Magazines

અતિરેકનો અંધકાર અને વિકલ્પોનું વમળ .

By GS TEAM
21 Jun 20267 mins read
અતિરેકનો અંધકાર અને વિકલ્પોનું વમળ                      .

- OTT પ્લેટફોર્મમાં સેંકડો શ્રેણીઓ- ફિલ્મો, યુ ટયુબ અને સ્પોટીફાયમાં સંગીતનો સમુદ્ર, રેસ્ટોરન્ટમાં દેશી - વિદેશી વાનગીઓનો રસથાળ, કપડાથી માંડી કારમાં વૈવિધ્ય.. શું લેવું? શું માણવું? અકળાવી મૂકતી મૂંઝવણ

- હોરાઈઝન-ભવેન કચ્છી

- એક જમાનામાં આકાશવાણી કે બીનાકા ગીતમાલા જ  હતું, ટીવી એટલે દૂરદર્શન, કપડાની ખરીદી પંદરેક તાકામાંથી થઈ જતી અને ફક્કડ  ભોજન એટલે લાડુનું જમણ.. છતાં સુખનો એહસાસ દરિયા જેટલો રહેતો 

આ જે રવિવારની રજા.મોટાભાગના લોકો આજે હળવા થવાના મૂડમાં હશે. હાથમાં સ્માર્ટફોન છે અથવા સામે સ્માર્ટ ટીવીની સ્ક્રીન છે. નેટફ્લિક્સ, પ્રાઇમ, હોટસ્ટાર, જીઓ-સિનેમા, ઝી કે યુટયુબ... સ્ક્રીન પર સેંકડો ફિલ્મો અને વેબ સીરીઝના પોસ્ટર્સ ચમકી રહ્યા છે. રોમાન્સ, થ્રિલર, કોમેડી, સસ્પેન્સ, ડોક્યુમેન્ટરી -કેટેગરીઝનો કોઈ અંત નથી. આપણે રીમોટનું બટન દબાવતા દબાવતા સ્ક્રોલ કરતા રહીએ છીએ. અડધો કલાક, પોણો કલાક કે ક્યારેક એક કલાક માત્ર 'શું જોવું?' તે નક્કી કરવામાં જ નીકળી જાય છે. અંતે, કાં તો આપણે કંટાળીને કંઈપણ જોયા વગર સૂઈ જઈએ છીએ, અથવા તો કોઈ એવી જૂની ફિલ્મ ચાલુ કરી દઈએ છીએ જે આપણે પહેલાં પાંચ વાર જોઈ ચૂક્યા છીએ!

જિંદગીનો અરીસો 

આ માત્ર ઓટીટી પ્લેટફોર્મની વાત  નથી. આ આજના આધુનિક માણસની દૈનિક જિંદગીનો અરીસો છે. આજે સવારે ઉઠતાંની સાથે જ આપણી સામે વિકલ્પોનો એક મહાસાગર ઉછાળા મારે છે. ચા પીવી છે તો ગ્રીન ટી, બ્લેક ટી, હર્બલ ટી કે આદુ-ઈલાયચી વાળી દેશી ચા? ગીતો સાંભળવા છે તો સ્પોટિફાય પર લાખો પ્લેલિસ્ટ્સ હાજર છે. જમવું છે તો ઝોમેટો કે સ્વિગી પર પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન, ઇટાલિયન, સાઉથ ઇન્ડિયન અને એમાંય પાછી સેંકડો રેસ્ટોરન્ટ્સ. કપડાં ખરીદવા છે તો મોલ કે ઈ-કોમર્સ સાઇટ્સ પર હજારો બ્રાન્ડ્સ અને લાખો ડિઝાઇન્સ ઉપલબ્ધ, કોઈ કલબ કે હોલમાં સેલની જાહેરાત પર પણ નજરે ચઢે છે.સમાચાર જાણવા છે તો સેંકડો ન્યૂઝ ચેનલો અને અખબારો છે.

આજે માણસ પાસે જેટલા વિકલ્પ (ચોઈસ) છે, તેટલા  માનવ ઇતિહાસમાં ક્યારેય નહોતા. વૈશ્વિકીકરણ અને ગ્રાહકવાદે  આપણી હથેળીમાં આખી દુનિયા લાવીને મૂકી દીધી છે. દેખીતી રીતે, આ એક બહુ મોટી સુવિધા લાગવી જોઈએ. વધુ વિકલ્પો એટલે વધુ સ્વતંત્રતા અને વધુ સ્વતંત્રતા એટલે વધુ સુખ - એવું આપણને વર્ષોથી સમજાવવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન ઉલટી છે. આજે માણસ આટલા બધા વિકલ્પો વચ્ચે આનંદ અનુભવવાને બદલે મૂંઝવણ, થાક, અજંપો અને ભારે માનસિક તણાવ અનુભવી રહ્યો છે.

