- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'સત્યકામભાઈ, જોયું આ કળિયુગમાં દીકરો બાપને તીર્થયાત્રા ય કરાવવા તૈયાર નથી! બાકી મેં તો તમારા દીકરા પ્રખરને કહ્યું હતું કે...'
''અ રે, સત્યકામ શેઠ, પછી ચારધામની યાત્રાનું શું વિચાર્યું ? તમારે લીધે તો અમે બધાએ નામ નોંધાવી પચીસ ટકા રકમ એડવાન્સમાં જમા કરાવી દીધી છે. છેલ્લી ઘડીએ ફસકી ના પડતા.'' સત્યકામ શેઠના સહપ્રવાસી બનનાર અવિનાશકુમારે હસતાં હસતાં કહ્યું.
''હવે અત્યારે આપ બધી ચર્ચા છોડી આપને ઘેર પાછા પધારો. પપ્પાજી પ્રવાસમાં આવવાના હશે તો હું આપને ફોન કરીશ.'' સત્યકામ શેઠના પુત્ર પ્રખરે અવિનાશકુમારની વાત ટુંકાવતા કહ્યું.
સત્યકામ શેઠે પ્રખરને પોતાની પાસે સોફા પર બેસાડીને કહ્યું : ''બેટા, પ્રખર મારી તીર્થયાત્રાએ જવાની તીવ્ર ઇચ્છા છે. થોડાક પૈસાની જોગવાઈ કરી આપને ભાઈ.''
''પપ્પા ઘર બાળીને તમે 'તીરથ' કર્યું, હજી કેટલાં 'તીરથ' કરવાનાં બાકી છે તમારે ? હું કહી કહીને થાકી ગયો કે ખોટાં સાહસ કરીને તમારા અને અમારા ભવિષ્યને અંધકારમાં ન ધકેલશો, પણ એમ માને તો સત્યકામ શેઠ શેના ? મમ્મી પ્રેક્ટીકલ હતી. તમને વારવાની કોશિશમાં એની જીભ ઘસાઈ ગઈ અને દેવાના આઘાતમાં બિચારી કમોતે મરી. ઘર પણ ગીરો મુકાયેલું છે અને લેણદારોની અદાલતી કાર્યવાહી તો ચાલુ છે. દરરોજ વકીલોની નોટીસ, કોર્ટના સમન્સ અને ધમકીભર્યાં ફોન! પપ્પા બનવું એ પણ કળા છે અને જવાબદારી પણ. ધોળા વાળ એ ઠરેલપણાની ગેરન્ટી નથી. પપ્પા સાચું કહું, તમને જીવતાં ન આવડયું. '' પુત્ર પ્રખરે પિતા સત્યકામ શેઠનો ઉધડો લેતા કહ્યું.
પ્રખરની વાતમાં તેની પત્ની એષણા પણ જોડાઈ ગઈ : ''ખરી વાત છે, પપ્પાજીની ઉદારતાએ તો મને પણ દરદાગીના વગરની કરી નાખી. કોર્ટના જપ્તીના ઓર્ડરથી બચવા તેં મારા ઘરેણાં શરાફી પેઢીમાં ગીરો મૂકવા માટે માગ્યાં અને મેં મૂર્ખીએ 'પતિભક્તિ'ના આવેશમાં તારી વાત માની લીધી. જેવા બાપ તેવા બેટા. પ્રખર, તેં મને વચન આપ્યું હતું કે ત્રણ મહિનામાં મારા દાગીના તું શરાફ પાસેથી છોડાવી લેશે. એ વાતને ત્રણ વર્ષ થઈ ગયા. નથી મારી ચિંતા તને કે નથી પપ્પાજીને ! જ્યારે રૂપિયાની છોળો ઊડતી હતી ત્યારે, ધર્મપુત્રો અને ધર્મપુત્રીઓની વણઝાર આપણી ડેલીએ ઊભરાતી હતી. આજે એમાંનું કોઈ ભૂલથીયે આપણાં પગથિયાં ચઢવા તૈયાર નથી. મારા પપ્પા તારા ઘરની સાહ્યબી જોઈને અંજાઈ ગયા હતા. એમને ક્યાં ખબર હતી કે એમના વેવાઈ હૈયાફૂટયા છે. રૂપિયા જાળવવા પડે છે, એની માવજત કરવી પડે છે. જમીન પર પગ રાખી ફેંસલા કરવા પડે છે. પણ તું અને તારા તરંગી પપ્પા હવામાં ઊડતા જ રહ્યા.'' પ્રખરની પત્ની એષણા તીર્થયાત્રાની વાત સાંભળી ખૂબ ગુસ્સામાં હતી.
