Get The App

નસીબના જોરે ઉડતી પાક. ઈન્ટરનેશનલ એરલાઈન્સનું તકદીર 71 વર્ષે ખૂટી ગયું

Updated: Jan 25th, 2026

GS TEAM

Google News
Google News
નસીબના જોરે ઉડતી પાક. ઈન્ટરનેશનલ એરલાઈન્સનું તકદીર 71 વર્ષે ખૂટી ગયું 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- પાકિસ્તાને ગયા વર્ષે તેની એરલાઈન્સના ત્રીજા ભાગના પાઈલટો  બનાવટી લાયસન્સ ધરાવતા હોવાને કારણે તેમને તડીપાર કર્યા હતા.

વિમાન  આકાશમાં સમાંતર બનતાં જ એરહોસ્ટેસો સ્કોચ અને શેમ્પેઈનની બોટલો એક પછી એક ખોલવા માંડે છે. શરાબ! અને તે પણ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સમાં?  જ ગતના નકશામાં પાકિસ્તાન નામનું એક એવું રાષ્ટ્ર છે જેને મૂર્ખાઓનો દેશ કહો તો જરાય અતિશયોક્તિ નહીં હોય. તેના શાસકો  કાયમ જાતે જ પગ પર કુહાડો મારતા આવ્યા છે. તેમના અવિચારી પગલાને કારણે  નાગરિકો ઘણી નુકસાની ભોગવતા  આવ્યા છે. તાજેતરમાં  પાકિસ્તાનની ઈન્ટરનેશનલ એરલાઈન્સની  આખા વિશ્વમાં બદનામી થઈ  છે.  સાવ ખાડે ગયેલી આ એરલાઈન્સને  છેવટે પાક.શાસકોએ  વેંચી મારી છે. 

બે વર્ષ પૂર્વે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ એટલી કંગાળ થઈ ગઈ હતી કે, વિદેશની ધરતી પર તેને શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના એક વિમાનને સાઉદી અરેબિયાના દમ્મન એરપોર્ટ અને તેના અન્ય ચાર વિમાનોને દુબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતાં.  કારણ કે  તેની પાસે ઈંઘણના પણ પૈસા બચ્યા નહોતા.    એરલાઈન્સ દ્વારા લેખિતમાં આશ્વાસન આપ્યા બાદ તેમને ઉડવાની મંજૂરી અપાઈ હતી. 

એ વખતે   પીઆઈએની રોજની ૨૩ ફ્લાઈટ ટેકઓફ કરતી હતી, જેની સંખ્યા ઘટીને  ૧૬ થઈ ગઈ હતી.  સરકાર દ્વારા એરલાઈન્સ માટે નાણાંની ફાળવણી ન કરવામાં આવી હોવાથી કર્મચારીઓના પગાર રોકવામાં આવ્યા હતા. વળી,  બોઈંગ અને એરબસ જેવી કંપનીઓએ તેને ઉધારમાં સ્પેરપાર્ટસ આપવાની ના પાડી દીધી હતી.

આ  સરકારી એરલાઈન્સે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસો. અને બીજા આંતરરાષ્ટ્રીય સંગઠનને ૩૫ લાખ ડોલરની ઈમરજન્સી ચૂકવણી કરવી પડી હતી, ત્યારબાદ જ તેને જરૂરી મંજૂરીઓ આપવામાં આવી હતી. એરલાઈન્સના અધિકારીએ પાકિસ્તાન સરકારને જણાવ્યું કે,એરલાઈન્સને તાત્કાલિક ૨૩ અબજ રૂપિયાની મદદ નહીં કરવામાં આવે તો બધી ફ્લાઈટ્સ રદ્દ કરવાનો વારો  આવશે. અને  છેવટે  પી.આઈ.એ.ને તાળંુ  મારવાનો  વારો આવ્યો. 

 આ પૂર્વે અમેરિકાના વહીવટી ખાતાએ  પાકિસ્તાનથી આવતી  (PIA) તમામ ફ્લાઈટો પર  અચોક્કસ મુદ્દત સુધી પ્રતિબંધ મૂક્યો હતો.  ગયા વર્ષે  પાકિસ્તાને તેની એરલાઈન્સના ત્રીજા ભાગના પાઈલટો  બનાવટી લાયસન્સ ધરાવતા હોવાને કારણે તડીપાર કર્યા હતા.  યુરોપના તમામ દેશો વતી યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પણ સમગ્ર યુરોપ પર ફ્લાઈટ ઉડાડવાનો  (PIA) પર પ્રતિબંધ મૂક્યો હતો. 

