Get The App

મજા .

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
મજા                                                     . 1 - image

- અરવિંદભાઈ પંડયા

- 'તું કુલફી ખાઈશ?' આર. કે. દેસાઈ બેઠા થઈ ગયા : 'એક રૂપિયાવાળી કુલફી ?'જતીન સમજી ગયો: પપ્પા એક રૂપિયો આપવાના નથી અને પપ્પા ના પાડે એટલે ખલાસ ! પછી કંઈ બોલાય જ નહિ ! કંઈ બોલીએ તો આવી જ બને.

જતીન હેબતાઈ ગયો: હું તો કશું બોલ્યોય નથી, છતાં પપ્પાને કેમ ખબર પડી ગઈ હશે કે હું ગટ્ટુના વિચાર કરતો હતો? પપ્પાને, 

કોને ખબર કેમ, બધી જ ખબર પડી જાય છે! 

જતીન ઊભો થઈને બહાર નીકળ્યો. બહાર નીકળીને થોડીવાર ઊભો રહ્યો. તેણે કાન સરવા કર્યા : કુલફીવાળાનો અવાજ આવે છે કે નહિ ? પછી તે ઢીલા પગે મમ્મીના ઓરડા તરફ વળ્યો...

પ પ્પા !... આર. કે. દેસાઈથી થોડે દૂર ઊભો રહીને જતીન જીભ પર શબ્દો ગોઠવવા લાગ્યો : પપ્પા ! મને એક રૂપિયો આપશો ?

મને એક રૂપિયો આપોને ? - એવો આગ્રહ કે લાડકાઈ જતીન કરી શકે તેમ નહોતો. તેને પપ્પાની કડકાઈની ખબર હતી. પપ્પા પાસે લાડ કરવાની જતીને કદી હિંમત જ કરી નહોતી. આર. કે. દેસાઈનો ચહેરો હંમેશા કડક રહેતો. જતીનને ઘણીવાર કઠપૂતળીના ખેલમાં જોયેલો સેનાપતિ યાદ આવી જતો.

જતીને આંખો પટપટાવી. કોઈ ઇંગ્લિશ નોવેલનાં પાનાંમાં નજર ખૂંપાવીને આર. કે. દેસાઈ સોફા પર લંબાવીને પડયા હતા. જતીન એક ડગલું આગળ આવ્યો ને વાત કરવા માટે શ્વાસ ઘૂંટયો. જીભ પર સળવળતા શબ્દોથી હોઠ કંપ્યા, પણ સ્વર હોઠોની બહાર નીકળ્યો નહિ.

- પપ્પા જો એક વાર મારી તરફ નજર નાખે અને પૂછે તો તરત એક રૂપિયો માગી લઉં ? જતીનને આ રીત યોગ્ય લાગી, પણ તરત તેને યાદ આવ્યું : પપ્પા આ બાજુ જોશે એ પહેલાં તો પેલો લારીવાળો જતો રહેશે એનું શું ?

તરત જતીન ઉતાવળથી બોલી ગયો : 'પપ્પા...!'

આર. કે. દેસાઈએ નજર પુસ્તકમાંથી બહાર કાઢીને જતીન પર માંડી. એ નજર પડતાંની સાથે જ જતીન થોડું પાછળ હઠી ગયો. જતીનને હંમેશા એ નજરમા ંઘણું બધું દેખાતું હતું. જતીનને એની બીક લાગતી હતી. આજે પણ તેને બીક લાગી. થૂંક ગળે ઊતારવાની કોશિશ સાથે તે એક રૂપિયો માગ્યા વિના જતા રહેવાનું વિચારવા લાગ્યો. પણ ફરી પેલો લારીવાળો તેને યાદ આવ્યો. લારીવાળાનો લાંબો અને લહેકાભર્યો અવાજ તેના નાનકડા મનમાં પડઘાયો.

તરત જીભ પરના શબ્દોને સ્વરનો સાથ મળ્યો : 'પપ્પા, મને એક રૂપિયો આપશો ?'

'એક રૂપિયો ?' આર. કે. દેસાઈના અવાજમાં કડકાઈ કરતાં આશ્ચર્ય વધારે હતું : 'કેમ ?'

'મારે કુલફી ખાવી છે !' જતીને જોર કરીને કહી દીધું : 'કુલફીવાળો નીચે જ ઊભો છે !'

'તું કુલફી ખાઈશ ?' આર. કે. દેસાઈ બેઠા થઈ ગયા : 'એક રૂપિયાવાળી કુલફી ?'

જતીન સમજી ગયો : પપ્પા એક રૂપિયો આપવાના નથી અને પપ્પા ના પાડે એટલે ખલાસ ! પછી કંઈ બોલાય જ નહિ ! કંઈ બોલીએ તો આવી જ બને.

'અહીં મારી પાસે આવ.' આર. કે. દેસાઈએ જતીનને પાસે બોલાવ્યો.

જતીન ગભરાયો : પપ્પાની પાસે જવું કે નહીં ? પાસે જઈશ એટલે પપ્પા... જતીનનો હાથ કાન પર ગયો.