સત્યકામશેઠ નિરાશવદને બેઠા હતા. તેમની આગળ ચાનો કપ પડયો હતો. એટલે પ્રખરે ગુસ્સામાં કહ્યું : ''પપ્પા, હવે વિચારમાં ને વિચારમાં ચાના કપને ક્યાં સુધી ઠંડો થવા દેશો ? પછી કહેશો કે વહુએ મને ઠંડી ચા આપી. ઘરમાં નથી નોકર કે નથી કામવાળી. ઓલ રાઉન્ડરની જેમ એષણાએ બધી ફરજો અદા કરવી પડે છે. ઘરકૂકડીની જેમ આમ પલંગ પર આખો દિવસ બેસી રહેવા કરતાં મંદિરે આંટો મારી આવતા હો તો સારું અને આવતી વખતે શાકભાજી લઈને આવો તો બિચારી એષણાને કેટલી મદદ મળે ? શાકભાજી લાવવા જેટલા તો પૈસા હોય છે ને તમારી પાસે ? શાકભાજી નહીં લાવો તો એટલા પૈસા કોઈ ગરીબને પધરાવી દેશો એના કરતાં ઘરનાં ખર્ચામાં થોડી મદદ કરો તો મફતિયાં ક્યાં સુધી ખાધા કરશો ?''
સત્યકામશેઠ વિષના પ્યાલાની જેમ ટાઢીબોળ ચાનો કપ ગટગટાવી ગયા. એમને ખબર હતી કે ચાનો કપ કીચનમાં અડધા કલાકથી પડયો હતો. એષણા ચા આપવાનું ભૂલી ગઈ હતી. એટલે જાતે જ એણે ઠંડી ચા પપ્પાજીને પધરાવી હતી અને દોષ પણ એમનો જ કાઢતી હતી.
સત્યકામશેઠ ઊભા થયા અને પોતાના બેડરૂમમાં જઈ કપડાં બદલ્યા. પાકીટમાં પચાસ રૂપિયા જ હતા. પણ ચંડીકા સ્વરૂપ એષણા પાસે પૈસા માગવાની તેમનામાં હિંમત નહોતી.
એક જમાનો હતો, જ્યારે એમનો સૂરજ તપતો હતો. બજારમાંથી સત્યકામશેઠ સોનાની મૂઠવાળી છડી લઈને પસાર થાય ત્યારે 'નમસ્તે' 'પાયલાગણ' અને 'જયશ્રી કૃષ્ણ' કહેનારાઓની જાણે હરીફાઈ થતી. માણસોનું ટોળું એમનો પીછો કરતું અને તેઓ પેઢીના દરવાજે પહોંચી અભ્યાગતોને નાનામોટા દાન આપી તુષ્ટ કરતા.
પેઢીના મુનિમજી હાજર થઈ જતા. અને આવેલી ચિઠ્ઠીઓ તેમની બેઠક સામે મૂકતા કોઈક પોતાની બીમાર પત્નીની દવા માટે અરજી લખી હોય તો કોઈકે પોતાના પુત્રની ફી માટે વિનંતી પત્રણ લખ્યો હોય. કોઈકે ઘરભાડું ચૂકવી ન શકતાં મકાનમાલિકે ચોવીસ કલાકમાં ઘર ખાલી કરવાની નોટિસની ઝેરોક્ષ મુનિમજીને આપી હોય....એ બધી અરજીઓમાં માગણી કરનારાઓની ઈચ્છા પ્રમાણે એમને યોગ્ય લાગે તે રકમની મદદ કરવાની સત્યકામશેઠ મુનિમનજીને સૂચના આપતાં. એકવાર અરજી કરનાર સંવેદન નામના યુવકને સત્યકામશેઠે રૂબરૂ મળવા બોલાવ્યો.
સંવેદન જાણે ચીંથરે વીંટયું 'રતન' ! તેજસ્વી ચહેરો, નિર્દોષ આંખો, સુઘડ વસ્ત્રો, અને વર્તનમાં નમ્રતા. એણે સત્યકામ શેઠના ચરણસ્પર્શ કરી મૌન ધારણ કર્યું !
સત્યકામશેઠે પૂછ્યું : ''કેટલા રૂપિયા જોઈએ છે લોન તરીકે ?''