ભૂતકાળનું  સુખી વિશ્વ

ચાલો, થોડા વર્ષો પાછળ જઈએ. એંસી કે નેવુંના દાયકાના એ દિવસો યાદ કરો. આખા ઘરમાં એક જ ટેલિવિઝન સેટ હતો અને ચેનલના નામે માત્ર એક 'દૂરદર્શન'. રવિવારે સાંજે ચાર વાગ્યે પ્રાદેશિક ફિલ્મ આવતી અને સાંજે સાડા પાંચ વાગ્યે હિન્દી ફિલ્મ આવતી. આખું કુટુંબ, ક્યારેક તો આખો મહોલ્લો, સાથે બેસીને એ ફિલ્મ જોતો. કોઈ વિકલ્પ નહોતો, કોઈ 'ચોઈસ' નહોતી, પણ એ બે કલાકનો આનંદ અદ્ ભૂત  હતો. રામાયણ કે મહાભારત જેવી સીરીયલો વખતે રસ્તાઓ સુમસામ થઈ જતા. કોઈને એવો અફસોસ નહોતો થતો કે 'આના સિવાય બીજી કોઈ સીરીયલ હોત તો સારું થાત.'

રેડિયો પર માત્ર આકાશવાણી કે વિવિધ ભારતી હતું. બુધવારે રાત્રે 'બિનાકા ગીતમાલા' આવે એટલે આખો દેશ રેડિયોની સામે ગોઠવાઈ જતો. અમીન સયાનીનો અવાજ અને એમાં વાગતા ગીતો એ અઠવાડિયાનો સૌથી મોટો ઉત્સવ બની જતો. ગીત ગમે કે ન ગમે, પણ જે વાગતું તે લોકો મન ભરીને માણતા.

રસોઈની વાત કરીએ તો, હોટેલમાં જવાનું વર્ષમાં એક કે બે વાર જ બનતું. હોટેલના મેનૂ કાર્ડમાં પણ માંડ પાંચ-દસ આઇટમો હોતી - ફિક્સ થાળી, પંજાબી સબ્જી-રોટી કે મસાલા ઢોસા. કપડાંની ખરીદી દિવાળી કે લગ્નપ્રસંગે જ થતી. બજારમાં બે કે ત્રણ જાણીતી દુકાનો હોય, ત્યાં જઈને કાપડ પસંદ કરવાનું. કાપડના પંદરેક તાકા દુકાનમાં રાખ્યા હોય તેમાંથી એક બે ખરીદી લેવાના અને તેને દરજી પાસે સીવડાવવા આપી દેવાતા.

તુલના જ નહોતી 

એ જમાનામાં સાધનો મર્યાદિત હતા, સુવિધાઓ ઓછી હતી, વિકલ્પો નહિવત હતા. તેમ છતાં, એ સમયના માણસના ચહેરા પર એક અનોખો સંતોષ હતો. કેમ? કારણ કે ત્યાં 'તુલના' કરવાની કોઈ અવકાશ નહોતો. જે મળતું, તે શ્રેષ્ઠ લાગતું. આજે આપણી પાસે બધું જ છે, છતાં સંતોષ નથી. આપણે 'અતિરેકના અંધકાર'માં ખોવાઈ ગયા છીએ.

પસંદગીનો કોયડો  

અમેરિકના લેખક  બૈરી શ્વાર્ટઝે   વર્ષ ૨૦૦૪માં એક બેનમુન  પુસ્તક લખ્યું, જેનું નામ છે :  "The Paradox of Choice - Why More Is Less"  (વિકલ્પોનો વિરોધાભાસ - શા માટે વધુ એ ઓછું છે). આ પુસ્તકમાં શ્વાર્ટઝે વૈજ્ઞાનિક સંશોધનોના આધારે સાબિત કર્યું છે કે વધુ પડતા વિકલ્પો માણસને ખુશ કરવાને બદલે નિ:સહાય કે  લકવાગ્રસ્ત જેવા  બનાવી દે છે.

