- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
- રાજેશ ઘરે આવ્યો ત્યારે મિથિલાએ તેને જાણ કરી. તે પણ મુંઝાયો. ચાર વર્ષનો બાબુ! અને ગેરવર્તણૂક! બીજે દિવસે બારને ટકોરે ત્રણે પ્રિન્સિપાલની ઓફિસમાં પ્રવેશ્યાં. કોઈ પડછંદ આરબ પણ ત્યાં ઊભો હતો...
થો ડા દિવસો પહેલાં જાહેર થયું કે ૨૦૨૧ માટેનો ભારતનો સાહિત્યનો સર્વોચ્ચ જ્ઞાાનપીઠ એવોર્ડ મળે છે કોંકણી વાર્તાકાર અને નવલકથાકાર દામોદર મૌજોને. આ નિમિત્તે તેમની વાર્તા 'શિશુમુખેથી'નો આસ્વાદ માણીએ.
રાજેશ અને મિથિલા તેમના ચાર વર્ષના દીકરા બાબુ સાથે સાઉદી અરેબિયામાં રહેતાં હતાં. રાજેશને અઠવાડિયે એક જ દિવસની નવરાશ હોય- શુક્રવારે. પાછલો શુક્રવાર નકામો ગયો. સુપર માર્કેટમાં કરિયાણું ખરીદ્યા પછી મિથિલાની નજર પડી સોહામણા ટી શર્ટ પર. રાજેશનો હાથ ઝાલી, તેને ખભે ટી શર્ટ ગોઠવી, ખરીદી લેવાનો આગ્રહ કરવા લાગી. તેટલામાં એક આરબ પ્રકટ થયો, પોતાનું ઓળખપત્ર બતાવ્યું. તે 'મ્યુટાવા' (ધાર્મિક પુલીસ) હતો. તેણે રાજેશનું ઓળખપત્ર તપાસીને ખાત્રી કરી કે મિથિલા તેની પત્ની જ છે. પછી કરડા અવાજે કહ્યું, 'તમારી પત્નીની વર્તણૂક બરાબર નથી. તેને કહી દો કે જાહેરમાં પુરુષનો હાથ પકડવો અમારા નિયમ વિરુદ્ધ છે. આવું ફરી કર્યુંં તો તમને ત્રણેને દેશનિકાલ કરવામાં આવશે, સમજાયું?' રાજેશે અરબી ભાષામાં માફી માગી. ટી શર્ટ ભુલાઈ ગયું. ઘોઘરા સ્વરે રાજેશ બોલ્યો, 'ચાલ, મિથુ.' ગાડીમાં બેસતાંવેંત મિથિલા ઊકળી ઊઠી, 'ભાડમાં જાય આ લોકો અને તેમના પથ્થરયુગના નિયમો!' (અહીં ઈસ્લામને નામે સ્ત્રીનું દમન કરતા શાસન સામે લેખકનો પ્રકોપ પ્રકટ થાય છે. મૌજો ઉદારમતવાદી છે. ૨૦૧૫માં તેમણે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની તરફેણમાં અને નૈતિકતાને નામે ચાલતી દાદાગીરીની વિરુદ્ધમાં જાહેર નિવેદનો કર્યાં હતાં. હિંદુ ધર્મના ઓઠા હેઠળ હિંસા કરતા કોઈ સંગઠન તરફથી તેમના જીવને જોખમ જણાતાં, પુલીસ રક્ષણ પૂરું પડાયું હતું.)
