Get The App

ઉલટા પુલટા સ્કૂલની મસ્તી .

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
ઉલટા પુલટા સ્કૂલની મસ્તી                                 . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- શ્રેય રાવત અને જ્યોતિ રાવતે ઇચ્છા ઉત્તરાખંડના ખૂણે ખૂણે આ મૉડલ સ્કૂલને લઈ જવાની છે, જેથી વૈકલ્પિક સ્કૂલનો નવો માપદંડ બની શકે

ઉ ત્તરાખંડના કટાપથ્થર નામના ગામમાં રહેતો શ્રેય રાવત વાર્તાઓ સાંભળીને મોટો થયો હતો, પરંતુ તે વાર્તા કોઈ પરીકથા નહીં, પરંતુ કૌટુંબિક આર્કાઇવ્ઝમાંથી દાદી પાસેથી સાંભળેલી વાર્તાઓ હતી. શ્રેયના દાદા સુરેન્દ્રસિંઘ રાવત ઉત્તરાખંડના સમાજ સુધારક તરીકે જાણીતા હતા. તેમણે મંદિરોમાં થતાં પશુબલિ સામે અને દારુના વ્યસન સામે ચળવળ ચલાવેલી. આજેય લોકો તેમનું સુરાહજીના નામે ભાવપૂર્વક સ્મરણ કરે છે. શ્રેય રાવત અને જ્યોતિ રાવતે કટાપથ્થર ગામમાં સુરાહ નામ હેઠળ 'ઉલટા પુલટા સ્કૂલ' શરૂ કરી છે. કટાપથ્થર દહેરાદૂનથી પિસ્તાળીસ કિમી. દૂર આવેલું છે, જે તેની પ્રાકૃતિક સુંદરતા અને કપાયેલા પથ્થરો વચ્ચે વહેતી નદી માટે જાણીતું છે. અહીં પર્વતો એ સ્કૂલની દીવાલો છે અને ખુલ્લું આકાશ એની છત છે. અહીં કોઈ મંદબુદ્ધિ કે નબળો વિદ્યાર્થી જેવું કંઈ નથી. અહીં ગોખણપટ્ટીને સહેજે અવકાશ નથી.

શ્રેય રાવતે જોયું કે પહાડી વિસ્તારમાં સ્કૂલ છે, પણ નામની જ. આજે પહાડી વિસ્તારમાં વીસ ટકા સ્કૂલો બંધ છે અને જે ચાલુ છે ત્યાં બાળકોને પાંચથી દસ કિમી. ચાલીને જવું પડે છે. દૂનવેલીમાં ઘણાં ગામડાંઓ ખાલી છે. સ્કૂલના અભાવે અને અન્ય પરિસ્થિતિને કારણે ત્યાંથી નીકળીને શહેરમાં જાય છે અને શહેરમાં ઝૂંપડપટ્ટીમાં જીવે છે. પહાડી વિસ્તારની સ્કૂલો વિદ્યાર્થીને જીવન સાથે જોડતી નથી કે ન તો કોઈ કૌશલ્ય શીખવે છે. એ ગરીબી અને વ્યક્તિમાં પડેલી સુષુપ્ત શક્તિઓ સાથે જીવે છે. શ્રેય વિચારે છે કે તે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, ત્યારે કોઈએ એમની શક્તિઓને પારખી નહોતી કે 'ક્યારેય તું આ કરી શકીશ', 'અમને તારામાં વિશ્વાસ છે' એમ કહીને કદી પ્રોત્સાહન નહોતું આપ્યું, પરંતુ ઉનાળાના વેકેશનમાં તેના કાકા ગામમાં આવતા, જેઓ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં સ્નાતક થયા હતા. તેઓ જ્યારે આવતા ત્યારે થિયેટર વર્કશોપ કરતા. આમ એક બાજુ સ્કૂલ અને બીજી બાજુ થિયેટર વર્કશોપમાં તેમનું બાળપણ વીત્યું. થિયેટર વર્કશોપને લીધે ઘણું શીખવા મળ્યું, અભિવ્યક્તિ કરવાની શક્તિ ખીલી અને પોતાની જાતની ઓળખ થઈ. આ બધા અનુભવે આજે આ દંપતી એવો અભ્યાસક્રમ બનાવવા માગતા હતા કે જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય. 

સૌપ્રથમ તેમણે ૨૦૨૩ના ઑગસ્ટ મહિનામાં મહારાજ કુમાર જગત શમશેર મેમોરિયલ સ્કૂલને દત્તક લીધી. તેમનો મૂળ ઉદ્દેશ હતો કે પહાડી વિસ્તારના બાળકો અહીં જ અભ્યાસ કરે. ગામનાં બાળકોનું શિક્ષણ એની જરૂરિયાત મુજબનું હોય. જિંદગી જીવવાની સમજ મળે. બાળકો ગોખણપટ્ટીથી નહીં, પણ જાતઅનુભવે શિક્ષણ મેળવે. તે ગામ સાથે જોડાઈ શકે. ગામની સમસ્યાઓ જુએ અને સમજે. આગળ જઈને પોતાના ગામ માટે સ્વદેશી નવીનીકરણ લાવે, સંશોધન કરે અને રોજગારી ઊભી કરે. આને માટે સ્કૂલ બદલવાની જરૂર નથી, પરંતુ પદ્ધતિ બદલવાની જરૂર છે. આવા વિચારથી અભ્યાસક્રમ શું રાખવો તેની વિચારણા કરી, પરંતુ બીજી મુશ્કેલી માતા-પિતાને સમજાવવાની હતી. પ્રયત્ન અને ભૂલો કરતાં કરતાં શ્રેય અને જ્યોતિ અભ્યાસક્રમમાં સુધારો કરતા ગયા, જે સુરાહની ઓળખ બન્યો. કુદરત સાથેનું જોડાણ પોતાના ગામના પ્રશ્નોને સમજવા, પોતાની જાતને અભિવ્યક્ત કરવી, વિદ્યાર્થીઓ દ્વારા કોઈ વસ્તુ કે વિચારો પ્રદર્શિત કરવા, આર્ટ અને થિયેટર શીખવવું જેમાં કોમ્યુનિટી અને તેમના પ્રશ્નોની ચર્ચા થાય. ફુગ્ગા અને દોરીનાં ઉદાહરણથી હવાના દબાણના સિદ્ધાંતને સમજાવવામાં આવે છે, તો ફૂટબોલ, કીચન ગાર્ડનિંગ અને અનાજ કેવી રીતે ઊગે છે તે શીખવવામાં આવે છે. એક નાની જગ્યામાં ચણા વાવીને તે ચણા ઊગે ત્યાં સુધી કેવી માવજત કરવી અને તેની લણણી કેવી રીતે થાય તે પણ શીખવવામાં આવે છે.

શ્રેય અને જ્યોતિ આને 'ઉલટા પુલટા સ્કૂલ' કહે છે, કારણ કે અહીં કશું પરંપરાગત રીતે શીખવાડતા નથી. સ્કૂલના વિદ્યાર્થીઓને તોફાનમસ્તી કરવાની છૂટ છે. તેઓ તેમને જંગલમાં લઈ જાય છે, તો શનિ-રવિમાં રેકોર્ડિંગ સ્ટુડિયોમાં લઈ જઈ ઉલટા પુલટાનું ગીત રેકોર્ડ કરાવે છે.

જ્યોતિએ જ્યારે બાળકોને તેમના સ્વપ્ન વિશે પૂછયું, ત્યારે સહુએ લશ્કરમાં જોડાવાની વાત કરી, કારણ કે આ બાળકોએ એ સિવાયની કારકિર્દી જોઈ નથી. તેમને સમજાવ્યું કે જીવનમાં કારકિર્દી ઘડવાના અનેક ક્ષેત્રો અને તક હોય છે. અહીં બાળકોને પોતાની શક્તિ અને જ્ઞાનને ખીલવવાની તક આપવામાં આવે છે. સ્કૂલ પ્રત્યે લગાવ, શિક્ષકનો ડર નહીં પણ પ્રેમ અને અભ્યાસ સાથે દોસ્તી એ સૂત્ર સાથે તેઓ બાળકોના દિમાગ નહીં, પણ ભાવનાત્મક અને અન્ય કૌશલ્ય પર પણ એટલું જ ધ્યાન આપે છે. આજે તેમની સ્કૂલમાં પાંચમા ધોરણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. સિત્તેર વિદ્યાર્થીઓ અને સાત શિક્ષકો છે અને ફી છે માત્ર ત્રણસો રૂપિયા ! આજે તેમની સાથે સાડત્રીસ ફાઉન્ડર્સ જોડાયા છે અને આ દંપતીની ઇચ્છા ઉત્તરાખંડના ખૂણે ખૂણે આ માડલ લઈ જવાની છે. જેથી વૈકલ્પિક સ્કૂલનો નવો માપદંડ બની શકે.

