ડુંગરે, દરિયે, શેરીએ સંતાકૂકડી
- રસવલ્લરી- સુધા ભટ્ટ .
- કળા અને જીવનને ''જીવી જાણવા''નો સંદેશો પ્રસરાવતા કલાકાર નટુ પરીખ
'ક લાકાર' શબ્દ પડે એટલે કલાના અનેક પ્રવાહોમાં જીવી જનાર અને જીવન તથા કલાને માણતા માણતાં તેમાં રચ્યાપચ્યા રહેતા ચુનંદા કલાકારોનું અચૂક સ્મરણ થાય. નાટય, નૃત્ય, સંગીત, શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રાદિ કલાક્ષેત્ર ઉપરાંત કલમ ચલાવનાર સાહિત્યકારોનો પણ આમાં અવશ્ય સમાવેશ થાય. આમ તો, પ્રત્યેક કળા અલગ અલગ છે. તેનું સ્વરૂપ ભિન્ન છે પણ કદીક એવાંય ઉદાહરણો જોવા મળે કે એકનો એક કલાકાર એક સાથે એકથી વધુ કળા સાથે જોડાયેલો હોય અને તે સર્વેમાં માહિર પણ હોય. વળી, દરેક કળાના આંતરિક વિભાગો પણ એકબીજાથી તદ્દન જુદાં હોવા છતાંય કેટલાય બહુઆયામી કલાકારોએ એ સઘળાં સ્વરૂપોને હૃદયથી ચાહીને હસ્તગત કર્યાં હોય છે અને એમાં સફળ પણ ગયા હોય છે.
અનેક માધ્યમોના ઉપયોગ માટે પ્રયત્નશીલ અને પ્રયોગશીલ કલાકારોનું સાફલ્ય સ્વયમ્ એમની કૃતિઓ હોય છે. અમદાવાદના પીઢ, અનુભવસિદ્ધ ચિત્રકાર નટુભાઈ પરીખે શિલ્પકળા, તસવીરકળા અને લેખનકળાને પણ અપનાવી છે. કલાગુરુ તરીકે અનેરું સન્માન મેળવનાર આ કલાકારે ચિત્રકળાનાં વિવિધ પાસાંઓને રળિયાત કર્યાં છે. રેખાચિત્ર, લેન્ડસ્કેપ, રૂપચિત્ર (પોટ્રેઈટ), દરિયા, જંગલ, નદી, પર્વતો, શેરીઓ, માનવાકૃતિઓ, ઓબ્જેક્ટ ડ્રોઈંગ, ફૂલદાની, શિલ્પ-સ્થાપત્ય અને નૃત્યમુદ્રાઓમાં જીવ રેડનાર આ વરિષ્ઠ કલાકારના હાથ જીવનના નવ દસકા સુધી જળરંગ અને તૈલરંગમાં રમમાણ રહી પ્રભાવી સાબિત થયા છે તે કાંઈ જેવી તેવી વાત છે ?
શેરીઓના મકાનો છે લગોલગ છતાં અલગ
પ્રાચીન મકાનોની ખાસિયત એવા ઝરૂખા, મદલ, સ્તંભ, કુંભી અને ક્યારેક અગાશીએ છત્રી કળાની છડી પોકારે છે જે નટુભાઈ જેવા અનુભવી કલાકારોને આકર્ષે છે. માનવના લંબાતા પડછાયા અને સમયાનુસારનું પ્રકાશ આયોજન, આગળ વધતી ગલીને ત્રિપરિમાણની ભેટ આપે છે. ઐતિહાસિક નગરોમાં શેરીઓમાં ચાલતા વાહનો અને ક્વાચિત્ થતી અથડામણોને પણ આ કલાકારે સીધા પીંછીના લસરકાથી ઝડપી છે. બ્રિટનના કલાકાર ટર્નરની કળાથી પ્રભાવિત થઈ એમણે ચાણોદ જેવા ગામે ટેકરી ઉપર આવેલા મકાનોની ઝીણી વિગતને નિરૂપી છે. મકાનોની હાર, પગથિયાં અને ગતિશીલ પનિહારીઓને એમણે અદ્દલ ઝડપ્યાં છે.
