- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- બાહુલ રમેશ મલયાલમ ભાષામાં ફિલ્મો લખે છે અને પોતાની ફિલ્મોની સિનેમેટોગ્રાફી પણ કરે છે. 'કિષ્કિંધા કાંડમ્' અને 'ઇકો' જેવી દિમાગ ચકરાવી નાખતી ફિલ્મો લખીને તેમણે તરંગો સર્જ્યા છે. કેવી છે એમની ક્રિયેટિવ પ્રોસેસ? આવો, જાણીએ...
- ઇકો
- કિષ્કિંધા કાંડમ્
એ ક માણસ ફિલ્મનો ડિરેક્ટર પણ હોય અને મેઇન હીરો પણ હોય એવું આપણે ખૂબ જોયું છે. રાજ કપૂરથી લઈને કંગના રનૌત સુધીનાં ઉદાહરણો આપણી સામે છે. ફિલ્મનો ડિરેક્ટર પોતે પ્રોડયુસર પણ હોય એવાં તો ચિક્કાર દ્રષ્ટાંતો છે. એ જ રીતે ડિરેક્ટર જ ફિલ્મનો લેખક પણ હોય એવુંય ખૂબ બને છે. આજે એક એવી પ્રતિભાની વાત કરવી છે, જેમાં બહુ ઇન્ટરેસ્ટિંગ કોમ્બિનેશન થયું છે. નામ છે એમનું બાહુલ રમેશ. તેઓ લેખક છે અને સિનેમેટોગ્રાફર છે. પોતે લખેલી ફિલ્મોનું શૂટિંગ તેઓ સ્વયં કરે છે. કલમ યા તો કીબોર્ડ લેખકનું ઓજાર છે, કેમેરા સિનેમેટોગ્રાફરનું ઓજાર છે. બાહુલ રમેશ એવો બંદો છે જ આ બન્ને સાધનો મસ્ત રીતે ચલાવી જાણે છે.
બાહુલ રમેશ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. એમણે હજુ સુધી બે જ ફિલ્મો લખી છે અને શૂટ કરી છે - 'કિષ્કિંધા કાંડમ્' (૨૦૨૪) અને 'ઈકો' (૨૦૨૫). બન્ને હટ કે, જોરદાર, દિમાગ ચકરાવી દે એવી ફિલ્મો, ને વળી બન્ને બોક્સ ઓફિસ પર પણ હિટ. આજે ભારતની ઉત્તમોત્તમ ફિલ્મો - ક્વોલિટી અને ક્વોન્ટિટી બન્ને સ્તરે -સંભવત: કેરળની મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં બને છે. ભલું થજો ઓટીટીનું કે જેના પ્રતાપે આપણે આજે સરળતાથી મલયાલમ ફિલ્મો મોબાઇલ પર કે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. છેલ્લાં કેટલાંય વર્ષોથી આખા દેશના સિનેમાપ્રેમીઓની નજર સતત મલયાલમ ફિલ્મો પર તકાયેલી હોય છે. આવા માહોલમાં બાહુલ રમેશ નામનો ૩૨ વર્ષનો જુવાનિયો રાઇટર-સિનેમેટોગ્રાફર બનીને મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉદય પામે છે અને માત્ર બે જ ફિલ્મો કરીને સ્ટાર બની જાય છે. એમ તો મલયાલમ ભાષાની સર્વપ્રથમ વેબ સિરીઝ 'કેરળ ક્રાઇમ ફાઇલ્સ'ની બીજી સિઝનના લેખક તરીકે પણ બાહુલનું નામ બોલે છે.
બાહુલ રમેશે એવું તે શું લખી નાખ્યું છે કે બારદ્વાજ રંગન જેવા ટોચના નોન-મલયાલી ફિલ્મ ક્રિટિક સુધ્ધાં એની સાથે બબ્બે કલાક સુધી ગોઠડી કરે છે, જે ઇન્ટરવ્યુ કરતાં માસ્ટરક્લાસ વધારે લાગે છે? આગળ વધતાં પહેલાં બાહુલે લખેલી અને શૂટ કરેલી બન્ને ફિલ્મોમાં શું છે તે જોઈ લઈએ.
