Get The App

પ્રજાસત્તાક દિન : જેના પાયા પર દેશ અડીખમ ઉભો રહ્યો છે

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
પ્રજાસત્તાક દિન : જેના પાયા પર દેશ અડીખમ ઉભો રહ્યો છે 1 - image

- ભારતનું બંધારણ વિશ્વનું સૌથી દળદાર, ઊંડાણભર્યું અને વિસ્તૃત છે. બંધારણના 22 વિભાગમાં 395 આર્ટિકલ્સ અને 8 શેડયુલ્સ હતાં. તેમાં સમયાંતરે ઉમેરા કે સુધારા થતા રહ્યા છે. 80,000 શબ્દોના બંધારણને ઘડતાં બે વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા.

- હોરાઈઝન-ભવેન કચ્છી

26 જાન્યુઆરી,1930ના દિવસે આઝાદીના અહિંસામાં માનતા સેનાનીઓએ ભારત માટે પૂર્ણ સ્વરાજ મેળવવાનો સંકલ્પ કર્યો હતો. આ તારીખ કાયમ યાદ રહે તેથી પ્રજાસત્તાક દિન માટે 26 જાન્યુઆરી પસંદ કરાયો 

આ વતીકાલે  ૨૬ જાન્યુઆરી.  તમે દેશના જુદી જુદી વયજૂથના નાગરિકો તેમાં પણ ખાસ કરીને યુવા પેઢી અને નાના ગામોમાં પ્રશ્ન પૂછશો કે આજે કયા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થાય છે તો દસમાંથી છ તો ચહેરા પર એવા હાવભાવ લાગશે અચાનક તેઓને ઊંઘમાં ઢંઢોળીને કંઇક પુછાયું હોય. તેઓ કહેશે કે 'આજે આઝાદી દિન છે.' તમે વળતો સવાલ પૂછશો કે 'તો પછી ૧૫મી ઓગસ્ટ શું છે? તો તેઓ છોભીલા પણ  નહીં પડે અને કહેશે કે 'શું યાર સવાર સવારમાં આવા અઘરા સવાલ પૂછો છો.આજે પરેડ દિન છે..બસ.'  

જેઓ સાચો જવાબ આપશે તેઓનો ઉત્તર હશે કે 'લો એમાં શું આજે રિપબ્લિક ડે છે.' તમે આગળ પૂછશો કે રિપબ્લિક ડે એટલે શું ? તો તેઓ કહેશે 'પ્રજાસત્તાક કે એવું કંઇક.' પણ તેઓ ખરેખર પ્રજાસત્તાક દિન વિષે સમજ નથી ધરાવતા હોતા. 

આવું થાય તેમાં કોઇનો દોષ નથી, કેમ કે આપણને - વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી ઈતિહાસ જ ભણાવાયો છે. બાળપણથી એટલું જ ગોખેલું હતું કે ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય તહેવારો અને તેના સિવાય તમામ ધાર્મિક તહેવારો. આ બંને પ્રકારના તહેવારો અંગેના નિબંધમાં અમુક બાબત આંખ મીંચીને લખી જ દેવાતી કે, 'આ તહેવારના દિવસે બધા નવા કપડાં પહેરે, મીઠાઈ ખાય અને ગામને શણગાવામાં આવે. જાહેર રજા હોઈ બધા એકબીજાને શુભેચ્છા આપે અને ઉત્સવ જેવું વાતાવરણ હોય. લાઉડ સ્પીકર પર અને રેડીઓમાં દેશભક્તિનાં ગીતો  વાગતા  હોય. ટીવી ચેનલોમાં  યુદ્ધ વિષયક ફિલ્મો પ્રસારિત થતી હોય.''

પ્રજાસત્તાક દિન હોય ત્યારે  ડો.બાબાસાહેબ આંબેડકરને યાદ કરાય પણ તેમનાં વિરાટ પ્રદાનની જાણકારી નવી પેઢીને હોવી જોઈએ તેની જગ્યાએ  ''બંધારણના ઘડવૈયા'' તેવા  ગોખેલા શબ્દ જેટલો જ તેમનો પરિચય આપી દેવાતો હોય છે. પ્રજાસત્તાક દિન એટલે તેમના પ્રદાનની નીપજ તેમજ બંધારણના અમલીકરણનો ખરા અર્થમાં પ્રારંભથી માંડી બંધારણ, પ્રજાસત્તાક એટલે શું, તેમાં સમાવિષ્ટ બાબતો, દ્રષ્ટિની જાણકારી નાગરિકોને નથી. 