અત્રે  એ જણાવી દઈએ  કે બોગસ લાયસન્સ મેળવી  પાઈલટ બની ગયેલા વિમાન ચાલકોને કારણે થોડાં  વર્ષો પૂર્વે (PIA)ને નડેલા અકસ્માતમાં ૯૭ પેસેન્જર માર્યા ગયા હતા. 

 ખેર, આ એરલાઈન્સનું તાજેતરમાં પ્રાઈવેટાઈઝેશન થયું ત્યારે પી.આઈ.એ. પાસે વિવિધ પ્રકારના ૩૨ વિમાનોનો કાફલો હતો. તે રોજની ૫૦ ફ્લાઈટ ઉડાડતી હતી જેમાં ૨૦ ડોમેસ્ટીક ડેસ્ટિનેશન હતા અને ૨૮ ફ્લાઈટ એશિયા, યુરોપ, નોર્થ અમેરિકા અને મધ્ય પૂર્વના દેશોમાં સેવા આપતી હતી. આ સિવાય પેરિસની સોફીટેલ હોટલ અને ન્યુયોર્કની રૂઝવેલ્ટ હોટલ પણ પી.આઈ.એ.ની માલિકીની હતી. આ શાનદાર હોટલનો ઉપયોગ હવે બેઘર લોકોને આશરો (શેલ્ટર હોમ) આપવામાં થાય છે!

 પાક. એરલાઈન્સની પડતીની શરૂઆત ૨૦૨૦માં થઈ. યુનિયનના ઝઘડા, વિમાનોને ભૂમિગત જ રાખવાની જીદ તથા અનેક યુરોપિયન દેશો દ્વારા આ એરલાઈન્સનો બહિષ્કાર કરતાં તેની માઠી દશા બેઠી. ઉધારી ચઢતી ગઈ તેમ આ સરકારી એરલાઈન્સ દેવાના ડુંગર હેઠળ દબાતી ગઈ. દેવાળિયા પાકિસ્તાનની જેમ તેની એરલાઈન્સે પણ નાદારી નોંધવવાના દિવસો આવ્યા. છેવટે આઈ.એમ.એફ. (ઇન્ટનેશનલ મોનેટરી ફંડ)ની શરતોનું પાલન કરવા પાક. સરકારે તેમની એરલાઈન્સ અરિફ હબીબ નામના માલેતુજાર પાક. નાગરિકને વેંચી દેવી પડી. આખો સોદો પાક. રૂપિયા ૧૩૫ અબજનો (આશરે ૪૮૦ મિલિયન ડોલર) થયો.

પાકિસ્તાની ઇન્ટરનેશનલ એરલાઈન્સ (પી.આઈ.એ.) તેની કરાંચી-મુંબઇ વચ્ચેની સેવા ૭ મે  ૨૦૧૭મા બંધ કરી હતી. આ રૂટ પર તેને ખુબ જ ઓછા મુસાફરો મળતા હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો  હતો. પી.આઈ.એ. સોમ તેમજ ગુરૂવારે બન્ને દેશોના આર્થિક પાટનગર મનાતા કરાંચી અને મુંબઇ વચ્ચે વિમાન સેવા ચલાવતી હતી. 

જોકે   છેલ્લાં નવ વર્ષોથી  પાકિસ્તાન સાથેનો ભારતનો વિમાન વહેવાર બંધ છે.