ઢાળવાળી, સમતલ ગલીઓ, નદીઓના વળાંક સાથે આબાદ ચિતરી એમણે મકાનોમાં રહેલા બ્રેકેટસ એટલે કે દાંડા ફાંહડાને પણ છોડયાં નથી. એમાંય એરિયલ વ્યૂથી છાપરાંનું નિરીક્ષણ કરી એની ઉપર બેઠેલા મોરને પણ ચિત્રોમાં સ્થાન આપ્યું છે. શેરીમાં વીજળીના થાંભલા, ઉપર તારનાં જાળાં, એન્ટેના, ઘરઆંગણે લારીઓ, સાઇકલ, કૂતરાં કે વાતોએ વળગેલી નારીને વિવિધ રંગોમાં ઢાળી તેમનું મહત્ત્વ વધાર્યું છે. ખાસ તો, બારી-બારણાંની જીવંત રેખાઓ ઘરની અંદરના વાતાવરણની કલ્પના કરવા રસિકોને પ્રેરે છે. મકાનોનાં વાદળી, પીળા, લીલા, કથ્થઇ રંગો શાંત અને બોલકાં - બન્ને પ્રકારના પાત્રોને નવજીવન બક્ષે છે. પાટણની ''બાબુની હવેલી'' તો કમાનો, સ્તંભો, સીડીઓ, અગાશી પરનાં છાપરા - કઠેડાથી ભવ્યાતિભવ્ય બની છે.
શેરી હોય એટલે આકાશ પણ દેખાયને ! સાંજના નિરભ્ર આકાશથી વાદળી રંગનું સૌંદર્ય મહત્ત્વનું બની રહે છે. સિધ્ધપુરના વ્હોરાજીઓના રોમનશૈલીના ગોળ સ્તંભવાળાં, સ્વચ્છતાનો સંદેશો લઈને આવતા બ્રેકેટસ વાળી મકાનો આવા ચિત્રોમાં વસવાનું કૌવત ધરાવે છે. કલાને વહેંચવા, વણવા અને માણવા માટે નટુભાઈએ કરેલો શ્રમ ચરિતાર્થ થાય છે. જ્યારે એમની ''શેરીઓ'' દેશ-વિદેશના કલારસિકો પોતાની સાથે ચાવથી લઈ જાય છે. અગત્યના રંગો અને વોશ સહિત.
શેરી વળાવી સજ્જ કરું ઘરે આવોને, આંગણિયે વેરું ફૂલ, હરિ ઘરે આવોને !
સમૂહજીવનની વ્યાખ્યામાં ગામ, ગલી, શેરી- તેમાં સ્થિત મકાનો અને તેમાં વસતા-ધસતા જનો તો બંધ બેસે જ છે પરંતુ એ શેરીની રચના. આધુનિક આવાસ યોજનાઓમાંથી એની બાદબાકી થઈ ગઈ પરંતુ આપણાં પારંપરિક શહેરોના વારસાનાએ હજરાહજૂર પુરાવાઓ ''હેરિટેજ''ના નૂતન નામે આજે પણ વિદ્યમાન છે. ભય તો એ છે કે રખેને... એ પડી જાય. પછી શું કરીશું ? એના નવીનીકરણની વાત તો છેટે રહી પણ આપણી પાસે તેનાં રંગીન અને સંગીન ચિત્રોનો સંપુટ લઈને આવે છે આપણા પીઢ કલાકાર નટુભાઈ. ગુજરાતના ગૌરવાન્વિત ગામડાંઓની શેરીઓમાં ફરીને જાણે કે તેનું દસ્તાવેજીકરણ એમણે કર્યું છે.
કલાકાર જેનું નામ ! જે દેખાય છે એ તો ઠીક, પરંતુ જે નજરે નથી ચડતું તે કલાકારને ઝીણી-નરવી આંખે દેખાય છે અને કાગળ પર જળ રંગોમાં જાણે કે શેરીનાં પ્રતિબિંબો ઝીલાય છે. શેરીનાં મકાનોની બાંધણીમાં વિવિધતા હોય કારણ કે એને અલગ-અલગ માલિકે રસપૂર્વક બાંધ્યાં હોય. જૂનાં-લાકડાંનાં મકાનોમાં ઝરૂખા, જાળી, વિવિધ ભાત, ઢળતાં છાપરાં, છત અને છાપરાં વચ્ચેનાં રજોટિયાં, માથે ગોખલા આદિ સિદ્ધ કરે છે કે પ્રાચીન સમયે માનવ સાથે પશુ-પંખીના નિવાસની પણ ચિંતા થતી અને એની પ્રતીતિ શેરીચિત્રોમાં થાય છે. ભીંત પર સુંદર કલાત્મક ચિત્રકામ હોય તેને પણ આ કલાકાર પોતાના ચિત્રોમાં સ્થાન આપે છે.
