- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- આજના ઈરાનની સ્ત્રી સ્વાતંત્ર્ય વિરોધી મઝહબી પુરુષપ્રધાન હકૂમતને સંભળાવવા જેવી એના જ પાડોશની કેટ્સ વર્સીસ ડોગ્સની કમાલ કહાની ગુજરાતીમાં વાંચો !
અ રબસ્તાનના બસરા શહેરની એક જમાનાની વાત છે. એક હતો કાજી (મેજીસ્ટ્રેટ), એક હતો વજીર (મિનિસ્ટર) અને એક હતો કોટવાળ (પોલિસ કમિશનર). એક મહેફિલ (પાર્ટી)માં ત્રણે દોસ્તો ભેગા થઇને ગપ્પા મારતાં હતાં.
વાત વાતમાં કાજીએ કહ્યું : 'સ્ત્રી પાસે અક્કલ હોતી જ નથી, પુરૂષ પાસેથી કંઇ અક્કલ ઉછીની લે, ત્યારે જ એનું ગાડું ગબડે છે.' વજીરે તરત વાતમાં સંમતિસૂચક ટાપશી પૂરી : 'તે ય એને ઉછીની લેતાં આવડતું નથી.' કોટવાલ કંઇ ચુપ રહે? એ કહે: 'ઉછીની લે તો પણ એ વાપરતાં સ્ત્રીને આવડે નહિ!'
ત્રણે મહાપુરૂષોની પત્નીઓ ત્યાં હાજર. જાણે વીંછીએ ચટકો ભર્યો હોય, એમ ત્રણેએ ચોંકીને એકબીજા સામે જોયું.
પહેલાં કાજીની પત્ની બોલી: 'પુરૂષને આંખો જ કયાં હોય છે, કે એ સ્ત્રીની અક્કલને દેખી શકે. અરે, પુરૂષ તો પોતાની સ્ત્રી સામે આવીને ્ઊભી રહે, તો યે એને ઓળખી શકે નહિ એવો બુદ્ધુ હોય છે.' હવે વજીરપત્નીનો વારો આવ્યો : 'પુરૂષમાં તત્કાળ નિર્ણય કરીને કોઇ પગલું ભરવાની શકિત જ હોતી નથી. એ શકિત એણે સ્ત્રીની પાસેથી મેળવવી પડે છે!' છેલ્લે કોટવાલની પત્નીએ કહ્યું : 'ગમે તેવો તીસમારખાં પુરૂષ પણ વિપત્તિવેળાએ ઢીલોઢસ થઇ જાય છે. એને રોતાં ય આવડતું નથી. મોં સંતાડીને પડી રહે છે!'
ત્રણે પતિદેવોના મનમાં ખટાશ આવી ગઇ, એમણે પડકારો કર્યો, 'સાબિત કરી આપો, નહિ તો નાકલીટી તાણો!' શરત કબૂલ થઇ. તંગ માહોલમાં મિજલસ વિખેરાઇ ગઇ.
આ વાતને કેટલાક દિવસ થયા. પુરૂષો તો એ ભૂલી ગયા. પણ સ્ત્રીઓ કંઇ પોતાનું અપમાન એમ ભૂલે?
***
કાજીની પત્નીએ પોતાની એક વિશ્વાસુ સહેલી અમીનાને બોલાવી. બાજુનું એક ઘર ભાડે રાખી, એમાંથી પોતાના ઘરમાં અવાય એવું બારણું કરાવ્યું. અમીનાને કંઇક સમજાવ્યા પછી રવાના કરી દીધી. કાજીસાહેબને તો કંઇ પત્નીની સખીઓની બહુ ઓળખાણ-પિછાણ હતી નહિ. અમીના બાજુના મકાનમાં એક પરદેશી શાહસોદાગરનો વેશ લઇને રહેવા જ આવી ગઇ!