નવાઈની વાત એ છે કે બંધારણમાં આપણને જે પાયાના હક્કો આપવામાં આવ્યા છે તેનો જ ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કરીને   રાજકીય પક્ષો મત માગે છે. પણ ખરેખર તો બંધારણ અન્વયે આ હક્કો તો નાગરિકને મળવા જ જોઇએ. 

ભારતમાં સરકાર કે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળા, કોલેજો, હોસ્પિટલની ગુણવત્તા પશ્ચિમના દેશોની જેમ તમામ આર્થિક વર્ગના નાગરિકો તેની સેવા લઇ શકે તેવી માનવ ગૌરવને શોભે તેવી છે ખરી ? જાહેરસાહસો અને સેવાઓ પણ અમાનવીય રીતે ઈરાદાપૂર્વક ખાડે લઇ જવાઇ છે, જેથી કોર્પોરેટ જાયન્ટ્સ અને ખાનગી કંપનીઓ તમામ સ્તરે ધંધો કરી શકે. મોટેપાયે ભ્રષ્ટાચાર થઇ શકે.તો બીજી તરફ બંધારણમાં નાગરિકોની ફરજો  અંતર્ગત આપણી ફરજોની પણ યાદી છે પણ ભારતમાં નાગરિકોની શિસ્ત હવે બેફામ અને અનિયંત્રિત બની ચુકી છે. આપણે વિશ્વમાં શ્રે બંધારણ ધરાવતા હોવા છતાં તેની ધરાર અવગણના થતી હોઈ દેશ વિકસિત હોય તેવું નથી લાગતું.

આપણા દેશમાં પશ્ચિમના દેશો જેવી સિસ્ટમ નથી. તેનું કારણ જ નાગરિકોને આત્મગૌરવ જળવાય તેવા હક્કો કે ફરજોની સભાનતા નથી તે છે.આમ છતાં ભારતમાં આજે પણ લોકશાહી બુલંદ છે તેનું કારણ મજબુત બંધારણ છે. જેમાં છેવાડાના નાગરિકો અને ગ્રામ્ય તેમજ શહેરી વિકાસની ભાવી દ્રષ્ટિ ઉમેરીને હક્કો અને ફરજો આપવામાં આવી છે. કોર્ટના ચુકાદામાં પણ બંધારણ શું કહે છે તે આધાર લેવામાં આવે છે. આપણા બંધારણ માટે ડો.બાબા સાહેબ આંબેડકરે એટલે સુધી કહ્યું છે કે 'જો દેશ કોઈ કારણસર જે દિશામાં જવો જોઈએ તે દિશામાં નથી જઈ રહ્યો તો એમ જ માનશો કે જે તે સમયના નાગરિકો અને નેતાઓ તેને અનુસર્યા નહીં હોય તેના લીધે અરાજકતા ફેલાઈ હોઈ શકે.બંધારણની નિષ્ફળતા હોવી શક્ય જ નથી તે રીતે સર્વાંગી અને દુરંદશી દ્રષ્ટિ સાથે સહિયારા પ્રયત્નો અને ઉમદા ભાવના સાથે તેને બનાવ્યું છે.'

આપણા નવરચિત બંધારણને દેશના પ્રતિનિધિઓએ (વિધાન પરિષદ) ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ મંજૂરી આપી દીધી હતી. સ્વતંત્ર ભારતનાં  નવા બંધારણને આખરી ઓપ અપાઇ રહ્યો હતો ત્યારે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે એક દ્રષ્ટિવાન નિર્ણય લીધો કે પૂર્ણ સ્વરાજનો સંકલ્પ ઠરાવ ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના રોજ પસાર થયો હતો. ૨૬ જાન્યુઆરીના દિવસની કાયમી યાદ જળવાઇ રહે તેથી પ્રજાસત્તાકદિનની જાહેરાત પણ આ જ તારીખે કરવી.

