- જિતેન્દ્ર પટેલ
- 'મારે તમને એટલું જ કહેવું છે કે એની પાસે ખોટી આશા રાખો મા અને ખોટા ખર્ચા પણ કરો મા.'
- 'એ તો એ મહેનત કેવી કરે છે એના ઉપર આધાર રાખે. અમે તો બધા છોકરાને સરખું જ ભણાવીએ છીએ. તમારા છોકરાનો પાયો જ કાચો છે.'
સા ડા નવ થવા આવ્યા તોયે વાલજી ઘેર ન આવ્યો એટલે ચંપાનું મન ચકરાવે ચડયું. ફેકટરીમાં મોબાઇલ સાથે લઇ જવાની બંધી હતી. નહિતર... જો કે વાલજીએ કહી જ રાખ્યું હતું કે હમણાં ઓવર ટાઈમ ચાલે છે એટલે રાત્રે ઘેર પાછા ફરવાનું કોઈ ઠેકાણું નહિ. તોયે ચંપાના મનમાં વારંવાર એ વિચાર આવી જતો હતો કે સોહનના ચોપડા ખરીદવા માટે તો એના બાપુ ખોટી નહિ થયા હોય ને?
ગઇકાલે ફેકટરીએથી પાછા ફરતી વખતે વાલજી ચાલીના નાકે આવેલી આદર્શ સ્ટેશનરીમાંથી સોહન માટે અપેક્ષિતનો સેટ લઇ આવેલો. ચંપાએ એને જોઇને મોં બગાડેલું : હજી શું બાકી રહી જાતું'તું તે આ લઇ આવ્યા?'
'અપેક્ષિત.'
વધુ કાંઈ બોલ્યા વગર વાલજી સોહનની રૂમમાં પહોંચી ગયેલો. સોહન તરફથી પણ આ જ પ્રશ્ન થયેલો.
'આ શું લાવ્યા, બાપુ?'
'અપેક્ષિત.' કહેતાં વાલજીએ પુત્ર સમક્ષ અપેક્ષિતનો સેટ મૂકી દીધો હતો.
'આ બધું તો ગાઇડમાં આવી જ જાય છે. ખોટો ખર્ચ ન કર્યો હોત તો?' આ શબ્દો સાંભળીને ચંપા ત્યાં દોડી આવેલી.
'તને ભણાવવા સારુ તારા બાપુ મકાનનું છાપરું વેચવાનુંયે બાકી નહિ રાખે.'
આ શબ્દો વાલજીને દઝાડી ગયા. પરંતુ એની નજર સોહન પર મંડાયેલી હતી : 'મોહનમાસ્તર કહેતા હતા કે અપેક્ષિતમાંથી બધું મોઢે કરી નાખીએ તો એંશી ટકા આરામથી આવી જાય.'
સોહન નિરુત્તર રહ્યો. એણે અપેક્ષિતનો સેટ બાજુમાં મૂકી દીધો.
વાલજીએ હવે ચંપા સામે જોયું : 'બોલ શું છે, તારે?'
'ઘરમાં ગોળ નથી, ઘી ખૂટયું છે, તેલ એક અઠવાડિયું ચાલે એટલું જ છે.'
'મને ખબર હતી કે તું આમ રોદણાં રડવા માંડવાની. છોકરાના ભણતરની તને સહેજે પડી નથી.'
ચંપા સામે કાંઈ બોલી નહિ એટલે વાત વણસતા રહી ગયેલી. પરંતુ ચંપાનો જીવ ક્યાંય સુધી બળતો રહેલો...
બહાર ખખડાટ થયો ને ચંપા ખાટલામાં બેઠી થઈ ગઈ. વાલજી બુટને કાઢીને એને ધીમેકથી પછાડતો. પરંતુ ચંપા આજ બારણું ખોલવા ન ઊઠી. વાલજી બારણાને જોરથી ધક્કો દેતો અંદર પ્રવેશ્યો.
'ઊંઘી ગઈ હતી?'
'ચંપાએ નકારમાં માથું ધુણાવ્યું.'
'તબિયત તો બરાબર છે ને?'
પછી વાલજી સોહનની રૂમમાં જતો રહ્યો. સોહન મોબાઈલમાં તલ્લીન હતો.