એક દિવસ કાજી પાસે એનું આમંત્રણ પહોંચ્યું. કાજીને નવાઇ લાગી કે પાડોશમાં કોઇ મને ઓળખે છે, પણ હું ઓળખતો નથી? પણ પુરૂષોને ભાગ્યે જ પોતાની શેરીમાં ય કોણ રહે છે, તેની પડી હોય છે. સોદાગરે આગતાસ્વાગતા કરીને કાજીને કહ્યું 'સાત વરસથી હું બહાર હતો. પરદેશથી એક કન્યાના પ્રેમમાં પડીને તેને લઇ આવ્યો છું. આપ અમારી શાદી કરાવી દો.'
કાજીએ ખુશીથી હા પાડી. એટલે સોદાગર બાજુના કમરામાંથી એક યુવતીને બોલાવી લાવ્યા. કાજી ચોંક્યો! યુવતીનો ચહેરો, ઘાટ અદ્દલ એમની બીબી જેવો જ! કાજીને થયું, 'ખુદા બડો કરામતી છે. એક જ દેખાવની બે છોકરીઓ ઘડી કાઢી!'
પણ વળી કન્યા સામે જોઇને એમને શક થયો. 'છે તો મારી જ પત્ની. પણ એ તો ઘેર છે ! કે પછી અહીં ભાગી જવાની તૈયારીમાં હોય એવી નાલાયક છે?' કાજીનું મન એવા ગુંચવાડે ચડયું કે એમણે ઝટ ચાલતી પકડી. સોદાગર કહે, 'અરે, શાદી કરાવવાની છે.' કાજી કહે : 'અરે, એ વખતે બોલવાની ચોપડી ઘેર ભૂલી ગયો છું, એ લેતો આવું.'
કાજી ફટાફટ દોડીને ઘેર પહોંચ્યો. કાજીની પત્ની તો છૂપા રસ્તેથી તરત જ પહોંચીને પલંગમાં રજાઇ ઓઢીને સૂઇ ગઇ. કાજીને દાસીએ કહ્યું, બીબીજીએ આરામમાં ખલેલ પહોંચાડવાની ના પાડી છે, પણ કાજીએ બુમાબુમ કરી ઉપાડો લીધો. અંદર પહોંચીને પત્નીને જોતાં શરમાઇ ગયો. પોતાનાથી કેમ બુરો વિચાર થયો એમ માનીને જાતને કોસવા લાગ્યો. પત્નીએ વળી ધમકાવ્યા, 'શું નોકરચાકર દેખતાં ધાંધલ કરો છો, કંઇ અક્કલ બળી છે કે નહિ!'
બીતાં બીતાં બહાર નીકળેલો કાજી ફરી પાડોશમાં પેલા સોદાગર (અમીના)ના ઘેર પહોંચ્યો. એમની પત્ની તો ત્યાં અગાઉ જ પહોંચી ગયેલી. વળી કાજી એને જોઇને વિચારે ચડયો. ત્યાં તો સોદાગરે કહ્યું 'શું અવઢવમાં છો, ઝટ શાદી કરાવોને. તમને લો આ સોનામહોરો આપું!'
સોનામહોરો જોઇને કાજીનું મન તરત શાંત થયું. નક્કી બીજી ઓરત છે, એમ માની એમણે નિકાહની તૈયારી શરૂ કરી. પણ વળી કન્યાના ડાબા ગાલે તલ દેખાતાં એને આંચકો લાગ્યો, કારણ કે એમની પત્નીના ડાબા ગાલેય તલ હતો! અસ્વસ્થ બનેલા કાજીને જોઇને સોદાગર કહે 'પૂરૃં કરો'. કાજી કહે 'અરે, શાદી બહુ ગંભીર બાબત છે' હવે કન્યા બોલી, 'હા, હું જાણું છું ને. ગંભીરતાથી વિચારીને જ આ નિર્ણય લીધો છે!'
એનો અવાજ સાંભળીને તો કાજીને ખાતરી થઇ ગઇ કે આ મારી જ પત્ની છે, પણ કશું કહેવું તો કેમ? વળી મારા જ ઘરનું પાણી પીવાનો નિયમ છે, કહેતો ઘેર ભાગ્યો!
