- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
મા નવ લૈંગિકતા અને જોડી-બંધનની ઉત્ક્રાંતિ વૈજ્ઞાનિકો માટે લાંબા સમયથી એક રહસ્યમય વિષય રહ્યો છે. જાન્યુઆરી ૨૦૨૫માં નેચર હ્યુમન બિહેવિયરમાં પ્રકાશિત એક નવા અભ્યાસે દાયકાઓ જૂના સિદ્ધાંતોને પડકાર્યા છે. જે સૂચવે છે કે 'માનવ માદાઓમાં છુપાયેલ અંડોત્સર્ગ કદાચ પુરુષોને સંસાધનો સુરક્ષિત કરવા માટે નહીં, પરંતુ અન્ય સ્ત્રીઓ સાથેની સ્પર્ધામાંથી બચવા માટે વિકસ્યું હશે.' આ શોધ માનવ સમાગમ પ્રણાલી વિશેની આપણી સમજણમાં એક મહત્વપૂર્ણ પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે. મનુષ્યો એ થોડી પ્રજાતિઓમાંથી એક છે, જ્યાં સ્ત્રીઓની ફળદ્રુપતાના કોઈ સ્પષ્ટ શારીરિક સંકેતો મળતાં નથી. આ અનોખી લાક્ષણિકતા કેવી રીતે વિકસી? સાયકોલોજિકલ સાયન્સમાં ૨૦૨૫માં પ્રકાશિત એક સંશોધને દર્શાવ્યું છે કે 'જ્યારે સાથીની પસંદગી અને તેની પસંદીદા લાક્ષણિકતાઓ વંશપરંપરાગત હોય ત્યારે સમાન લક્ષણો ધરાવતા જોડાણ કુદરતી રીતે ઊભા થાય છે.' લોકો શા માટે પોતાના જેવા દેખાતા અને વિચારતા સાથીઓ પસંદ કરે છે? આ પ્રશ્નનો જવાબ સંશોધન આપે છે. મનુષ્ય માદાના છુપાયેલ અંડોત્સર્ગથી લઈને જોડી-બંધન, વ્યભિચારની જૈવિક પ્રેરણાઓ અને સાથીની પસંદગીના રહસ્યો સુધી કેવા પ્રેકારનું વિજ્ઞાન કામ કરે છે?
ડાર્વિનની છાયામાં પ્રેમ
મનુષ્ય નર અને માદા અન્યની હાજરી અને દ્રષ્ટિથી દૂર રહીને, ગુપ્ત અને ખાનગી સમાગમ કરવા માટેની પદ્ધતિ અને પસંદગી વિકસાવી લીધી. જીવવિજ્ઞાનીઓ પાસે આનું કારણ દર્શાવવાના અનેક સિદ્ધાંતો છે, પરંતુ તેઓ ત્રણ મુદ્દાઓ ઉપર વધારે ભાર મૂકે છે. પ્રથમ, છુપાયેલ અંડોત્સર્ગ અને સમાગમ, નરો વચ્ચે આક્રમકતા ઘટાડવા અને સહકાર વધારવા માટે વિકસિત થયા હશે. જો પુરુષોને ખબર જ નથી કે 'સ્ત્રી ક્યારે ફળદ્રુપ બને છે?' આ અધૂરી જાણકારી તેને હિંસક સ્પર્ધાથી દૂર રાખે છે. બીજું, ચોક્કસ યુગલો વચ્ચેના બંધનને સમાગમ અને અંડોત્સર્ગનાં ગુપ્ત લક્ષણો વધારે મજબૂત કરે છે. ત્રીજું, પુરુષો માત્ર સમાગમ પતાવીને ભાગી ન જાય અને કાયમી ધોરણે સ્ત્રી સાથે જોડાયેલ રહે, તે માટે ઉત્ક્રાંતિએ માદાની ગુપ્ત અંડોત્સર્ગ પ્રક્રિયા વિકસાવી હશે! માનો કે કોઈ પુરુષને ક્યારેય ખાતરી નથી કે 'તેની માદા સાથી ક્યારે ફળદ્રુપ બનશે? તો તેણે સતત તેની આસપાસ રહેવું પડે. જે બદલામાં માદાને વધુ વિશ્વાસ આપે છે કે 'તે જે બાળકોને જન્મ આપે છે, તે માત્ર તેના સાથી પુરુષના જ છે, અન્યનાં નથી. આ બધા વૈજ્ઞાનિક પરિબળો એક દિશામાં લઈ જાય છે.
