Get The App

કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા તે કુશળ મેનેજરનું લક્ષણ

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા તે કુશળ મેનેજરનું લક્ષણ 1 - image

- મેનેજમેન્ટ-ધવલ મહેતા

- ભારતની દરેક સંસ્થામાં એચીવમેન્ટ- ઓરિએન્ટેડ લોકો હોય છે, પણ રૂઢિચુસ્ત સહયોગીઓ કે રૂઢિચુસ્ત બોસ તેમને અવગણે છે, તેમની હાંસી ઉડાવે છે. 

સેલ્ફ મોટિવેશન ઈઝ ધ બેસ્ટ મોટિવેશન

કામ પરની ઉત્પાદકતા માટે બે અગત્યનાં પરિબળો તમારી જાણકારી (કૌશલ) અને તમારૃં મોટીવેશન છે. તમે પુષ્કળ બુદ્ધિશાળી હો, કામમાં પણ કુશળ હો પરંતુ તે કામ કરવાનું મોટીવેશન શૂન્ય હોય તો કામનું પરિણામ શૂન્યમાં આવે છે. તમારી પાસે જબરજસ્ત મોટીવેશન હોય પરંતુ તમારૃં કામમાં કૌશલ શૂન્ય હોય તો પણ પરીણામ શૂન્યમાં આવે છે. ડીપ્રેસ્ડ વ્યક્તિને કોઈપણ કામ કરવાનું મોટીવેશન શૂન્ય થઈ જાય છે. એક વાત યાદ રહે કે માણસનું મોટીવેશન તેની અંદર છુપાયેલા હોય છે. જ્યારે એણે જે સિદ્ધ કરવાનું છે ત ગોલ બાહ્ય વાતાવરણમાં પડેલા હોય છે. બન્નેનું મેચીંગ થવું જોઈએ.

સારા મેનેજરો કામની ગોઠવણી એવી રીતે કરે છે કે કર્મચારીઓ મહેનત કરીને પોતાના હેતુઓ સિદ્ધ કરી શકે છે અને કાર્ય સંતોષ (જોબ સેટીસફેકશન) મેળવી શકે છે. માણસનું વર્તન જોઈ શકાય છે અને માપી પણ શકાય છે. પરંતુ તેના 'મોટીવ્ઝ' માપી શકાતા નથી કે જોઈ શકાતા નથી.

મોટિવેશન માટે અસંતોષ જરૂરી

એક વખત માણસની અમુક જરૂરિયાત સંતોષાઈ જાય પછી તે તેને મોટીવેટ કરતી નથી. તમે ભુખ્યા થઈ ગયા હો તો અન્નની શોધ કરો છો. ભરપૂર ખાધા પછી તમારી અન્ન માટેની ઈચ્છા સંતોષાઈ જાય છે અને અમુક કલાક સુધી તમે અન્નની શોધ કરતા નથી. પરંતુ માણસની ઈચ્છાઓ કે જરૂરિયાતો અનંત હોય છે. એક ઈચ્છા સંતોષાઈ જાય પછી તરત બીજી ઈચ્છા ઊભી થાય છે. તમે બાઈક લો પછી કાર લેવાનું મન થાય છે અને કાર લીધા પછી તેનાથી પણ વધુ સારી કાર લેવાનું મન થાય છે. ઈચ્છાઓની અનંતતાને કારણે જ તમને જીવનમાં કામ કરવાનું મોટીવેશન ઊભુ થાય છે. તમારા ઘર, કુટુંબ, મીલકતને કોઈ છીનવી લે તે માટે તમે સેફ્ટી અને સીક્યુરીટીના પગલાં લો છો તે પછી તમારી ઈચ્છા સમાજના ભાગ બનવાની છે. તમે જ્ઞાતિ, કુટુંબ, ગામ, કુળ કે ધર્મના એક ભાગ બનો છો તે તમને આઈડેન્ટીટી આપે છે. અંગ્રેજીમાં આને સેલ્ફ-ફ્યુલફીલમેન્ટ કહે છે. કશું સિદ્ધ કર્યાનો આનંદ મેળવવો હોય છે. વિક્ટર ફ્રેંકલ નામના જર્મન લેખક વર્ષો સુધી હીટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં રહ્યા. ભયાનક યાતનાઓ સહન કરી. તેઓ તેમાંથી જીવીત બહાર નીકળ્યા. તેનું કારણ આપતાં જણાવે છે કે તેઓ જીવનનો કશોક અર્થ ખોળવા માગતા હતા. તેમના મતે દુનિયાની દરેક વ્યક્તિ જીવનમાં કોઈ અર્થ ખોળવા માગે છે. આને સર્ચ ફોર મીનીંગ કહે છે જેને આધ્યાત્મ કે ધર્મ સાથે સંબંધ નથી. આ અંગેનું તેમનું પુસ્તક 'મેન્સ સર્ચ ફોર મીનિંગ' બેસ્ટ સેલર સાબિત થયું છે. તેમના મતે માણસનું સૌથી મોટું મોટીવેશન પોતાના જીવનનો અર્થ શોધવાનું હોય છે. આ મોટીવેશન એટલે આપણે શું કરવા કામ કરી રહ્યા છીએ તેની શોધ. જીવનમાં કોઈ ગૂઢ મીનીંગની શોધ. આ શોધ આપણને પ્રાણીઓથી જુદા પાડે છે.