પહેલેથી ત્યાં મોજૂદ થઇ ચૂકેલી પત્નીને જોઇને કાજી અવાચક બની ગયો. પત્નીએ એમને ધમકાવ્યાં, 'આ શું ડાગળી ચસકી ગઇ છે કે આમ આવ-જાવ કરી મારી સામે જોયા કરો છો? જરા ખૈરાત કરો.' કાજીએ ચુપચાપ દાનના રૂપિયા આપ્યા, પાછો ભાગ્યો. ત્યાં વળી કન્યાને જોઇ ગુંચવાડે ચડયો. આ વખતે ગળાના ઘરેણાં પર ધ્યાન ગયું. પોતે જ ઘડાવેલી હાંસડી! કાજી કાંઇ બોલે, એ પહેલાં પેલા સોદાગરે એને ખખડાવી નાખ્યો, 'શું મારી ઔરતને ટીકી ટીકીને જુઓ છો? રોકડા ચૂકવ્યા છે, શાદી કરાવો, નહિ તો-'
કાજી મુંઝાયો. એને કંઇ સૂઝયું નહિ. ચૂપચાપ વિધિ પતાવી ઘેર આવી, પત્નીને પોઢેલી જોઇને સૂઇ ગયો!
***
વજીરની પત્નીએ પોતાની દાસી ફાતિમાને તૈયાર કરી. એને ખેલ સમજાવી બીજે દિવસે વજીરને કહ્યું 'ગઇકાલે મને એક નવી બહેનપણી મળી છે. હું એને ઘેર બોલાવીને સરસ આગતા-સ્વાગત કરવા માંગું છું.' વજીર કહે, 'બહુ સરસ'. વજીર બહાર ગયો અને બુરખો પહેરીને એક સ્ત્રી આવી. બુરખો ઉતાર્યો તો એક જુવાન હતો. વજીરની પત્ની કહે, 'અરે, તને જોઇને મને બહુ આનંદ થયો.' પછી એણે મિજબાની માટે ખાણીપીણી મંગાવી. એ સામગ્રી લઈને આવનાર નોકરાણી ચોંકી ઉઠી કે બીબીજી તો કોઈ જુવાન સાથે કમરામાં છે. વજીરની સ્પષ્ટ સૂચના હતી કે કોઈ પુરૂષે એની ગેરહાજરીમાં ઘેર આવવું નહિ. નોકરાણીએ વજીરને ખબર આપ્યા. વજીર ઝટ ઘેર દોડયો.
દૂરથી એને આવતો જોઈને એની પત્નીએ જુવાનના વેશમાં આવેલી ફાતિમાને કહ્યું : 'ઝટ તારા પુરૂષના કપડા કાઢીને પેટીમાં સંતાઈ જા.' ત્યાં તો ધુંઆફુઆ થતો વજીર આવ્યો, 'કોણ અજાણ્યો મરદ મારી ગેરહાજરીમાં આવ્યો છે,
સાચું બોલ!'
પત્ની કહે, 'સાચું જ કહીશ. મારા પિયરના ગામનો એક જુવાન ઘણા વખતથી મારું ગાયનવાદન સાંભળવા આતુર હતો, તો થયું કે જરા બોલાવીને એનું દિલ બહેલાવું!' આટલું સાંભળીને ક્રોધથી વજીરે ત્રાડ નાખી 'દુષ્ટ! બેવફા!' ત્યાં તો એની સ્ત્રી જોરથી હસી પડી! 'અરે મારા ખાવિંદ! હું તો મશ્કરી કરું છું. એવું હોય તો કોઈને સરાજાહેર ઘેર બોલાવી આમ તમારી સામે ખુલ્લેઆમ ઉભી રહું? જુઓ, છે કોઈ અહીં ઓરડામાં?'
