને ટીમ ઈવેન્ટમાં સ્વર્ણિંમ સફળતા હાંસલ કરી. આ દરમિયાનમાં જ તેણે તેના વરસોના સાથી ખેલાડી એવા પારુપાલી કશ્યપ સાથે લગ્ન પણ કર્યા.
પુનરાગમન માટેના પ્રયાસો છતાં તેની ઘુંટણની ઈજાએ જ આખરે તેને નિવૃત્તિ તરફ ધકેલી દીધી અને ૨૦૨૩ પછી તે એક પણ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકી નહતી અને આખરે તેણે બેડમિંટનમાંથી સત્તાવાર રીતે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી. તેની વિદાયની સાથે ભારતીય બેડમિંટનમાં એક યાદગાર સફરનો અંત આવ્યો છે. જોકે સાયનાની સફળતાએ ભારતીય બેડમિંટન ખેલાડીઓમાં જે આત્મવિશ્વાસ જગાવ્યો છે, તેની અસર હજુ પણ લાંબા સમય સુધી જોવા મળશે.