'કેવું ચાલે છે, વાંચવાનું?'
'હેં! મોહન ચોંક્યો : 'સારું''
'આખો દિવસ તમને મોબાઈલમાં જ ભણાવે છે?'
'એ તો મારા ભાઈબંધને દાખલાનો જવાબ વોટ્સઅપ કરતો હતો.'
'અપેક્ષિત વાંચે છે ને?'
'મોહન ચૂપ રહ્યો.
'નથી વાંચતો અપેક્ષિત?' વાલજીએ ગુસ્સાથી પૂછ્યું.'
હવે જવાબ આપ્યા વગર છૂટકો નહોતો એટલે સોહને ગભરાતાં કહ્યું : 'એ તો બા પાછી આપી આવી'
'પાછી આપી આવી! વાલજી વિફર્યો. બારણું પછાડતો એ ચંપા પાસે આવ્યો : 'અપેક્ષિત તું પાછી આપી આવી છો?''
ચંપા થથરી. વાલજી આટલી હદે રોષે ભરાશે એવું એણે નહોતું ધાર્યું. એણે થોથવાતાં કહ્યું : 'સોહન કહેતો હતો કે એ બધું ગાઈડમાં આવી જાય છે, પછી...'
'તું એકડોય ભણી છો તેં એનું કીધું માની લીધું?'
'મેં તો એને પૂછીને પાછી
આપી છે.'
વાલીજી પાછો સોહન પાસે આવ્યો.
'તેં અપેક્ષિત પાછી આપવા દીધી જ કેમ?'
'પણ એ બધું હું કેવી રીતે વાંચી રહીશ?' સોહન રડવા જેવો થઇ ગયો.
'વાંચીશ નહિ તો કેવી રીતે ટકા આવશે?' વાલજીનો ગુસ્સો હવે ચિંતામાં પલટાઇ ગયો. મારી જેમ તારેય મજૂરી જ કરવી છે?'
વાલજી રસોડામાં આવ્યો. ચંપાએ થાળી પીરસી રાખી હતી. વાલજીએ એને હડસેલો માર્યો : 'નથી જમવું મારે.'
રોષનો માર્યો વાલજી ખાટલા ભેગો થઇ ગયો. ચંપાએ એનાં મનામણાં કર્યાં નહિ. તે પણ રાતનું છેલ્લું કામ આટોપીને સૂઈ ગઈ.
વાલજી એક જ રઢ પકડીને બેઠો હતો : 'હું મજૂરી કરું છું. પણ મારા છોકરાને મજૂરી કરવા નથી દેવી.'
એમાંય સોહન દસમા ધોરણમાં આવ્યો ત્યારથી વાલજી ઘાંઘો બની ગયો હતો.
વાલજી એક ફેકટરીમાં મજૂરી કરતો હતો. અઢીસો રૂપિયાનું દનિયું પડતું હતું. ચાલીમાં એક રૂમ રસોડાવાળું ઝૂંપડા જેવું મકાન હતું. સોહનની ઉંમરના ચાલીના બધા છોકરા મજૂરી કરવા માંડયા હતા, પરંતુ વાલજી તેને 'મોટો સાહેબ' બનાવવા માગતો હતો.
ચંપા કહ્યા કરતી! 'બહુ ઊંચા સપનાં જુઓ મા, ગગો તમારો ક્યારેય હાથમાં ચોપડી પકડતો છે નહિ. અત્યાર સુધીમાં એને ક્યારેય સારા ટકા આવ્યા છે?'
વાલજી સ્કૂલનું બહાનું કાઢતો: 'સરકારી નિશાળમાં કાંઈ ભણાવતા છે જ નહિ, પછી છોકરાવને શું આવડવાનું હતું?'
સોહન દસમા ધોરણમાં આવ્યો કે વાલજીએ એની સ્કૂલ બદલાવી નાખી હતી. વાર્ષિક સોળ હજાર રૂપિયા ફી ભરી હતી. ચંપાએ ત્યારે ઘણો કકળાટ કર્યો હતો : 'આટલા રૂપિયામાં તો વરસનું અનાજ કરિયાણું આવી જાત.'
ચાલીના લોકોએ કટાક્ષ કર્યો હતો : 'તમારે છોકરાને દાક્તર બનાવવો છે કે શું?'