જો કે ભૂતકાળમાં  જ્યારે  આ એરલાઈન્સની  મુંબઈ- દિલ્હી ખેપ ચાલુ હતી ત્યારે  પાકિસ્તાનને તેનાથી ઘણો ફાયદો થતો  હતો  કારણ કે દવા-દારૂ, કપડાં, પાન, ચોખા, તાજા શાકભાજી, ફળો વગેરે ઘણી જરૂરિયાતની વસ્તુઓ  ભારતમાંથી થોકબંધ આવવા લાગતા મોંઘવારીમાં પાકિસ્તાની પ્રજાને થોડી રાહત થતી  જો કે સૌથી વધુ ફાયદો પાક. ઇન્ટરનેશનલ એરલાઈન્સને થયો હતો.  જેને ભારત સાથેનો વિમાન વહેવાર પુન: સ્થાપિત થવા  સીધા અને  આડકતરા ઘણા લાભ  થયા  હતા.   ફક્ત કરાચી-મુંબઈ વચ્ચેના રૂટ પર જ પાક એરલાઈન્સને એક વર્ષમાં ૭ કરોડ રૂપિયાનો નફો થયો હતો. ત્યારબાદ  દિલ્હી-લાહોર અને મુંબઈ કરાચી વચ્ચેની વિમાની આવનજાવન વધી જતાં વેપારધંધા પણ ખીલી ઉઠયા અને પાકિસ્તાની એરલાઈન્સનું નસીબ પણ સોળે કળાએ ખીલી ઉઠયું.

તકદીરની વાત એટલે કરવી પડે છે, કેમ કે પાકિસ્તાનની આ એકમાત્ર વિમાની કંપની ઘણી રીતે પ્રારબ્ધના જોરે જ ઊડતી રહી હતી.  બારીકાઈથી જોતાં જણાશે કે 

વિચિત્રતાઓથી ભરેલાં પાક. એરલાઈન્સના ભૂતકાળમાં એવી અનેક રસપ્રદ વાતો છે જે આ વિમાની કંપનીને  કટ્ટર વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવામાં મદદરૂપ થતી હતી.

અઢીે દાયકા  જૂનું  ઉદાહરણ જોઈએ. મુંબઈ એરપોર્ટ પરથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક બોઈંગ વિમાન આકાશ ગજવતું ઊડે છે. એક લાંબો ચકરાવો લઈને ૩૫,૦૦૦ ફીટની ઊંચાઈએ તે કરાંચીની દિશામાં આગળ વધે છે. આ વિમાનમાં કેટલાંક ભારતીય પત્રકારો છે, જેઓ અટલબિહારી વાજપાયીની સાર્કની શિખર મુલાકાત 'કવર' કરવા માટે પાકિસ્તાન જઈ રહ્યા છે. એ સિવાય બીજા ઉતારૂઓ પણ છે.

વિમાન  આકાશમાં સમાંતર બનતાં જ એરહોસ્ટેસો પોતાની બેઠક પરથી ઊભી થઈને દોડધામ શરૂ કરી દે છે. તેઓ સ્કોચ અને શેમ્પેઈનની બોટલો એક પછી એક ખોલવા માંડે છે. શરાબ! અને તે પણ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના વિમાનમાં?  

એક એર-હોસ્ટેસ ખુલાસો કરે છે કે વિમાન પાકિસ્તાનની હદમાં નથી પ્રવેશ્યું ત્યાં સુધી મુસાફરોને દારૂ પીરસવાની છૂટ છે. પરંતુ સરહદ આવે એટલે બોટલોનો બૂચ દેવાઈ જશે, અને વિમાન કરાંચીના એરપોર્ટ પર ઉતરે ત્યાં સુધીમા તો પ્યાલીઓ પણ લૂછી- કરીને કબાટમાં મૂકી દેવાશે! જાણે ૩૫૦૦૦ ફીટ ઊંચે છાંટો- પાણીની હવાઈ મહેફિલ જામી જ નહોતી!

આ અધકચરી શરાબબંધીનો અર્થ એ થયો કે પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ દારૂ પીએ તો શરીયત જેવા કાયદા નીચે તેણે ઘોર અપરાધ કર્યો ગણાય અને તે માટે તેને આકરામાં આકરી સજા થઈ શકે. પરંતુ આકાશમાંથી કોઈ દારૂડિયો ઉતરી આવે તો તેની ધરપકડ કરાવી મુશ્કેલ.

