- ડૉ.જયેશ શેઠ
- પાર્કિન્સન રોગ સામાન્યત: વધતી ઉંમરે થાય છે. તેમાં જનીન તત્ત્વો સામે વાતાવરણ અને ખોરાક પણ અગત્યનો ભાગ ભજવે છે.
થો ડા સમય પહેલાં એક બહેન આવ્યા લગભગ ૫૦ વર્ષની ઉંમર હશે અને તેમના હાથમાં અને શરીરમાં ધુ્રજારી આવતી હતી. સાથે સાથે તેમની યાદશક્તિ, વિચારવાની શક્તિ તેમજ સમજણમાં પણ ઘણી તકલીફ હતી. તેમના કુટુંબમા ઘણા બધા લોકોને આવી તકલીફ લગભગ ૫૦ વર્ષની ઉંમર થાય ત્યારે થતી. મગજના ડોક્ટર તેનું પાર્કિન્સન્સ છે તેવું નિદાન કર્યું હતું. તે મારી પાસે તે જાણવા આવ્યા હતા કે શું આ રોગ વારસાગત હોઈ શકે ? મારા છોકરાઓને આ તકલીફ થાય ખરી ? તે કેવી રીતે જાણી શકાય ? અમે તેઓની ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી લીધી અને એ પણ જાણ્યું કે તેમના છ ભાઈબહેનોમાંથી ત્રણ જણ ને આવી તકલીફ હતી અને બાકીના ત્રણ બરાબર હતા. તો આવું કેમ ? આ માટે સૌ પ્રથમ તો આપણે જાણવું જોઇએ કે પાર્કિન્સન રોગ સામાન્યત: વધતી ઉંમરે થાય છે. તેમાં જનીન તત્ત્વો સામે વાતાવરણ અને ખોરાક પણ અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ જો તે નાની ઉંમરે એટલે કે ૪૦ થી ૫૦ વર્ષની ઉંમરમાં ઘણા બધા લોકો ને થાય તો તેમાં જનીનની ખામી મુખ્ય ભાગ ભજવે છે. લગભગ ૩૦ ટકા કેસમાં આ રોગ જનીન તત્ત્વો જેવા કે SNCA, LRRK2, GBA, PINK1, PRKN માં ખામી હોય ત્યારે થાય છે. આમ પણ ઓટોસોમલ ડૉમિનન્ટ એટલે કે માતા અથવા પિતામાં એક કોપી ખરાબ હોય તો તેમના બાળકોમાં આ રોગના ૫૦ ટકા ચાન્સ રહે. જો તે ઓટોસોમલ રિસેશિવ હોય એટલે કે જનીનની બંને કોપી ખરાબ હોય તો બાળકોમાં આ રોગની સંભાવના ન રહે પરંતુ તેઓ તેના વાહક (કેરીઅર) બની શકે. પરંતુ જો માતા પિતા બંનેમાં આ પ્રકાર હોય તો તેમના બાળકોમાં ૨૫ ટકા ચાન્સ રહે કે તેઓને પણ પાર્કિન્સન થાય. જો કે મોટાભાગના પાર્કિન્સન કેસોમાં તે સ્પોરાડીક એટલે કે એક કરતા વધારે જનીનો અને સામે ખોરાક, વાતાવરણનું ઇન્ટરેકશન થવાથી થાય છે. આપણા ૪૬ રંગસૂત્રોની જોડમાંથી લગભગ ૨૮ રંગસૂત્રોમાં પાર્કિન્સનના જનીનો આવેલા છે. DNAમાં આવેલા જનીન તત્ત્વો મુખ્યત્વે જે આપણા કોષોના ખરાબ પ્રોટીન ને દુર કરવાની ક્ષમતા ગુમાવે અથવા તો શરીરના કોષોમાં શક્તિ આપતા માઇટોકોન્ડ્રિયામાં ખરાબી કરીને કોષોનો નાશ કરે અથવા તો કોષોના પ્રોટીન ને મિસફોલ્ડ કરીને એક એવું પ્રોટીન બનાવે તેને Lewy bodies કહેવાય જે કોષોની એકબીજા સાથે રહેવાની ક્ષમતા ગુમાવે. આ રીતે કોષમાં ખરાબ પ્રોટીનની જમાવટથી મસ્તિષ્કના ન્યુરોનલ કોષોમાં ખરાબી ઉભી થાય છે. આ માટે તેની દવા નથી શોધાઈ જે તેની અસર ને સંપૂર્ણ મટાડી શકે. પરંતુ તેને યોગ્ય સારવાર, ખોરાક અને વાતાવરણથી તેની તીવ્રતા જરૂરથી ઘટાડી શકાય છે. આમાં પણ મગજના કોષો જે ડોપામાઈન બનાવે છે તે કોષોને સાચવી શકાય તો આ રોગમાં ઘણી રાહત મળે છે. આવનારા સમયમાં જનીન શાસ્ત્રમાં શોધ ખોળો થઇ રહી છે તે રીતે જો મગજના કોષોમાં ખરાબ પ્રોટીન (Tall Protein) ને દૂર કરી શકાશે તો આ રોગમાં સારવાર માટે એક મોટી હરણફાળ ભરી શકાશે. આ કારણોથી જ જો સમયસર પાર્કિન્સન રોગનું નિદાન કરી શકાય તો તેને આગળ વધતો જરૂરથી અટકાવી શકાય.
આજે દુનિયામાં ૭થી ૧૦ મિલિયન લોકોને આ રોગની તકલીફ છે. ભારતમાં પણ વધતી ઉમર સાથે તે હવે વધુ પ્રમાણમાં જોવા મળે છે.