સ્કૂલના પ્રિન્સિપાલને પણ થોડું આશ્ચર્ય થયેલું. તેમણે દિલગીર થતા કહેલું : 'તમારા જેવા ગરીબ માણસો પાસેથી ફી લેતા અમને સંકોચ થાય છે. પણ સ્કૂલનો નિયમ...' પછી તેમણે એય ધ્યાન દોરેલું : 'તમારા છોકરાનું નવમા ધોરણનું રિઝલ્ટ બહુ સારું નથી.'
'એ તો નિશાળ જ એવી હતી.' વાલજી ઉતાવળે બોલી ઊઠેલો : 'એટલે તો આ નિશાળમાં દાખલ કર્યો છે.'
નવી સ્કૂલનો અભ્યાસ સોહનને આકરો લાગ્યો. પહેલા દિવસથી જ એણે ગણગણાટ કરવા માંડયો : 'બાપુ, અહીં તો લેશન વધારે આપે છે.'
સોહનને વાંચવામાં ડિસ્ટર્બ ન થાય એ માટે વાલજીએ તેને આખી રૂમ ફાળવી દીધી હતી. તેઓ પતિ-પત્ની રસોડામાં સૂતાં હતાં. સોહનને અમુક લેકચર ઓનલાઈન ભરવાના હોવાથી વાલજીએ તેને સ્માર્ટ ફોન પણ લાવી આપ્યો હતો. સરકારી સ્કૂલમાં પાઠયપુસ્તકો મફતમાં મળતાં, અહીં તો એનાય ખર્ચવા પડયા. ગાઇડ, સ્વાધ્યાયપોથી, નકશાપૂર્તિ...યાદી લાંબી થઇ ગઇ હતી.
વાલજી પડખું ફર્યો. ઊંઘ ક્યાં આવી હતી? નાઇટ લેમ્પના આછા પ્રકાશમાંયે અભેરાઈ પરની ખાલી બરણીઓ દેખાયા વગર રહી શક્તી નહોતી.
ચંપાનો બળાપો ચાલુ જ હતો : 'આ ખૂટયું છે ને તે ખૂટયું છે ને તે ખૂટયું છે. મરીશું તો મોંમાં મૂકવા પાવલીયે નથી. ગગો આપણો ભણીને કાંઈ ઉકાળશે એ પહેલાં તો આપણે ઊકલી જઈશું.'
આસપાસમાંથી ચંપાને સાથ દેનારાયે અનેક મળી આવતા.
'અમારે બબલુ રોજના દોઢસો રૂપિયા પાડવા માંડયો છે.'
'અમારેય સુંદરની કમાણી ઉપર જ ઘર ચાલે છે. એના બાપુ તો મન થાય તો કામ પર જાય.'
'આમેય ભણીને ક્યાં નોકરી મળે છે?'
આ બધી વાતોનો વાલજી તરફથી એક જ જવાબ મળતો : 'મારે મારા છોકરાને મજૂરી કરવા નથી દેવી.'
સોહને નવી સ્કૂલમાં એડમિશન લીધું ત્યારથી વાલજીએ ફેકટરીમાં ઓવર ટાઈમ ચાલુ કરી દીધો હતો. રવિવારે પણ રોકડી કરતો. ચંપા કહ્યા કરતી : 'ક્યારેક તો પોરો ખાવ. માંદા પડશો તો બધો ઓવરટેમ દવાખાનામાં જતો રહેશે.'
ચંપા અત્યારે જાગી રહી હતી. એનો જીવ બળી રહ્યો હતો. વાલજી તરફ પડખું ફરીને એણે કહ્યું : 'તમારો ખાર ઊતરી ગયો હોય તો જમી લ્યો.'
વાલજીએ કાંઈ જવાબ આપ્યો નહિ. ઊંઘી ગયો હોય એવો ડોળ કરતો રહ્યો.
વાલજીને વાતવાતમાં ગુસ્સો આવી જતો. એટલે ચંપા કાંઈ ખૂટયું હોય તોયે માગતા ગભરાતી. હવે તો વાલજીને બહાનું મળી ગયું હતું : 'અવાજ કર મા. છોકરાને વાંચવા દે.'
