Get The App

સ્ટાર ખેલાડીઓનો મહિમા! .

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
સ્ટાર ખેલાડીઓનો મહિમા!                               . 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- દર્શકોને સ્ટાર જોઈએ છીએ ખેલાડી નહીં. આ પરિસ્થિતિ પરિવર્તન ચાહે છે. 'સ્ટાર' ખેલાડીના મહિમાની સાથે બીજા ખેલાડીઓની ઉપેક્ષા થવી જોઈએ નહીં !

૯૧ બોલમાં પોતાની ૫૪મી વન-ડે સદી પૂરી કરનાર 'ચેઝ-માસ્ટર' વિરાટ કોહલી આઉટ થતાની સાથે જ ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતના લલાટે ઘોર પરાજય લખાઈ ગયો. 'સ્ટાર ખેલાડી' વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડની ટીમ વિરુદ્ધ ત્રણેય ફોર્મેટમાં ૧૦ સદી ફટકારીને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સૌથી વધુ સદી સર્જનાર તરીકે ટોચનું સ્થાન મેળવ્યું, પરંતુ મેચની ૪૯મી ઓવરના ચોથા બોલે ૧૨૪ ૨ન કરીને કોહલી આઉટ થયો અને સાથે ભારતીય ટીમની લડત સમાપ્ત થઈ ગઈ અને ભારતમાં પહેલી વાર ન્યૂઝીલેન્ડ વન-ડે સીરીઝમાં જીત્યું. 

આ મેચ દરમિયાન સહુની નજર વિરાટ કોહલી પર હતી. રમત- શોખીનો પણ વિરાટ કોહલીના પોસ્ટર ઊંચા રાખીને ટેલિવિઝનમાં પોતે દેખાય તેવો મરણિયો પ્રયાસ કરતા હતા. આ સઘળી વાત હું એ માટે કરું છું કે ભારતીય ટીમનો દેખાવ માત્ર વિરાટ કોહલીની ૨મત પર આધારિત હોય તેમ લાગતું હતું. રોહિત અને કોહલીના સંક્ષિપ્ત 'રોકો' શબ્દ ભારતીય ક્રિકેટનો આજે મહામંત્ર બની ગયો છે, જ્યારે સામે પક્ષે તમે જુઓ તો ન્યૂઝીલેન્ડ પાસે કોઈ દિગ્ગજ ખેલાડી નથી. જેની નામના ક્રિકેટ વિશ્વમાં ગાજતી હોય. કોઈ 'સ્ટાર' નથી, પણ અગિયાર ખેલાડી છે. 

આપણે ત્યાં ભારતીય ક્રિકેટમાં પહેલેથી જ 'સ્ટાર ખેલાડી'નો મહિમા રહ્યો છે અને બને છે એવું પ્રેક્ષકો પણ એ 'સ્ટાર' ખેલાડી પાસે ઉત્કૃષ્ટ રમતની અપેક્ષા રાખે છે અને પરિણામે અન્ય ખેલાડીઓની ઉપેક્ષા થતી રહે છે. આ વ્યક્તિપૂજા કેવી પરિસ્થિતિ સર્જે છે, તેનો પણ વિચાર કરવા જેવો છે ! જેમકે બાંગ્લાદેશના ઢાકામાં ૨માતી વન-ડેમાં ૨૦૧૨ની ૧૬મી માર્ચે સચિન તેંડુલકરે એની એકસોમી આંતરરાષ્ટ્રીય સદી હાંસલ કરી હતી. જેમાં ૫૧ ટેસ્ટ સદી અને ૪૯ વન-ડે સદીનો સમાવેશ થતો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિન એ એકસો સદી કરનારો એક માત્ર બેટર છે. આ સિદ્ધિ અને તે પણ સચિનની સહુને યાદ રહે એ સ્વાભાવિક છે, પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે બાંગ્લાદેશમાં ખેલાયેલી આ વન-ડેમાં ભારત હાર પામ્યું હતું. 

 ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં નજ૨ કરીએ તો રણજિતસિંહજી, સી.કે. નાયડુ, વિનુ માકડ, ટાયગર પટૌડી, સુનિલ ગાવાસ્કર, કપિલદેવ, સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા સુધી આ 'સ્ટાર' યાદી જોવા મળે છે.

એ સાચું છે કે લોકો બ્રેડમેન, ગાવસ્કર, તેંડુલકર કે કોહલીની બેટિંગ જોવા આવે, પણ સાથોસાથ એ ભુલાઈ જાય છે કે ટીમમાં સહુનું સામૂહિક પ્રદાન હોય છે. ન્યુઝીલેન્ડે ભારત પાસેથી વન-ડે શ્રેણીનો વિજય આંચકી લીધો. તેમાંથી ભારતને આ સૌથી મોટો બોધપાઠ લેવાની જરૂર છે. 'સ્ટાર' ખેલાડીના મહિમાને કારણે જ્યારે મન્સૂર અલીખાન પટૌડી ભારતના સુકાની હતા, ત્યારે ચંદુ બોરડેની કામયાબી ઢંકાઈ જતી હતી. તેંડુલકરના સમયમાં દ્રવિડ, સહેવાગ, લક્ષ્મણ, ગંભીર કે ગાંગુલીને ઓછા યાદ કરવામાં આવતા હતા. 