એક પુરુષ અને સ્ત્રી, જે તેમના બાળકને જીવિત રાખવા માંગે છે. જે માટે બંને એ લાંબા સમય સુધી સહકાર આપવો જરૂરી બની જાય છે. સાથે સાથે તેમણે, તેમના જૂથમાં અન્ય યુગલો સાથે આર્થિક રીતે સહકાર આપવો પડે છે. નિયમિત લૈંગિક સંબંધો એક બંધન બનાવે છે. આ બંધન એક પ્રકારનો સામાજિક સિમેન્ટ છે. આપણી સેક્સ લાઇફ ખાનગી છે. પરંતુ આ પ્રણાલી કેટલી સંપૂર્ણ છે? સામે પક્ષે વાસ્તવિક માનવ વર્તન, આ સિદ્ધાંતને કેવી રીતે પડકારે છે? અલબત્ત, માનવ સમાગમ પ્રણાલી સંપૂર્ણ નથી. આપણે ગિબન્સ જેવી અલગ જોડીઓમાં જીવતાં નથી, પરંતુ સામાજિક જૂથોમાં રહીએ છીએ. જે ગિબન્સ જોડી-બંધન બનાવીને જીવે છે, તેઓ જોડી બંધનની બહાર જઈને સેક્સ સંબંધ બાંધતા નથી. આપણે જાણીએ છીએ કે 'મનુષ્ય ઘણીવાર લગ્નની બહારની લૈંગિક પ્રવૃત્તિ અથવા વ્યભિચાર કરે છે.' જે સામાન્ય રીતે અપેક્ષા ભંગ, પ્રણાલીભંગ, હૃદયભંગ કરનારી અને જીવન-આનંદ નષ્ટ કરનારી પ્રવૃત્તિ બની જાય છે.
ઇમેજ સર્ચ અલ્ગોરિધમનું રહસ્ય
માનવ લૈંગિકતા કોયડાનો અંતિમ ભાગ, સ્ત્રી પુરુષ વચ્ચેના આકર્ષણનું રહસ્ય સમજાવે છે. આપણે આપણા સાથીને કેવી રીતે પસંદ કરીએ છીએ? સંશોધનમાં એ વાત જાણવા મળી છે કે 'આપણી જૂની કહેવત 'વિરોધી તત્ત્વો એકબીજાને આકર્ષે છે' એ વાત મોટા ભાગે ખોટી ઠરે છે.' સરળ ભાષામાં કહીએ તો સરેરાશ માનવી, પોતાના જેવા જ લોકો સાથે લગ્ન બંધનથી જોડાઈ છે. જેના કારણે જીવનસાથીઓ વંશીય પૃભૂમિ, ધાર્મિક માન્યતાઓ, રાજકીય વિચારો, બુદ્ધિમત્તા અને વ્યક્તિત્વ લક્ષણોમાં સમાનતા જોવા મળે છે. હાલમાં આધુનિક પદ્ધતિથી પણ સંશોધન કરવામાં આવે તો, 'જીવનસાથીઓની પસંદગી કરતી વખતે લગભગ દરેક વ્યક્તિની કલ્પના મૂર્તિ, ભૌતિક લક્ષણમાં એકબીજાને મહદ અંશે મળતા આવે છે. આ માત્ર ઊંચાઈ, વજન અને આંખના રંગ માટે સાચું નથી, પરંતુ ડઝનેક સૂક્ષ્મ લક્ષણો માટે પણ સાચું છે. તેમાં ચહેરો, નાક, કાનની લંબાઈ, આંખો વચ્ચેનું અંતર અને ફેફસાની ક્ષમતા જેવી બાબતોનો પણ સમાવેશ થાય છે. આ લાક્ષણિકતાઓ પોલિશ, અમેરિકન અને આફ્રિકન જેવી વિવિધ વસ્તીમાં પણ જોવા મળી છે.
