Get The App

ભવ્ય પ્રાચીનતાની અર્વાચીનતા

Updated: May 23rd, 2020

GS TEAM

Google News
Google News
ભવ્ય પ્રાચીનતાની અર્વાચીનતા 1 - image


આજકાલ - પ્રીતિ શાહ

ઐશ્વર્યાનો હેતુ વ્યવસાયની સાથે કારીગરોને રોજગાર આપવાનો છે. તે ઉપરાંત કેટલાક કુશળ કારીગરોને પ્રોત્સાહન આપીને આ કલા જીવંત રાખવા માગે છે

ભારત પર વર્ષો સુધી મુઘલ અને બ્રિટીશ સામ્રાજ્યે રાજ કર્યું અને તેઓ જ્યારે ભારત છોડીને ગયા ત્યારે પાછળ મોટી ઈમારતો, કિલ્લાઓ, રાચરચીલું, કલાકૃતિઓને સ્મારકરૂપે મુકતા ગયા. વિશ્વની ઘણી કળાઓ પણ ભારતને વારસામાં મળી છે. પહેલાનાં જમાનામાં વપરાતું ફર્નિચર, કળાત્મક અરીસાઓ, પલંગ, આરામખુરશી, સોફા, સોનેરી છત અને ભીંત પર થયેલું મિરર વર્ક - આ અને આવું કેટલુંય આપણે ઐતિહાસિક સ્થળોએ તેમજ ઐતિહાસિક ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં પણ તેની ભવ્યતા જોઈએ છીએ. ત્યારે ઘણી વખત વિચાર આવે કે ઘરમાં આવું ફર્નિચર હોય તો કેવું ? આવા નવા વિચાર સાથે ઐશ્વર્યા રેડ્ડીએ ફર્નિચરના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. અત્યારના સમયને અનુરૂપ અને ફર્નિચર નિર્માણની પારંપરિક ભારતીય કલાનો સુભગ સમન્વય એના ફર્નિચરમાં જોવા મળશે.

બેંગાલુરુની દિલ્હી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરીને ઐશ્વર્યાએ બેંગ્લોર ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં ઈન્ડસ્ટ્રીયલ ડિઝાઈન એન્જિનિયરીંગ એન્ડ મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે સાનફ્રાંસિસકોમાં ઈન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં માસ્ટરની ડિગ્રી હાંસલ કરી. છ મહિના ન્યૂયોર્કમાં ઈન્ટર્નશિપ પણ કરી, પરંતુ તે કંઈક નવું કરવા માગતી હતી તેથી તેણે બેંગાલુરુ આવીને પોતાનું ડિઝાઈનર હાઉસ શરૂ કર્યું. ઐશ્વર્યાએ જોયું કે આજે ચારે બાજુ પશ્ચિમી ડિઝાઈનના ફર્નિચરની બોલબાલા છે. મોટા પાયા પર એકસરખા ફર્નિચરનું ઉત્પાદન થાય છે. ફર્નિચર નિર્માણમાં પારંપરિક ભારતીય કળાકારીગરી ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને એના કુશળ કારીગરો અન્ય ક્ષેત્રોમાં ગોઠવાતા જાય છે. તેને લાગ્યું કે ભારતના આ સમૃદ્ધ વારસાને આગળ લઈ જવો જોઈએ. એણે મેઈક ઈન ઈન્ડિયાથી પ્રોત્સાહિત થઈને ભારતીય ઈન્ટીરીયર ડિઝાઈનીંગ ઉદ્યોગમાં નવો ચીલો પાડયો. તે કશુંક રચનાત્મક અને કલાત્મક કરવા માગતી હતી તેથી એના ડિઝાઈન હાઉસમાં તૈયાર થનારા ફર્નિચરમાં ભારતીય સ્થાપત્યની કેટલીક વિશિષ્ટતાઓને સામેલ કરી. પોતાની એક કરોડ રૂપિયાની બચત અને એક કરોડની લોન લઈને 2019માં બેંગાલુરુમાં 'ખેંશુ' નામનો સ્ટોર શરૂ કર્યો.

