- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- પ્રણય પુષ્પ અને ભ્રમરની વચ્ચેની ખાલી જગ્યામાં વસે છે? એ યુવક અને યુવતીનાં બે શરીર વચ્ચે જીવે છે? કે સ્વપ્નમાં કિલ્લા બનાવીને સ્વપ્ન બનીને શ્વસે છે?
આ પણે ગુજરાતીમાં 'પ્રણય' અને 'પ્રેમ' બંને શબ્દોને એકમેકના પર્યાય તરીકે પ્રયોજાતા જોઇએ છીએ, અલબત્ત બંને વચ્ચે ભેદ છે તેને સમજીએ. પ્રણય શબ્દમાં સ્ત્રી-પુરુષ વચ્ચેનો જે આકર્ષણ ભાવ છે તે નિહિત છે. જ્યારે પ્રેમ વ્યાપક રૂપે પ્રયોજાય છે. ભગવાન પ્રત્યે સામાન્ય માણસને પ્રેમભાવ હોય ત્યાં પ્રણય શબ્દ ન વપરાય. અલબત્ત રાધા કે મીરાં ને કૃષ્ણ પ્રત્યે પ્રણય હતો એ અલગ વાત છે. કોઈપણ વ્યક્તિ કે પદાર્થ પ્રત્યે આપણને પ્રેમ હોઈ શકે. પુરુષને પુરુષ પ્રત્યે, મા બાપ પ્રત્યે, પુસ્તક પ્રત્યે, ગામ પ્રત્યે, દેશ પ્રત્યે પ્રેમ હોઈ શકે ત્યાં પ્રણય શબ્દ ન વાપરી શકીએ. યુવક-યુવતી વચ્ચે પ્રેમ છે એમ પણ કહેવાય અને પ્રણય છે એમ પણ કહેવાય. એટલે પ્રેમ વ્યાપકતા ધરાવે છે. આજે એ પ્રણય વિશે જાણીએ. પ્રણયમાં રાગાવેગને અવકાશ છે, તે સંદર્ભે ગુજરાતી કવિતામાં પ્રણય વિશેની અનેક કવિઓની રચનાઓ જોવા મળે છે-
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
(હરીન્દ્ર દવે)
નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમા
વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમાં
(સુરેશ દલાલ)
મેરે પિયા મેં કછુ નહીં જાનું
મૈં તો, ચુપ ચુપ ચાહ રહી
(સુંદરમ્)
મને મોરલી કહે કે મોરપીંછું કહે
મને માધવ કહે તો તને મારા સોગંદ
(હરીશ મીનાશ્રુ)
મારા રળજી રે અમોને કૂવે પાણી મોકલ્યાં
કાળજ કૂણા કાંટા વાગ્યા
(રાવજી પટેલ)
સોળ વરસની છોરી મધદરિયે એ...
(પ્રિયકાન્ત મણિયાર)
ભમે છે ઘેલૂડો પ્રણય, જગમાં ક્યાંય ઘર ના.
(સુંદરમ્)
આ પ્રણયનું સ્વરૂપ કેવું છે ? એ ક્યાં રહે છે ? કોની પાસે છે ?
પ્રણય કોનો છે ? પ્રણય શું છે ? પ્રણય ક્યાં છે ? સૃષ્ટિના પ્રારંભ કાળથી એ રઝળ્યા જ કરે છે એને પોતીકું ઘર હજુ સુધી કેમ નહિ મળ્યું હોય ? કોઇએ નજરથી, કોઇએ સ્પર્શથી, કોઇએ શબ્દથી એનો પરિચય પામવા કોશિશ કરી, એને સૌ પોતાનો કર્યો. કોઇ એકનો રહ્યો નથી. ઘેલો છે, પાગલ છે કે આંધળો છે ? શાણા માણસોને એ વશ કરે છે, સંયમી માણસોનાં વ્રત તોડે છે એ પોતે શાણા માણસોની ઘેલછા છે. ડાહ્યા માણસોનું ગાંડપણ છે. અંધજનની એ આંખો છે અને દેખતા માણસોને એ અંધ પણ બનાવે છે, જગતમાં એ જીવે છે, પણ ક્યાંય એક જ જગ્યાએ એનું સરનામું નથી. પ્રણયને પામવા, પ્રણયને ઓળખવાનું કોઈ ગણિત હોતું નથી. નિત નૂતન કેડીએ એનો પરિચય થતો હોય છે. કોઇને પુષ્પમાં દેખાય, કોઇને આંખોમાં દેખાય, કોઇને શબ્દોમાં પણ દેખાય. કોઈ એના સ્વરૂપનું યથાતથ વર્ણન કરી શક્તું નથી. બધાં જ વર્ણનોમાં કંઇને કંઇ ફરક હોય છે એટલે પ્રણયને કોઈ એકરૂપ હોતું નથી. વિવિધરૂપા છે એ.