ફ્રસ્ટેશન લીડઝ ટુ અગ્રેશન

આપણી જરૂરિયાતોને આડે જે પરિબળો આવે છે તે આપણામાં ફ્રસ્ટેશન ઊભું કરે છે. ફ્રસ્ટ્રેશનનો તદ્દન સમાન ગુજરાતી પર્યાય મળતો નથી. ઘણા એને નિરાશા કહે છે પણ નિરાશાને અંગ્રેજીમાં ડીસએપોઈન્ટમેન્ટ કહે છે. આપણે જ્યારે ફ્રસ્ટ્રેટ થઈએ છીએ ત્યારે મોટેભાગે આક્રમક બની જઈએ છીએ. રોડ પર ટ્રાફીક જામ થાય અને આપણને સમયસર પહોંચવામાં તકલીફ પડે તો આપણે ખૂબ ગુસ્સે થઈ જઈએ છીએ. બાળકને કોઈક ઈચ્છિત વસ્તુ જોઈતી હોય અને માબાપ ના આપે તો બાળક આક્રમક બની જાય છે અથવા પોતાના કોચલામાં ચાલ્યું જાય છે અને રીસાઈને કોઈની જોડે બોલતું નથી. કર્મચારીને પણ આવું જ છે. આ પ્રકારનું રીસાઈને કોઈની જોડે ના બોલવું તે પણ પોતાના પરની આક્રમકતાનો જ ભાગ છે. આ આક્રમકતા આપણી પોતાના તરફ હોય છે.  આના માટે અંગ્રેજીમાં એક જનરલાઈઝેશન છે. ફ્રસ્ટ્રેશન લીડઝ ટુ અગ્રેશન. આવી આક્રમક વર્તણુક ઘણા ટ્રેડ યુનિયન્સ પણ દાખવે છે. તેમની સામે મેનેજમેન્ટ પગલાં છે અને ફૂસ્ટ્રેશન વધતાં હિંસા પણ વધે છે. મેનેજમેન્ટે કર્મચારીઓ અંગેની સમજણ વધારીને કામની એવી શરતો ઊભી કરવાની છે જેમાંથી બન્ને પક્ષે વીન-વીન પરિસ્થિતિ ઊભી થાય. 'આઈવીન એન્ડ યુ લુઝ' એ પરિસ્થિતિ બન્ને પક્ષો માટે નુકશાનકારક છે. 

એચિવમેન્ટ મોટિવેશન

ડેવીડ મેકલીલેંડ નામના મનોવૈજ્ઞાનિકે કહ્યું કે માણસને અનેક પ્રકારની જરૂરિયાતો (નીડ્ઝ) હોય છે તે વાત સાચી પરંતુ તેમાંના કેટલાકની (બધામાં નહીં) એચીવમેન્ટ માટેની જરૂરિયાત ખૂબ ઊચી હોય છે. તેને તેઓ નીડ ફોર એચીવમેન્ટ કહે છે. જો ભવિષ્યમાં તમે ઉદ્યોગ સ્થાપવા માંગતા હોવ તો તમારામાં 'નીડ ફોર એચીવમેન્ટ' ઊંચી હોવી જોઈએ. તમને કશીક વસ્તુ સુધારવાના વિચારો આવવા જોઈએ.  શાકભાજીની વિતરણ વ્યવસ્થા કેવી રીતે સુધારી શકાય? વીજળીના ઉત્પાદન અને વિતરણને કેવી રીતે વધુ સસ્તા બનાવી શકાય? સારી કાર કે બાઈક કેવી રીતે બનાવી શકાય? ખેતીની પદ્ધતિમાં કયા મૂળભૂત ફેરફારો લાવી શકાય? માત્ર ધંધો સ્થાપવામાં જ નહીં પરંતુ તમારી નોકરીમાં પણ તમે એચીવમેન્ટ - ઓરીએન્ટેશન વધારી શકો છો. તમે તમારી કંપનીમાં એવા સુધારા સૂચવી શકો જે વ્યવહારૂ હોય અને કંપનીનો ખર્ચો ઘટાડતા હોય કે આવક વધારતા હોય કે માર્કેટનું વધારે સારૃં 'ટાર્ગેટીંગ' કરતા હોય વગેરે. ભારતને જો હજુ ઝડપી વિકાસ કરવો હશે તો એચીવમેન્ટ - ઓરીએન્ટેડ લોકો (જેમને વિઘ્નસંતોષીઓ હંમેશા અનેક રીતે સતાવતા હોય છે) ને નોકરીમાં અને ઉદ્યોગોમાં પ્રોત્સાહનો પૂરા પાડવા પડશે. ભારતની દરેક સંસ્થામાં એચીવમેન્ટ - ઓરીએન્ટેડ લોકો હોય છે પણ રૂઢિચુસ્ત સહયોગીઓ કે રૂઢિચુસ્ત બોસ તેમને અવગણે છે, તેમની હાંસી ઉડાવે છે અને તેમને તરંગી ગણે છે. ભારતમાં સ્ટીવ જોબ્ઝ જન્મ્યા હોત તો સરકારી કચેરીમાં કર્લાક હોત જે દેશ ઉચ્ચ શિક્ષણમાં કે રીસર્ચ સંસ્થાઓમાં કામ કરનાર બૌદ્ધિકોને આવવા જવાનો સમય પંચ કરાવે તે શું કરી શકે?

સારા મેનેજરે કર્મચારીઓમાં કુશળતા વધે તે માટે સતત મોટિવેશન આપવું જરૂરી છે. એ મોટિવેશન જ કંપનીની સફળતાની ચાવી બને છે.