આ વિરોધાભાસ આપણને સગવડિયા ધરમ જેવો લાગે, છતાં ઈસ્લામી પાકિસ્તાનમાં આવું વર્ષોથી ચાલતું આવ્યું છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે ધરમ અને ધંધા વચ્ચે એક સૂક્ષ્મ ભેદરેખા દોરી છે. જેને લીધે દેશમાં તેનો ધરમ સચવાય છે અને પરદેશમાં ધંધો વધે છે. આંતરિક ઉડ્ડયન વખતે (દા.ત. કરાંચીથી રાવલપિંડી જતી વખતે) મુસાફરો સ્કોચ અને શેમ્પેઈન તો શું, સામાન્ય બીયરની પણ અપેક્ષા રાખી શકે નહિ. પરંતુ પી.આઈ.એ.નાં વિમાનો આંતરરાષ્ટ્રીય માર્ગો પર ઊડતાં હોય ત્યારે શરાબ છૂટથી પીરસાય છે અને પીવાય છે. અહીં માત્ર ધંધાનું હિત જોવાય છે. કરાંચીથી ન્યૂયોર્ક જતા વિમાનમાં કેટલાંય વિદેશી મુસાફરો હોય. જો તેમનાં ગળાં ભીનાં કરવામાં ન આવે તો દુનિયાની પોણોસો એરલાન્સોની હરિફાઈ સામે પી.આઈ.એ.નાં વિમાનો ઊડતાં રહી શકે નહિ. આમ દારૂના મુદ્દા પર એર-ઈન્ડિયામાંથી તાતાને કાઢી મૂકનાર મોરારજીભાઈ કરતાં જનરલ પરવેઝ મુશર્રફ વધારે વહેવારૂ ગણાતા. 

આ શિરસ્તો છેક જનરલ ઝિયાના સમયથી ચાલ્યો આવતો હતો. છાંટો- પાણીની છૂટછાટ એ તો પી.આઈ.એ.ની અનેક વિચિત્રતાઓ પૈકી ફક્ત એક  હતી. વાસ્તવમાં દુનિયાની બીજી કોઈ એરલાઈન્સ સાથે તેની સરખામણી થઈ શકે તેમ નથી. 

૧૦ નવેમ્બર, ૨૦૦૫માં પાકિસ્તાને પહેલી સૌથી લાંબી નોનસ્ટોપ ફ્લાઈટ શરૂ કરી. તેનું બોઇંગ ૭૭૭ પ્લેન હોંગકોંગથી લંડન સુધીની ફ્લાઈટ ૨૨ કલાક ૨૨ મિનિટમાં પૂરી કરતી હતી.

પી.આઈ.એ. લોકોમાં આટલો બધો રસ જગાડી શકી છે તેની પાછળ ઐતિહાસિક તેમજ ભૌગોલિક કારણો છે. ભારતના ભાગલા સાથે પાકિસ્તાન પણ બે હિસ્સાઓમાં વહેંચાઈ ગયું હતું અને તેમની વચ્ચે દોઢ હજાર માઈલનું અંતર હતું. આ અંતર સમુદ્રમાર્ગે કાપવામાં આવે તો એટલાંટિક મહાસાગર ઓળંગવા જેટલી લાંબી સફર ખેડવી પડે. રેલવેમાર્ગનો તો સવાલ જ નહોતો. આથી વિમાનો પર મદાર રાખવાની નછૂટકે ફરજ પડી. ૧૯૪૬માં કલકત્તાના કેટલાંક માલેતુજાર મુસ્લિમો ઓરિયન્ટ એરવેઝ નામની વિમાની કંપની ચલાવતા હતા. ઓગસ્ટ ૧૪, ૧૯૪૭ની મધરાતે આઝાદી મળી કે તરત ઓરિયન્ટને પોતાની રજિસ્ટર્ડ ઓફિસ કરાંચી ખસેડવાની નોટિસ આપવામાં આવી. અડતાલીસ કલાકમાં તો ઓરિયન્ટનાં પાંચ ખખડધજ ડાકોટા વિમાનો પર પાકિસ્તાનનો લીલો રાષ્ટ્રધ્વજ ચીતરાઈ ગયો. આ વિમાનો કરાંચી અને ઢાકા વચ્ચે ઉડવા લાગ્યાં, પરંતુ ૧,૫૦૦ માઈલની એકધારી મુસાફરી કરવાની તેમની ક્ષમતા ન હોવાથી ભારતમાં તેમણે એકાદ એરપોર્ટ પર ઉતરીને નવું બળતણ લેવું પડતું હતું. બીજી તરફ ઓરિયન્ટ કંપની મોટા આધુનિક વિમાનો ખરીદી શકે તેમ નહોતી. માત્ર પશ્ચિમ પાકિસ્તાન માટે પણ ડાકોટા અગવડરૂપ હતા અને જ્યારે ગિલગિટના પહાડી વિસ્તારો સુધી વિમાની સેવા લંબાવવામાં આવી ત્યારે ડાકોટામાં બેઠેલા મુસાફરોએ પાતળી હવામાં જીવતા રહેવા માટે ઓક્સિજનનાં મહોરાં પહેરી લેવાં પડતાં હતાં. આમ વર્ષો સુધી ચાલ્યું. દેશના વિમાન વ્યવહારને ઓરિયન્ટ કંપની વિકસાવી શકશે નહિ એવી સરકારને ખાતરી થઈ. એટલે તેણે ૧૯૫૪માં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની સ્થાપના કરી, અને જતે દહાડે ઓરિયન્ટ કંપનીને ૬૦૦ માણસોના સ્ટાફ સહિત તેમાં સમાવી લીધી.

