Get The App

ચોખાનો એન્સાયક્લોપીડિયા .

Updated: Feb 24th, 2024

GS TEAM

Google News
Google News
ચોખાનો એન્સાયક્લોપીડિયા                                              . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- તેમને અફસોસ એક જ છે કે તેમના કામને પ્રશંસા ઘણી મળી, પરંતુ આર્થિક મદદ બહુ ઓછી મળી છે. અત્યારે તો આ લાઇબ્રેેરી ઘરમાં જ છે. 

લા ઇબ્રેરી શબ્દ બોલતાં જ આપણા ચિત્તમાં વિવિધ વિષયોના ઢગલાબંધ પુસ્તકો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય એવી કલ્પના આવે, પરંતુ આ એક એવી લાઇબ્રેરીની વાત છે કે જેમાં લેખકોએ લખેલાં પુસ્તકો નથી. ન તો અહીં વાચકો આવે છે કે ન તો કોઈ ગ્રંથપાલ છે! વાત છે આસામના મોહાન ચંદ્ર બોરાની 'અન્નપૂર્ણા રાઇસ લાઇબ્રેરી'ની. આસામના જોરહાટ જિલ્લામાં જન્મેલા અને ત્યાં જ ઉછરેલા મોહાન ચંદ્ર બોરાના પિતા ખેતીકામ કરતા હતા. ચાર ભાઈબહેનોમાં મોહાન ચંદ્રને બધું જાણવાની ઉત્સુકતા ઘણી. વાંચવાના શોખીન મોહાન બોરા ખૂબ વાંચન કરતા અને સાથે પિતાને ખેતરમાં મદદ કરતા. પિતા સાથે ખેતી કરતાં કરતાં તેમને ખૂબ જાણવા અને શીખવા મળ્યું. આર્થિક મુશ્કેલી હોવાથી એક યા બીજી રીતે કુુટુંબની સહાયથી સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ તો કર્યો, પરંતુ કમનસીબે પિતાનું અવસાન થવાથી વધુ અભ્યાસ થઈ શક્યો નહીં અને પિતાના પગલે ખેતી કરવાનું વિચાર્યું.

મોહાન ચંદ્ર બોરાએ જૂના દિવસો યાદ કરીને ખેતી શરૂ કરી, પરંતુ પારંપરિક ખેતી કરીને બેસી રહે તેવી તેમની તાસીર નહોતી. એમણે સંશોધન શરૂ કર્યું. ફાર્મિંગ અને બીજ વિશે ઑનલાઇન પેપર્સ વાંચવાના શરૂ કર્યા. ચોેખાની સ્વદેશી જાતો વિલુપ્ત થઈ ગઈ એ અંગેના લેખો વાંચ્યા. એમણે એ પણ નોંધ્યું કે ભારત પાસે ખેતીનાં અનેક સંસાધનો છે, પરંતુ તેને બચાવવા માટે કોઈ પ્રયત્ન કરતું નથી. તેથી તેઓએ ચોખાના બીજનું સંરક્ષણ કરવાનું શરૂ કર્યું. આસામમાં અનેક જગ્યાએ ફર્યા અને ચોખાની અનેક જાતો શોધી કાઢી. આ કામ કરતાં કરતાં એણે અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી રિચમન્ડ ગ્રૉવ્સ સીડ લેડિંગ લાઇબ્રેરી વિશે જાણ્યું. અત્યાર સુધી મોહાન બોરા બીજને સંરક્ષિત કરતા હતા, પરંતુ રિચમન્ડ ગ્રૉવ્સ પાસેથી જાણ્યું કે બીજને વાવવા, તેમાંથી પાક મેળવવો અને તેમાંથી કેટલાકને સાચવવા અને કેટલાક બીજ બીજાને ઉગાડવા માટે આપવા જોઈએ. 