આવું શા માટે બને છે? આ પ્રશ્નનો જવાબ આપણા મનમાં ચાલતી 'ઇમેજ સર્ચ અલ્ગોરિધમમાં' માં રહેલો લાગે છે. બાળકના જન્મથી માંડીને છ સાત વર્ષની ઉંમરના સમય ગાળામાં જ, આપણા આદર્શ સાથીની માનસિક તસવીર બનવાની શરૂઆત થઇ જાય છે. આપણા માતાપિતા અને ભાઈ બહેનોનો પ્રભાવ આપણી પસંદગી ઉપર પણ પડે છે. આપણે આપણા જેવા દેખાતા લોકો પ્રત્યે આકર્ષિત થઈએ છીએ, કારણ કે તેઓ આપણને આપણા જ લોકોની યાદ અપાવે છે. જેમની સાથે આપણે આપણા, અડધા અડધા જનીનોની સમાનતા ધરાવતા હોઈએ છીએ. આમ છતાં સંશોધકો શોધે છે કે 'વ્યક્તિત્વ, બુદ્ધિમત્તા અને સહભાગી મૂલ્યો, જેવા પરિબળો આપણા જીવનસાથીની પસંદગી પર ભૌતિક દેખાવ કરતાં વધુ પ્રભાવ ધરાવે છે.' આંશિક રીતે આપણા ઉત્ક્રાંતિ વારસા દ્વારા, આપણી આકર્ષણની લાગણીઓ માત્ર સંચાલિત થાય છે.
મોરોક્કન સમ્રાટ અને આધુનિક માનવી
મનુષ્ય વ્યભિચાર પ્રવૃત્તિનાં પરિણામ જાણતો હોવા છતાં આ પ્રવૃત્તિ કરવા માટે શા માટે પ્રેરાય છે? આ વાતને સામાજિક દ્રષ્ટિ નહીં, પરંતુ વિજ્ઞાનના ઉત્ક્રાંતિના દ્રષ્ટિકોણથી જોવી જરૂરી છે. પ્રાચીન કાળમાં પ્રતિકૂળ સંજોગોમાં ટકી જવાની હરીફાઈમાં, એ વ્યક્તિ જ વિજેતા ગણાય છે. જે વધારે સંતાનો પોતાની પાછળ આવનારી પેઢી માટે મૂકી જાય છે. ડાર્વિનના પ્રાકૃતિક પસંદગીના નિયમોમાં પુરુષો અને સ્ત્રીઓ માટે, સંતાન ઉત્પન્ન કરવા માટે, સરળ ઓછી મહેનતનો પ્રયત્ન માત્ર સમાગમ છે. જેમાં તેને થોડો સમય અને થોડી શક્તિનું રોકાણ કરવું પડે છે. સામા પક્ષે આ સમાગમ સ્ત્રી માટે નવ મહિનાની ગર્ભાવસ્થા અનિવાર્ય બની જાય છે. ત્યારબાદ બે-એક વર્ષ સ્તનપાન કરાવવામાં જાય છે. સ્ત્રી માટે આ શક્તિ અને સમયનું મોટું રોકાણ છે.
આ જૈવિક તફાવતનો અર્થ મુખ્ય અર્થ એ છે કે 'એક પુરુષ સંભવિત રીતે સ્ત્રી કરતાં ઘણી વધુ સંતાન ઉત્પન્ન કરી શકે છે.' અત્યાર સુધીનો પુરુષ માટેનો બાળક પેદા કરવાનો સૌથી મોટો રેકોર્ડ ૮૮૮ બાળકોનો છે. જે રેકોર્ડ મોરોક્કન સમ્રાટ દ્વારા કરવામાં આવ્યો હતો. સ્ત્રી માટેનો સૌથી વધારે બાળકનાં રેકોર્ડનો આંકડો ૬૯ બાળકોનો છે. આ અસમતાનો અર્થ એ છે કે 'શુદ્ધ ઉત્ક્રાંતિના શબ્દોમાં એક પુરુષ સંભવિત રીતે વિવાહેતર સેક્સથી ઘણું વધારે મેળવી શકે છે.' સંશોધન સૂચવે છે કે 'સ્ત્રીઓનાં હેતુઓ ઘણીવાર અલગ હોય છે, જેમાં તેના લગ્નથી અસંતોષ અને નવાં સ્થાયી સંબંધ શોધવાની ઇચ્છા સામેલ છે.' પરંતુ આ કારણો ઉપરથી એવો અર્થ કરી શકાય કે 'વ્યભિચાર કુદરતી પ્રક્રિયા છે, સમાજે તેનો સ્વીકાર કરવો જોઈએ?'