દિલીપ સરદેસાઈના પુત્ર રાજદીપ સરદેસાઈએ ‘Democracys's XI The Great Indian Cricket Story' નામનું પુસ્તક લખ્યું છે. એમાં એમણે ક્રિકેટ દ્વારા અનેક જાતિઓ, ભાષાઓ અને ભેદો ધરાવતો ભારત દેશ કેવો એક થઈ ગયો છે, તેની વાત કરી છે. એમની વાત પણ સાચી છે કે ક્રિકેટની આ લોકશાહીમાં સ્ટાર ખેલાડીને વધુ મહત્ત્વ મળ્યું છે અને કમનસીબે એના જેવી શક્તિ ધરાવનાર અન્ય ખેલાડીનો એટલો મહિમા થતો નથી. 

સુનિલ ગાવસ્કરની ભવ્ય સિદ્ધિઓનાં સમયમાં ગુંડપ્પા વિશ્વનાથ વધુ આકર્ષક અને છટાદાર ખેલાડી હતો. ખુદ ગાવસ્કર પણ માનતો હતો કે એની પેઢીના ખેલાડીઓમાં વિશ્વનાથ શ્રેષ્ઠ ભારતીય બેટર હતો. જલદ ગોલંદાજી સામે વિશ્વનાથે પોતાના સમયમાં છટાદાર અને યાદગાર બેટિંગ કરી હતી. જ્યારે જ્યારે એણે સદી કરી, ત્યારે ભારત કદી મેચ હાર્યું નથી અને આંકડાની દ્રષ્ટિએ કહું તો ૯૧ મેચમાં એણે ૧૪ સદી કરી અને એમાંની એકેય સદી સામાન્ય નહોતી. જ્યારે ટીમ પછડાટ પામી હોય અને વિરોધી ગોલંદાજ ઝંઝાવાત વેરતો હોય, ત્યારે વિશ્વનાથે આ કામ કર્યું છે.

પરંતુ વિશ્વનાથના સાળા ગાવસ્કરની એટલી બોલબાલા હતી કે ભારતીય બેટિંગ ગાવસ્કરની આસપાસ ઘૂમતી હતી. ગાવસ્કરે ક્રિકેટના ઇતિહાસમાં દસ હજાર ટેસ્ટ રન કર્યાં હતાં. એમ સ્વીકારવું જોઈએ કે એ સમયે વેસ્ટ ઇન્ડિઝના એન્ડી રોબર્ટ્સ, બર્નાર્ડ જુલિયન અને વેનબર્ન હોલ્ડર સામે વિશ્વનાથે આબાદ ઝીંક ઝીલી હતી. વળી એ જમાનામાં વિશ્વનાં ઉત્કૃષ્ટ સ્લીપના સ્થાનના ફિલ્ડરોમાં વિશ્વનાથનું સ્થાન હતું, પણ ગાવસ્કરના પ્રભાવ હેઠળ એને એટલું માન મળ્યું નહીં. 

ભારતના પહેલા ટેસ્ટ સુકાની સી. કે. નાયડુના સમયથી જ ભારતમાં આખી ટીમમાં એક સ્ટાર ખેલાડીનું મહત્ત્વ આંકવામાં આવતું રહ્યું છે. સી. કે. નાયડુએ એમની સર્વતોમુખી તાકાતથી ક્રિકેટના મેદાનમાં પ્રવેશતા ભારતને એક નવી ઊંચાઈ આપી હતી. એમને વિશેની એક લગભગ અજાણી વાત કરુ. ભારતના પ્રખર ન્યાયાધીશ એમ. સી. ચાગલા સમક્ષ હાઈકોર્ટમાં વકીલ તરીકે એક સુનાવણીમાં હાજર હતા. આ સમયે બોમ્બે જીમખાનાનાં મેદાન પર ખેલાતા ક્રિકેટમાં શું થઈ રહ્યું છે, એની વાતો ચાલતી હતી. 

ખુદ જજ પણ એ જાણવા માટે ઉત્સુક હતા એ જોઈને એમ. સી. ચાગલાએ કહ્યું, 'મી લોર્ડ, સી.કે. બેટિંગ કરે છે અને હું આપને અપીલ કરું છું કે તમે હીયરીંગ મુલતવી રાખો.' જજ આમાં સહમત થયા અને પછી એ બંને બોમ્બે જીમખાના તરફ સી. કે. નાયડુની ઝંઝાવાતી બેટિંગ જોવા માટે ગયા. આમ સી. કે. નાયડુની લોકચાહના એટલી હતી કે એ ખુદ એમની ૨મત જોવા માટે બોમ્બે હાઈકોર્ટે થોડા કલાકો પોતાનું કામ અટકાવી દીધું હતું. 