આજે મોહાન ચંદ્ર બોરા આ રીતે કામ કરે છે. આજે તેમની અન્નપૂર્ણા રાઇસ લાઇબ્રેરીમાં પાંચસો જાતના ચોખાના બીજ છે. એમાં માત્ર સ્વદેશી બીજ જ નથી, પરંતુ બધા પ્રકારના ચોખાના બીજ છે. તેઓએ આસામના જુદાં જુદાં ખેતરોમાં જઈને ભિન્ન ભિન્ન પ્રકારના ચોખા વિશે માહિતી મેળવી અને તેનાં બીજ પણ મેળવ્યાં. ચોખાની જે જાતો આસામ, ઉત્તરપૂર્વના વિસ્તારો અને અન્ય જગ્યાએથી ઝડપથી લુપ્ત થઈ રહી છે, તેનાં બીજ એમણે મેળવ્યા. તેઓ એક સામાજિક સંગઠન સાથે જોડાઈ ગયા અને જૈવિક ખેતી તથા દેશી બીજ વિશે ઘણી જાણકારી મેળવી. આ અંગે જ્યાં કોઈ સેમિનાર કે વર્કશોપ થતા હતા ત્યાં તેઓ પહોંચી જતા. તેઓને એટલું સમજાયું કે વધુ નફો મેળવવાની લાલચમાં દેશી જાતો તરફ ખેડૂતો બેધ્યાન બનતા ગયા છે. તેમણે ઘણા લોકોને આ દેશી જાતોને બચાવવાની વાત કરી, પરંતુ ખાસ કોઈનો સાથ ન મળતાં એમણે સ્વયં આ બીજોનું સંરક્ષણ શરૂ કર્યું.

છેલ્લાં પંદર વર્ષથી તેઓ આ કામ કરે છે. ચોખાની ત્રણ જાતોથી તેમણે યાત્રા શરૂ કરેલી. આજે પાંચસો પ્રકારના ચોખાની જાતોનાં બીજ તેમની પાસે છે, જેમાં કાળા ચોખા, લાલ ચોખા, સફેદ ચોખાની અલગ અલગ જાતો છે. આસામમાં ચાર પ્રકારે ચોખા વાવવામાં આવે છે. બાઓ ધાન જે ખૂબ પાણી હોય ત્યારે, શાલી ચાવલ ઠંડી ઋતુ હોય ત્યારે, અહૂ પાનખર હોય ત્યારે અને બોરો ગરમી હોય ત્યારે વાવવામાં આવે છે. મોહાન બોરાની લાઇબ્રેરીમાં આ ચારેય ઋતુઓમાં વાવી શકાય તેવા અલગ અલગ ગુણના ચોખાના બીજ મળે છે. દરેક ચોખાની જાતનો ગુણ જુદો હોય છે. કોઈની સુગંધ લાજવાબ હોય છે, તો કોઈ અત્યંત પૌષ્ટિક, કોઈ લાંબા, તો કોઈ જાડા અને નાના! ચોખાની દરેક જાત ઉપર તેના ગુણ લખે છે અને ચોખાના કયા બીજને કેટલું પાણી જોઈએ, કેટલા દિવસમાં તે તૈયાર થશે, તેની પોષણ ક્ષમતા કેવી છે અને કેટલો પાક મળશે તેની બધી વિગત લખી રાખે છે.

આ બધી માહિતી ખેડૂતોને આપે છે, જેથી ખેડૂતો નક્કી કરી શકે કે તેમને કયા પ્રકારના ચોખાના બીજ લેવા છે. પોતે પાક લઈને થોડા બીજ અન્ય ખેડૂતોને આપવા માટે સમજાવે છે. દેશી જાતના બીજ પૂર આવે કે દુષ્કાળ પડે તેની સામે ટકી શકે છે, પરંતુ હાઈબ્રીડ બીજને કારણે તેમનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. ખેડૂતોએ એ સમજવું જોઈએ જો દેશી જાતના ચોખાનો પાક લઈશું તો આપણા ખોરાકની સાથે પ્રકૃતિ પણ સુરક્ષિત રહેશે. તેઓ સ્કૂલ-કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સતત જોડાયેલા રહે છે. જુદી જુદી જગ્યાએ વર્કશોપ અને સેમિનાર કરવા જાય છે. સંસ્થા પાસે જમીન હોય તો તેઓ વિદ્યાર્થીઓને ખેતી કરતા શીખવે છે. તેઓ માને છે કે આપણી ખાદ્યસુરક્ષા માટે સ્થાનીય પાકો પર નિર્ભર રહેવું જોઈએ પછી તે ચોખા હોય, અન્ય ધાન્ય હોય, શાક હોય કે ફળ હોય. તેમણે સદિયા, બલિપારા અને કાઝીરંગમાં બીજ લાઇબ્રેરી શરૂ કરાવી છે. તેમને અફસોસ એક જ છે કે તેમના કામને પ્રશંસા ઘણી મળી, પરંતુ આર્થિક મદદ બહુ ઓછી મળી છે. અત્યારે તો આ લાઇબ્રેેરી ઘરમાં જ છે. આર્થિક મદદ મળે તો તેમની ઇચ્છા તેને વિશાળ સ્તર પર લઈ જવાની છે.

