- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- મનુષ્યને આકર્ષક લાગતા ભોગો એ હકીકતમાં પતનકારી છે અને કડવો લાગતો ત્યાગ એ વાસ્તવમાં કલ્યાણકારી છે.
મન માયા એ મનનો મોહ છે અને સાથોસાથ મોહનું આલંબન પણ છે. માયા એ મનને દોડાવનારી છે અને એ જ માયા માનવીને ધન, સંપત્તિ, સત્તા, પદ, સન્માન વગેરે મોહનું આલંબન અને આધાર પણ બને છે.
સ હુ કોઈ દસ દિશાઓને સારી પેઠે જાણે છે. ચારે બાજુની આઠ દિશાઓ અને પછી ઉપર અને નીચે - એમ કુલ મળીને દસ દિશાઓ થાય. માનવી મહદ્અંશે એનું જીવન આ દસે દિશાઓ તરફની અહીં-તહીં દોડધામમાં વ્યતીત કરે છે, પરંતુ એ અગિયારમી દિશાથી અજ્ઞાત છે.
આ અગિયારમી દિશા એ પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ બાજુ નથી. એ માનવીની ઉપર કે માનવીની નીચે આવેલી નથી. આ અગિયારમી દિશા તો એના ભીતરમાં છે.
જીવન આખું સમાપ્ત થઈ જાય અને છતાં એ આ દશ દિશાઓમાં અહીં-તહીં ભ્રમણ કરતો ઘૂમતો રહે છે. બહાર ભ્રમણ કરવાથી બાહ્ય ચીજ- વસ્તુ કે ભૌતિક પદાર્થની પ્રાપ્તિ થાય છે, ભીતરની અગિયારમી દિશામાં જવાથી એ સ્વયંનું સરનામું મેળવે છે. મન માનવીને સદૈવ બાહ્ય પ્રતિ દોડાવે છે. સ્વપ્ન એ બહારની વસ્તુ છે અને એને સિદ્ધ કરવા માટેની દોડ એ માયા છે. માયાને કારણે બહાર દોડધામ કરતા માણસને જીવનની કોઈ ઘડીએ એવો ખ્યાલ નથી આવતો કે એની આખી દોટ અવળી ચાલે છે. એને જવાનું હતું ભીતરમાં અને ગયો, ચાલ્યો, દોડયો, પડયો, આથડયો, પછડાયો બહાર તરફ. પામવાની હતી ભીતરની આધ્યાત્મિકતાને અને પામ્યો બાહ્યની ભૌતિકતાને.
એની બહારની દોડે એને આધિ, વ્યાધિ અને ઉપાધિમાં ડૂબાડેલો રાખ્યો, પરંતુ આ સઘળું થયું શા માટે ? એને માટે અન્ય કોઈ દોષિત નથી, કિંતુ વ્યક્તિ પોતે જ દોષિત છે. વ્યક્તિ પોતાને કારણે જ પોતાના જીવનમાં સૌથી વધુ દુ:ખી થતી હોય છે. ભીતરના અંધાપાનું નામ છે માયા. આ માયા અતિ છલનામયી છે. એનું કોઈ એક રૂપ નથી, એની કોઈ એક માગ નથી કે એની કોઈ એક ઓળખ નથી. તમારું મન જેની તૃષ્ણા સેવે, તેવો આકાર ધારણ કરે છે. તમારા ચિત્તની ઇચ્છા એ એનો ચહેરો રચે છે અને તમારી કલ્પના પ્રમાણે રૂપ લે છે.