આનંદગ્રામ રોકનાં 650 બાળકો

દત્તા અને સંધ્યા બારગજેએે કાર, ઘરેણાં અને જમીન વેચીને સાડા દસ લાખ રૂપિયામાં બે એકર જમીન લીધી અને નામ આપ્યું આનંદગ્રામ રોક ! 

ગ મે તેવા અવરોધો વચ્ચે પણ જીવનમાં નક્કી કરેલા લક્ષ્યને છોડી ન દેવું અને મક્કમ મનોબળથી કેવી રીતે પાર પાડવું તે દત્તા અને સંધ્યા બારગજે પાસેથી શીખવા જેવું છે. મહારાષ્ટ્રના બીડ શહેરમાં દત્તા ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં પેથોલોજી ટૅક્નિશયન તરીકે કામ કરતા હતા, ત્યારે એક દિવસ સવારે એક સ્ત્રી બે નાનાં બાળકો સાથે આવી. મુસાફરીને કારણે ચોળાયેલી સાડી, વિખરાયેલા વાળ અને ગુસ્સા તેમજ ભય સાથે મોટેથી બોલતી હતી. એના પતિનું ઍઇડ્સમાં અવસાન થયું હતું અને એને પોતાને પણ ઍઇડ્સ થયો હતો. તેનું એક બાળક એચ.આઈ.વી. પૉઝિટીવ હતું. આ સમયે દત્તા શાંતિથી તેની પાસે ગયા અને તેની જરૂરિયાત વિશે પૂછયું. તેનું કાઉન્સેલિંગ કરીને તેઓ તે સ્ત્રી અને બંને બાળકોને પોતાના ક્વાર્ટર પર લઈ આવ્યા. તેમના પત્નીએ તેને સ્નાન અને ભોજન કરાવ્યું. આવી એક અજાણી સ્ત્રી સાથે મેળાપ થવાથી સમાજ એચ.આઈ.વી. પોઝીટીવ હોય તેની સાથે કેવો વ્યવહાર કરે છે તે જાણવા મળ્યું. આમ તો આ ઘટના બની તેના એક મહિના પહેલાં ૨૦૦૬ના ડિસેમ્બર મહિનામાં જ ઇન્ફંટ ઇન્ડિયા ટ્રસ્ટની તેમના સરકારી ક્વાર્ટરમાં સ્થાપના કરી હતી. તેમને ત્યાં પ્રવાસી મજૂરો, આદિવાસી કુટુંબો, શેરડીના ખેતરમાં કામ કરતા મજૂરો વગેરેના ઘરમાંથી ઘણા સારવાર લેવા આવતા હતા.

પરંતુ એચ.આઈ.વી. પોઝીટીવ બાળકોને રાખવાની વાતની જાણ લોકોમાં થઈ અને ઘણા લોકો અંધારું થતાં આવાં બાળકોને તેમના ઘર આગળ મૂકીને જતા રહેતા. ૨૦૦૮ સુધીમાં આવાં બાળકોની સંખ્યા વધવા લાગી. તેથી પાડોશીઓની ફરિયાદ આવવાથી તેમને ક્વાર્ટર ખાલી કરવું પડયું. એ પછી એક મિત્રે તેમના ગેસ સિલિન્ડરનું વેરહાઉસ હતું તેમાં રહેવાની સગવડ કરી આપી. સત્તર બાળકો સાથે આ દંપતી ત્યાં રહેવા આવ્યું, પણ થોડા જ વખતમાં આસપાસના લોકોએ વિરોધ કર્યો તેથી એક પાદરીએ તેમને ખેતરમાં આવેલો એક હોલ રહેવા માટે આપ્યો. ત્યાં શૌચાલય પણ નહોતું. તેમણે બે શૌચાલય બાંધ્યાં, પરંતુ તેમને લાગ્યું કે અહીં ઘરની જેમ રહી શકાય તેવું નથી. મહિનાઓની મહેનતને અંતે તેમણે બિંદુસરા ડેમની પાસે એક ખડક પાસે ઉજ્જડ જમીન હતી ત્યાં પસંદગી ઉતારી. ત્યાં ન તો રોડ, ન વીજળી કે ન પાણી હતા. તેની સાથે સાથે લાભ એ હતો કે કોઈ પાડોશી પણ નહોતા. તેમણે તેમની ઇન્ડિકા કાર, સંધ્યાએ તેમનાં ઘરેણાં અને બે હજાર સ્ક્વેર ફૂટ જમીનનો પ્લોટ હતો તે વેચીને સાડા દસ લાખ રૂપિયામાં બે એકર જમીન લીધી અને નામ આપ્યું આનંદગ્રામ રોક ! પચીસ બાળકો તેમની સાથે રહેતા હતા. ઘણી વાર બાળકો માંદા પડે તો તેને કામચલાઉ પારણામાં ઢાળ ઉતારે, અડધો કિમી ચાલે ત્યારે રીક્ષા મળે અને પંદર કિમી દૂર સિવિલ હોસ્પિટલમાં લઈ જાય. સંધ્યા મોટી ઉંમરની સ્ત્રીઓની મદદથી ભોજન બનાવે. 