આ ફેરફાર થયો ત્યારે પી.આઈ.એ.ના ૬૦ ટકા શેરો સરકારના હાથમાં હતા. પરંતુ જનરલ અયુબ ખાનની નવી સરકારે ખાનગી નાગરિકો પાસેથી બાકીના શેરો ખરીદવા શરૂ કર્યા અને સરકારની માલિકી ૮૦ ટકા સુધી પહોંચાડી દીધી.  

જો કે પી.આઈ.એ.ની પોતાની પ્રતિષ્ઠાનો યશ કોઈ એક માણસને આપવો હોય તો એર માર્શલ નૂરખાનનું નામ આપી શકાય. ૧૯૫૯માં અયુબે તેમને પી.આઈ.એ.નું સુકાન સોંપ્યું ત્યારે તેઓ હવાઈદળમાં સામાન્ય અફસર હતા પરંતુ તેમણે બીજે જે વર્ષે પી.આઈ.એ.ને જેટ યુગમાં લાવી દીધી. પાંચ વર્ષ પછી નૂરખાન નિવૃત્ત થયા ત્યારે કંપની દસ કરોડ રૂપિયાનો નફો કરતી હતી. ત્યારપછી ત્રીજે મહિને ૧૯૬૫નું ભારત- પાક યુધ્ધ આવી પડયું જેમાં પાકિસ્તાનની વિમાની સેવા સદંતર ખોરવાઈ ગઈ. દિલ્હી અને કરાંચી વચ્ચે રોજની એક ફલાઈટ ચાલતી હતી તે બંધ કરી દેવામાં આવી.

પી.આઈ.એ.ને વધુ મોટો ફટકો ૧૯૭૧માં પડયો. જાન્યુઆરીમાં ભારતનું ફોકર ફ્રેન્ડશિપ વિમાન હાઈજેક કરી તેને લાહોરના એરપોર્ટ પર સળગાવી મૂકવામાં આવ્યું હતું. આ નુકસાન પેટે પાકિસ્તાન જ્યાં સુધી રૂ.સવા કરોડ ચૂકવે નહિ ત્યાં સુધી પી.આઈ.એ.નાં વિમાનોને ભારત પરથી ઉડવાં ન દેવાં એમ ભારત સરકારે નક્કી કર્યું. પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન વચ્ચે પી.આઈ.એ.ના વિમાનો અઠવાડિયે ૮૨ વખત ઊડતાં હતાં. એકાએક એ બધી ફલાઈટો સંકેલી લેવી પડી. પછી કેટલીક અનિવાર્ય ફલાઈટો શ્રીલંકા થઈને ચાલુ કરવામાં આવી, જેમાં પ્રવાસનો સમય અઢી કલાકને બદલે છ કલાક થઈ જતો હતો. ટિકિટનો દર એ જમાનામાં રૂ.૨૫૦થી વધારીને રૂ.૯૪૦ કરી દેવો પડયો. આ ભાવે પ્રવાસ કરવાનું સરેરાશ પાકિસ્તાનીઓને પરવડે નહિ, એટલે પી.આઈ.એ.ને કહેવામાં આવ્યું કે તેણે મુસાફરો પાસેથી અઢીસો રૂપિયા જ લેવા. બાકીના પૈસા સરકાર ભરપાઈ કરી દેશે.