ઈજિપ્શીયન પૌરાણિક કથા પ્રમાણે ખેંશુ એ ભગવાનનું નામ છે, જે ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને ચંદ્ર ચાંદી તથા અમરત્વનું ! ઈજિપ્તમાં ચોથી સદીમાં ચાંદી મઢેલું ફર્નિચર જોવા મળતું અને પછી એની ટેકનીક સમગ્ર વિશ્વમાં પ્રસરી હતી. આ ફર્નિચર જિંદગીભર ચાલશે એમ કહીને તેની સાથે અમરત્વના ખ્યાલને જોડતા. ઐશ્વર્યાએ એનું પ્રથમ ફર્નિચર આ પ્રકારનું બનાવ્યું. જેમાં ચાંદીનો ઢોળ ચડાવેલ હોય અથવા તો જરૂર પડે ત્યાં ચાંદીનું કેન્વાસ જેવું પાતળું પડ બનાવીને ટીકવુડ પર લગાડીને પછી તેના પર કલાત્મક ડિઝાઈન કરાવી. ઐશ્વર્યાનો હેતુ વ્યવસાયની સાથે કારીગરોને રોજગાર આપવાનો છે. તે ઉપરાંત કેટલાક કુશળ કારીગરોને પ્રોત્સાહન આપીને આ કલા જીવંત રાખવા માગે છે.

એના ડિઝાઈન હાઉસમાં પારંપરિક રીતે અને ટેકનોલોજી સાથે કામ કરવામાં આવે છે. એની ટીમમાં પ્રોડક્ટ ડિઝાઈનર, ગ્રાફિક ડિઝાઈનર, ઈન્ટીરીયર ડિઝાઈનર અને માર્કેટિંગ માટેની વ્યક્તિઓ કામ કરે છે. પ્રથમ ડિઝાઈન દોરવામાં આવે છે. એના ગ્રાફિક્સ બનાવીને થ્રી ડી પ્રિન્ટ કાઢવામાં આવે છે. ઘણી વખત માટીથી સ્કલ્પચર પણ બનાવે છે. તેનું ઘણું કામ રાજસ્થાનમાં પરંપરાગત પદ્ધતિએ થાય છે. જોકે લાકડું અને આરસપહાણ કાપવા માટે લેસર મશીનનો ઉપયોગ થાય છે. એના ફર્નિચરની કિંમત પાંચ હજારથી માંડીને વીસ લાખ રૂપિયા સુધીની છે. 24 વર્ષની ઐશ્વર્યા જાણે છે કે એના લકઝરી ફર્નિચરની માંગ કરવાવાળો વર્ગ માત્ર એક ટકા જ છે એમાં મોટા આર્કિટેક્ટ, ઈન્ટીરીયર ડિઝાઈનર, કોર્પોરેટ, લકઝરી વિલા, વેડિંગ પ્લાનર, લકઝરી હોટલ અને કેટલાક ધનાઢ્ય કુટુંબોનો સમાવેશ થાય છે. પરંતુ તેનો વિચાર ભારતના તમામ ક્ષેત્રમાં જુદી જુદી કલાઓ પ્રચલિત છે તેને અને તેની સાથે જોડાયેલા કારીગરોને બચાવવાનો છે. તે ઉપરાંત એ કહે છે કે આપણે ત્યાં એવો ખ્યાલ છે કે યુરોપમાં જ સારું ફર્નિચર મળે. યુરોપ એના ડિઝાઈન હાઉસ અને આર્કિટેક્ચર માટે જાણીતું છે. ત્યાં બોકા દો લોબો અને ફેન્ડી કાસા જેવી બ્રાંડ જાણીતી છે. ભારતમાં પણ ઉત્તમ ફર્નિચર બનાવીને તે આ ખ્યાલને બદલવા માંગે છે.