દત્તાએ બાળકોને પાલિની જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો, પરંતુ લોકોએ વિરોધ કરીને તેમના પર હુમલો કર્યો. જિલ્લાના એઇડ્સ કન્ટ્રોલ ઑફિસર અને ડૉક્ટરોએ ગામલોકોને સમજાવ્યા, પરંતુ આ બાળકોએ ક્લાસરૂમની બહાર ગ્રાઉન્ડમાં બેસવાનું. કમ્પ્યૂટર હોલ ખાલી થાય પછી તેમાં શિક્ષક તેમને અભ્યાસ કરાવે. સવારની સભામાં પણ છેલ્લી લાઇનમાં ઊભા રહેવાનું અને મિડ-ડે ભોજન દૂરથી પીરસવામાં આવતું. તે લોકો ઇન્ફન્ટ ટ્રસ્ટના બાળકો તરીકે ઓળખાતા. ધીમે ધીમે લોકો સમજતાં થયા કે આ બાળકો દત્તા, તેમનાં પત્ની સંધ્યા, તેમના ત્રણ બાળકો અને દત્તાની માતા સાથે જ રહે છે અને તેમને કોઈ ઇન્ફેક્શન લાગ્યું નથી, પરંતુ આ વાત સમજતાં બધાને આઠ વર્ષ થયા. એચ.આઈ.વી. પોઝીટીવ ધરાવતાં બાળકોની દવા લેવા દર મહિને ૧૩૦ કિમી.નો પ્રવાસ કરીને અંબાજોગાઈની મેડિકલ કૉલેજમાં જવું પડતું. આ વખતે બાળકો હેરાન થતાં અને બસ કંડક્ટર સતત અકળાતો. તેથી દત્તાએ સેકન્ડ હેન્ડ વાન ખરીદીને એને નાની એમ્બુલન્સમાં પરિવર્તિત કરી. દત્તાએ  મહારાષ્ટ્ર સરકારને બીડમાં ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં દવા મળે તેવી વિનંતી કરી અને રાજ્ય તેમજ રાષ્ટ્રકક્ષાએ આવેલી ઍઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના સહકારથી ૨૦૧૦માં તેની મંજૂરી મળી અને એક વર્ષ પછી તેની શરૂઆત થઈ. એચ.આઈ.વી. પાઝીટીવ બાળકોનું અવસાન થાય તો તેમને અગ્નિસંસ્કાર આપવાને બદલે દફનાવવામાં આવે છે, પરંતુ ગામલોકોએ જાહેર મેદાનમાં દફનાવવાનો વિરોધ કર્યો, તેથી આ દંપતીએ ખડક પાસેની જગ્યાએ જ દફનાવવાનું નક્કી કર્યું અને તેને નામ આપ્યું વેદના દફનભૂમિ. દરેક કબર ઉપર છોડ વાવ્યાં. જોકે ૨૦૦૬થી ૨૦૨૨ સુધીમાં અઢાર બાળકો જ મૃત્યુ પામ્યા હતા. આજે તો મૃત્યુદર નહિવત્ થઈ ગયો છે.

 આનંદગ્રામ રોક એ એક કોમ્યુનિટી બની ગઈ છે. અત્યાર સુધીમાં સાડા છસો બાળકો અહીં ઉછર્યા છે.