રાજેશે સહાનુભૂતિ ન બતાવી, ઉલટો મિથિલાને ઠપકો આપવા માંડયો કે નિયમો જાણવા છતાં તું મને જાહેરમાં અડી જ કેમ? મિથિલાને વિચાર આવ્યો, 'આ લોકો ભલે સ્ત્રીઓને બુરખો પહેરાવતા, ખાનગીમાં તેમની સાથે કેમ વર્તે છે એ કોણ નથી જાણતું? રાજેશ જાહેરમાં કશું ન કરી શક્યો પણ ઘરે પહોંચીને મને આશ્લેષમાં કેમ ન લીધી?' મિથિલાને યાદ આવ્યું : તેઓ મધુરજની ઊજવવા મહાબળેશ્વર ગયાં હતાં. બજારમાં પ્રેમી જોડાં આંગળીઓ પરોવીને ચાલતાં હતાં. તેણે પતિનો હાથ ઝાલ્યો તો એ શરમાઈ ગયો, 'જાહેરમાં આવું થાય? લોકો શું કહેશે?' મિથિલાએ ચોકોબાર આઇસક્રીમ ખાતાં ખાતાં રાજેશને ચાખવા આપી, તે બોલ્યો, 'એંઠી આઇસક્રીમ? સ્વાસ્થ્ય માટે સારી નહિ!' પતિ- પત્ની વચ્ચે એંઠું શું અને જૂઠું શું- મિથિલાને પતિના ચોખલિયાવેડા ન ગમ્યા. એકમેકની થૂંકનો સ્પર્શ કેમ કરાય એવું કહી રાજેશ મિથિલાના હોઠોને ચૂમતો ય નહિ. મિથિલા આવી વર્તણૂકથી અકળાતી. (લેખક સમાંતરે બે પ્રશ્નો ચર્ચી રહ્યા છે : મનુષ્યમાત્રને સહજ એવી વૃત્તિઓનું દમન- રાજ્યસત્તા વડે અને પતિ વડે પણ. મનના માનેલાને ઇજન આપતી યુવતીનું ગીત સહેજે સાંભરે : 'પાદરે ઊભા પરદાદાના પાળિયે મૂકી ઘરની રે મરજાદ ભીડીને આંકડા જાશું/ ચાતરી ચીલા ખૂંદશું ખેતર મોકળે મેદાન મન ફાવે તેમ મન વેરીને લાવણી ગાશું/ મારગે હેલી વરસ્યે લેશું એકબીજાંની સોડ ને ભેળાં પલળી જાશું ફેર/ હંઅઅ વાલમ, હાલ્ય સીમાડો સાવ લીલો નાઘેર.' -રમેશ પારેખ.)
મિથિલાને જૂનો પ્રસંગ યાદ આવ્યો. એસએસસીની પરીક્ષા આપ્યા પછી તે મામાના દીકરા સાથે ટહેલવા નીકળી હતી. છૂટાં પડતી વખતે બન્નેએ હોઠ પર હોઠ મૂકીને ચૂમી લીધી હતી. એવું ચુંબન પતિને કરવાના મિથિલાના ઓરતા અધૂરા જ રહી ગયા હતા. એકાંતમાં તે પોતાના હોઠને હળવેથી કરડીને ચૂસતી અને વિચારતી કે પેલો સ્વર્ગીય આનંદ ન જાણે ક્યારે મળશે! રાજેશને અને મિથિલાને ખૂબ બનતું. સાઉદી અરેબિયાના રિયાધ શહેરમાં મિથિલાએ ઘરની બહાર બુરખો ઓઢવો પડતો, વળી કુટુંબના પુરુષના સાથ વગર કશે જવાતું ય નહિ. પતિની સાથે નહિ પણ એક ડગલું પાછળ ચાલવું પડતું. પ્રાથમિક શાળામાં પણ છોકરા-છોકરી એક નિશાળમાં ભણી શકતાં નહિ. 'મ્યુટાવા'એ રાજેશને આદેશ આપી દીધો હતો કે મિથિલાએ તેની પ્રતીક્ષામાં બારણું ખોલીને ઊભા રહેવું નહિ. (સાઉદી અરેબિયામાં રૂઢિચુસ્ત વહાબી પંથના નિયમોનું પાલન કરાય છે. એકવીસમી સદીમાં જોકે ત્યાં સ્ત્રીઓને વધુ સ્વાતંત્ર્ય મળ્યું છે.)
એક દિવસ મિથિલાને ચાર વર્ષના બાબુના દફ્તરમાંથી ચિઠ્ઠી મળી, 'વાલીઓને જાણ થાય કે તેમણે બાબુની સાથે આવતી કાલે બાર વાગે મારી ઓફિસે મળવા આવવું. મારે બાબુની ગેરવર્તણુક બાબત વાત કરવી છે. - સહી, પ્રિન્સિપાલ.' પત્રના કડક સૂરથી મિથિલાને અચંબો થયો. 'બાબુ, તેં શું કરેલું ક્લાસમાં?' 'કંઈ નહિ, મમ્મી, તો ય ટીચર મને વઢયા.' રાજેશ ઘરે આવ્યો ત્યારે મિથિલાએ તેને જાણ કરી. તે પણ મુંઝાયો. ચાર વર્ષનો બાબુ! અને ગેરવર્તણૂક! બીજે દિવસે બારને ટકોરે ત્રણે પ્રિન્સિપાલની ઓફિસમાં પ્રવેશ્યાં. કોઈ પડછંદ આરબ પણ ત્યાં ઊભો હતો. 'અમને તમારા દીકરાની ગેરવર્તણૂક બાબત ગંભીર ફરિયાદ મળી છે.' પ્રિન્સિપાલે લાગલું જ કહ્યું. ઉદ્વેગ છુપાવીને રાજેશે વિવેકપૂર્વક કારણ પૂછયું. જવાબ મળ્યો, 'તમારા ચિરંજીવીએ શાહબુદ્દીન સાહેબની દીકરી નસરીનને ચુંબન કર્યું છે.' રાજેશ ચકરાઈ ગયો. તો આ છે નાનકડા બાબુનો અપરાધ? તેને તો ડર હતો કે બાબુએ કોઈની મારપીટ કરી હશે, બચકું ભર્યું હશે... પણ ચુંબન? હાય રે નસીબ, કેવો છે આ દેશ? હવે બાબુને જેલમાં ઘાલશે કે શું?