આવી અનેક વેષધારી, બહુરૂપી માયામાં જીવતા માનવીને પળની પણ નિરાંત નથી અને છતાં અધ્યાત્મની દ્રષ્ટિએ કશું પ્રાપ્ત કરતો નથી, કારણ કે માયા એ તો વ્યક્તિએ પોતાના મનમાં સર્જેલું સ્વપ્ન છે. માયા એ એની મીઠી ધારણા છે અને માયા એ નવનવરૂપ ધારિણી કલ્પના છે. આ માયા કોઈ નિશ્ચિત રૂપ, સ્પષ્ટ આકાર કે કોઈ પદાર્થ નથી. એ માણસને બહાર દોડાવે રાખે છે. આથી જ કબીરસાહેબ એમની આગવી છટાથી કહે છે,
'આ મોહિની માયાએ તો ભલભલા બુદ્ધિમાનોને મોહમાં નાખ્યા છે. કોઈ એ માયાથી થોડાઘણા લપેટાય, તો પણ એમાંથી બચી શકતા નથી. એનાથી ઊગરી શકતા નથી. એ તો પ્રલોભનના ધનુષ પર લોભનું બાણ ચડાવીને માણસને ભટકાવે છે. માયા કલ્યાણમાર્ગનો સૌથી મોટો અવરોધ છે. સંત કબીરે માયાનું રૂપ આલેખતાં એમની માર્મિક વાણીમાં કહ્યું:
'માયા મુઈ ન મન મુવા, મરિ મરિ ગયા શરીર !
આશા તૃષ્ણા ન મુઈ, યોં કથિ કહૈ કબીર ।।'
'માયાનું રૂપ કેવું છે ? શરીર વારંવાર મૃત્યુ પામતું રહ્યું, તો પણ માયા કે મન મળ્યા નહીં અને આશા-તૃષ્ણા પણ સમાપ્ત થઈ નહીં.'
જ્યાં સુધી વ્યક્તિ માયા, મન, મોહ અને તૃષ્ણાથી ઘેરાયેલો છે, ત્યાં સુધી એની દોડ ચોપાસની દસ દિશાઓ ભણી હોય છે. એની અગિયા૨મી દિશા, જે ભીતરમાં આવેલી છે, તે ખુલતી નથી. માનવીને દસે દિશામાં દોડાવનારી માયાને સંત કબીરે અંધારી રાત કહી છે, તો વળી ક્યાંક શાકિની અને ડાકિની તરીકે વર્ણવી છે. એને મનુષ્યરૂપી પતંગિયાનો નાશ કરનારી દીપકની ઝાળ કહી છે, તો સમગ્ર સંસારને પેદા કરનારી ઠગીની કહી છે. આવી માયાનું ક્ષણિક સુખ ચાર દિવસનું હોવા છતાં માણસ એને પામવા પકડવા માટે એની પાછળ દોડે છે. માણસને સપનાની જેમ રાજ્ય, ધન વગેરે મળ્યું છે, પણ એ જતાં શી વાર લાગવાની ?
સંત કબીરને મન માયા એ મનનો મોહ છે અને સાથોસાથ મોહનું આલંબન પણ છે. માયા એ મનને દોડાવનારી છે અને એ જ માયા માનવીને ધન, સંપત્તિ, સત્તા, પદ, સન્માન વગેરે મોહનું આલંબન અને આધાર પણ બને છે. જો માનવી મોહ કરે જ નહીં, તો એને કોઈપણ ચીજવસ્તુઓની માયા જાગશે નહીં. આથી જ્યારે એ મોહ કરે, ત્યારે માયા જાગે છે અને પછી એ અજાગૃત હોવાને કારણે એને ધન, સંપત્તિ, કીર્તિ અને જમીન-મકાન સહુનો મોહ જાગે છે અને એને કારણે અનર્થ આચરે છે. વળી બને છે એવું કે આ મોહિની માયાને પ્રાપ્ત કરવાના લોભમાં માણસ દોડે છે ખરો, પરંતુ એની ઇચ્છા પ્રમાણે કશું પામતો નથી. એણે ધાર્યું હોય છે તે ભોગ પ્રાપ્ત થતા નથી અને એ બિચારો અધૂરપ અને અતૃપ્તિમાં જ સળગતો રહીને જીવન પૂર્ણ કરે છે.
સંત કબીર સતત એ ભેદ બતાવે છે કે માયા તરફ મુખ રાખનાર અને માયાથી વિમુખ રહેનાર બંનેની પ્રકૃતિ અને પરિણામ જુદા છે. એમના મતે માયા અને છાયા સમાન હોવા છતાં બહુ વિરલ માણસો જ એને સમજતા હોય છે. એ કહે છે કે માયા તો એવી છે કે જે એના તરફ પીઠ રાખે છે, એની પાછળ પાછળ આવે છે અર્થાત્ માયા પ્રત્યે બેપરવા હોય, તેને બધું પ્રાપ્ત થાય છે અને જે માયાના પડછાયાની પાછળ અહર્નિશ ચાલતા હોય છે, તેની આગળને આગળ ભાગતી માયા માનવીને દોડાવતી હોય છે.