અંધકારમાં પ્રકાશ ફેલાવતી મીણબત્તી

મી રા ટેરેસા ગાંધીનો જન્મ મુંબઈમાં થયો હતો. આયરીશ માતા અને ભારતીય પિતાએ મીરાને શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે સતત પ્રયત્ન કર્યો, કારણ કે તેઓ માનતા હતા કે સફળ અને સુખી જીવન માટે શિક્ષણ મહત્ત્વની અને મૂળભૂત બાબત છે. બે સંસ્કૃતિ વચ્ચે મોટી થયેલી મીરા જુદા પરિપ્રેક્ષ્યથી વિશ્વને જોતી થઈ. મુંબઈની કેથેડ્રલ ઍન્ડ જ્હૉન કેનન સ્કૂલમાં અભ્યાસ કરતી મીરા જ્યારે સોળ વર્ષની હતી, ત્યારે આશાદાનમાં - જે મધર ટેરેસાએ સ્થાપી અને મિશનરીઝ ઑફ ચેરિટી દ્વારા ચલાવવામાં આવે છે ત્યાં - બાળકોને નૃત્ય શીખવવા જતી હતી. સવારે બસમાં ભાયખલા જતી અને ત્યાં તરછોડાયેલા, અનાથ અને એચઆઈવી પાઝિટીવ બાળકોને નૃત્ય શીખવતી અને તેમની સાથે આનંદભેર રમતી. અહીં નાની વસ્તુ મળતાં બાળકોના નિર્દોષ ચહેરા આનંદથી ખીલી ઉઠતા. આ જોઈને મીરાને આ પ્રવૃત્તિમાં આનંદ આવવા લાગ્યો. તેણે અનુભવ્યું કે આપવામાં કેટલો બધો આનંદ મળે છે ! એને સમજાયું કે અન્યના જીવનને સારું બનાવવા માટે જે કંઈ આપીએ છીએ, એના કરતાં મળે છે વધુ. મધર ટેરેસા સાથે અને તે બાળકો સાથે કામ કરવામાં આપવા કરતાં વિશેષ તેણે મેળવ્યું અને આ અનુભવે એને આંતરિક રીતે સમૃદ્ધ બનાવી. તેના હાઇસ્કૂલના છેલ્લાં બે વર્ષ મીરાની માતાએ આશાદાન જવા અને મધર ટેરેસા સાથે કામ કરવા સતત પ્રોત્સાહિત કરી.  મુંબઈમાં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ મેળવ્યા પછી કેનેડા ગઈ અને ત્યાંથી પાછા આવીને દિલ્હી યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતકની ડિગ્રી મેળવી. તેના સ્કૂલના સહાધ્યાયી વિક્રમ ગાંધી સાથે લગ્ન કરીને અમેરિકા ગયા. ત્યાં બોસ્ટન યુનિવસટી સ્કૂલ ઑફ મેનેજમેન્ટમાંથી એમ.બી.એ.નો અને ૨૦૦૭માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એક્ઝીક્યુટીવ એજ્યુકેશન પ્રોગ્રામનો અભ્યાસ પૂરો કર્યો. પતિની નોકરીને કારણે તેઓ હાંગકાંગ સ્થાયી થયા. ત્રણ બાળકો સાથે અત્યંત સુખી જીવન વિતાવતી મીરા એક દિવસ ડ્રાઈવર સાથેની બીએમડબલ્યુમાં શોપિંગ કરીને ઘરે આવી, પરંતુ કોણ જાણે કેમ અંદરના ખાલીપાએ એને બેચન બનાવી દીધી અને તે રડવા લાગી. ત્રણ કલાક સુધી રડી. પતિએ કારણ પૂછતાં જણાવ્યું કે તેને એવું લાગે છે કે તે જીવનમાં કંઈ કરી રહી નથી. કીમતી જીવન વેડફી રહી છે.