'ભારે વાંચી રહ્યો છે ગગો આપણો. કો'ક દિ' ઘરે રહીને જોવો તો ખરા? મોટી મોટી આશા રાખીને બેઠા છો તે...' આ શબ્દો ચંપાના ગળા સુધી આવી જતા, પણ બોલી શકતી નહિ.
એક દિવસ વાલજીને સ્કૂલે બોલાવવામાં આવ્યો. વાલજીને એમ કે સોહનનાં વખાણ કરવાના હશે એટલે તે ઓવરટાઈમના બે કલાક બગાડીને હોંશભર્યો ત્યાં ગયો. પરંતુ ત્યાં તો જુદું જ સાંભળવા મળ્યું : 'તમારા છોકરાનું તમે ધ્યાન નથી રાખતા?'
'કેમ?' વાલજીનો ઉત્સાહ ઓસરી ગયો : 'હું તો આખો દિ કારખાને હોઉં છું.'
'તમારા છોકરાને ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે છે.'
'તે હેં સાહેબ, એને પાકી પરીક્ષામાં એંશી ટકા નહિ આવી જાય?'
'એ તો એ મહેનત કેવી કરે છે એના ઉપર આધાર રાખે. અમે તો બધા છોકરાને સરખું જ ભણાવીએ છીએ. તમારા છોકરાનો પાયો જ કાચો છે.'
'ઘેર આવીને વાલજી સોહન પર ત્રાટક્યો : 'વાંચતો કેમ નથી? સ્કૂલેથી તારી ફરિયાદ આવી છે.'
'વાંચું તો છું, પણ કાંઈ યાદ રહેતું નથી.'
'યાદ કેમ ના રહે? ટકા તો લાવવા પડશે. હવે કોઈ ચોપડી લાવવાની છે?'
'ના.'
એક દિવસ તો ચંપાએય વાલજીને કહી દીધું: 'સોહન તો આખો દિવસ મોબાઈલમાં જ લાગેલો હોય છે ને તમે હવામાં
ઊડો છો!'
'તું એને કાંઈ કહેતી કેમ નથી?'
'કહું છું તો એવો જવાબ આપે છે કે અંદર મારું ભણવાનું આવે છે.'
વાલજી સવારનો આઠ વાગ્યાનો નીકળી જતો એ રાત્રે નવ વાગ્યે પાછો ફરતો. જમીને ગલ્લે મસાલો ખાવા જતો ત્યાં દસ વાગી જતા. તરત પથારીમાં આડો પડી જતો. ઘણીવાર ચંપા સાથે વાત કરતાં કરતાં નીંદર આવી જતી. એક ઊંઘે સવાર પડી જતી. પરંતુ આ જ તો... જેણે પરીક્ષા આપવાની હતી એ તો ક્યારનો સૂઈ ગયો હતો. વાલજી અને ચંપા બન્ને ઊંઘી ગયાંનો ડોળ કરતાં જાગી રહ્યાં હતાં.
ચંપાથી હવે ના રહેવાયું. એણે વાલજીને ઢંઢોળ્યો :'એ અપેક્ષિત કાલે હું પાછી લઈ આવીશ, પણ તમે હવે જમી લ્યો.'
'મને ભૂખ નથી.'
'તો સૂઈ જાવ.'
'સૂતો તો છું.'
ચંપા આગળ કાંઈ ન બોલી. એ હવે થોડી હળવી થઇ ગઇ હતી, પરંતુ વાલજીના મનને શાંતિ નહોતી. એણે ચંપાને કહ્યું : 'અપેક્ષિતના તો કેટલા ૫૬૦ રૂપિયા પાછા આવ્યા ને?'
'હા!' ચંપાએ નિસાસો નાખીને કહ્યું : 'અરર! તમે ઊંઘશોયે નહિ ને ઊંઘવાયે નહિ દ્યો.'
'એટલા રૂપિયા તો ત્રણ દિવસના ઓવર ટેમમાંથી ઊભા થઈ જાય...'
'અત્યારે હું ગાંધી પાસે દુકાન ખોલાવડાવીને અપેક્ષિત પાછી લઇ આવું!' ચંપા ઉશ્કેરાઇ ગઈ : 'મને આડો એરુ ન ઊતર્યો તે...'
