Get The App

સતત દુર્ઘટનાઓ સર્જનારું એક અભિશાપિત એવું ભૂતિયા જહાજ

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
સતત દુર્ઘટનાઓ સર્જનારું એક અભિશાપિત એવું ભૂતિયા જહાજ 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- ગ્રાસિયાના ચાલક દળને શક પડયો કે આ જહાજ દિશાહીન ભટકી રહ્યું છે. એને કોઈ ચલાવતું હોય એવું લાગતું નથી. જહાજ પર દસમાંથી એક પણ વ્યક્તિ નહોતી

‘The Story of the Mary Celeste is one of the most inexplicable and fascinating mysteries of the sea .

મેરી સેલેસ્ટની ઘટના સમુદ્રની સૌથી અવર્ણનીય સંમોહિત કરી દેનારી રહસ્યમય ઘટનાઓમાંની એક ઘટના છે.'

- Arthur conan Doyle 

(આર્થર કોનન ડોઈલ)

‘Some mysteries do not fade with time, they grow deeper.

કેટલાંક રહસ્યો સમય સાથે લુપ્ત નથી થઈ જતા, પણ વધારે ગહેરા થઈ જાય છે.'

‘ A ship found sailing without a soul on board is more terrifying than a shipwreck.

એક એવું જહાજ જે કોઈ માનવી વગર ચાલતું જોવા મળે, કોઈ જહાજના ડૂબવા કરતાં પણ વધારે ભયાવહ લાગે છે.'

આ એક ભૂતિયા જહાજ તરીકે ઓળખાતા અભિશાપિત અને રહસ્યમય જહાજની વાત છે. આ જહાજ નોવા સ્કોટિયાના નોસુઆ ડેવિડે બનાવ્યું હતું. ૧૮૬૧માં બ્રિટિશ રજીસ્ટ્રેશન હેઠળ તે 'એમેઝોન' નામથી શરૂ કરાયું હતું. એના નિર્માણ બાદ જ્યારે તે પહેલીવાર સમુદ્ર યાત્રાએ જૂન ૧૮૬૧માં નીકળ્યું ત્યારે જ એમાં અશુભ ઘટનાઓ બનવાની શરૂ થઈ ગઈ હતી. પ્રથમ મુસાફરી દરમિયાન જ એના કેપ્ટન મેકલેલન (McLelan) અકારણ, અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયા. એમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. એના લીધે એમેઝોન સ્પેન્સરને આઈલેન્ડ પર પાછું લાવી દેવામાં આવ્યું, જ્યાં ૧૯ જૂન ૧૮૬૧માં તેમનું મરણ થઈ ગયું. તે પછી જ્હોન નટીંગ પાર્કરે કેપ્ટનનો હોદ્દો સંભાળ્યો અને તેણે લંડન તરફથી યાત્રા આગળ વધારી. પણ તે વખતે ય અજબ ગજબની ઘટનાઓ બનતી અને એમેઝોન સ્પેન્સર નાના-મોટા અકસ્માતો કરતું. મેઈન, ઇસ્ટ પોર્ટના ફિશિંગ ઇક્વિપમેન્ટ સાથે તે અથડાયું.

તે પછી પાર્કરના સ્થાને વિલિયમ થોમ્પસન આવ્યો જે ૧૮૬૭ સુધી કેપ્ટન રહ્યો. ૧૮૬૭ના ઓક્ટોબરમાં કેપ બ્રેટન આઈલેન્ડ ખાતે એમેઝોન ભયંકર દરિયાઈ વાવાઝોડાનો ભોગ બન્યું અને તેને ભારે નુકસાન થયું. ૧૫ ઓક્ટોબરે એલેકઝાન્ડર મેકલીને તે ખરીદ્યું, પણ કોણ જાણે કેમ કોઈ બાબતથી ત્રસ્ત થઈ તેણે તે એક મહિનામાં જ વેચી દીધું. તેને પણ તે ખરીદનાર સ્થાનિક વેપારીએ ૧૮૬૮ના નવેમ્બરમાં તે રિચર્ડ હેઈન્સને વેચી દીધું.

