- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- 'યાર, ઈસ કા કુછ કરો! મૈં પૈસે લે ચૂકા હું, અબ વાપસ નહીં કર સકતા... ઔર અગર યે ફિલ્મ ફલોપ હો ગઈ તો મેરા નામ ખરાબ હો જાયેગા.'
- 'હાથી મેરે સાથી' ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પોસ્ટરોમાં પોતાનાં નામો ના દેખાયાં ત્યારે સલીમ-જાવેદ રાજેશ ખન્નાથી ભારે નારાજ થઈ ગયેલાં.
આ મ તો 'હાથી મેરે સાથી' રાજેશ ખન્નાની જ સુપરહિટ મુવી ગણાય છે, પરંતુ બહું ઓછા લોકો જાણતા હશે કે આ ફિલ્મ સલીમ-જાવેદની લખેલી પહેલી ફિલ્મ હતી ! નવાઈની વાત એ પણ છે કે આ ફિલ્મ સુપરહિટ થવા છતાં રાજેશ ખન્ના માટે સલીમ-જાવેદે બીજી કોઈ ફિલ્મો કેમ ના લખી ?
વળી એ પણ જાણવા જેવું છે કે સલીમ-જાવેદની ઝોળીમાં આ હિટ મુવી આવી હતી ખન્ના સાહેબને લીધે જ !
વાત એમ હતી કે પોતાની સુપરસ્ટાર હોવાની શાનમાં વધુ એક કલગી લગાડવાના જોશમાં કાકાએ (રાજેશ ખન્નાએ) રાજેન્દ્ર કુમારનો ભવ્ય અને 'લકી' મનાતો બંગલો બહુ મોટી કિંમતે ખરીદવાનો મનસૂબો બનાવી લીધો હતો પરંતુ એમાં ઘણા પૈસા ખૂટતા હતા.
એવામાં સાઉથમાં હિટ થયેલી 'દેવિયા ચેયલ' નામની તામિલ ફિલ્મના નિર્માતા ચિન્નપ્પા દેવરને આ ફિલ્મની હિન્દી રિ-મેક બનાવવાનું શૂર ચડયું. કહે છે કે એમને સપનામાં ગણપતિ બાપાએ આવીને એવો સંકેત આપેલો કે જો આ ફિલ્મ હિન્દીમાં બનશે તો ધૂમ કમાણી કરશે ! (ફિલ્મમાં મેઇન રોલ તો 'હાથી'ના જ હતા ને ?)
ચિન્નપ્પા દેવરે હિન્દીના સૌથી મોટા સ્ટાર રાજેશ ખન્નાનો સંપર્ક કર્યો. રાજેશ ખન્નાને મોટી રકમની જરૂર હતી એટલે તેમણે કંઈ વધારે પડતી જ માગણી કરી નાંખી ! દેવરજીએ તરત હા પણ પાડી દીધી ! પણ પછી ખન્ના સાહેબ ફસાયા...
કેવી રીતે ? કેમકે જ્યારે એમણે મૂળ તામિલ ફિલ્મ જોઈ ત્યારે એમના પેટમાં ધ્રાસકો પડયો ! કેમકે એ અતિશય ઢંગધડા વિનાની હતી ! શી ખબર, તામિલમાં શી રીતે ચાલી ગઈ ?
એવામાં રાજેશ ખન્નાને જાણવા મળ્યું કે બી આર ફિલ્મ્સના સ્ટોરી ડિપાર્ટમેન્ટમાં (જી હા, ચોપરા સાહેબ છ-સાત લેખકોને 'પગાર' ઉપર રાખતા હતા.) ત્યાં સલીમ અને જાવેદ નામના બે નવાસવા છોકરા છે, જે બહુ સારું કામ કરે છે.
રાજેશ ખન્નાએ એમને બોલાવીને પેલી તામિલ ફિલ્મ બતાડીને કહ્યું 'યાર, ઈસ કા કુછ કરો! મૈં પૈસે લે ચૂકા હું, અબ વાપસ નહીં કર સકતા... ઔર અગર યે ફિલ્મ ફલોપ હો ગઈ તો મેરા નામ ખરાબ હો જાયેગા.'
સલીમ જાવેદે ફિલ્મ જોઈને કહ્યું કે 'આમાં તો ધરમૂળથી ફેરફારો કરવા પડશે.' ખન્નાજી બોલ્યા 'જો કરના હો વો કરો, મગર યાદ રખના, હાથીઓં કો ઈમ્પોર્ટન્સ મિલના ચાહિયે !'
રાજેશ ખન્નાએ 'એમને સારા પૈસા અપાવવાનો વાયદો કર્યો ત્યારે સલીમ જાવેદે સામી શરત મુકી કે 'પૈસા તો સમજ્યા પણ અમને ફિલ્મમાં અને ફિલ્મનાં પોસ્ટરોમાં પ્રોપર ક્રેડિટ મળવી જોઈએ !'
બીજી તરફ સલીમ-જાવેદે જે ફેરફારો કરવાના આઇડિયા આપેલા તેનાથી ઈમ્પ્રેસ થઈને રાજેશ ખન્નાએ ચિન્નપ્પા દેવર સામે શરત મુકી કે 'આ છોકરાઓ જે સ્ક્રીપ્ટ આપે એમાં કોઈ ફેરફાર થશે નહીં !'
