mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

માનવ અસ્તિત્વના આંતરિક આયામ રૂપ સાત શરીરના રહસ્યો

Updated: Feb 24th, 2024

માનવ અસ્તિત્વના આંતરિક આયામ રૂપ સાત શરીરના રહસ્યો 1 - image


- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- બ્રહ્મ શરીરને નિર્વાણ શરીર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અસ્તિત્વને બ્રહ્મમય સ્થિતિમાં મૂકી દે છે. સર્વ સાથે એકરૂપ થઇ ગયેલ હોવાથી તે શોક-મોહ દુ:ખરહિત થઇ જાય છે 

'આશ્ચર્યવત્પશ્યતિ કશ્ચિદેનમ્

આશ્ચર્યવદ્વદતિ તથૈવ ચાન્ય: ।

આશ્ચર્યવચ્ચૈનમન્ય: શ્રૃણોતિ

શ્રુત્વાભ્યેનં વેદ ન ચૈવ કશ્ચિત્ ।।

કેટલાક લોકો આત્માને એક આશ્ચર્યના રૂપમાં

જુએ છે, કેટલાક લોકો એને આશ્ચર્યના રૂપમાં

બોલે છે, કેટલાક લોકો એને આશ્ચર્ય રૂપે

સાંભળે છે, જ્યારે અન્ય લોકો એના વિષયમાં

સાંભળીને પણ કશું જાણી કે સમજી શકતા નથી.'

- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૨, શ્લોક-૨૯

અ ણોરણીયાન્ મહતો મહીયાન્, આત્મા ગુહાયાં નિહિતોડસ્ય જન્તો: । તે સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ, મોટાથી પણ વધારે મોટો (એટલે કે પરમાણુથી પણ નાનો અને બ્રહ્માંડથી પણ વધારે મોટો) એવો પરમાત્મા જીવનની અંત:કરણ રૂપી ગુફામાં બિરાજમાન છે. (શ્વેતાશ્વતરોપ નિષદ, ૩-૨૦). પરમાત્માના અંશ રૂપ આ આત્મા જે શરીરમાં અવસ્થિત થાય છે તે શરીર પણ આત્મા જેટલું જ આશ્ચર્યકારક અને ચમત્કાર સમાન છે. બ્રહ્મવિદ્યાને નિરૂપિત કરતા હિંદુ ધર્મશાસ્ત્રોમાં સાત શરીરની વાત પણ કરવામાં આવી છે. આ સાત શરીર આ પ્રમાણે છે. ૧. સ્થૂળ શરીર (The Physical Body)  ૨. ભાવ શરીર (The Etheric Body) ૩. સૂક્ષ્મ શરીર (The Astral Body) ૪. માનસ શરીર (The Mental Body) ૫. આત્મિક શરીર (The Spiritual Body) ૬. વૈશ્વિક શરીર (The Cosmic Body)  ૭. બ્રહ્મ શરીર (The Divine Body).

સ્વામી વિવેકાનંદ કહે છે - 'સૂક્ષ્મ શરીરને આપણે લિંગ શરીર કહીએ છીએ. જ્યારે આ શરીર મરણ પામે છે તો તે બીજું શરીર કેવી રીતે ધારણ કરી શકે છે ? શક્તિ (ઊર્જા) પદાર્થ વિના રહી શકતી નથી. એટલે સૂક્ષ્મ પદાર્થનો થોડો સરખો ભાગ બાકી રહી જાય છે જેનાથી આંતરિક અંગ બીજું શરીર બનાવે છે કેમ કે બધા પોતાનું શરીર બનાવતા રહે છે, આ મન જ છે જે શરીર બનાવે છે. જો હું ઋષિ બની જઉં છું તો મારું મસ્તિષ્ક ઋષિના મસ્તિષ્ક રૂપે રૂપાંતરિત થઇ જાય છે. યોગી પુરુષો કહે છે કે આ જીવનમાં પણ એક યોગી એવું કરી શકે છે કે તે તેના શરીરને દેવ શરીરમાં બદલી નાંખે. કેટલાક સાત શરીરનું વર્ગીકરણ આ રીતે પણ કરે છે. ૧. સ્થૂળ કે ભૌતિક શરીર ૨. સૂક્ષ્મ શરીર ૩. કારણ શરીર ૪. માનસ શરીર ૫. આત્મિક શરીર ૬. દેવ શરીર ૭. બ્રહ્મ શરીર.

૧. સ્થૂળ શરીર : સાત ધાતુઓથી બનેલું ભૌતિક શરીર પ્રત્યક્ષ છે. તેને જોઈ, સ્પર્શી શકાય છે તેને ઇન્દ્રિયો સાથે અનુભવ કરી શકાય છે. તેમાં ઘણું ખરું કરીને ઇન્દ્રિય ચેતના જ જાગૃત થાય છે. કેટલાક લોકો પોતાને માત્ર ભૌતિક શરીર જ માને છે. તે એની અંદરના બીજા આયામો કે સ્તરોને જોઈ-જાણી-અનુભવી શકતો નથી હોતો, જ્યારે તે આ ભૌતિક સ્તરની ભીતર મન દ્વારા ગતિ કરે છે ત્યારે તેને બીજા શરીરોનો અનુભવ થાય છે.