પણ જતીનને આર. કે. દેસાઈ પાસે ગયા વિના ચાલે તેમ નહોતું. તેને જવું પડયું. પણ જતીનને આશ્ચર્ય થયું : વાહ, પપ્પાએ કાન તો પકડયો નહિ !

વધુ આશ્ચર્ય તો જતીનને ત્યારે થયું કે જ્યારે આર. કે. દેસાઈએ તેને પાસે બેસાડીને શાંતિથી સમજાવવા માંડયું : 'જો, જત્તુ, એ કુલફી કંઈ સારી ન હોય ! એ પાણીમાંથઈ બનાવેલી હોય અને પાણી પણ ચોખ્ખું વાપરેલું ન હોય ! એવી કુલફી ખાઈએ તો માંદા પડીએ, ગળાના કાકડા વધે, સમજ્યો ?'

જતીન સમજે કે ન સમજે, પણ તેણે હા પાડવાની હતી એટલે તેણે મૂંડી હલાવી.

આર. કે. દેસાઈ હજી જતીનને સમજાવતા હતા : 'એવી કુલફી તો હલકા માણસો ખાય. સારા અને સમજદાર માણસો તો એનાથી દૂર જ રહે. તું જ વિચાર કરી જો, એક રૂપિયાની કુલફીમાં શું હોય !'

જતીનને જરા જુદો વિચાર આવ્યો : પપ્પા એક રૂપિયાની કુલફી સમજે છે, પણ એ કુલફી તો પચાસ પૈસાની જ મળે છે ! એક રૂપિયો તો એટલા માટે માગ્યો હતો કે એક રૂપિયામાં બે કુલફી આવે - એક મારા માટે અને એક ગટ્ટુ માટે !

'તને કુલફી ખાવાનું મન થયું છે ને ?' આર. કે. દેસાઈએ એવા જ શાંત અવાજે કહ્યું : 'તને રવિવારે હેવમોરમાં લઈ જઈશ. સરસ આઈસક્રીમ ખવરાવીશ. કેન્ડી પણ ખવરાવીશ... કેન્ડી કુલફી જ કહેવાય ! પણ સારી કેન્ડી આપણને નુકશાન ન કરે, ઉલટી એ તો પૌષ્ટિક હોય...!'

જતીન મૂંગા મોઢે સાંભળતો હતો : પણ મારે તો આજે જ કુલફી ખાવી છે, એનું શું ? આઈસક્રીમ અને કેન્ડી તો ઘણીવાર ખાઉં છું. પણ પેલા લારીવાળા પાસેથી કુલફી તો ક્યારેય નથી ખાધી ? કોને ખબર, કેવીય લાગતી હશે એ કુલફી ?

જતીનને કુલફી ચૂસતો ગટ્ટુ નજર સામે દેખાયો : ગટ્ટુ કેવો લહેરથી કુલફી ચૂસતો હોય છે !

આઈસક્રીમ કે કેન્ડીમાં કંઈ એવી મજા ન આવે ! ગટ્ટુ કહેતો હતો - કુલફીને જેમ ચૂસીએ તેમ વધુ રસ આવે, ખાટ્ટોખાટ્ટો..... ને.... મીઠોમીઠો... કેન્ડીને તો ચૂસીને ખાવા જઈએ તો પપ્પા વઢે જ ! અને ગટ્ટુને કેવી મજા ! એયને... બેઠો બેઠો કુલફી ચૂસ્યા જ કહે ! કોઈ વઢેય નહિ !

'જો, જત્તુ, મને ખબર છે, તું આવું બધું ક્યાંથી શીખે છે ?' આર. કે. દેસાઈના સ્વરમાં થોડી તીવ્રતા પેસી ગઈ : 'એ માળીનો છોકરો ગટ્ટુ જ તને અવળે રસ્તે ચડાવે છે. તને કેટલી વાર કહ્યું છે કે એ છોકરાની સાથે તારે રમવું નહિ ! માળી આપણો નોકર છે, સમજ્યો? એવા હલકા માણસો સાથે બોલવામાં પણ આપણી શોભા નહિ!' જતીન હેબતાઈ ગયો : હું તો કશું બોલ્યોય નથી, છતાં પપ્પાને કેમ ખબર પડી ગઈ હશે કે, હું ગટ્ટુના વિચાર કરતો હતો ? પપ્પાને, કોને ખબર કેમ, બધી જ ખબર પડી જાય છે, નહિતર પપ્પા બહાર ગયા હોય ત્યારે જ ગટ્ટુ સાથે રમું છું, તોય જાણી જાય છે ! કદાચ મમ્મી કહી દેતી હશે ! પણ મમ્મી કહે તેવી તો નથી !... અરે, ભણવામાંય મારા કરતાં હોંશિયાર છે... રમવામાં ય કોઈને પહોંચવા દેતો નથી... વળી, મારું તો એ કેટલું ધ્યાન રાખે છે ! મને તો ગટ્ટુ બહુ ગમે છે ! પણ પપ્પાને ગટ્ટુ જરાય ગમતો નથી, એનું શું ? 'તારે એ છોકરા સાથે સાવ બોલવાનું જ બંધ કરી દેવાનું છે !' જતીનને લાગ્યું કે પપ્પા પોતાના મૂળ મિજાજમાં આવી ગયા છે : 'મેં તને પહેલાં પણ કહ્યું હતું, છતાં તું હજી એ છોકરાને સાથે રખડયા કરે છે !' જતીનને થયું : હવેથી પપ્પાની પાસે હોઈએ ત્યારે ગટ્ટુના વિચાર પણ ન કરવા, પપ્પા બધું જાણી જાય છે !