''સર, મારી ફી માટે ત્રણ હજાર અને ....'' સંવેદન આગળ બોલતાં અટકી ગયો.
''અને કહીને કેમ અટકી ગયો બેટા ? સંવેદન આ પેઢી તો રામદુઆરો છે...અહીં આવનારને સંકોચ રાખવાની જરૂર હોતી નથી. અને તે રૂપિયા પાછા આપવા 'રણછોડરાય'ના સોગંધ લખ્યા છે. રણછોડરાયને છેતરે એવું એકેય લક્ષણ તારામાં વરતાતું નથી. કહે, બાકીના પૈસાની તારે કેમ જરૂર છે?'' શેઠે પૂછ્યું.
સંવેદન સત્યકામશેઠની મહાનતા જોઈ અભિભૂત થઈ ગયો. એણે અમીરીનો ઘમંડ જોયો હતો. પણ લક્ષ્મીને જીરવી જાણનારની મહાનતાનું આજે તેને પહેલીવાર દર્શન થયું હતું.
સંવેદને હિંમત કરીને કહ્યું : ''શેઠ, મારા વૃદ્ધ પિતાને મારે તીર્થયાત્રાએ મોકલવા છે, પણ પૈસાના અભાવે હું એમની ઈચ્છા પૂરી કરી શકતો નથી.
વૃદ્ધો માટે રાહત દરે એક તીર્થયાત્રા પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. એટલે મારે બીજા ત્રણ હજાર રૂપિયાની જરૂર છે. હું કોચિંગ કલાસમાં હપ્તેથી ફી ભરીને આઈ.એ.એસ.ની તૈયારી કરીશ. અને આપના આશીર્વાદથી ઝળહળતી ફત્તેહ મેળવીશ. આપનો રૂપિયો નહીં ડુબાડું એની ખાતરી.''
અને સંવેદનની નિખાલસતા જોઈ સત્યકામશેઠ માગ્યા કરતાં પણ વધારે રૂપિયા સંવેદનને લોન પેટે આપ્યા હતા, અને તે પણ કશા જ સહી-સિક્કા કરાવ્યા વગર. અને બેન્ક લોન મંજૂર થતાં સંવેદને છ મહિનામાં સત્યકામશેઠની રકમ ચૂકવી આપી હતી. એ પછી બે વર્ષ સંવેદને આઈએએસની પરીક્ષા પસાર કરી હતી. કલેકટરની નિમણૂંક મળતાં તે સત્યકામશેઠની પેઢીએ પહોંચી ગયો હતો.
અને આજુબાજુના વેપારીઓએ કહ્યું હતું કે સત્યકામશેઠને બિઝનેસમાં મોટી ખોટ ગઈ હતી અને તેમની પેઢીનું ઉઠમણું થઈ ગયું છે. સત્યકામભાઈના નવા ઘરના સરનામા માટે સંવેદને પૂછપરછ કરી પણ ઠેકાણું પડયું નહીં...
ભૂતકાળની યાત્રા આટોપી સત્યકામશેઠ એષણાવહુની ઈજાજત લઈ દેવમંદિરે જવા નીકળ્યા હતા. પગમાં તાકાત નહોતી. હૈયામાં હામ નહોતી. ધીમા ડગ ભરતા તેઓ ટેકરીવાળા મંદિરના પગથિયાં ચઢી રહ્યા હતા. એમને જોઈ જૂના ભિખારીઓ આશાવંતા એમની પાછળ ચાલી રહ્યા હતા. પણ સત્યકામશેઠે બે હાથ જોડીને પોતાની લાચારી વ્યક્ત કરી હતી.
મંદિરે દેવદર્શન કરી 'કરકસર'ના પગલાં તરીકે દાનપેટીમાં કશું જ નાખ્યા વગર તેઓ પાણીની પરબે ગયા. પાણીની પરબેથી મસ્ત પાણી પીધું અને પગથિયાં પાસેના બાંકડા પર ગોઠવાયા.
એટલામાં પાડોશી અવિનાશકુમાર આવી ચઢ્યા. તેઓ પણ તીર્થયાત્રાએ જતા પહેલાં દેવદર્શને આવ્યા હતા.
મંદિરના ઝાંપા બહાર સત્યકામશેઠે નજર કરી. ગાડીમાંથી એક રૂપાળો યુવક ઊતર્યો અને સડસડાટ પગથિયાં ચઢી મંદિરમાં પહોંચી ગયો હતો. સત્યકામશેઠને સંવેદનની યાદ તાજી થઈ, હા એ જ સંવેદન. જે પોતાની ફી અને પિતાને તીર્થયાત્રા કરાવવા માટે લોન લેવા આવ્યો હતો અને વાયદા મુજબ લોનની રકમ તેણે પરત કરી દીધી હતી.