અકળાયેલો વજીર ગૂંચવાયો. દોડીને એણે જોયું તો કોઈ દેખાયું નહિ. રાહતનો શ્વાસ લે, ત્યાં એને વચ્ચે જ કોઈ પુરૂષના કપડા પડેલા દેખાયા. ફરી એનો પારો તપ્યો, 'આ કપડાં કોનાં છે?' એની પત્ની આંખો નચાવીને કહે, 'એ છોકરાના છે, વળી?' વજીર બરાડયો 'ક્યાં ગયો એ હરામખોર?' એની પત્ની કહે, 'ક્યાંય નથી ગયો, આ પેટીમાં છે, ઉઘાડીને જાતે જ જોઈ લો ને!' કહીને ઠંડે કલેજે એણે વજીરને ચાવી આપી. વજીરને શું કહેવું એ સમજાયું નહિ. ત્યાં તો એની પત્ની જોર જોરથી હસવા લાગી. 'મોટા વજીર થયા છો ને આટલી મજાક પણ સહન થતી નથી... હા.. હા.. હા!'
વજીરને થયું, હવે જો પેટી ઉઘાડીશ તો મારી ફજેતી થશે, અને ખોટી શંકાઓ માટે પત્ની આખી જીંદગી મહેણા મારશે એટલે છોભીલો પડી ચાવીનો ઘા કરી ચૂપચાપ ચાલ્યો ગયો!
***
કોટવાલની પત્નીએ ઘરના વફાદાર દરવાનને વિશ્વાસમાં લીધો. કોટવાલના તેજતીખા સ્વભાવ સામે એનામાં ઘણી સ્ત્રીસહજ સ્નેહ અને મૃદુતા હોઈને એની વાત બધા ઝટ માની જતા. પહેલાં તો કોટવાલની પત્નીએ કોટવાલના નામે દમદાટી આપીને શહેરની એક મસ્જીદ પાસે પડયા રહેતા એક મુફલિસ ફકીરને ભગાડી દીધો. એના કપડાં મંગાવી લીધા. એ ફકીરના મૂછ-દાઢી લાલ રંગે રંગેલા હતા. માથે વાળ પણ ઓછા હતા.
કોટવાલ ઘેર આવ્યો એટલે પત્નીએ એને બહુ ભાવતો સોનેરી પુલાવ ખવડાવ્યો. કોટવાલ તો ખુશ થઈને પત્ની ખાય છે કે નહિ એ જોયા વિના જ તૂટી પડયો. પુલાવમાં ઘેનની દવા હતી.
ગાઢ ઉંઘમાં પડેલા કોટવાલના વાળ ઘણા કાપી નાખ્યા. દાઢી-મૂછ લાલ રંગે રંગી દીધા. ફકીરના કપડાં પહેરાવી દીધા અને પેલા કોટવાલનો પગારદાર પણ પોતાની કાળજી વધુ રાખનાર દરવાનને કહ્યું, 'હવે આમને પેલા ફકીરની જગ્યાએ સૂવાડી આવ!'
સવારમાં કોટવાલે ઊંઘમાં જ હુકમ કર્યો 'પાણી લાવ!' પણ જાહેર જગ્યાએ કોણ સાંભળે? બાજુમાં સૂતેલા મુફલિસોએ કહ્યું 'એઈ, છાનોમાનો પડી રહે!' કોટવાલ ચોંક્યો. તેણે જોર કરીને આંખો ઉઘાડી, જોયું તો આભો બની ગયો. બહાવરો બનીને ઘેર દોડયો, ઘેર દરવાને રોકયો 'અબે, કોને પૂછીને અંદર આવ્યો છે?' કોટવાલ કહે 'ચૂપ! તું કોણ મને રોકનાર? હટ ! ' દરવાન કહે, 'બદમાશો ફકીરના વેશ લઈને ઘૂસણખોરી કરે છે!' કહીને બરડા પર જોરથી લાકડી ઝીંકી! પછી તો કોટવાલની પત્નીએ પણ બૂમાબૂમ કરી. પાડોશીઓએ આવીને કોટવાલને ઢીબવાનું ચાલુ કર્યું. કોટવાલને કશું સમજાયું નહિ. પત્ની જ ઓળખે નહિ તો બીજાને શું કહેવું. એ જીવ બચાવવા નાઠો. લોકો પાછળ દોડયા. એ ફરી મસ્જીદમાં સંતાઈ ગયો. એની પત્નીએ મહોલ્લામાં કહ્યું, 'સારૃં થયું તમે આવ્યા. મારા પતિ બિચારા ખૂબ માંદા છે. ઊભા થઈ શકે તેમ નથી!'