ભારતને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સાર્વભૌમ રાષ્ટ્ર જાહેર કરાયું. બંધારણમાં ન્યાય, સમાનતા અને વૈચારિક સ્વાતંત્ર્ય જેવી ત્રણ બાબતોને પાયામાં રાખવામાં આવી છે. ભારત દેશને બંધારણની દ્રષ્ટિએ સાર્વભૌમ અને લોકશાહી - ગણતંત્ર તરીકેના દાયરામાં મૂકવામાં આવ્યો હતો. પણ ૧૯૭૬ના સુધારા અંતર્ગત તેમાં બિનસાંપ્રદાયિક અને સમાજવાદી જેવી લાક્ષણિકતાઓ પર સવિશેષ ધ્યાન અપાશે તે ઉમેરાયું.

ભારતનું બંધારણ વિશ્વનું સૌથી દળદાર, ઊંડાણભર્યું અને વિસ્તૃત છે. બંધારણના ૨૨ વિભાગમાં ૩૯૫ આર્ટિકલ્સ અને ૮ શેડયુલ્સ હતા. તેમાં સમયાંતરે ઉમેરા કે સુધારા થતા રહ્યા છે. ૮૦,૦૦૦ શબ્દોના બંધારણને ઘડતા બે વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ લાગ્યા હતા.

ભારત આઝાદ થયું તે પછી પ્રથમ ચૂંટણી થઇ ત્યાં સુધીના સાડા ત્રણ વર્ષ સુધી ઈન્ડિયન કોંગ્રેસે ૩૦ સભ્યોની ટીમ બનાવી. તેઓએ જવાબદારી વહેંચીને દેશનું શાસન કર્યું અને ભારતના પ્રજાસત્તાક બંધારણ ઘડવા માટેની સમિતિને બહાલી આપી. ભારતની વિધાન પરિષદની યાદી પણ જાણી લો.

નહેરુ, ડો. આંબેડકર, સરદાર પટેલ, સંજય ફક્રે, રાજગોપાલાચારીજી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુન્શી, માવલંકર, સંદિપકુમાર પટેલ (આમની વધુ જાણકારી સંશોધકે મેળવવી જોઇએ) મૌલાના આઝાદ, શ્યામાપ્રસાદ મુખર્જી, નલિની રંજન ઘોષ, બળવંતરાય મહેતા, ક્રિષ્નામૂર્તિ ઐયર, બેનેગલ નારસિંગ, પ્રો. કે.ટી. શાહ જેવા પ્રભાવી નેતાઓ તો હતા જ પણ પ્રત્યેક વર્ગના પ્રતિનિધિને પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

ફ્રેન્ક એન્થોની એંગ્લો ઈન્ડિયન જૂથના, એમ.પી. મોદી પારસીઓના, હરેન્દ્રકુમાર મુખર્જી લઘુમતી ખ્રિસ્તીના, અરિ બહાદુર ગુરુંગ ગુરખાઓના પ્રતિનિધિ તરીકે સામેલ થયા. તે વખતે મહિલાઓના દરજ્જા પર વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું હતું,. સરોજિની નાયડુ, હંસા મહેતા, દુર્ગાબાઇ દેશમુખ, રાજકુમારી અમિત કૌર અને વિજયાલક્ષ્મી પંડિત જેવી વિદુષીઓને ટીમમાં સામેલ કરાઇ હતી.

આઝાદીના કાઉન્ટ ડાઉનનું વાતાવરણ સર્જાયું તે સાથે જ આ પરિષદની રચના ડિસેમ્બર, ૧૯૪૬થી આકાર પામતી હતી. મહાત્મા ગાંધીને આઝાદીમાં જ અને ત્યાં સુધીની યોજનામાં જ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસમાં રસ હતો. આથી જ તેઓ વિધાન પરિષદ (કોન્સ્ટિટયુન્ટ એસેમ્બલી)માં રસ કે સ્થાન નહોતા ધરાવતા.