કોઈ એક ખેલાડીને વધુ મહત્ત્વ આપવામાં આવે, ત્યારે સ્વાભાવિક રીતે જ બીજા ખેલાડીઓમાં એક પ્રકારની લઘુતાગ્રંથિ આવી જતી હોય છે. પ્રેક્ષકો પણ કોહલીને દાદ આપતા હોય છે. હર્ષિત રાણાની બેટિંગમાં એમને કોઈ વિશેષ રસ હોતો નથી. ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડની ટીમમાં આવા સ્ટાર ખેલાડીઓ હોય છે ખરા, પરંતુ એમને અધિક મહત્ત્વ આપવામાં આવતું નથી. જ્યારે આપણે ત્યાં તો ટી-ટ્વેન્ટીમાં યુવરાજે છ સિક્સર લગાવી અને એ વાત ખૂબ ગજવવામાં આવી. 

આવી રીતે એક ખેલાડીને મહત્ત્વ આપવાથી બને છે એવું કે ટીમમાં અંદરોઅંદર વિખવાદ જાગે છે. પટૌડી અને બોરડે, વાડેકર અને બેદી - વચ્ચેના નાનાં-મોટાં વિવાદો જાણીતા છે. એટલે સ્થિતિ એવી ઊભી થાય છે કે ટીમમાં અંદરોઅંદર સ્પર્ધા થાય છે, જ્યારે હકીકતમાં વિરોધી સાથે સ્પર્ધા ખેલવી જોઈએ. ઓપનિંગ બેટર પોતાની ટીમના બીજા ઓપનિંગ બેટર સાથે સ્પર્ધા કરતો નથી, બલ્કે વિરોધી ટીમના ઓપનર સાથે સ્પર્ધા કરવી જોઈએ. ટીમમાં અંદરોઅંદરની સ્પર્ધા ઘણી નુકસાનકારક બને છે. વેસ્ટ ઇંડિઝના ટીમમાં રિચાર્ડ્સના વિશ્વના ઉત્કૃષ્ટ બેટ્સમેન બ્રાયન લારા સાથેના વર્તને લારાના મનમાં ઘણી મનોમન ખટાશ જગાવી હતી. 

વળી સમય જતાં આ વિવાદ ટીમના ખેલાડીઓની વચ્ચે થાય છે. એક વાર આવા વિવાદમાં ફસાયેલી ભારતીય ટીમને ટેસ્ટમેચ પૂર્વે ત્રણ- ત્રણ સુકાનીઓ બદલવા પડયા હતા. આનું એક મોટું ઉદાહરણ પાકિસ્તાનની ટીમ છે કે જેના દરેક પરાજય વખતે ખેલાડીઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે. પોતાની અંગત સિદ્ધિઓ પર એમનું ધ્યાન કેન્દ્રિત હોય છે, પરિણામે એમનામાં જીતવાની એક સામૂહિક ઇચ્છાનો અભાવ હોય છે. 

આ સ્ટાર ખેલાડી જ ટીમને મેક અને બ્રેક કરે છે. દર્શકોને પણ સ્ટાર જોઈએ છીએ ખેલાડી નહીં. આ પરિસ્થિતિ આજે પરિવર્તન ચાહે છે. ભારતને માટે આવા સ્ટાર ખેલાડીઓની સ્થિતિ જોખમી એ માટે છે કે ભારતીય ક્રિકેટ બેટિંગ પર વિશેષ મદાર રાખે છે. એને પાંચ કે છ ઉત્કૃષ્ટ બેટ્સમેનોની વિજય માટે જરૂ૨ હોય છે, કારણ કે એની પાસે ચાર જેટલા ચુનંદા ગોલંદાજો હોતા નથી. આથી 'સ્ટાર' ખેલાડીના મહિમાની સાથે બીજા ખેલાડીઓની કામયાબીની ઉપેક્ષા થવી 

જોઈએ નહીં !

મનઝરૂખો 

ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી ફાહિયાન (જ. આશરે ઈ. ૩૩૭, અ. ઈ. ૪૨૨) ભારતના પ્રવાસે આવ્યા હતા એમના એ પ્રવાસ- વૃત્તાંતમાંથી ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિની વિગતો મળે છે. ફાહિયાને પોતાના પ્રવાસ-વર્ણનમાં લખ્યું છે કે ભારતમાં શાંતિ અને સમૃદ્ધિ જોવા મળી, લોકો સંતોષી હતા અને એમને ન્યાયકચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડતી. યાત્રા કરનારાઓને ચોરનો ભય ન હતો અને સર્વત્ર સુરાજ્યની પરિસ્થિતિ પ્રવર્તતી હતી. લોકો બહાર જાય, ત્યારે ઘર પર તાળું લગાડતા નહોતા. આવો ચીની પ્રવાસી ફાહિયાન એક વાર ફરતાં ફરતાં રાજદરબારમાં જઈ ચડયો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો. 

ફાહિયાનને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર સાથે ઝઘડતા હશે ? પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે આ બીજા ખેડૂતને એણે એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માગે છે, પણ હું એક વાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું?  રાજાએ બીજા ખેડૂતને પૂછયું, 'તમે તમારી વાત કરો.' 

એણે કહ્યું, 'અન્નદાતા, એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીદ્યું હતું; એ સિવાયની બાકીની ચીજો પર મારો કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.' ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાયકચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું.