Get The App

એન્ટી એજિંગ દવાઓનું ગ્લોબલ માર્કેટ 90 હજાર કરોડ રૂપિયા

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
એન્ટી એજિંગ દવાઓનું ગ્લોબલ માર્કેટ 90 હજાર કરોડ રૂપિયા 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- એન્ટી એજિંગના માર્કેટમાં આગામી વર્ષોમાં ૮.૫%ના દરે વૃદ્ધિ થવાની છે. યુવાન રહેવાનો ક્રેઝ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે 

'જ વાની' જવાની જ છે એ ખબર હોવા છતાં એને જવા ન દેવાના પ્રયાસો સેંકડો વર્ષોથી થાય છે. યુવાન દેખાવાની ખ્વાહિશ આજકાલની નથી. જડીબુટ્ટીના ઉપયોગથી લઈને પ્રાચીનકાળમાં લોકો ખાસ પ્રકારે સ્નાન કરવા સુધીની તરકીબો અજમાવતા હતા. અમુક વૃક્ષની છાલ ચામડી પર લગાવવામાં આવતી. ખાસ માટીનો લેપ થતો. આજેય મુલતાની માટી, ચંદનનો લેપ ઘણાં કારણોથી થાય છે અને એમાંનું એક કારણ ચહેરા પર કરચલી પડતી રોકવાનું પણ ખરું. ગુલાબ જળ, મધ વગેરેનો ઉપયોગ એશિયા-યુરોપમાં સદીઓથી વધતી ઉંમર અટકાવવા માટે થાય છે.

ઘણી તરકીબ તો આજે અચરજ પમાડે એવી છે. પ્રાણીઓના રક્તમાં સ્નાન કરવાથી ચહેરા પર કરચલી પડતી નથી એવી માન્યતા હતી. ઇતિહાસકારો નોંધે છે એમ પ્રાચીનકાળમાં રાણીઓ આવી રીતે સ્નાન કરીને યુવાન રહેવાની મથામણ કરતી હતી. ઈજિપ્તની સૌથી ચર્ચાસ્પદ રાણી ક્લિઓપેટ્રા યુવાન રહેવા ભાત ભાતના પ્રયાસો કરતી હતી એમ કહેવાય છે. સુંદરતા માટે જાણીતી આ રાણી મગરના મળનો પાવડર બનાવીને મોં પર લગાવતી હતી! ક્લિઓપેટ્રા માટે તો ત્યાં સુધી દાવા થાય છે કે તે યુવાન રહેવા માટે કુંવારી યુવતીઓના રક્તથી સ્નાન કરતી હતી.

બ્રિટનમાં એલિઝાબેથ-પ્રથમનું રાજ હતું તે વખતે રાણી એલિઝાબેથ અને તેમની સહેલીઓ યુવાન દેખાવા માટે કાચું માંસ ચહેરા પર ઘસતી હતી એમ કહેવાય છે. ૧૮મી સદી સુધી આખા યુરોપમાં એ ટેકનિક મહિલાઓમાં ઘણી જાણીતી હતી. ઈજિપ્ત, ભારત, ચીન, મેસોપેટોમિયા જેવી પ્રાચીન સંસ્કૃતિઓમાં ધનવાન લોકો યુવાન રહેવા માટે જાત-ભાતના પ્રયાસો કરતા હતા.

ભારતના પ્રાચીન ગ્રંથોમાં વધતી ઉંમર રોકવા માટે આયુર્વેદિક ઉપાયો આપવામાં આવ્યા હતા. ભારતીયો યોગ અને પ્રાણાયામથી ઉંમરની વધતી અસર ઘટાડતા હતા. ફળો, દૂધ મધનું પ્રવાહી બનાવીને કલાકો સુધી સ્નાન કરવાનો ઉપાય ભારતમાં રાણીઓ કરતી હતી. યુવાન અને ફિટ રહેવા રાજાઓ અને ઉમરાવો તેલ માલિશ કરાવતા હતા.

ટૂંકમાં, વધતી ઉંમર અટકાવવાની ઘેલછા સદીઓ જૂની છે. એમાંની યોગ, જડીબુટ્ટી, કસરતો જેવી ઘણી તરકીબો ફિટનેસ માટે કારગત પણ નીવડી, તો ઘણા પ્રયોગો માત્ર તુક્કા સાબિત થયા હતા. ઉંમર રોકવાના વૈજ્ઞાનિક પ્રયોગો વીતેલી સદીની શરૂઆતમાં થયા અને પછી મોડર્ન મેડિસિનમાં એન્ટી એજિંગ દવાઓની શોધ પછી હવે ૨૧મી સદીના ત્રીજા દાયકામાં તો ગ્લોબલ માર્કેટ રોકેટની ગતિએ આગળ વધી રહ્યું છે.

***

૧૯મી સદીમાં ફ્રાન્સના સંશોધક ક્લાઉડ બર્નાર્ડે તારણ આપ્યું કે મેટાબોલિક ચેન્જને યુવાની સાથે સંબંધ છે. જો એ ફેરફાર ધીમો પાડી શકાય તો વધતી ઉંમરની ઝડપ કાબૂમાં આવી શકે. ૧૮૮૯માં ફ્રાન્સના જ વૈજ્ઞાનિક ચાર્લ્સ એડવર્ડ બ્રાઉન-સેક્વાર્ડે હોર્મોન પર પ્રયોગો કર્યા હતા. આ સંશોધકે તો પોતાના પર જ હોર્મોન થેરપી કરી હતી, જેને પહેલી હોર્મોનલ ટ્રીટમેંટ ગણવામાં આવે છે. ત્યારબાદ અમેરિકન વિજ્ઞાની ડેનહામ હાર્મને કહ્યું કે કોષોને નુકસાન થાય છે તેના પરિણામે વૃદ્ધત્વ આવે છે. અમેરિકાના જ ડો વોલફોર્ડ નામના સંશોધકે કેલરીનો સંબંધ વધતી ઉંમર સાથે જોડયો. 

આવા સંશોધનો અને તારણો પરથી ૨૦મી સદીના બીજા-ત્રીજા દશકાથી યુવાન દેખાવા માટે દવા શોધવાના છૂટા-છવાયા પ્રયોગો શરૂ થયા હતા. મોટું પરિવર્તન આવ્યું ડીએનએની ઓળખ થયા પછી. જેમ જેમ માનવશરીરની આંતરિક રચનાનો ખ્યાલ આવતો ગયો તેમ તેમ એન્ટી એજિંગની દવાઓ, પ્રોડક્ટ પર અનેક પરીક્ષણો થવા માંડયા. યુવાન દેખાડતી ફેસક્રીમથી માંડીને સર્જરી કરવા સુધીના વિકલ્પો આવ્યાં. 

૧૯૯૦માં પહેલી વખત ગ્રોથ હોર્મોનલ થેરપી થઈ. એમાં જણાયું કે એ થેરપીમાં હોર્મોનલમાં ફેરફાર કરી શકાય છે અને તેનાથી ઉંમરની સાઈકલ ધીમી પડી જાય છે. એ પછી સ્કાયટ્રોફા નામની દવાથી ઉંમરને અટકાવવામાં સફળતા મળી. ૧૯૯૦થી ૨૦૦૦નો દશકો બોટોક્સ અને ફિલર્સનો યુગ કહેવાયો. આ સમયગાળો એન્ટી એજિંગ સારવારમાં ટર્નિંગ પોઇન્ટ હતો. બોટયુલિનમ ટોક્સિન (બોટોક્સ)ને કરચલીઓ ઘટાડવા માટે મંજૂરી મળી. તે ક્લોસ્ટ્રિડિયમ બોટયુલિનમ બેક્ટેરિયાથી ઉત્પન્ન થતું શક્તિશાળી ન્યુરોટોક્સિક પ્રોટીન છે, જે સ્નાયુઓનું સંકોચન અટકાવે છે. તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે. હાયાલ્યુરોનિક એસિડ આધારિત ડર્મલ ફિલર્સ લોકપ્રિય બન્યા. પરિણામે એન્ટી એજિંગ ક્લિનિક આધારિત ઉદ્યોગ બનવા લાગ્યો.

પછી તો આવી મોંઘી દવાઓ માર્કેટમાં આવવા માંડી. જે હોર્મોનલ ચેન્જ પર કામ કરતી હોવાથી ચહેરા પર કરચલીઓ દેખાતી નથી. ઉંમર ૪૦-૪૫ની હોય છતાં દેખાય ૨૫-૩૦ની. ચામડી યુવાનો જેવી ચળકતી રહેતી હોવાથી આવી દવાઓનો ક્રેઝ ગ્લેમર વર્લ્ડમાં ખાસ વધવા માંડયો. એ દવાઓ અને ટ્રીટમેંટ ખૂબ મોંઘી હોવાથી દરેકને પરવડે તેમ ન હતી, તેથી તેનો ઉપયોગ મર્યાદિત હતો. 

પરંતુ થોડા વર્ષોથી ઉંમર અટકાવી શકાય તેવી ક્રીમ, દવાઓ મેઇન સ્ટ્રીમ થવા માંડી છે. એક તરફ અનેક કોસ્મેટિક પ્રોડક્ટમાં યુવાન દેખાવાનો દાવો થાય છે ને માર્કેટમાં એવી ક્રીમ છૂટથી વેચાય છે. બીજી તરફ ડોક્ટર્સની સલાહ લઈને વિવિધ પ્રકારની દવાઓ અને સર્જરીનો ટ્રેન્ડ ચાલ્યો છે. સ્ટેમ સેલ થેરાપી, જિન થેરાપી અને ટેલોમિયર રિસર્ચ ચાલી રહ્યું છે. મેટફોર્મિન, રેસ્વેરાટ્રોલ જેવી દવાઓથી ઉંમર અટકાવવા અભ્યાસ થઈ રહ્યો છે. પહેલાંની સરખામણીએ આવી દવાઓ, કોસ્મેટિક પ્રોડક્ટ અને સર્જરી સસ્તી થઈ હોવાથી હવે લોકોમાં એનો ક્રેઝ વધતો જાય છે ને સાથે વધતું જાય છે ગ્લોબલ માર્કેટ પણ.

***

એન્ટી એજિંગના ગ્લોબલ માર્કેટમાં ૫.૫ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. ૨૦૨૩માં એન્ટી એજિંગની દવાઓનું વૈશ્વિક માર્કેટ ૭૯ અબજ ડોલર હતું. ૨૦૨૪ના અંતે એ વધીને ૮૩ અબજ ડોલરે પહોંચ્યું હતું. ૨૦૨૫ના અંતે ૯૦ અબજ ડોલર થયેલું આ માર્કેટ ૨૦૩૩ સુધીમાં તો ૧૨૨ અબજ ડોલરને પાર થઈ જશે. અત્યારે ૫.૫ ટકાના દરે વૃદ્ધિ થનારા એન્ટી એજિંગના માર્કેટમાં હવે પછી ૮.૫ ટકાના દરે વૃદ્ધિ થવાની છે. છેલ્લા પાંચ વર્ષમાં સ્કિનકેર અને હેરકેરનું માર્કેટ ૪૮ ટકા વધ્યું છે.

હવે દુનિયાના અપર મિડલ ક્લાસ અને મિડલ ક્લાસની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. એ વર્ગ પણ લક્ઝરી પ્રોડક્ટથી લઈને આવી શોખની બાબતોમાં ખર્ચ કરી શકે છે. આ વર્ગ  યુવાન દેખાવા દવાઓનો ઉપયોગ કરે છે ને જરૂર પડયે ટ્રીટમેંટ કરાવે છે એટલે આગામી સમયમાં આ દવાઓનું વેચાણ વધશે.

એન્ટી એજિંગ દવાઓથી ચહેરા પર રોશની દેખાય છે. ઉંમર ૪૦-૪૫ હોય તો પણ લાગે છે ૩૦-૩૫. જોકે, થોડા સમયથી એક ગંભીર બાબત સામે આવી છે. અસંખ્ય લોકો ઓનલાઇન બની બેઠેલા સલાહકારોની સલાહ લઈને આડેધડ દવાઓ લેતા થયા છે. તેની સાઇડ ઈફેક્ટ એટલી ખતરનાક હોય છે કે ઘણા કિસ્સામાં મૃત્યુ પણ થઈ જાય છે. તેની માત્રા વધી જાય તો હૃદયને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. લિવર અને કીડની પર પણ તેની ગંભીર અસરો પડી શકે છે. એન્ટી એજિંગ ડ્રગ્સથી ચહેરા પર ઉંમર દેખાતી નથી, પરંતુ જો શરીરને અનુકૂળ ન આવે તો આંતરિક અંગો ખોખલા થઈ જાય છે, ને એ મૃત્યુનું કારણ બને છે.

વેલ, એન્ટી એજિંગની દવાઓ કામ તો કરે છે, પરંતુ તે સર્ટિફાઈડ તબીબોના માર્ગદર્શનમાં જ લેવી જોઈએ. શરીરની તાસીર મુજબ, કામના પ્રકાર પ્રમાણે, શરીરની ક્ષમતાને ધ્યાનમાં રાખીને નિષ્ણાત તબીબો ડ્રગ્સની માત્રામાં ફેરફાર કરે છે. તેનાથી શરીરમાં જરૂરી તત્વો મળી રહે છે ને વળી હોર્મોનલ ફેરફાર અટકે છે એટલે 'જવાની' જવાની જ છે એ નક્કી હોવા છતાં એની ઝડપ ઘટી જાય છે. 

AI  ટેકનોલોજીની મદદથી વધતી ઉંમર અટકી જશે

એઆઈ ટેકનોલોજીનો વિકાસ થતાં એન્ટી એજિંગમાં મોટું પરિવર્તન આવશે. બાયોટેકનોલોજી અને એઆઈ આધારિત નિદાન સચોટ પરિણામો આપશે. સ્કિનકેર પણ પર્સનલાઇઝ થશે. હવે સ્કિનનો વૈજ્ઞાનિક અભ્યાસ કર્યા પછી ટ્રીટમેંટ થાય છે. પહેલા જે ટ્રીટમેંટ અઘરી અને મોંધી હતી તે સરળ અને સસ્તી થશે. સાયન્સ-ટેકનોલોજીના સંયુક્ત પ્રયાસોથી માણસનું સરેરાશ આયુષ્ય વધશે એવું રે કુર્ઝવિલ માને છે. ગૂગલના પૂર્વ સાયન્ટિસ્ટ રે કુર્ઝવીલે 'ધ સિગ્યુલારિટી ઈઝ નિયર' નામનું પુસ્તક લખ્યું હતું.

અમરત્વની કે દીર્ઘાયુની વાત નીકળે કે તરત જ કુર્ઝવીલનો વિચાર ટાંકવામાં આવે છે. કુર્ઝવીલે લગભગ પંદરેક વર્ષ પહેલાં એવો દાવો કર્યો હતો કે સાયન્સ નહીં, પરંતુ ટેકનોલોજી માણસને અમર બનાવશે. તે વખતે કુર્ઝવીલના સ્ટેટમેન્ટને ખાસ ગંભીરતાથી લેવાયું ન હતું. મોટાભાગના વૈજ્ઞાનિકો માનતા હતા કે ડીએનએમાં ફેરફાર કરીને માણસને અમર બનાવવાનું કામ વિજ્ઞાનનું છે, ટેકનોલોજી એમાં મદદ કરશે, પરંતુ ટેકનોલોજી સ્વયં એ કામ કરી શકશે નહીં. જોકે, એઆઈની ટેકનોલોજીનો વિકાસ થયો પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નેનો બોટ્સ એઆઈની મદદથી એન્ટી એજિંગમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. બોટયુલિનમ ટોક્સિન, સ્ટેમ સેલ થેરાપી, જિન થેરાપી જેવી પદ્ધતિ વધારે અસરકારક બનશે.