મનમાં પ્રવેશે છે ત્યારે એ ફણગો થઇને ફૂટે છે. આંખમાં પ્રવેશે છે ત્યારે પુષ્પ થઇને મ્હેંકે છે. દિલમાં પ્રવેશે ત્યારે ઝરણું થઇને દોડે છે. એ પ્રણયનું સાચું સ્વરૂપ કયું ? એ પુષ્પ અને ભ્રમરની વચ્ચેની ખાલી જગ્યામાં વસે છે ? એ યુવક અને યુવતિના બે શરીર વચ્ચે જીવે છે ? કે સ્વપ્નમાં કિલ્લા બનાવીને સ્વપ્ન બનીને શ્વસે છે ! પ્રણયની પાસે પવનની ગતિ છે અને આકાશની અસીમતા પણ છે. પૃથ્વીની ઉદારતા અને વિશ્વની વ્યાપકતા પણ એની અંદર છુપાઈને બેઠી છે. એ લાંબી યાત્રાએ નીકળેલા પથિકનો છાંયો છે. રજાઈમાં છુપાવવા મથતી શિશિરનો એ તડકો છે. વસંતની સુગંધ છે અને ગ્રીષ્મનો ગુલમહોર છે. શરદનો એ ઉત્સવ છે અને પાનખરની પીડા પણ છે. વર્ષાકાલે ચઢી આવતા મેઘનો મુકુટ છે અને હિમાલય ભણીથી આવતા હેમંતની ખુશનુમા છે. પ્રણયને પવનનાં વસ્ત્રો પહેરતાં આવડે છે. દિશા પ્રમાણેની દોટ લગાવતાં એ માણસ પાસેથી શીખ્યો છે કે શું ? એની કાયા જો જોઈ શકાય તો કામણ વિશે વાત અવશ્ય કરી શકાય. પ્રણયમાં પરસ્પરના આકર્ષણને અવકાશ છે - સ્નેહને પણ અવકાશ છે. કઠોપનિષદમાં શ્રેય અને પ્રેય વચ્ચેનો સ્પષ્ટ ભેદ છે બંને અલગ છે. એ બંને સાધનો મનુષ્યને બાંધે છે અથવા તે બંને મનુષ્યને પોતાની તરફ આકર્ષે છે. એ બંનેમાંથી શ્રેયને ગ્રહણ કરનારનું કલ્યાણ થાય છે. પરંતુ જે પ્રેયને અપનાવે છે તે વાસ્તવિક સુખને પ્રાપ્ત કરી શક્તો નથી, પણ પ્રેયવાળા માણસો આકર્ષાઈને પ્રેય તરફ ઢળે છે - પ્રેય પ્રિયતર બની જાય છે અને મનુષ્યને બંધનમાં નાખે છે. એટલે પ્રેયાર્થીને પોતાનો કલ્યાણનો માર્ગ બીજો દેખાતો જ નથી. પ્રેયાર્થી પોતાના પ્રયોજનને ખોળે છે. પુત્ર, સંપત્તિ-ધન અને પ્રિયા, અપ્સરાના પ્રિયરૂપ ભોગોમાં એ તલ્લીન થઇ જાય છે અને તે અવિદ્યાની પ્રાપ્તિ કરે છે. પ્રેયના માર્ગમાં 'પ્રણય' શબ્દને સ્થાન છે. 'પ્રેમ' શબ્દ પણ પ્રેયના માર્ગમાં સદસ્ય હોય છે પણ 'પ્રેમ' શબ્દમાં પ્રેયના માર્ગને અતિક્રમી જઇ 'શ્રેય'ની કેડી ઉપર ચાલ્યા જવાની ક્ષમતા હોય છે.
રાધા અને કૃષ્ણ અને મીરાં અને કૃષ્ણ વચ્ચે જે પ્રણયનો સેતુ હતો એમાં પવિત્રતા, નિર્દોષતા અને ઊર્ધ્વ ચેતનાનાં ઉમેરણ થતાં 'પ્રેમ' સ્વરૂપ પામે છે - એટલે પ્રણય રાધા-કૃષ્ણનો પણ રહ્યો નથી. એ સૌનો છે અને કોઇનો નથી - એવો એનો ઘાટ છે. આપણે પ્રણયના યાત્રીઓને પ્રણયની કેડી ઉપરથી પ્રેમના રાજમારગ ઉપર પ્રણાય કરવાની શુભેચ્છાઓ પાઠવીએ.