અમે તો મૂળ તામિલ ફિલ્મ પણ જોઈ છે, અને કિસ્સો જાણ્યા પછી ફરીથી 'હાથી મેરે સાથી' જોઈ ત્યારે સમજાયું કે સલીમ-જાવેદ કેટલા ઊંચી કક્ષાના 'કારીગર' હતા ! કેમકે મૂળ સ્ટોરી તો લગભગ એ જ રાખવાની હતી છતાં આખી ફિલ્મમાં તમે નોટિસ કરજો કે હાથીઓ જ સેન્ટરમાં છે !
રાજેશ ખન્ના અને તનુજા પ્રેમમાં પડે છે ત્યારે પણ હાથીઓ છે (ચલ ચલ ચલ મેરે હાથી) બન્નેનાં લગ્ન થાય છે ત્યારે મધુરજની વખતે પણ હાથીઓ હાજર છે (સારે સોયે તૂ ક્યું જાગે, હાથી ક્યા હૈ બાત...) ત્યાર બાદ બન્ને વચ્ચે ગેરસમજ પણ હાથી માટેના વધારે પડતા 'એટેન્શન'ને લીધે છે. તનુજાનો બાપ રાજેશ ખન્નાને બરબાદ કરે છે ત્યારે પણ હાથીઓનો જ સાથ લઈને રાજેશ ખન્ના પોતાનું સરકસ ચાલુ કરે છે (દુનિયા મેં રહના હૈ તો કામ કર પ્યારે) અને છેલ્લે જ્યારે ઝેર આપવાથી સૌથી મોટો હાથી મૃત્યુ પામે છે ત્યારે એની સ્મશાનયાત્રામાં પણ રાજેશ ખન્ના ગાયન ગાય છે (નફરત કી દુનિયા કો છોડકર પ્યાર કી દુનિયા મેં)
ફિલ્મના સંવાદો ભલે ઈન્દર રાજ આનંદે લખ્યા હોય (ટીનુ આનંદના પિતાજી) પરંતુ સ્ક્રીનપ્લે, યાને કે પટકથા, સલીમ-જાવેદની હતી એટલે ઉપર લખેલાં ચારે-ચાર ગાયનો પટકથા વખતે જ નક્કી થઈ ગયાં હતાં ! માત્ર ગાયનો જ નહીં, આખી ફિલ્મની પટકથા કેટલી ચૂસ્ત હતી, તે એ વાતથી સમજાય છે કે દેવર સાહેબે આના પછી બનાવેલી 'ગાય ઔર ગૌરી' અને 'જાનવર ઔર ઇન્સાન' જોતાંજોતાં નબળી પટકથાને લીધે લોકોને બગાસાં આવી જતાં હતાં !
છતાં, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પોસ્ટરોમાં પોતાનાં નામો ના દેખાયાં ત્યારે સલીમ-જાવેદ રાજેશ ખન્નાથી ભારે નારાજ થઈ ગયેલાં. જોકે તે વખતે કાકાનો સિતારો એટલો બુલંદ હતો કે સળંગ ૧૮ ફિલ્મો એમના નામમાત્રથી ચાલી ગઈ હતી !
હા, છેક ૧૯૮૫માં જ્યારે ખન્ના સાહેબની કરિયર લગભગ પતવામાં હતી ત્યારે કદાચ 'સંકટ સમયની સાંકળ' સમજીને તેમણે એક ફિલ્મ સલીમ-જાવેદ પાસે લખાવેલી પરંતુ ૧૯૮૨માં જ છૂટા પડી ગયેલી લેખક-જોડી પોતાનું જાદૂ ગુમાવી ચૂકી હતી. એ ફિલ્મ હતી 'ઝમાના'... અને તમે જુઓ, જમાનો તો બન્નેનો પતી ગયો હતો! કેમકે ઉપરવાળો જે સ્ક્રીપ્ટો લખે છે તેવું તો કોઈ લખી શકતું નથી.
= 'હાથી મેરે સાથી' ૧૯૭૧ની નંબર વન બ્લોકબસ્ટર હતી.
= ભારતમાં એ વખતે ૩.૫ કરોડ કમાનારી આ ફિલ્મે ૧૩ કરોડ રશિયામાંથી ઉસેટી લીધા હતા !
= એ જ વરસે રાજેશ ખન્નાની 'આનંદ' પણ હિટ હતી. જે બતાવે છે કે રાજેશ ખન્નાના અભિનયની રેન્જ કેવી હતી !
= શૂટિંગ દરમ્યાન હાથીઓને તનુજા માટે એટલી બધી માયા બંધાઈ ગઈ હતી કે કલાઇમેક્સમાં જ્યારે હાથીએ તનુજાને ધક્કો મારવાનો હોય છે ત્યારે હાથી ધરાર તૈયાર થતો નહોતો ! છેવટે 'ડમી' હાથી વડે 'ક્લોઝ-અપ'માં ધક્કો શૂટ કરવો પડયો હતો.
= હાથીઓ પાસે 'અભિનય' કરાવવાનું મુખ્ય કામ એનિમલ ટ્રેઇનર ડી. કેશવ રાવે કર્યું હતું જે 'ગ્રેટ ઓરિએન્ટલ સર્કસ'ના મુખ્ય ટ્રેઇનર હતા.
= ફિલ્મને એનિમલ રાઇટ્સ પ્રોટેકશનની સંસ્થા તરફથી સ્પેશીયલ એવોર્ડ એનાયત થયો હતો.