ત્યાર પછી કોઈ કાંઈ બોલ્યું નહિ. પરંતુ બેમાંથી એકેય સૂઈ શક્યાં નહિ. ચંપા વિચારતી રહી... સોહનના બાપુ અપેક્ષિતના વસવસામાંથી બહાર નીકળી શકવાના જ નથી. સોહને ના પાડી છે, પણ હવે તો એમને કહેવું જ પડશે. નહિતર... વાલજી તરફ પડખું ફરીને એણે કહ્યું: 'તમે ખારા ન થાવ તો એક વાત કરવી છે.'
'શી? અપેક્ષિત પાછી લઇ આવવાની ને?'
'મૂઈ અપેક્ષિત. સવારે ઊઠીને પહેલું કામ હું એ કરીશ.' ચંપાનો અવાજ મોટો થઇ ગયો.
'તો તેલ-ગોળ ખૂટયાં છે એ કહેવું છે?'
'એના વિનાયે ચલાવી લઈશ.'
'તો પછી?'
ચંપાએ સોહનની રૂમ તરફ જોયું.પછી વાલજીને કાનમાં કહેતી હોય એમ ધીમેકથી કહ્યું: 'સોહન પરીક્ષા આપવાની ના પાડતો હતો.'
'હેં!' વાલજી સડક થઇ ગયો : 'તેં મને અત્યારે છેક કેમ કીધું?'
'હું મારી રીતે રોજ એને સમજાવું છું. પણ એનો એક જ જવાબ છે કે કાંઈ યાદ જ રહેતું નથી. તમને કહું તો તમે એના ઉપર ખિજાવ.' સહેજ વાર અટકીને ચંપાએ કહ્યું : 'મારે તમને એટલું જ કહેવું છે કે એની પાસે ખોટી આશા રાખો મા અને ખોટા ખર્ચા પણ કરો મા.'
'પરીક્ષા તો એણે આપવી પડશે. ટકાએ લાવવા પડશે. તું કાલ સવારે અપેક્ષિત પાછી લઇ જ આવજે.'
ચંપાએ હવે વાત અટકાવી દીધી. રોષની મારી તે પડખું ફરી ગઈ. થોડી વારમાં તેને ઊંઘ આવી પણ ગઈ.
પાંચેકના સુમારે વાલજીએ તેને ઢંઢોળી.
'પરસેવો વળે છે. જરા પંખો વધાર ને!'
'હેં!' ચંપા સફાળી જાગી ગઈ. એણે પંખો વધાર્યો અને લેમ્પ પણ ચાલુ કર્યો. જોયું તો વાલજી હાંફી રહ્યો હતો.
'શું થાય છે, તમને?' ચંપા આકળવિકળ થઇ ગઈ.
'છાતીમાં દુ:ખે છે. બાજુમાંથી રવજીને બોલાવ ને!'
ચંપા દોડાદોડ રવજીને બોલાવી લાવી. રવજીની સમજમાં આવતા બહુ વાર ન લાગી. એણે એ જ મિનિટે ૧૦૮ને ફોન કર્યો. ગણતરીની મિનિટમાં ૧૦૮ આવી ગઈ. એની સીટીના અવાજમાં ચાલીના બધા લોકો જાગી ગયા.
બે જણાએ વાલજીને ઊંચકીને ૧૦૮માં સુવડાવ્યો. ચંપાએ સાથે આવવાની બહુ જીદ્દ કરી. પણ રવજીએ એને ન આવવા દીધી.
૧૦૮ રવાના થઇ કે ચંપા ઉપર પ્રશ્નોનો મ્હે વરસ્યો : 'શું થયું છે? કેમ દવાખાને લઇ જવા પડયા?'
'મૂઈ એ અપેક્ષિતની મોંકાણ...' ચંપા રડી પડી.
'શું અપેક્ષિત?' કોઇની સમજમાં કાંઈ આવ્યું નહિ. બધા એકબીજા સામે જોઈ રહ્યાં.
બધાથી છેટે ઊભેલાં એક ડોસી બબડી રહ્યાં હતાં : 'મેં તો વાલજીને પે'લેથી કીધું 'તું કે ખોટી આશા રાખ મા, પણ...'