આ આશ્વાસન લાંબુ ન ચાલ્યું. ૧૯૭૧ના ડિસેમ્બરમાં લડાઈ ફાટી નીકળી ત્યારે પાકિસ્તાનની પૂર્વ પાંખ કપાઈ ગઈ અને તે સાથે પી.આઈ.એ.ની પણ એક પાંખ નાબૂદ થઈ ગઈ. આ એરલાઈન્સ માત્ર જમણી પાંખ વડે ઊડી શકે એવી કોઈ ગુંજાઈશ નહોતી. તેની આવક રાતોરાત અડધી થઈ ગઈ. અગિયાર બોઈંગ વિમાનો પૈકી પાંચ સદંતર નકામા થઈ પડયાં. પચાસ ટકા સ્ટાફ પણ નકામો થઈ ગયો. પાયલટોને તેમજ ઈજનેરોને કહી દેવામાં આવ્યું કે તેઓ બીજા દેશોની એરલાઈન્સમાં નોકરી શોધતા રહે. વધારાનાં બોઈંગ વિમાનો લિબિયા, માલ્ટા અને યુગોસ્લાવિયાને ભાડે આપી દેવાયાં. આ ફેરફારો કરવા છતાં મહિને લગભગ એક કરોડ રૂપિયાનું નુકસાન થતું રહ્યું.

આખરે તત્કાલીન વડાપ્રધાન ભુટ્ટોએ હવાઈદળમાંથી એર-માર્શલ નૂરખાનને પાછા બોલાવ્યા અને નૂરખાનના હાથમાં જાણે ઈલમની લાકડી હોય તેમ બીજા જ મહિનાથી 'ઘવાયેલા કબૂતર' જેવી પી.આઈ.એ.ના જખમો રૂઝાવા લાગ્યા. નૂરખાનના આગમન પછીનું વર્ષ બળતણના દુકાળનું હતું. દુનિયાની ઘણી ખરી એરલાઈન્સો ભારે નુકસાન વેઠતી હતી ત્યારે નૂરખાને પી.આઈ.એ.નું જૂનું નુકસાન ધોઈ નાખ્યું એટલું જ નહિં, પણ તેને કમાતી કરી દીધી. 

એક સમયે પાકિ. એરલાઈન્સ કરાંચી ખાતે જિન્હા ઈન્ટરનેશનલ એરપોર્ટ તથા લાહોર ખાતેના અલ્લામા ઈકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી વિમાનીસેવાનું સંચાલન કરતી હતી. પાછળથી ઇસ્લામાબાદ એરપોર્ટને પણ આ નેટવર્કમાં સાંકળી લેવાયું.

આગળ કહ્યું તેમ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ ઘણી રીતે વિચિત્ર વિમાની સેવા છે. પ્રતિકુળ સંજોગોમાં તે ટકી તો રહી, બલ્કે ઓર ખીલી હતી.  એવી રીત કેટલાંક પ્રતિકુળ નિર્ણયો પણ તેને સતત ફળતા રહ્યાં છે. આ નિર્ણયો બીજી કોઈ એરલાઈન્સ લેવાની હિંમત ન કરે ત્યારે પી.આઈ.એ.એ તેમના જોરે મેદાન મારી જતી. થોડા વરસ પહેલાં તેણે બોઈંગ- ૭૨૦ પ્રકારનાં ચાર વિમાનો ખરીદવાની તૈયારી બતાવી ત્યારે ઉડ્ડયન જગતમાં આશ્ચર્ય ફેલાયું હતું. આ વિમાનોના છૂટક ભાગો બનાવવાનું બોઈંગ કંપનીએ ક્યારનું બંધ કરી દીધું હોવાથી તે ખરીદ્યા પછી જાળવણી લગભગ અશક્ય  બની જાય. આ કારણથી કંપની પાસે પડી રહેલાં ચાર વિમાનોનો ભાવ કોઈ પૂછતું નહોતું. નૂરખાને કડદો કર્યો અને દરેક વિમાન બાર બાર લાખ ડોલરની કિંમતે ખરીદી લીધાં. આ કિંમત નજીવી હતી. ત્યાર પછી તેમણે ત્રણ વિમાનો ઊડાડવાં શરૂ કર્યાં અને ચોથું વિમાન જમીન પર પડી રહેવા દીધું. આ ચોથું વિમાન હાડપિંજર બની ગયું, કારણ કે તેમાંથી છૂટક ભાગો ખેંચી કાઢીને બાકીનાં ત્રણ વિમાનોને ઊડતાં રખાયાં હતાં. આ ઉટપટાંગ ગણતરી પી.આઈ.એ. માટે સરવાળે નફાકારક સાબિત થઈ હતી.