કોટવાલ તો આ ગજબ તમાશાથી સ્તબ્ધ થઈને આખો દિવસ મસ્જીદમાં જ ભરાઈ રહ્યો. ખૈરાતમાંથી થોડું ખાવાનું મળ્યું, એ જેમતેમ ભિખારીઓ સાથે ખાઈ લીધું. એને ખુદને જ કશું સમજાતું નહોતું, તો બીજા કોઈને શું કહે? આવા તો ઘણા ફકીરો ત્યાં હતા, એટલે કોઈ એને કશું પૂછતું ય નહોતું. ઉદાસી અને ચિંતામાં રાત્રે ભૂખ્યો જ સૂઈ ગયો. ફરી ઘેર જવાની હિંમત રહી નહોતી.
કોટવાલ પત્નીએ દરવાનને મોકલીને એને ખાવાનું પહોંચાડયું. માંડ ઘર જેવું ખાવાનું મળતાં મોટા કોળિયા ભરતો કોટવાલ વળી ઘેનની દવાની અસરમાં સૂઈ ગયો. સૂચના મુજબ દરવાન એને ઘેર લઈ આવ્યો. દાઢી - મૂછનો રંગ ધોઈ નાખવામાં આવ્યો. કપડાં બદલાઈ ગયા. કલાકો પછી તેની ઉંઘ ઉડી કે પત્ની કહે, 'આ હું પુલાવ પૂરો જમાડું, એ પહેલાં શું આમ આખો દહાડો ઉંઘતા રહ્યા? બહુ જમાઈ ગયું કે? કોની ઘેર જમીને આવ્યા હતા?'
આંખો ચોળતો કોટવાલ કહે, 'અરે, હું તો મસ્જીદમાં... ફકીર... અહીં આવ્યો...' પત્ની બોલી, 'બહુ ઘેન ચડયું, તે સપનું જોયું લાગે છે! એવું ભયાનક સપનું કે તમારા માથાના વાળ પણ ખરી પડયા છે!'
કોટવાલે માથે હાથ ફેરવ્યો તો વાળ ખરેખર ઓછા હતા!
***
ફરી એક જલસામાં બધા ભેગા થયા. શરતની વાત યાદ આવી અને પત્નીઓએ રહસ્ય છતું કર્યું! કોટવાલની પત્ની કહે,' કોટવાલ જેવા બહાદૂર પણ આફતમાં ઢીલાઢફ થઈ મોં સંતાડી પડી રહે છે. એને રોતા ય નથી આવડતું!' વજીરની પત્ની કહે 'પુરૂષના કપડાં નજર સામે જોયા, મેં પોતે ચાવી આપી પણ આ અક્કલવાળા વજીરજી તત્કાળ નિર્ણય ન લઈ શકયા કે શું કરવું? ગમ્મત છે કે હકીકત, તેનો વિચાર જ કરતા રહી ગયા!' કાજીની પત્ની હસીને કહે, 'પોતાની સાત વરસથી પરણેતરને બીજા સાથે પરણાવી દીધી, ત્યારે અમને ઉછીની અક્કલ આપવા નીકળેલાની ખુદની અક્કલ કયાં ઘાસ ચરવા ગઈ હતી? હું કહું છું, પુરૂષને આંખો જ કયાં હોય છે કે એ સ્ત્રીની અક્કલ અને મનને જોઈ શકે!'
સન્નાટો છવાઈ ગયો. ત્યાં એકી અવાજે કાજી, વજીર, કોટવાલ બોલી ઉઠયા, 'હું જોઈ શકું છું. મારે આંખો છે!' સ્ત્રીઓએ એકી અવાજે પૂછયું 'કયાં છે એ આંખો?' અને ત્રણે પુરૂષોએ પોતપોતાની સ્ત્રી સામે હાથ ચીંધીને કહ્યું 'આ રહી!' ને ગુંજ્યું મુકત હાસ્ય!