અંધારી રાત જેવી માયાને કારણે મોહ અને લોભમાં નિદ્રાધીન થયેલા લોકોની કામ અને ક્રોધ જેવા ડાકુઓ દ્વારા લૂંટ ચલાવે છે. સંત કબીર એથી ય આગળ વધીને કહે છે કે આ માયા એ તો સૂકાં હાડકાંનાં ઢગલા જેવી છે અને લોભી મનુષ્ય એ શિયાળ કે કૂતરા જેવો છે. જેમ સૂકાં હાડકાંને પ્રાણીઓ સામસામે ખેંચે છે, એ જ રીતે માયાગ્રસ્ત માનવી પોતાની તરફ વસ્તુઓને ખેંચતા-ખેંચતા મરણને શરણ થાય છે.
માનવદેહ મૃત્યુ પામે છે, કિંતુ એનું મન, આશા, તૃષ્ણા કે માયા એ સાથે મૃત્યુ પામતા નથી, આથી કષ્ટના ઉત્પત્તિસ્થાન જેવી માયા એક અર્થમાં ત્રણ શાખાઓવાળું વૃક્ષ છે અને એ શાખાઓનું નામ છે શોક, દુ:ખ અને સંતાપ. આ શાખાઓ વિકસતા વ્યક્તિને સ્વપ્નમાં પણ શીતળતા સાંપડતી નથી અને અંતે એને એના ફળ રૂપે નિરાશા અને દુ:ખ મળે છે.
સંત કબીરે દર્શાવ્યું કે મનુષ્યને આકર્ષક લાગતા ભોગો એ હકીકતમાં પતનકારી છે અને કડવો લાગતો ત્યાગ એ વાસ્તવમાં કલ્યાણકારી છે. એક સુંદર દ્રષ્ટાંત દ્વારા તેઓ કહે છે કે સહુને મીઠાઈ ખાવાનું મન થાય છે, પરંતુ એ મીઠાઈ શરીરમાં રોગ પેદા કરનારા ઝેર સમાન હોય છે. જ્યારે લોકો લીમડો વાટીને પીતા નથી કે જેનાથી બધા રોગ દૂર થઈ જાય છે.
આ રીતે માયાના ક્ષણભંગુર સુખમાં જગત નિમગ્ન રહે છે. જ્યાં મોહ જાય છે, ત્યાં માયા સદા હાજરાહજૂર થઈ જાય છે. માયાના આ સ્વરૂપને સર્વાંગી રીતે દર્શાવતા સંત કબીર કહે છે:
'મન તે માયા ઊપજૈ, માયા તિરગુણ રૂપ,
પાંચ તત્ત્વ કે મેલ મેં, બાંધે સકલ સરૂપ.'
આનો અર્થ એ કે મનના મોહમાંથી જ માયા જાગે છે. એ મનથી ઉત્પન્ન થાય છે અને એમાં સત્, ૨જૂ અને તમ્ - એ ત્રણેય ભેગા થયેલા હોય છે. પૃથ્વી, જળ વગેરે જળતત્ત્વોના મેળમાં જ મનોમય માયાએ સંપૂર્ણ શરીરોનું નિર્માણ કરી રાખ્યું છે. માયામાંથી મુક્તિ મેળવવાના ઉપાય રૂપે સંત કબીર સદ્ગુરુશરણને બતાવે છે. જ્યાં સંતો વારંવાર ભ્રમણ કરતા આવતા હોય, ત્યાં માયા આવી શકતી નથી. આ રીતે માયાનું સ્વરૂપ દર્શાવીને દસ દિશામાં ઘૂમતા માણસને અગિયારમી દિશા વિશે જિકર કરી.
સંત કબીર આ અગિયારમી દિશાના દ્વાર ખોલવાની રીત બતાવે છે, તે વિશે હવે પછી જોઈશું.