પહેલી ફિલ્મ 'કિષ્કિંધા કાંડમ્'ના કેન્દ્રમાં અપ્પુ પિલ્લાઈ નામનો એક વૃદ્ધ, નિવૃત્ત મિલિટરી ઓફિસર છે. એમનો બંગલો જંગલના એવા ભાગમાં ઊભો છે, જ્યાં વાંદરાઓની ખૂબ વસ્તી છે. તેઓ ડિમેન્શિયા એટલે કે ભૂલવાની બીમારીનો શિકાર બની ચૂક્યા છે. દીકરો અજય અને વહુ અપર્ણા એેમની સાથે રહે છે. આ પંથકમાં એવો કાયદો છે કે ચૂંટણી થવાની હોય ત્યારે જે નાગરિકો રિવોલ્વર જેવાં લાઇસન્સ્ડ હથિયારો ધરાવતા હોય તેમણે તે પોલીસથાણામાં જમા કરાવી દેવાનાં. બધાએ પોતપોતાનાં હથિયાર જમા કરાવી દીધાં છે, ફક્ત એક આ અપ્પુ પિલ્લાઈએ જ પોતાની ગન જમા કરાવી નથી. અપ્પુ પિલ્લાઈના પરિવારમાં ભૂતકાળમાં એક ભયંકર ઘટના બની ચૂકી છે. એમના નાનકડો પૌત્રનું બહુ ખરાબ રીતે મોત થઈ ગયું છે. શું છે આ બચ્ચાના મૃત્યુનું રહસ્ય? ફિલ્મનો અંતમાં જ્યારે સચ્ચાઈ સપાટી પર આવે છે ત્યારે ઓડિયન્સ હલી જાય છે.
બીજી ફિલ્મ 'ઇકો'નું લોકાલ પણ કેરળનો જંગલોથી આચ્છાદિત એક પહાડી વિસ્તાર છે, જેમાં કુરીઆચન નામનો ભેદી માણસ રહે છે.
એ જુદી જુદી ઓલાદના કૂતરાઓને ઉછેરવામાં ઉસ્તાદ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એ ગાયબ થઈ ગયો છે. આ લાપતા માણસની શોધ આ ફિલ્મનો કથાપ્રવાહ રચે છે. કુરીઆચનની વૃદ્ધ મલેશિયન પત્ની પહાડની ટોચ પર એક ઘરમાં રહે છે. એની સારસંભાળ લેવા માટે પીયુસ (અથવા પીયોસ) નામનો એક જુવાનિયો એની સાથે જ રહે છે. આ પહાડ પર ખાસ પ્રકારના કૂતરાઓની એક આખી ફોજ ખડેપગે હાજર હોય છે, જે પેલી વૃદ્ધાનું અને આખા પંથકનું રક્ષણ કરે છે. ભેદ ઘૂંટાતો જાય છે અને છેલ્લે જે રહસ્યસ્ફોટ થાય છેતે આપણને ચમકાવી મૂકે છે.
મજાની વાત આ છે: બાહુલ રમેશે લખેલી બન્ને ફિલ્મો ટિપિકલ સસ્પેન્સ ફિલ્મો નથી. ફિલ્મ પૂરી થાય ત્યારે મોત શી રીતે થઈ ગયું કે માણસ ક્યાં ગાયબ થઈ ગયો એ પ્રશ્નો એટલા બધા મહત્ત્વના નથી, જેટલો ફિલ્મની કથાનો કોઈ ભળતો જ સૂર મહત્ત્વનો બની જાય છે. બાહુલ રમેશ કહે છે, 'હું વાર્તા લખવાનું શરૂ ક્યારે મને ખુદને ખબર હોતી નથી કે આ એક સસ્પેન્સ ફિલ્મ બનવાની છે. હું તો એક નાટયાત્મક વાર્તા (ડ્રામા) જ લખવાનો શરૂ કરું છું જેમાં કોન્ફ્લિક્ટ (ટકરાવ) હોય, માનવસ્વભાવની કશીક વિચિત્રતા હોય કે મોરલ એમ્બિગ્યુઇટી (નૈતિક અસ્પષ્ટતા) હોય.'