આ તરફ મિથિલાને ભારે રાહત થઈ. તેનો ચહેરો હસું હસું થઈ ઊઠયો. બાબુના હાથને તેણે ઉમળકાથી દબાવ્યો- રાજેશનો દીકરો હોવા છતાં તેણે જાહેરમાં ચૂમી કરી અને કોઈની ય દરકાર ન કરી. 'અમે આ છોકરાને શાળામાંથી પાણીચું આપી શકીએ છીએ,' પ્રિન્સિપાલ ઘુરક્યા, 'પણ પહેલી વારનું છે એટલે ચેતવણી આપીને છોડી મૂકીએ છીએ!' રાજેશે લળી લળીને પ્રિન્સિપાલની અને પેલા આરબની માફી માગી. મિથિલાએ મનોમન કહ્યું, 'માફી? શેને માટે?' ગાડીમાં બેસતાંવેંત રાજેશે પૂછયું, 'બાબુ, તેં ખરેખર નસરીનને ચુંબન કરેલું?' 'હા પપ્પા, પણ શરૂઆત એણે કરેલી!' મિથિલાએ તેને ગોદમાં તાણીને પૂછયું, 'ચૂમી મીઠી તો લાગી ને?' રાજેશને આ ન ગમ્યું, 'તું તો છોકરાને બગાડે છે!' મિથિલાએ ટકોર કરી, 'ક્યારેક ડહાપણની વાતો શિશુમુખેથી સાંભળવા મળે છે.' (અહીં બાઈબલની પંક્તિનો સંદર્ભ છે, 'ફ્રોમ ધ માઉથ ઓફ બેબ્સ.') ઘરે પહોંચતાંવેંત ફોનની ઘંટડી રણકી. ફોનની વાત સાંભળતાં રાજેશ ઊછળી પડયો, 'મારી જર્મની જવાની અરજી મંજૂર થઈ ગઈ!' રાજેશે મિથિલાને બાહુમાં જકડી લીધી. શ્વાસમાં શ્વાસ મળ્યા અને હોઠથી હોઠ. બાબુ માની ન શક્યો, 'પપ્પા! તમે મમ્મીને ચુંબન કર્યું?' 'હા,' રાજેશ હસ્યો, 'પણ શરૂઆત એણે કરેલી!' (પતિનો દંભ છૂટયો, કુરૂઢિવાળો દેશ છૂટયો, મિથિલાને બેવડી મુક્તિ મળી.)
ગુજરાત સમાચારના વાચકો જોગ દામોદર મૌજોએ આ સંદેશો પાઠવ્યો છે, 'મને અભિનંદન આપનારા સૌ ગુજરાતી લેખકોનો આભાર. ગુજરાતી-મરાઠી-કોંકણી ઇન્ડો-આર્યન ભાષાકુળની ભગિની ભાષાઓ છે. આપણે આ સંબંધ વિકસાવવો રહ્યો. દીવ, દમણ અને ગોવામાં ફિરંગી શાસન રહ્યું હોવાથી આપણાં સમાજમાં અને ભાષામાં કેટલીક સમાનતા છે. તમે જાણતા નહિ હો, પણ ગોવાના ઘણા વેપારીઓના હિસાબનીશો ગુજરાતી હતા. સદ્ ભાગ્યે મને ઉમાશંકર જોશી જેવા દિગ્ગજ ગુજરાતી સાહિત્યકારોનો પરિચય થયો હતો, અને ગુજરાતીના અગ્રણી લેખકોને હું વાંચતો રહું છું. ગુજરાતી અને કોંકણી વચ્ચે આદાનપ્રદાન વધતું રહે એવી આશા સાથે, તમારો આભારી એવો..... દામોદર.'


