જીવનમાં હિંમતવાન બનવા માટે કઈ છ બાબતો યાદ રાખવી જોઈએ ?
એક જ દે ચિનગારી - શશિન્
આજનો માણસ જબાન ઘસવામાં શૂરો છે, પણ જબાન જાળવવામાં સાવ બોદો છે પોતે 'સિંહ' બનવાનું જોખમ ખેડવા તૈયાર નથી એટલે ગીરમાં દૂરથી સિંહ જોવા જાય છે
એક ઊંચા મકાનમાં આગ લાગી હતી. લોકોની ભીડ જામી હતી. સહુ ફાયર બ્રિગેડના માણસો આવવાની પ્રતીક્ષા કરતા હતા. મકાનમાંથી બચવા માટે ઝઝૂમતા માણસોનું કરુણ આક્રંદ સહુના કાને પડતું હતું. સહુના હૃદયમાં કરુણા હતી પણ તેઓ ફરિયાદ કરતા હતા. ફાયરબ્રિગેડનું તંત્ર ઢીલું છે. આ લોકોને બચાવવા કેવી રીતે ?
એટલામાં એક યુવક આવ્યો. તેણે આગમાં પ્રવેશવાની કોશિશ કરી. લોકો તેને જોખમ ન ખેડવા સમજાવવા લાગ્યા. પણ પેલો યુવક રોકાયો નહીં. એણે આગમાં ઝંપલાવ્યું અને અંદરથી એક વૃદ્ધ બાઈ તથા બાળકને બચાવીને બહાર લઈ આવ્યો. લોકોએ શાબાશી આપતાં કહ્યું : ''દેશને તમારા જેવા બહાદુર યુવાનોની જરૂર છે. પેલા યુવાને કહ્યું : ચૂપ, ખબરદાર, મારી પ્રશંસા કરશો નહીં. તમારા જેવા કાયર માણસોની પ્રશંસા મને ગમતી નથી. શું આગને ઠારવાની જવાબદારી એકલા ફાયરબ્રિગેડના માણસોની છે ? તેઓ સાહસ કરે છે, ત્યારે તમારા જેવા ભીરૂ લોકો તમાશો જુએ છે. એમની મદદે દોડી જવાની પણ તૈયારી હોતી નથી ! દેશમાં વસ્તી વધી રહી છે પણ હિંમતવાન લોકોની સંખ્યા સાવ ઘટી રહી છે. અવિચારી ટોળું કોઈ નિર્દોષનો ખાત્મો બોલાવે, ત્યારે ટોળામાંથી પાંચ માણસો પણ એવા નથી નીકળતા, જે ભીડનો સામનો કરી કોઈ નિર્દોષને કમોતે મરતા બચાવે !
આજના માણસમાં હિંમત, સાહસ અને સંવેદનશીલતાની આગ હોલવાઈ ગઈ છે એટલે શ્વાસ લેતાં પૂતળાંની સંખ્યા વધી રહી છે પણ સાચી નિર્ભયતાને વરેલા લોકો ગણ્યા-ગાંઠયા રહ્યા છે.'' આજકાલ લોકોમાં નિંદા, ટીકા કે વ્યર્થ આલોચના કરવાની વૃત્તિ બહેકતી જાય છે પણ સત્યના પક્ષે ઉભા રહેવાની તાકાત ઘટતી જાય છે. હિંમત મૂલ્ય ચૂકવવાની તૈયારી માગે છે. આજનો માણસ જબાન ઘસવામાં શૂરો છે, પણ જબાન જાળવવામાં સાવ બોદો છે. પોતે 'સિંહ' બનવાનું જોખમ ખેડવા તૈયાર નથી એટલે છે. ગીરમાં દૂરથી સિંહ જોવા જાય છે. લોંગ્ફેલોએ સાચું જ કહ્યું હતું કે પેરિસના અત્તરથી તરબોળ બનેલા નાગરિકની પેઠે પીઠ દેખાડી નાસી જવા કરતાં હેક્ટરની પેઠે રણક્ષેત્રમાં મરણ પામવું બહેતર છે. આજના માણસમાં સહિષ્ણુતા અને હિંમત બન્ને ઘટી રહ્યાં છે. લોકો ટીકા કરી વિરુદ્ધ પડશે એવા ભયથી સત્ય જાણવા-સમજવા છતાં 'ના બોલ્યામાં નવગુણ'નો 'સલામત' માર્ગ અપનાવે છે. યુવાનો પણ નવો ચીલો પાડવા કરતાં પડેલા ચીલાનું અનુકરણ કરવાનું જ પસંદ કરે છે. પરિણામે નવા વિવેકાનંદ પાકતા નથી ! બિચારું સત્ય અત્ર-તત્ર-સર્વત્ર એકલું પડી ગયું છે ! માણસો સત્યના રખેવાળ બનવાને બદલે સત્યને જ ચૂપ રહેવાની સલાહ આપવામાં પોતાનું શાણપણ માને છે.