દરેકને ચાલવું ગમે એવી નટુભાઈની શેરીઓ હરતી-ફરતી-જીવંત, સજીવારોપણની સાબિતી પૂરી પાડે છે, ખેડા જિલ્લાના પીજ, વસોની હવેલીઓમાં કલાત્મક બુલંદીવાળા દરવાજા, કોતરણી, પતરાનાં છાજલાં, ચિત્રો- એમનાં ચિત્રોમાં સ્થાન પામે છે ત્યારે પેસ્ટલ આછા રંગોમાં, તૂટક રેખાઓમાં આખું અખંડ ચિત્ર આકાર થાય છે. ગલીમાં ફરતાં ગાય-કૂતરા અને ઊભા કે ચાલતા માનવપાત્રોના સ્કેચીસમાં એમનો કુદરતી લસરકો ભાષાનું ઉમેરણ કરે છે. ઝરૂખામાંથી આખા ઝૂકીને શેરીને નિરખવાનું આ ઈજન છે.
ઊંચા ઊંચા રે પ્રભુ તારા ડુંગરા રળિયામણાં કે ડુંગર પર ટહુકે છે મોર... રે...
કુદરતને અસીમ પ્રેમ કરનાર નટુભાઈ દરિયાને ધમરોળીને, શેરીઓમાં થઈને પહાડ સાથે વાર્તાલાપ કરવા પ્રેરાય છે ત્યારે પર્વતોને તેઓ પોતાની આગવી નજરથી જોઈ નદી સહિત નિરાળી શૈલીમાં નિરૂપે છે. બાળસહજ કુતૂહલથી પ્રેરાઈ કલાયાત્રી નટુભાઈ જળરંગમાં અને તૈલ રંગોમાં પોતે છલકાઈને ઉભરાય છે. સ્થળની વિશાળતા, રંગમિશ્રણ સૌંદર્ય કુદરત સાથે એક રેખા બનીને પર્વત શિખર ઉપર ચાંદની કે સૂર્યકિરણ બની સમય સાચવી પ્રભુકૃપા તરીકે રેળાય છે.
નરી વાસ્તવિકતાથી દૂર જઈ અનેક વાર તેમણે પર્વતોને ભૂરા, પીળા કે લીંબુરંગનાં કલ્પ્યાં છે, જોડે જોડે આકાશ પણ રંગપલટો કરી નાખે ! પર્વતીય પ્રદેશ અત્યંત શોભાયમાન બને અને ચિત્રો અમૂર્ત બની જાય. તેનાં કદ અને રંગ ગતિ કરી જાય ત્યારે પર્વતની કિનારીએ ગુલાબી, લાલ, પીળી, ભૂરી ઝાલર-ઝૂલ લાગી જાય. આવા પ્રયોગોથી આ સર્જનાત્મક સાચુકલા કલાકાર કૃતિને વાઈબ્રન્ટ બનાવે - એ માઉન્ટેઈન સ્કેપ બની જાય.
હિમાલયમાં કાંચનજંઘા શિખરે પરોઢિયે સૂર્યોદય જુએ ત્યારે તેમાં તેમને પ્રભુદર્શન થાય અને એ દ્રશ્ય કેનવાસ પર ઉતરે ત્યારે પૂજા ઘરમાં મૂકવા લાયક બની જાય. રશિયન ચિત્રકાર રોરિકની પ્રેરણાથી તેમણે પહાડોમાં રંગ પૂરણી કરી કલ્પનાના વિશ્વના પહાડને ચરિતાર્થ કર્યાં. તારંગા પર્વતની ઉપરથી અને નીચેથી - બન્ને તરફથી એની શોભાને એમણે જળરંગમાં કાગળ ઉપર કંડારી. આબુ, ઉપરકોટ, પાવાગઢથી સુંદર, શક્તિશાળી અને ઉર્ધ્વ મનઃસ્થિતિનો અનુભવ તૈલ રંગોથી કેનવાસ પર ઉતાર્યો. કુદરતમાં માનવ અને માનવમાં કુદરતને નોંધનારી નટુભાઈની દ્રષ્ટિને સલામી.
લસરકો
નિસર્ગના પ્રકાશ આયોજન, રંગછટાના કસબરૂપી પેંગડામાં પગ ભરાવવાનું ગજુ માણસનું ક્યાંથી ?
- કલાયાત્રી નટુ પરીખ.