રિચર્ડ હેઈન્સ પુષ્કળ ખર્ચો કરી તેનું પુનર્નિર્માણ કરાવ્યું અને ન્યૂયોર્કમાં કલેક્ટર ઑફ કસ્ટમ્સ પાસે ૧૮૬૮ના ડિસેમ્બરમાં તેને મેરી સેલેસ્ટ (Mary Celeste) એવું નવું નામ આપી તેનું કેપ્ટન પદ ગ્રહણ કર્યું. પણ તેના થકી દુર્ભાગ્યની વણઝાર ચાલુ જ રહેતા રિચર્ડ હેઈન્સે ઓક્ટોબર ૧૮૬૯માં તે ન્યૂયોર્કના જેમ્સ વિન્ચેસ્ટરને વેચી દીધું. ફરી નુકસાન થતાં તેનું સમારકામ કરાવી, થોડા સુધારા-વધારા કરાવી દેવાયા. ૧૮૭૨ની ૨૯ ઓક્ટોબરે બેન્જામિન સ્પૂનર બ્રિગ્સ (Benjamin Spooner Briggs) ને તેના કેપ્ટન બનાવવામાં આવ્યા.

૯ નવેમ્બર, ૧૮૭૨ના રોજ મેરી સેલેસ્ટ અમેરિકાના ન્યૂયોર્કના બંદરેથી ઇટાલીના જીનિવા જવા માટે નીકળ્યું. હવે મેરી સેલેસ્ટ બે કૂવા સ્તંભવાળું વેપારી જહાજ (Merchant Brigantine) હતું. કેપ્ટન બેન્જામિન બ્રિગ્સ સાથે તેમની પત્ની સારાહ (Sarah), તેમની ૨ વર્ષની પુત્રી સોફિયા અને બીજા ૭ ક્રૂ મેમ્બર્સ પણ હતા. તેમનો ૭ વર્ષનો પુત્ર આર્થર તેનો અભ્યાસ પૂરો કરવા ન્યુ યોર્કમાં જ રોકાયો હતો. તે સાથે નહોતો આવ્યો. તે એટલાન્ટિક સમુદ્રમાં આગળ વધી રહ્યું હતું ત્યારે એક વિચિત્ર ઘટના બની. ૫ ડિસેમ્બર ૧૮૭૨ના રોજ બ્રિટિશ બ્રિગેન્ટાઈન ડેઈ ગ્રાસિયા (Dei Gratia)ના ચાલક દળના સભ્યોએ મેરી સેલેસ્ટને એઝોરસ દ્વિપથી ૪૦૦ માઈલ દૂર તરતું જોયું. એ જે રીતે તરતું હતું તેના પરથી ડેઈ ગ્રાસિયાના ચાલક દળને શક પડયો કે તે દિશાહીન ભટકી રહ્યું છે. એને કોઈ ચલાવતું હોય એવું લાગતું નથી. કેપ્ટન ડેવિડ મોરહાઉસ (David Morehouse) તેમના ચાલકદળના સભ્યો નાની બોટમાં બેસી મેરી સેલેસ્ટ પર ગયા તો જોયું કે જહાજ પર દસમાંથી એક પણ વ્યક્તિ નહોતી. કેપ્ટન બ્રિગ્સ, સારાહ, સોફિયા તથા બાકીના સાતેય લોકો અદ્રશ્ય હતા. જહાજ પર છ મહિના ચાલે તેટલી ખાદ્ય સામગ્રી હતી. બધાની બધી વસ્તુઓ સલામત અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી.