અવિનાશકુમાર સત્યકામશેઠને કહી રહ્યા હતા : ''સત્યકામભાઈ, જોયું આ કળિયુગમાં દીકરો બાપને તીર્થયાત્રા ય કરાવવા તૈયાર નથી. મેં તો તમારા દીકરા પ્રખરને કહ્યું હતું કે હું ઊછીના પૈસા આપી તારા પપ્પાને ચારધામની યાત્રાએ લઈ જવા તૈયાર છું...આખરે તો હું ય પેન્શનર જ ને !''
મારી પાસે પૈસા હોત તો તમારા જેવા માણસ માટે પ્રવાસની રકમ ખર્ચી નાખતાં એક ક્ષણનો ય વિલંબ ન કરત. સાચું કહું તો તમને મૂકીને તીર્થયાત્રાએ જવાનું મન નથી થતું. જીવન જ તમે તીર્થયાત્રાની જેમ જીવ્યા છો. કેટકેટલા લોકોની આંતરડી ઠારી છે પણ એનો બદલો વાળવા આજે કોઈ તમારે આંગણે ફરકતું નથી.
પાસે ઊભેલો સંવેદન બધી જ વાત સાંભળતો હતો. એ સત્યકામશેઠને ઓળખી ગયો. એણે અવિનાશકુમારને કહ્યું : ''વડીલ, આ ફિરસ્તાએ જેમની આંતરડી ઠારી, એમાંનો એક હું પણ છું. એમણે જ મને ભણતર અને મારા પિતાશ્રીની તીર્થયાત્રા માટે લોન આપી હતી. આજે એમના પ્રતાપે જ હું ઓફિસર બની શક્યો છું.'' કહીને સંવેદને પોતાની બ્રીફ-કેસમાંથી ચેકબુક કાઢી પચાસ હજારનો બેરર ચેક અવિનાશકુમારના હાથમાં મૂકતાં કહ્યું હતું : ''બેન્કમાંથી પૈસા ઉપાડી સત્યકામશેઠને તીર્થયાત્રાએ લઈ જવા માટે જરૂરી રકમ પ્રવાસ આયોજક કંપનીમાં ભરી દેજો અને બાકીના પૈસા એમની હાથ ખર્ચી માટે તમારી પાસે રાખજો. કહીને બેરર ચેક આપી સંવેદન ચાલ્યો ગયો હતો. સત્યકામશેઠના આભારના શબ્દો સાંભળી તેમને લજિજત કરવા તે નહોતો માગતો.''
અને બીજે દિવસે નવા વસ્ત્રોમાં સજ્જ થઈને સત્યકામશેઠ તીર્થયાત્રાએ લઈ જનારી બસના દરવાજા પાસે અવિનાશકુમાર સાથે વાતો કરતા ઊભા હતા. એમનો પુત્ર પ્રખર અને પુત્રવધૂ એષણા એમને વિદાય આપવા માટે પણ હાજર નહોતા.
અને લકઝરી બસ પાસે એક કાર આવીને ઊભી રહી. સંવેદન અને તેની પત્ની ધ્વનિ કારમાંથી ઊતર્યાં. સંવેદને સત્યકામશેઠનો ધ્વનિ સાથે પરિચય કરાવ્યો. સંવેદને ગુલાબનો હાર અને શાલ ઓઢાડી તેમનો ચરણસ્પર્શ કર્યો અને ધ્વનિએ સરસ પેક કરેલું બોક્સ સત્યકામશેઠના હાથમાં મૂકતાં કહ્યું : 'પપ્પાજી, આમાં સૂકો નાસ્તો છે જે મેં જાતે જ બનાવ્યો છે. સંવેદન આપને પિતા-તુલ્ય માને છે એટલું હું તમારી પુત્રવધૂ.' અને લકઝરીના ડ્રાઈવરે કહ્યું : ''ચાલો, નીચે ઊભેલા પેસેન્જર બસમાં બેસી જાઓ. બસ ઉપડવાની તૈયારીમાં છે'' અને સંવેદનને નમસ્તે કરી ધ્વનિને પણ આશીર્વાદ આપી સત્યકામશેઠ બસમાં બેઠા....સંવેદને ભાવાવેશમાં કહ્યું : ''રણછોડરાયની જય હો.''