ફિક્શન લખતા લેખકો બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારના લેખકો શરૂઆતથી જ વાર્તાના આદિ-મધ્ય-અંત વિશે સ્પષ્ટ હોય છે. એને એક્ઝેટલી ખબર હોય છે કે મારે કયા બિંદુ સુધી પહોંચીને આખી વાતને સમેટી લેવાની છે. લખવાનું શરૂ કરે ત્યારે એની પાસે આખી વાર્તાનો નક્શો તૈયાર હોય. બીજા પ્રકારના લેખકો એવા છે જેમની પાસે શરૂઆતમાં માત્ર કોઈ પાત્ર, ઘટના, ઇમેજ કે વિચાર હોય છે. આટલીક અમથી સામગ્રી લઈને તેઓ લખવાનું શરૂ કરી દે છે. એમને ખબર નથી કે મેં આ જે પ્રસંગ લખ્યો કે વર્ણન લખ્યું એનું આગળ પછી શું થવાનું છે. એ લખતો જાય ને એને લખતાં લખતાં જ એને આગળનો મારગ દેખાતો જાય. એની આખી પ્રક્રિયા સ્પોન્ટેનિયસ હોય છે. એ ખુદને પૂછતો જાય કે અચ્છા, આ પાત્ર આવું શા માટે બોલ્યો હશે, અથવા એણે આવું વર્તન શા માટે કર્યું હશે? લખતાં લખતાં જ એ આ સવાલના જવાબ શોધતો જાય ને આ રીતે એની આખી વાર્તાને દેહ મળે.
બાહુલ રમેશ બીજા પ્રકારના લેખક છે - સ્પોન્ટેનિયસ. તેઓ કહે છે, 'મેં 'કિષ્કિંધા કાંડમ્' લખવાની શરૂઆત કરી ત્યારે મારી પાસે માત્ર એવો વિચાર હતો કે કોઈ માણસને ડિમેન્શિયા પ્રકારની ભૂલવાની બીમારી હોય તો એ શું પોતે ભૂતકાળમાં કરેલાં અપરાધોને પણ ભૂલી જાય? બીજું, મારા ફાધરે મને એક વાર વાતવાતમાં કહેલું કે ઇલેક્શનના સમયમાં નાગરિકોએ પોતાનાં લાઇસન્સ્ડ હથિયારો પોલીસથાણામાં જમા કરાવવા પડે છે. મેં આ બે વાતોને જોડી દીધી. સૌથી પહેલાં મેં એક પોલીસ સ્ટેશનનો સીન લખ્યો, જેમાં બે પોલીસ અધિકારીઓ વાતો કરે છે કે બધાએ પોતાનાં હથિયાર જમા કરાવી દીધાં છે, ફ્કત એક જ માણસ બાકી છે. આ માણસ એટલે પેલો સ્મૃતિદોષનો શિકાર બનેલો વૃદ્ધ. આ રીતે અપ્પુ પિલ્લાઈ નામના પાત્રનો વાર્તામાં પ્રવેશ કરાવ્યો. પછી બીજો સીન લખાયો, પછી ત્રીજો સીન. એક સીનમાંથી જ આગલો સીન નીકળતો જાય. આ રીતે છેક અંત સુધી પહોંચી ગયો ત્યારે મને ખુદને ખબર પડી કે અચ્છા... તો આવી વાર્તા છે! મને તો ક્લાઇમેક્સ શું થશે તેની પણ ખબર નહોતી. ક્લાઇમેક્સ હું લખવા બેઠો ત્યારે જ મને સૂઝ્યો. હું ક્યારેય ટ્વિસ્ટ કે અણધાર્યા વળાંકની પાછળ ભાગતો નથી. મને ફક્ત હવે પછીનો ડાઇલેમા (મૂંઝવણ, કશ્મકશ, દુવિધા) શું હશે તેમાં જ રસ હોય છે.'
'ઇકો' ફિલ્મ લખતી વખતે પણ બાહુલ રમેશના મનમાં આ એક જ વાક્ય હતું, જે એને કશીક રીતે સ્ફૂર્યું હતું. એ વાક્ય હતું: પ્રોટેક્શન એન્ડ રિસ્ટ્રિક્શન ઓફન લૂક ધ સેમ. એટલે કે, કોઈનું રક્ષણ કરવું કે એને બંદીવાન બનાવવો - આ બન્ને વસ્તુ ઘણીવાર એકસરખી દેખાતી હોય છે...