બિલકુલ નહીં. આપણે આપણી ઉત્ક્રાંતિ લક્ષણોના ગુલામ નથી. બધી માનવ પ્રવૃત્તિનું લક્ષ્ય ઉત્ક્રાંતિની પ્રેરણા સુધી સીમિત કરી શકાતું નથી. આપણે અન્ય લક્ષ્યો પણ પસંદ કરીએ છીએ. ઉત્ક્રાંતિના આધુનિક જમાનામાં, સુખી લોકો નાનુ કુટુંબ અથવા કોઈ બાળકો ન રાખવાનું પસંદ કરે છે. ઘણા સમલિંગી બંધનો બનાવે છે, અથવા પરંપરાગત ભૂમિકાઓથી આગળ, આધુનિકતાના ચક્કરમાં નવી લિંગ ઓળખ આપવાનું વલણ ધરાવે છે.
જૈવિક ગુલામીથી નૈતિક સ્વતંત્રતા
આજે સ્ત્રી પુરુષ વચ્ચેના વફાદારીના પ્રશ્નો માત્ર જૈવિક નથી, એમાં નૈતિકતાનો ઉમેરો પણ થયો છે. અન્ય પ્રાણીઓની જેમ આપણે સજીવ સૃષ્ટિમાં ટકી જવા માટે, સ્પર્ધાને હરીફાઈ જીતવા માટે કેટલાક નવા લક્ષણો વિકસિત કર્યા હતાં. પરંતુ સાથે સાથે આપણે આપણા પોતાના જ અન્ય લક્ષ્ય પણ પસંદ કર્યા છે. જેમાં પ્રેમ, વફાદારી, સુખ અને અર્થ ઉપાર્જનના લક્ષ્યો પણ સામેલ થયેલ છે. મનુષ્ય પ્રજાતિ પોતાની જૈવિક પ્રેરણાથી સહેજ આગળ વધીને, પોતાના ભવિષ્યને કેવો આકાર આપવો, તેમની નિયતિ નક્કી કરવાની ક્ષમતા પણ વિકસાવી ચૂકી છે. પરંતુ મનુષ્ય પોતે જ પોતાની પસંદગી અને મૂલ્યો નક્કી કરે છે. આ કામ પ્રાણીઓ કરી શકતા નથી. સરળ ભાષામાં કહીએ તો આપણે માત્ર સામાજિક પ્રાણી કે સાંસ્કૃતિક જીવ નથી. આપણે આ બંને તત્વનું સંયોજન છીએ.જે આધુનિક માનવીય લક્ષણ છે. ઉત્ક્રાંતિનો ઇતિહાસ આપણા જૈવિક વર્તનને આકાર આપે છે, પરંતુ મનુષ્ય પોતે જ પોતાની પસંદગી અને નૈતિક મૂલ્યો નક્કી કરે છે.
આધુનિક સમયમાં, જ્યારે આપણે સંબંધો, લગ્ન અને કુટુંબ વિશે વિવિધ દ્રષ્ટિકોણો અપનાવતા થઈ ગયા છીએ ત્યારે, આધુનિક સંશોધન આપણને યાદ અપાવે છે કે માનવ સમાજનું ઉત્ક્રાંતિ એક લાંબી યાત્રાનું પરિણામ છે. આપણા પૂર્વજોએ બાળકોને ખવડાવવા, શીખવવા અને રક્ષણ આપવા માટે કરેલ સંઘર્ષ દ્વારા આજની આધુનિક સામાજિક રચનાઓને અને મનુષ્યની સેક્સ લાઈફને આકાર આપ્યો છે. આધુનિક સમયના વિકસતા વિચારોની દુનિયામાં, આપણને કેટલાક નવા પ્રશ્નો પણ હવે સતાવશે: ૧. શું આવનારા સમયમાં માનવ લૈંગિકતા અને પરિવાર રચનામાં, લગ્નને તે સંબંધો અને લિવ ઇન રિલેશન જેવા નવા વિચારોનું વૈવિધ્ય જોવા મળશે? સમાજ તેને કેવી રીતે સ્વીકારશે?
૨. શું મનુષ્ય પોતાની પ્રાકૃતિક વ્યભિચાર વૃત્તિઓને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકશે કે નકારી કાઢશે?
૩. આધુનિક ટેક્નોલોજી અને બદલાતા સામાજિક ધોરણો, માનવ સંબંધોને આગામી પેઢીઓમાં કેવી રીતે પુન:નિર્ધારિત કરશે ?