આઝાદીના આગલા દિવસથી એટલે કે ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશના વહીવટ અને સુશાસન માટે જુદી જુદી કમિટીઓ બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ હતી. ૨૯ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બંધારણ ઘડવા માટેની કમિટીની રચનાને આખરી સ્વરૂપ અપાયું હતું. તેના ચેરમેન તરીકે ડો. બાબાસાહેબ આંબેડકર નિયુક્ત કરાયા હતા. તેમની સાથે છ સભ્યો ફાળવવામાં આવ્યા.

જેમાં પંડિત ગોવિંદ વલ્લભ પંત, કનૈયાલાલ મુન્શી (ભૂતપૂર્વ ગૃહપ્રધાન બોમ્બે), આલાદી ક્રિષ્નાસ્વામી ઐયર (ભૂતપૂર્વ એડવોકેટ જનરલ - મદ્રાસ), એન ગોપાલસ્વામી આયંગર (કાશ્મીરના ભૂતપૂર્વ વડાપ્રધાન), બી.એલ. મિત્તર (ભૂતપૂર્વ એડવોકેટ જનરલ - બ્રિટિશ શાસિત ભારત), એમ.ડી. સાદુલ્લાહ (આસામના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મુસ્લિમ લીગના સભ્ય) અને ડી.પી. ખેતાને (ઉદ્યોગપતિ અને ધારાશાસ્ત્રી) જોરદાર ટીમવર્કની ભાવના બતાવી મેરેથોન, લાજવાબ બંધારણ ઘડી કાઢયું. બંધારણની ટીમના સલાહકાર તરીકે સર બેનેગલ નારસિંગ રાઉ હતા. તેઓ પ્રથમ પ્રજાસત્તાક દિન પછી  ૧૯૫૦થી ૧૯૫૪ દરમ્યાન ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના પ્રથમ ભારતીય જજ તરીકે નિયુક્ત થયા હતા.તેના પરથી તેમની દ્રષ્ટિનો કેવો લાભ મળ્યો હશે તે સમજી શકાય તેમ છે. મહારાજા ઓફ વડોદરાના કાયદાકીય સલાહકાર માધવરાવ, ટી.ટી. ક્રિષ્નાચારીએ પણ યોગદાન આપ્યું. બે વર્ષ, ૧૧ મહિના, ૧૮ દિવસના સમયગાળામાં ૧૬૬ દિવસ દરમ્યાન તેઓ અને વિધાન પરિષદના સભ્યો બંધારણ માટે રોજ મળતા. જુદા જુદા ૨૦૦૦ સુધારા-સૂચનો થતા રહ્યા. નાગરિકો પણ તેમની રીતે મંતવ્યો આપી શકયા હતાં.

બંધારણની મુખ્ય કલમો ખૂબ જ મરોડદાર કલાત્મક હાથ વડે લખાયેલા અક્ષરોની બનાવાઈ. જે માટે કલકત્તાના શાંતિનિકેતનથી ખાસ લહિયાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમગ્ર વિધાન પરિષદનો આઝાદીની પ્રથમ ચૂંટણી સુધીનો વહીવટી તેમજ પગાર વગેરેનો કુલ ખર્ચ રૃા. એક કરોડ થયો હતો. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી અત્યાર સુધી બંધારણમાં ૧૦૬  વખત સુધારા કરવામાં આવ્યા છે. અન્ય ૨૫  દરખાસ્તને બંને ગૃહોની મંજૂરી ન મળતાં પરત કરાયા છે.

બ્રિટિશ, અમેરિકન, કેનેડા, આઈલેન્ડ, જર્મની અને ઓસ્ટ્રેલિયાના બંધારણનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ભારતનું બંધારણ ઘડાયું છે.

આપણે આપણી આઝાદી અને ભાગલા વિશે  જાણીએ છીએ તેટલા  ૨૬મી જાન્યુઆરીની મહત્તા પરત્વે ઉત્સુક નથી.

જ્ઞાન પોસ્ટ 

બંધારણ સરકાર દ્વારા નાગરિકોને નિયંત્રણમાં રાખવા માટે નથી પણ, તે નાગરિકો  સરકાર પર નિયંત્રણ રાખી શકે તે  માટે છે.