બંનેએ એક ફાઉન્ડેશનની સ્થાપના કરવાનો વિચાર કર્યો. બે અઠવાડિયામાં ન્યૂયાર્ક જઈને ૨૦૧૦માં 'ધ ગિવિંગ બેક ફાઉન્ડેશન'ની સ્થાપના કરી. મીરાને સતત એવું લાગતું હતું કે તેણે તેના શિક્ષણનો, તેની શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. આ ફાઉન્ડેશનનો હેતુ ગરીબ, માંદા, ભૂખ્યા, શોષિત બાળકો, વિધવાઓ, બહેરા-મૂંગા લોકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. નાનપણથી જ માતા-પિતાએ જે શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું તેને લઈને તેણે ફાઉન્ડેશન દ્વારા દિલ્હીની સેન્ટ માઈકલ સ્કૂલને દત્તક લીધી. દસ વર્ષના આ પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલનું મેદાન, શિક્ષણની સામગ્રી, હોસ્ટેલ અને ભોજનનો સમાવેશ કર્યો. મીરા ગાંધી માને છે કે દુ:ખી કે ભૂખ્યાં બાળકો શિક્ષણ મેળવી શકે નહીં, તેથી પહેલાં તેમની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી જોઈએ. શિક્ષણ દ્વારા સશક્તિકરણ, જીવનમાં સાકારાત્મક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણીના ઉદ્દેશો સાથે આ ફાઉન્ડેશન કામ કરે છે. તેનું ફાઉન્ડેશન ત્રણ રીતે કામ કરે છે જે પ્રોજેક્ટ લે તેને યોગ્ય રીતે જાળવવો. બીજું કામ ફંડ ઊભું કરવાનું છે, જ્યારે ત્રીજું કામ ભવિષ્યના પ્રોજેક્ટ માટે વિચારવાનું હોય છે, કારણ કે તેમને રોજના ચારસોથી પાંચસો ઈ-મેઇલ મળે છે. તેમાંથી જે તેમનાથી થઈ શકે તેમ હોય તે કરે છે. અન્યમાં માર્ગદર્શન  આપે છે. સારા નેતૃત્વના ગુણ તરીકે તેઓ કહે છે કે જે કામ મારાથી ન થઈ શકે તે કામ કરવા અન્યને ક્યારેય કહેવું ન જોઈએ. મીરા ગાંધી માને છે કે દરેક પ્રશ્નોના ઉત્તર વ્યક્તિના ભીતરમાં જ છે. સાત્ત્વિક ભોજન, નિરાંતની ઊંઘ અને તણાવ વિનાનું જીવન માનવીની જિંદગીમાં સંવાદિતા લાવે છે.

ધ ગિવિંગ બેક ફાઉન્ડેશનની મુખ્ય ઑફિસ ન્યૂયૉર્કમાં છે, પરંતુ ભારત, લંડન, હોંગકોંગમાં તે કામ કરે છે. તેમને હીલેરી ક્લીન્ટન, ચેરી બ્લેર ફાઉન્ડેશન ફાર વિમેન અને એલેનોર રૂઝવેલ્ટ લીડરશીપ સેન્ટર વગેરે અનેક વ્યક્તિ અને સંસ્થાનો સહયોગ મળ્યો છે. ફાઉન્ડેશને 'ગિવિંગ બેક' નામની ડોક્યુમેન્ટરી અને કોફી ટેબલ બુક બનાવી છે. તેમણે ગિવિંગ કેન્ડલ અને ગિવિંગ ફ્રૅગરન્સ શરૂ કર્યા છે. અંધકારમાં પ્રકાશ ફેલાવતી મીણબત્તી આશાનું પ્રતીક છે. જાસ્મીન અને લેવેન્ડર પરફ્યુમ સુગંધ ફેલાવે છે. આ બધામાંથી થતી આવક દાનમાં જ આપવામાં આવે છે. ૨૦૧૨માં 'ગિવિંગ બેક' પુસ્તક લખનાર મીરા ગાંધીએ થોડા સમય પહેલાં 'થ્રી ટીપ્સ : ધ એસેન્સીયલ ફૉર પીસ, જોય એન્ડ સક્સેસ' નામનું પુસ્તક લખ્યું છે. મીરા ગાંધીના ત્રીસ વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા થયા છે, પરંતુ તે માને છે કે આ સુંદર વિશ્વ પર તમારે એક ક્ષણ પણ બગાડયા વિના તમારાં સ્વપ્નાં પૂરાં કરવા જોઈએ. દરિયામાં મોજાં આવે અને જાય, તેમ જીવનમાં બનતી ઘટનાઓનું એવું જ છે. જીવનમાં એવી કોઈ વ્યક્તિને તેઓ મળ્યા નથી કે જેમણે કોઈ લક્ષ્ય હાંસલ કરવાનું ધ્યેય રાખ્યું અને સખત પુરુષાર્થ ન કર્યો હોય. આરામથી જીવન જીવતી વ્યક્તિઓ જીવનમાં કંઈ હાંસલ કરી શકતી નથી. ન્યૂયૉર્કના એલેના રૂઝવેલ્ટના ઘરમાં રહેતા મીરા ગાંધી પોતાના જીવનમાં મળેલી શાંતિ, આનંદ અને સફળતા કોઈ ને કોઈ રીતે અન્ય લોકો પણ તે અનુભવે તેવો પ્રયાસ કરે છે. તેની અંતરની ઇચ્છા છે કે આ વિશ્વ વધુ સુખી અને શાંતિમય જગ્યા બને.