'અને જો, જત્તુ, તારા માટે હું આજે કેડબરીઝ લાવ્યો છું.' આર. કે. દેસાઈનો સ્વર ફરી સુંવાળો બન્યો : 'તારાં મમ્મીએ તને આપી કે નહીં?'

જતીને ડોકી હલાવી : ના.

'તો જા, તારા મમ્મીને કહે, આપશે !' જતીન ઊભો થઈને બહાર નીકળ્યો. બહાર નીકળીને થોડીવાર ઊભો રહ્યો. તેણે કાન સરવા કર્યા : કુલફીવાળાનો અવાજ આવે છે કે નહિ ?

પછી તે ઢીલા પગે મમ્મીના ઓરડા તરફ વળ્યો : અત્યાર સુધી કુલફીવાળો ન જ ઉભો હોય ને ! એ તો ક્યારનો જતો રહ્યો હશે !

ઓરડામાં પ્રવેશતા વળી તે અટક્યો : કેડબરીઝ તો ઘણીવાર ખાઉં છું. પણ કુલફી તો....

- નથી ખાવી કેડબરીઝ ! જતીન પાછો વળી ગયો.

બહાર નીકળીને જતીન પેસેજમાં આવ્યો. તેને ચેન પડતું નહોતું : શું પપ્પા મને કોઈ દિવસ કુલફી ખાવા જ નહિ દે ?

ઉદાસ ચહેરે તેણે આર. કે. દેસાઈના ઓરડા તરફ જોયું. આર. કે. દેસાઈ વાંચવામાં મશગૂલ હતા. જતીને તેના મમ્મીના ઓરડા તરફ નજર નાખી. મમ્મીનું આ તરફ ધ્યાન નહોતું. દબાતા પગલે જતીન આગળ વધ્યો. બંને બાજુ જોતો જોતો તે બહાર નીકળી ગયો. બહાર નીકળીને તેણે ગટ્ટુના-બગીચાના એક ખૂણામાં આવેલા-ઘર તરફ જોયું. ગટ્ટુ દેખાયો નહિ. તેણે આગળ ડગલાં માંડયા, થોડું ચાલ્યો ત્યાં તેને ગટ્ટુ દેખાયો. ગટ્ટુ બહારના દરવાજા પાસે ઊભો હતો. તેના હાથમાં કુલફી હતી !

જતીનને લાગ્યું : ગટ્ટુ આનંદમાં છે !

- તે હોય જ ને ! જતીનના મનની ઉદાસી વધુ ઘેરી બની : મારે જ એવી મજા નહિ !

જતીન ઊભો રહી ગયો અને તરત તે ઝડપથી પાછો ફર્યો. તેણે મમ્મીના ઓરડામાં આવી, પપ્પાનો હવાલો આપી, કેડબરીઝ માંગી લીધી. કેડબરીઝ આપીને તેના મમ્મી ફરી કામમાં પરોવાઈ ગયાં.

જતીન જાળવીને ફરીથી બહાર નીકળ્યો. બહાર નીકળીને તે દોડયો. દોડીને તે ગટ્ટુ પાસે પહોંચી ગયો. ગટ્ટુ કુલફી ચૂસતો હતો. કુલફી અર્ધી ખલાસ થઈ ગઈ હતી, પણ ગટ્ટુ તે લહેરથી ચૂસતો હતો. જતીન એટલી ઉતાવળથી ત્યાં ગયો કે તેને પાછળ જોવાનું પણ યાદ ન આવ્યું.

જો જતીને પાછળ જોયું હોત તો તે જોઈ શક્યો હોત કે આર. કે. દેસાઈએ તે જ વખતે પોતાના ઓરડાની બારી ખોલી હતી.

આર. કે. દેસાઈએ બારી ખોલી કે તરત તેમનું ધ્યાન દોડતા જતીન પર પડયું. જતીન ગટ્ટુ પાસે જઈને ઊભો રહ્યો. આર. કે. દેસાઈએ જોયું કે, જતીનના હાથમાં મોટી કેડબરીઝ હતી અને જતીન તે કેટબરીઝ ગટ્ટુને આપી રહ્યો તો. ગટ્ટુ આનાકાની કરતો હતો.

આર. કે. દેસાઈ બૂમ પાડીને જતીનને બોલાવવા જતા હતા. ત્યાં તેમણે જોયું કે જતીને કેટબરીઝ ગટ્ટુને આપી દીધી હતી અને ગટ્ટુની અર્ધી ચૂસેલી કુલફી તેના હાથમાંથી લઈને ચૂસવા માંડયો હતો.

આર. કે. દેસાઈ સ્તબ્ધ થઈને જોઈ રહ્યા.