સેંટ બ્યુવેના શબ્દો દરેક માણસે યાદ રાખવા જેવા છે : ''તમે ગમે તેવા મહાપુરુષ હશો, ગમે તેવા બુદ્ધિમાન હશો, ગમે તેવા કલાવિધાયક, માનવંત અથવા મળતાવડા સ્વભાવના હશો, પરંતુ જે ગુણોને લીધે તમારી પ્રશંસા થવી જોઈએ તે સર્વને માટે કેટલાક લોકો તરફથી અવશ્ય નિંદા જ કરવામાં આવશે. તમે ભલે ને વર્જિલ કે વાલ્મીકિ જેવા ઘર્મિકા બુદ્ધિમાન, ઉત્તમોત્તમ કવિ હો, તો પણ કેટલાક તમને એક ક્ષુક કવિ કહેશે, તમે કદાચ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાન જેવા હશો તો પણ લોકો ખુદ તમારી શુદ્ધ અને સુંદર રસિકતાને માટે તમારી નિંદા કરશે. તમે કદાચ કાલિદાસ કે શેક્સપિયર સમાન હશો તો પણ કેટલાક તમને એક છાકટો જંગલી માણસ કહેશે. તમે ગેટે સમાન હશો તો પણ અનેક માણસો તમને સ્વાર્થી અને દેહાભિમાની કહેશે.'' 'સફળ જીવનના 201 જ્ઞાનસૂત્રા'માં સુનીલ ત્યાગીએ સાચો દેશભક્ત કેવો નિબંધ અને હિંમતવાન હોઈ શકે તેનો પ્રસંગ ટાંક્યો છે. એક પુસ્તક વિક્રેતા પોતાની નાનકડી દુકાન ચલાવે છે. દુકાનના માલિકનું નામ છે પીરઅલી.
આઝાદી અગાઉ પટણામાં એક અંગ્રેજ કમિશ્નર ફરજ પર હતો. તેનું નામ હતું મિ. ટેલ. તે બહુ જ બહાદુર ગણાતો.
સમી સાંજનો સમય. અંગ્રેજ કમિશ્નર પટનાની સડક પર ફરવા નીકળ્યો છે. સામે એક દુકાન પર તેની નજર પડે છે. દુકાન બહાર 'કિતાબ ઘર'નું બોર્ડ જોઈ મિ. ટેલ દુકાનમાં પ્રવેશ કર્યો. દુકાનમાં એક દાઢીવાળો માણસ હતો. મિ. ટેલે તેનું નામ પૂછ્યું, એણે કહ્યું : ''મારું નામ પીરઅલી છે.''
અંગ્રેજ કમિશ્નરે કિતાબઘરનાં પુસ્તકોની તપાસ કરી તો પીરઅલીની દુકાનમાં અંગ્રેજ સરકાર વિરુદ્ધનાં લખાણો માટે પ્રતિબંધિત પુસ્તકો જોવા અને ક્રાન્તિ સમર્થક અખબાર ''હરકારા'' જોવા મળ્યું : અંગ્રેજ કમિશ્નર ટેલ ઉશ્કેરાઈ ગયો. એણે નારાજ થઈને કહ્યું : ''પીરઅલી, દેશદ્રોહી જેવું આ કામ કરવાથી તમને ફાંસી થઈ શકે છે, શું તમને ખબર નથી ?''
પીરઅલીએ નમ્રતાપૂર્વક કહ્યું : ''આપ જે કહો તે, પણ હું મજબૂર છું. દેશની આઝાદી માટે લોકોને જાગૃત કરવાનો મારો ધર્મ છે. આ ધર્મ માટે મને ફાંસી પર ચઢાવાય તો હું મારી જાતને ધન્ય માનીશ.''
મિ. ટેલે પીરઅલીની ધરપકડ કરાવી અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો. જજે અંતે પીરઅલીને ફાંસીનો હૂકમ આપ્યો. આ હતો એક સાચા નાગરિકનો રાષ્ટ્રધર્મ. પીરઅલીમાં સાચું બોલવાની અને વર્તવાની હિંમત ન હોત તો તે પોતાની જાતને બચાવવા ભૂગર્ભમાં ચાલ્યો જાત ! પણ એક હિંમતવાનને છાજે તેવું કાર્ય કરી પીરઅલીએ દેશ ખાતર પોતાનું બલિદાન આપવાનું પસંદ કર્યું. વદામાં પણ નિર્ભયતાનો પ્રેરક સંદેશો આપવામાં આવ્યો છે. અથર્વવેદમાં કહ્યું છે : ''જેમ ભૂતકાળ અને ભવિષ્યકાળ ન તો ભયભીત થાય છે કે ન તો નષ્ટ થાય છે, તેવી રીતે હે મારા પ્રાણ ! તું ભયભીત ન થઈશ.'' નિર્ભયતાની વાત આગળ વધારતાં અથર્વવેદ કહે છે : ''હું મિત્રથી અભય રહું, શત્રુથી અભય રહું, હું જ્ઞાતથી અભય રહું અજ્ઞાતથી અભય રહું. મારી રાત્રિઓ ભયમુક્ત રહે, મારા દિવસો ભયમુક્ત રહે. બધી જ દિશાઓ મારી મિત્ર બને.''
કવિ દિનકર કહે છે :
''છોડો મત અપની આન,
સીસ કટ જાયે,
મત ઝુકો અનય (અન્વાય) પર,
વ્યોમ ફૂટ જાયે.''
જીવનમાં હિંમતવાન બનવા કઈ છ બાબતો યાદ રાખવી જોઈએ ?
1 આત્મવિશ્વાસ અડગ રાખવો.
2 શ્રધ્ધા ગુમાવવી નહીં. ટીકા કે નિંદાથી ગભરાશો નહીં.
3 ભય આગળ ઝુકશો નહીં. ભયને પડકારો. જરૂરી સાહસ કરતાં ડરશો નહીં.
4 તમને તમારી ચિંતા છે એના કરતાં ભગવાનને તમારી વધારે ચિંતા છે. કશું અમંગળ થવાનું નથી. ભગવાન પર ભરોસો રાખો.
5 ભયના ગુલામ બનશો તો ભય તમને કચડી નાખશે.
6 હિંમત એ જ વિજય અને બીકણપણું એ જ પરાજય.