દરિયાઈ ચાંચિયાઓએ કોઈ લૂંટફાટ કરી હોય, ઝપાઝપી કે મારામારી કરી એવા કોઈ ચિન્હો નહોતાં. એક લાઈફ બોટ ઓછી હતી. એમાં બેસીને એ બધા ત્યાંથી નાસી છૂટયા હોય એવી ધારણા કરાઈ. પણ એવું કરવાનું એમના માટે કોઈ કારણ નહોતું. એવું કર્યું હોય તોય એમાંનું કોઈ જીવિત કે મૃત દશામાં મળી આવ્યું નહોતું.

એ દસેય વ્યક્તિઓ અકારણ કેવી રીતે અદ્રશ્ય થઈ ગઈ એનું રહસ્ય ઉકેલાયું નથી. લોકો એના વિશે જાતજાતની ધારણા કરે છે. કેટલાક એવું માને છે કે એ એમેઝોન રૂપમાં હતું ત્યારે જે કેપ્ટન મેકલેલન હતા તેમનો પ્રેતાત્મા તેમાં ભટકતો હતો. તેણે એ દસેય વ્યક્તિઓને ડરાવી તે જહાજને છોડી દેવા મજબૂર કર્યા હશે. તે બધા જીવ બચાવવા બોટમાં બેસીને ભાગતા હશે ત્યારે તે પ્રેતાત્માએ બોટ ઉથલાવીને ડુબાડી દીધી હશે. જેનાથી એ બધા દરિયામાં ડુબીને મરી ગયા હશે. કેટલાક એવું કહે છે કે પરગ્રહવાસીઓ તેમના યુ.એફ.ઓ. તરીકે ઓળખાતા અવકાશયાનમાં આવી તેમનું અપહરણ કરી ગયા હોય એવું પણ શક્ય છે. આપણી પૃથ્વી પર અનેકવાર એલિયન્સ આવે છે અને લોકોનું અપહરણ કરી જાય છે એવી માન્યતા ધરાવતા લોકો આવું પણ કારણ બતાવે છે. જહાજમાં રહેલો કાચો આલ્કોહોલ લીક થવાથી જે ઝેરી ગેસ ઉત્પન્ન થયો હોય તેનાથી બચવા તે લાઈફબોટ લઈને ભાગ્યા હોય અને તે ડૂબી ગઈ હોય એવું ય બન્યું હોય. જહાજની કિંમત કરતા વધારે પડતા ઇન્સ્યોરન્સને મેળવવા કાવતરું રચાયું હોય, ડેવિડ મોરહાઉસ થકી કોઈ રમત રમાઈ હોય એવી પણ દલીલો કરાય છે. ખરેખર શું થયું તે રહસ્ય કદી ઉકેલાયું નથી.

ઇ.સ. ૧૮૭૯માં એક દુર્ઘટના બની. બ્રિટિશ જહાજના કેપ્ટન જોન ઓસ્ટીન જિબ્રાલ્ટર સંકીર્ણ જળમાર્ગ, જળડમરૂ (Strait) માંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું જહાજ એક જહાજ સાથે ટકરાઈ ગયું. તેમણે જણાવ્યું કે સૂર્યાસ્ત થઈ જવા છતાં જહાજનો સઢ (Sail)  અત્યંત ચમકતો હતો. જેમ જેમ તે જહાજ નજીક આવતું ગયું તેમણે અને ચાલક દળે ભયથી જોયું તો તે મેરી સેલેસ્ટ હતું. તેમની સાથે સાધારણ ટક્કર વાગી. પછી તે અચાનક હવામાં ગાયબ થઈ ગયું. આછા ધુમ્મસ જેવું દેખાયું તેમાં તેની આકૃતિ ધૂંધળી થઈને અદ્રશ્ય થઈ ગઈ. મેરી સેલેસ્ટ શાપિત અને ભૂતિયું જહાજ છે એવો એમને અનુભવ થઈ ગયો. અંતે ૧૮૮૫માં હૈતીના તટ પાસે દુર્ઘટનાગ્રસ્ત બની ગયું પછી કોઈએ તેનું સમારકામ કરી તેનો ઉપયોગ કર્યો નથી. તે એક ભૂતિયા અવશેષ રૂપે પડી રહ્યું છે.