શ્વાર્ટઝના મતે, જ્યારે આપણી સામે અતિશય વિકલ્પો આવે છે ત્યારે બે મોટી નકારાત્મક અસરો થાય છે :

નિર્ણયનો લકવો

એક તો જ્યારે વિકલ્પોની સંખ્યા મર્યાદિત (ધારો કે ૨ કે ૩) હોય, ત્યારે નિર્ણય લેવો સરળ બને છે. પણ જ્યારે વિકલ્પોની સંખ્યા ૨૦ કે ૫૦ થઈ જાય, ત્યારે આપણું મગજ દરેક વિકલ્પના ફાયદા-નુકસાનની ગણતરી કરવા બેસે છે. પરિણામે, માણસ કોઈ એક નિર્ણય પર આવી શકતો જ નથી. તેને સતત એ ડર સતાવે છે કે 'જો હું આ વિકલ્પ પસંદ કરીશ અને પેલો બીજો વિકલ્પ આનાથી સારો નીકળશે તો?' આ ડરને કારણે તે નિર્ણય લેવાનું ટાળે છે અથવા તો ખૂબ તનાવ અનુભવે છે.

અતિરેક અને પસ્તાવો 

અને શ્વાર્ટ્સના મતે બીજી નકારાત્મક અસર એ કે ધારો કે તમે ખૂબ મહેનત કરીને, પચાસ વિકલ્પોમાંથી એક શર્ટ કે એક રેસ્ટોરન્ટ પસંદ કરી લીધી. હવે જ્યારે તમે એ શર્ટ પહેરો છો કે એ રેસ્ટોરન્ટનું ખાવાનું ખાઓ છો, ત્યારે તમારી અપેક્ષાઓ આકાશ આંબતી હોય છે. કેમ કે તમે પચાસ વિકલ્પો છોડીને આને પસંદ કર્યો છે! જો એ શર્ટમાં સહેજ પણ ખામી દેખાશે અથવા ખાવાનો સ્વાદ સહેજ પણ ઓછો હશે, તો તમને તરત જ પસ્તાવો  થશેથ : યાર! પેલો બીજો ઓપ્શન લીધો હોત તો સારું હોત.'

'જો વિકલ્પ એક જ હોત, તો તમે નસીબને કે પરિસ્થિતિને દોષ દઈને સંતોષ માની લેત. પણ અહીં વિકલ્પો ઘણા બધા હતા, એટલે ખોટા નિર્ણયની જવાબદારી માત્ર અને માત્ર તમારી પોતાની બને છે. આ આત્મ-દોષ  માણસને ડિપ્રેશન અને તનાવ તરફ ધકેલે છે.

'જામ પ્રયોગ'નું પરિણામ  

વિકલ્પોના પ્રભાવ અંગે  એક બહુ પ્રખ્યાત પ્રયોગ થયો છે, જે 'જામ પ્રયોગ'  તરીકે ઓળખાય છે. પ્રોફેસર શીના આયંગર  દ્વારા આ પ્રયોગ એક ગ્રોસરી સ્ટોરમાં કરવામાં આવ્યો હતો.

એક શનિવારે, સ્ટોરમાં જામ (Jam) ટેસ્ટ કરવા માટે એક સ્ટોલ મૂકવામાં આવ્યો, જ્યાં ૨૪ જુદા જુદા પ્રકારના જામ રાખવામાં આવ્યા હતા. બીજા શનિવારે, એ જ સ્ટોલ પર માત્ર ૬ પ્રકારના જામ રાખવામાં આવ્યા.

બંને પરિસ્થિતિના પરિણામો ચોંકાવનારા હતા :

 જ્યારે ૨૪ વિકલ્પો હતા, ત્યારે સ્ટોલ પર ભીડ બહુ થઈ (૬૦% લોકો આકર્ષાયા), પણ એમાંથી ખરીદી માત્ર ૩% લોકોએ જ કરી.

 જ્યારે માત્ર ૬ વિકલ્પો હતા, ત્યારે સ્ટોલ પર ભીડ થોડી ઓછી થઈ (૪૦% લોકો આવ્યા), પણ એમાંથી ખરીદી ૩૦% લોકોએ કરી!

આ પ્રયોગ સાબિત કરે છે કે આકર્ષણ ભલે અતિરેકમાં હોય, પણ સંતોષ અને ચોક્કસ નિર્ણય હંમેશાં મર્યાદિત વિકલ્પોમાં જ શક્ય બને છે. જ્યારે ગ્રાહક સામે ૨૪ પ્રકારના જામ આવ્યા, ત્યારે તેનું મગજ કન્ફ્યુઝ થઈ ગયું અને તેણે ખરીદી કરવાનું જ માંડી વાળ્યું.