આવું જ જમ્બો જેટની બાબતમાં બન્યું હતું. બીજી એરલાઈન્સોએ તાત્કાલિક જમ્બો જેટ વસાવી દીધાં,  હતાં  તે સમયે પાકિસ્તાન ઈન્ટરનેશનલે એ લાલચ જતી કરી. તેણે જમ્બો માસિક ભાડાથી ફેરવવાનું નક્કી કર્યું હતું.

પી.આઈ.એ.ને સદ્ધર બનાવવામાં મુખ્યત્વે નૂરખાનની દૂરંદશી જવાબદાર છે. એક વધુ દાખલો ચીન સાથેના વિમાનવ્યવહારનો છે. પાકિસ્તાને ચીનના શાંગહાઈ શહેર સુધી વિમાની સર્વિસ ચાલુ કરવાનો મનસૂબો જાહેર કર્યો ત્યારે એમ લાગતું હતું કે તે માત્ર શોભાની સર્વિસ હશે. પરંતુ થોડાં જ વખતમાં અઠવાડિયે બે ઉડ્ડયનો થવાં લાગ્યાં. તેમાં ખાસ નફો નહોતો, પરંતુ એક મહત્ત્વનો આડફાયદો એ થયો કે પી.આઈ.એ.નાં બધા જ વિમાનોને ચીન પરથી ઊડવાની છૂટ મળી. પરિણામે જાપાન અને હોંગકોંગ સુધીનું અંતર ઘટી ગયું. 

 આ રીતે પી.આઈ.એ. જગતની પહેલી બિનસામ્યવાદી એરલાઈન્સ બની જેણે ચીન સાથે વિમાનીસેવા શરૂ કરી.

આજે પણ બીજાં વિમાનોએ ચીનનો ચકરાવો લેવો પડે છે ત્યારે પી.આઈ.એ.નાં વિમાનો ટૂંકે રસ્તે જાપાન અને હોંગકોંગ પહોંચી જાય છે. આકાશમાંથી ચીનની ધરતી પર ડોકિયું કરવા માગતા પશ્ચિમી પ્રવાસીઓ પણ પી.આઈ.એ.માં ઊડીને એ લહાવો માણી લે છે!

ડાકોટાથી શરૂ થયેલી બીજી કોઈ એરલાઈન્સ કદાચ આટલી ઝડપથી જમ્બો જેટ સુધી નહિ પહોંચી હોય.

છેલ્લાં એક દાયકામાં પાક. એરલાઈન્સ જમ્બોજેટ યુગથી પણ આગળ વધી  છે. કરાચી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વિશાળ પ્લેનેટોરિયમ તથા પાયલોટ ટ્રેનિંગ માટેની સંસ્થા સ્થાપી છે. જેમાં જગતની ૨૬ એરલાઈન્સના ૨૦૦૦ પાયલટો તાલીમ લઈ ચૂક્યા છે. એરમાર્શલ વિકાર અઝિમ પી.આઈ.એ.ના મેનેજિંગ ડિરેક્ટર હતા એ દરમિયાન આ વિમાની કંપનીએ ઘણી પ્રગતિ સાંધી હતી.

પરંતુ નકલી પાયલટો અને રાજકારણીઓનો સગાવાદ આ એરલાઈન્સને ક્યારેય મુક્ત ગગનમાં  ઊડતા રહી નફાનો ચારો ચરવા દીધો નહીં. 

 હવે ભૂતકાળમાં ઘણા ચઢાવ-ઉતાર જોનારી પાકિસ્તાનની આ સરકારી એરલાઈન્સ પ્રાઈવેટ ઓપરેટરોના હાથમાં આવતા તેની દશા કેવી અને કેટલી સુધરે છે તે જોવાનું રહ્યું.