સામાન્યપણે ફિલ્મલેખક સ્ક્રિપ્ટ લખવા બેસે ત્યારે સૌથી પહેલાં વન-લાઇન (એટલે ફિલ્મ શાના વિશે છે, એનો હાર્દ કે સૂર શું છે તે) એકાદ-બે લીટીમાં લખે, પછી સ્ટાર્ટિંગથી ધી એન્ડ સુધીની કાચી વાર્તા લખી નાખે. ત્યાર બાદ આખી વાર્તાને લગભગ ૮૦-૯૦ જેટલાં દ્રશ્યોમાં વહેંચી નાખે. દરેક સીનમાં શું બનશે તેની વિગતો ચાર-પાંચ લીટીમાં લખે. ઇન્ટરવલ પોઇન્ટ કયા સીનમાં આવશે તે નક્કી કરે. આટલું થાય એટલે ફિલ્મની 'સ્ટોરી'નું કાચું માળખું તૈયાર થઈ જાય. પછી સંભવત: ફિલ્મના ડિરેક્ટર સાથે ચર્ચા થાય, એ પોતાના ઇનપુટ્સ આપે. ડિરેક્ટરનાં સૂચનો અનુસાર લેખક ઢાંચામાં ફેરફાર કરે ને ત્યાર બાદ એક-એક સીન ડાયલોગ સહિત વિસ્તારથી લખાય. આ રીતે આખો સ્ક્રીનપ્લે કે સ્ક્રિપ્ટ કે પટકથા તૈયાર થાય.
'હું આવું કોઈ દિવસ કરતો નથી,' બાહુલ રમેશ કહે છે, 'હું ન તો વન-લાઇન લખું, ન સીનનું લિસ્ટ બનાવું. હું સીધો જ 'સીન નંબર વન'થી લખવાનો આરંભ કરી દઉં છું અને પછી મારી ઇન્ટયુઇશન (અંત: સ્ફુરણા)ના જોરે આગળ વધતો જાઉં છું.'
નવલિકા કે નવલકથા કે ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની કોઈ એક સ્ટાન્ડર્ડ રીત ન હોઈ શકે. આ રીત સાચી ન પેલી રીત ખોટી, એવું ન હોય. આખરે તો એન્ડ પ્રોડક્ટ કેવી બની છે તે જ જોવાનું છે. છતાંય સવાલ થાય કે શું બાહુલ રમેશ આખી સ્ક્રિપ્ટ લખાઈ જાય ત્યાં સુધી કોઈની સાથે ચર્ચા જ ન કરે? ક્રિયેટિવ રાઇટિંગમાં પુનર્લેખનનું ઘણું મહત્ત્વ હોય છે. શું બાહુલ રમેશ પોતાની સ્ક્રિપ્ટના ત્રણ-ચાર-પાંચ-પંદર ડ્રાફ્ટ્સ તૈયાર કરે કે નહીં? આ તો ફક્ત લેખન પ્રક્રિયાની વાત થઈ, સિનેમેટોગ્રાફીનું શું? બાહુલ રમેશ એવી દુર્લભ વ્યક્તિ છે જે પહેલાં કીબોર્ડથી લેપટોપ પર ફિલ્મ લખે છે, અને પછી કેમેરાથી સ્ક્રીન પર ફિલ્મ લખે છે. પોતાના જ શબ્દોને કેમેરાથી આકાર આપવાની પ્રક્રિયા કેવી હોય છે? આ બધા બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલો છે, જેના જવાબો કોઈ પણ ભાષાની ફિલ્મો જોતા રસિયાને તેમજ ફિલ્મલેખક બનવા માગતા ઉત્સાહીઓને સાંભળવા જેવા છે. આવતા રવિવારે.
શો-સ્ટોપર
એ.આર. રહેમાનને જો એમ લાગતું હોય કે મુસ્લિમ હોવાને કામ મળતું નથી તો એમણે પાછા હિંદુ બની જવું જોઈએ.
- અનુપ જલોટા