માયાવી જાળની મૂંઝવણ 

ગ્રાહકવાદ  આપણી આ માનસિક નબળાઈ પર જ નભે છે. માર્કેટિંગ કંપનીઓ આપણને સતત એવું ફીલ કરાવે છે કે આપણી પાસે જે છે તે પૂરતું નથી.? 'તમારી પાસે સ્માર્ટફોન છે? પણ એમાં ત્રણ કેમેરા નથી! ચાર કેમેરા વાળો નવો મોડેલ લો.'

'તમે  ભોજનના શોખીન છો? પણ તમે હજી પેલી નવી  કોરિયન  ડિશ ટ્રાય નથી કરી!'

આ સતત ચાલતો મારો માણસની અંદર એક નવી બીમારી પેદા કરે છે, જેને આજના સમયમાં FOMO (Fear Of Missing Out)  એટલે કે 'કંઈક છૂટી જવાનો ડર' કહેવામાં આવે છે. માણસને સતત એવું લાગે છે કે જો તે કોઈ નવી વેબ સીરીઝ નહીં જુએ, કોઈ નવી રેસ્ટોરન્ટમાં નહીં જાય, કે કોઈ નવું ગેજેટ નહીં ખરીદે, તો તે દુનિયાથી પાછળ રહી જશે. આ 'છૂટી જવાનો ડર' જ તનાવ અને એન્ઝાયટનું મુખ્ય કારણ છે.

ઈચ્છાઓનો કૂવો

ભગવદ્દ ગીતામાં પણ એ પ્રકારનો બોધ છે કે 'જ્યારે મન અનેક શાખાઓમાં, અનેક વિકલ્પોમાં ભટકતું રહે છે, ત્યારે તે ક્યારેય સ્થિર કે શાંત થઈ શકતું નથી. અશાંત મન ક્યારેય આનંદનો અનુભવ કે લક્ષ્ય પ્રાપ્ત  કરી શકતું નથી.'

ચોવીસ કલાક ન્યૂઝ ચેનલો કે સોશિયલ મીડિયા ફેંદવાનું બંધ કરો. દિવસમાં એક કે બે વાર જ સમાચાર કે મોબાઈલ  જુઓ.વિકલ્પોની દુનિયાના દલ દલમાં ફસાઈ જવા કરતા વધુ  સમય પ્રકૃતિ, પુસ્તકો  કે પરિવાર સાથે વિતાવો.

સુખની વ્યાખ્યા 

વર્ષો પહેલાં સુખ અને  મનોરંજનનો અર્થ હતો - પરિવાર સાથે બેસીને વાતો કરવી, શેરીમાં રમતો રમવી, અગાસી પર બેસીને વાર્તાઓ સાંભળવી. સ્વાદનો અર્થ હતો -  માતા કે પત્નીના  હાથની ગરમાગરમ રસોઈ.

આજે ખરું મનોરંજન કે મજા તો પાછળ ધકેલાઈ ગયું છે. આપણે ગીતો સાંભળતા નથી, ગીતોને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે વાપરીએ છીએ. આપણે વેબ સીરીઝ માણતા નથી, તેને 'બિન્જ વાચ' (એકસાથે બધું જોઈ નાખવું) કરીને ખતમ કરીએ છીએ. આનાથી આપણી સંવેદનશીલતા મરી રહી છે.

જ્યારે વિકલ્પો ઓછા હોય છે, ત્યારે દરેક વસ્તુનું મૂલ્ય  વધુ હોય છે. જ્યારે વિકલ્પોનો અતિરેક હોય છે, ત્યારે કોઈ વસ્તુની કિંમત રહેતી નથી. આજે આપણી પાસે હજારો ગીતો છે, પણ જે જૂના પાંચ ગીતો કેસેટમાં વાગતા અને આપણા હૃદયને સ્પર્શી જતા, એવો અનુભવ આજના હજારો ગીતો નથી કરાવી શકતા.

જ્ઞાન પોસ્ટ 

ગ્રાહકવાદના આ જમાનામાં સાચો સિકંદર એ નથી જેની પાસે બધું જ ખરીદવાના વિકલ્પો છે, પણ એ છે જે વિકલ્પોની વચ્ચે રહીને પણ પોતાની શાંતિ જાળવી રાખી શકે છે. આવો, આપણે આપણી જરૂરિયાતોને સીમિત કરીએ, વિકલ્પોના અતિરેક પર બ્રેક લગાવીએ અને એ જૂના જમાનાના સંતોષ અને શુદ્ધ આનંદને ફરીથી આપણા જીવનમાં આવકારીએ.બધું જ મેળવી લેવાની જીદ, જે હાથમાં છે તેનો આનંદ પણ છીનવી લે છે.