૨. ભાવ શરીર (The Etheric Body)  : જન્મ બાદ મનુષ્યના ભાવ શરીરનો ધીમે ધીમે વિકાસ થાય છે. આ શરીરને કારણે જ માનવી વિવિધ લાગણીઓ, સુખ, દુ:ખ વગેરેનો અનુભવ કરી શકે છે. ભાવ શરીર સ્થૂળ શરીર જેવું ઠોસ, સખત, પદાર્થમય નથી હોતું. ભાવ શરીર સંગીત, રંગ, સુગંધ વગેરેને સારી રીતે સમજી શકે છે. આપણું ભાવ શરીર તનાવગ્રસ્ત હોય તો આપણને નિદ્રામાં દુ:ખના સ્વપ્નો આવે છે. આપણું ભાવ શરીર આપણા સ્થૂળ શરીરમાંથી બહાર નીકળી દૂર યાત્રા કરી શકે છે અને એમાં પાછું પણ આવી જાય છે. તે આકાશ કે અંતરિક્ષમાં યાત્રા કરી શકે છે પણ તે સમયમાં ભૂતકાળ કે ભવિષ્ય કાળમાં જઇ શકતું નથી. ભાવ શરીર પરત્વે પૂરી રીતે જાગૃત થવામાં આવે તો આગળના સૂક્ષ્મ શરીરમાં જઇ શકાય છે.

૩. સૂક્ષ્મ શરીર (The Astral Body): સૂક્ષ્મ શરીર અત્યંત ચળકતા પાણી જેવું દેખાય છે. તેની આરપાર જોઈ શકાય છે. આ શરીરને 'કારણ શરીર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના થકી મનુષ્ય તેના પાછલા જન્મમાં પણ જઇ શકે છે. તે આકાશ અને સમય બન્નેમાં યાત્રા કરી શકે છે. અમેરિકન ગૂઢવાદી સીલ્વન મુલ્ડૂન અને ચૈતસિક સંશોધક હેરેવાર્ડ કેરિંગ્ટને એસ્ટ્રલ બોડી વિશે ખૂબ સંશોધનો કરી અનેક પુસ્તકો લખ્યા છે. એમાં દ પ્રોજેક્શન ઓફ દ એસ્ટ્રલ બોડી, ધ ફિનોમિના ઓફ એસ્ટ્રલ પ્રોજેક્શન, સેન્સેશનલ સાઇકિકલ એક્ષ્પિરિયન્સિઝ વગેરેનો સમાવેશ થાય છે.

૪. માનસ શરીર (The Mental Body) : આ શરીર પારદર્શક હોય છે તે મનસ્ તત્ત્વથી બનેલું હોય છે. તે ભૂતકાળ અને ભવિષ્યકાળ બન્ને તરફ જઈ શકે છે. તે ભવિષ્યમાં બનનારી ઘટનાઓને પૂર્વાભાસ તરીકે બતાવી દે છે. કુંડલિની સાધના, ધ્યાન, યોગ વગેરેથી આ શરીરમાં યાત્રા કરી શકાય છે. આમાં માનવી માનસિક કલ્પના - mental Imageryથી કોઇપણ કાર્ય પૂર્ણ કરી શકે છે.

૫. આત્મિક શરીર (The Spiritual Body)  : આ શરીરમાં પ્રબળ આત્મશક્તિ વિકસે છે. તેમાં થોડો સમય પણ રેહવાથી અતીન્દ્રિય શક્તિઓ પ્રગટ થાય છે. એમાં ગતિ કરવાથી અષ્ટસિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ શરીરથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે.

૬. વૈશ્વિક શરીર (The Cosmic Body) : આ શરીરમાં મનુષ્ય વિશ્વ સાથે એકરૂપતા સાધી લે છે. ક્વૉન્ટમ ભૌતિક વિજ્ઞાનીઓ દર્શાવે છે તે અવિભાજ્ય સમગ્રતા(Undivided Wholeness)ની વાસ્તવિકતાનો તે અનુભવ કરે છે. ઉપનિષદ કહે છે તે સત્યસ્ય ન હિ નાનાત્વમ્ - સત્યની અખંડ એકરૂપ સમગ્ર સત્તાની સ્થિતિની તે અનુભૂતિ કરે છે.

૭. બ્રહ્મ શરીર(The Divine Body) : આ શરીરને નિર્વાણ શરીર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે અસ્તિત્વને બ્રહ્મમય સ્થિતિમાં મૂકી દે છે. સર્વ સાથે એકરૂપ-આત્મૈક્યપૂર્ણ થઇ ગયેલ હોવાથી તે શોક-મોહ દુ:ખરહિત થઇ જાય છે અને પરમ આનંદની સહજ સ્થિતિમાં સ્થિત થઇ જાય છે. ઇશાવાસ્ય ઉપનિષદના સાતમા શ્લોકમાં દર્શાવાયું છે - યસ્મિન્સર્વાહિ । ભૂતાન્યાત્મૈવાભૂદ્વિજાનત: । તત્ર કો મોહ: ક: શોક એકત્વમનુપશ્યત: ।। જે સ્થિતિમાં મનુષ્યને માટે બધા પંચમહાભૂતથી બનેલા પ્રાણીઓ પોતાનો આત્મા જ બની ગયા હોય છે તે સમયે સર્વમાં એકત્વ જોનાર એ જ્ઞાનીને કોઇ મોહ કે શોક રહેતો નથી. આદિ શંકરાચાર્યજી ચર્પટપંજરિકા સ્તોત્રમાં કહે છે - યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં નંદતિ નંદતિ નંદત્યેવ । જેનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરવા લાગે છે તે આનંદ, આનંદ અને કેવળ આનંદ જ પામતો રહે છે.

Gujarat