***
રીડરબિરાદર, આ અચાનક શું વાર્તા માંડી છે એ રહસ્યનો પડદો પણ હટાવી દઈએ. ઈરાકની એક લોકકથાના બીજ પરથી રચાયેલી આ રંગીલી વાર્તા નામે 'આંખો' સ્વ. રમણલાલ સોનીની છે. જો એ જીવતા હોત, તો આજે ૨૫ જાન્યુઆરીએ ૧૧૭ વર્ષના હોત! સોનીદાદા વિશે ખૂબ લખ્યું છે પણ આજે અંજલિ આપવા થયું કે ચાલો, 'બાળવાર્તા'ની ઈમેજમાં કેદ થયેલા આ લાખેણા લેખકની કલમનો (અલબત્ત જરાતરા એડિટિંગ સાથેનો) સ્વાદ ચખાડીને જ એમને હેપી બર્થ ડે ટુ યુ કહીએ! કેકના વર્ણન કરવા કરતાં એક ટુકડો ખાઈ લેવામાં લિજ્જત છે ને!
એક્ચ્યુઅલી, આ કથા પણ રિવિઝન છે, હવે બદલાઈ ગયેલી જેનઝી માટે. ગુજરાતીમાં ૪૦૦થી વાર્તાઓ લખી ગયેલા, ટારઝન અને શેરલોક હોમ્સને પોણી સદી અગાઉ ગુજરાતીમાં ઉતારી ચુકેલા, જર્મનીના ગ્રીમ બ્રધર્સથી લઈને ડેન્માર્કના હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસન સુધીની પરીકથાઓ દાયકાઓ પહેલા ગુજરાતી વાચકો માટે લઇ આવનાર રમણલાલ સોનીએ આજે જેની ફિલ્મો કે વેબ સિરીઝ રિલીઝ થાય છે એવી પરદેશી કૃતિઓ કિંગ સોલોમન્સ માઈન્સ, ફ્રેન્કેન્સ્ટાઇન, સેલ્ફિશ જાયન્ટ, ધ વન્ડરફૂલ વિઝાર્ડ ઓફ ઓઝ, મેજિક ગ્રાઉડ વગેરેનું ગુજરાતીકરણ કરનાર સોનીદાદા એક સમયના શિક્ષક અને મોડાસા પંથકનાં મૂલ્યનિષ્ઠ ધારાસભ્ય. આજીવન ગાંધીમૂલ્યોને વરીને શ્વેત ખાદી જેવું શુદ્ધ અને પ્રામાણિક જીવ્યા. પરિવારમાં સંસ્કારસિંચન કર્યું.
પણ એ પરદેશથી જે કૃતિઓ લઇ આવેલા એ દેશો જર્મની, ડેન્માર્ક, અમેરિકા કે બ્રિટન એમના સાહિત્યકારોને યાદ રાખવા માટે જે કરે છે એ 'વેસ્ટર્ન કલ્ચર'નું આકર્ષણ આપણને કદી ના થયું! એક બાળસાહિત્યકાર હાન્સ એન્ડરસનની આઠ ફિટ ઉંચી પ્રતિમા ડેન્માર્કની મધ્યમાં ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન સામે ટટ્ટાર ઉભી છે. પણ જ્યાં અંતિમ શ્વાસ લીધા એ અમદાવાદમાં રમણલાલ સોનીના નામનો હોલ પણ નથી! પણ જે વાર્તાઓનો વારસો આપી ગયા એ ઇમારતો કરતા વધુ અમર બને એટલે વખતોવખત આમ ધૂળ ખંખેરી શગને સંકોરવી પડે છે, જેથી દીવડો બુઝાઈ ના જાય!
ફાસ્ટ ફોરવર્ડ
સ્ત્રી આમરણાંત સ્ત્રી જ રહે છે, પણ પુરૂષ સ્ત્રીની પાછળ પાગલ થાય, ત્યાં સુધી જ પુરૂષ રહે છે!