તે ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે પણ ફર્નિચર બનાવી આપે છે. આની સાથે સાથે તે 'સ્પેસકી' ઉપર પણ કામ કરે છે. આમાં મૂળ જગ્યામાંથી જ તેને વધુ સુંદર, આનંદદાયક અને સ્માર્ટ કેવી રીતે બનાવી શકાય તેની વાત છે. ભવિષ્યમાં હૈદરાબાદમાં સ્ટોર શરૂ કરવા માગે છે. ઓનલાઇન પ્લેટફોર્મ વિકસાવીને તે અમેરિકા અને ભારતના અન્ય શહેરોમાં ખેંશુનું ફર્નિચર પહોંચાડવાની તેની ઈચ્છા છે.

ભવ્ય પ્રાચીનતાની અર્વાચીનતા 2 - image

ખુશાલી એ જ પુરસ્કાર

એક દિવસ એમના મનમાં વિચાર આવ્યો કે એવું કંઈક કરવું જોઈએ કે જેથી ગામને વૈશ્વિક સ્તરે ઓળખ મળે. એમાંથી નક્કી કર્યું કે ચીકુમાં વેલ્યુ એડિશન કરીને ગામના લોકોને એક નવી તક આપવી

મહારાષ્ટ્રના પાલથર જિલ્લામાં આવેલું બોરડી ગામ એના પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. અને ઘણા પ્રવાસીઓ ત્યાં ફરવા પણ આવે છે. પરંતુ તે ઉપરાંત તે જાણીતું છે ચીકુના ઉત્પાદનથી. બોરડીમાં મોટાભાગના લોકો ચીકુના ઉત્પાદન પર નિર્ભર છે. અહીંથી ચીકુની દેશ-વિદેશમાં નિકાસ થાય છે. 2016માં ભારત સરકારે આ વિસ્તારને ચીકુ માટે જી.આઈ. ટેગ આપીને રાષ્ટ્રીય સ્તરે એની ઓળખ કરાવી છે. કોઈ વસ્તુના ઉત્પાદન અને ગુણવત્તાના આધારે જી.આઈ. (જિયોગ્રાફિક્લ ઈન્ડીકેશન) ટેગ આપવામાં આવે છે. આ વિસ્તારના વિકાસ પાછળ મહેશ ચૂરીની મહેનત અને વતનપ્રેમ છે.

આજે 68 વર્ષના મહેશ ચૂરીનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. નાના હતા ત્યારે એમણે વિચાર્યું કે પોતાના પરિવારને આગળ લાવવો હોય કે સુખી થવું હોય તો તેને માટે શિક્ષણ એક માત્ર સાધન છે. તેથી એમણે રાત-દિવસ સખત પુરુષાર્થ કરીને ઈલેક્ટ્રીકલ એંજિનિયરીંગની ડિગ્રી હાંસલ કરી. મુંબઈમાં કેટલોક વખત ખાનગી નોકરી કરી અને ત્યારબાદ 1983માં તેણે પોતાના બોરડી ગામમાં સૂમો ઈલેક્ટ્રીકલ્સ નામની કંપની શરૂ કરી. પોતાની મહેનત અને લગનથી તે કંપની સારી રીતે ચાલવા લાગી. નાનપણથી જ એવા સંસ્કાર મળેલા કે જે કામ હાથમાં લો એને પૂરું કરીને જ શાંતિથી બેસવું. તેઓ સંશોધન કરીને નવી નવી ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસની ડિઝાઈન બનાવતા. તેમ કરીને તે પોતાની આવડતનો ગામના લોકો માટે ઉપયોગ કરવા માગતા હતા.

આ કામની વચ્ચે એક દિવસ એમના મનમાં વિચાર આવ્યો કે એવું કંઈક કરવું જોઈએ કે જેથી ગામને વૈશ્વિક સ્તરે ઓળખ મળે. એમાંથી નક્કી કર્યું કે ચીકુમાં વેલ્યુ એડિશન કરીને ગામના લોકોને એક નવી તક આપવી. એમણે ચીકુનો પાવડર બનાવવાનું નક્કી કર્યું. પરંતુ ગ્રાઈંડિંગ મશીન વગર ચીકુમાંથી પાવડર બનાવવાનું શક્ય નહોતું. પોતાની લેબોરેટરીમાં ઘણી મહેનતને અંતે ચીકુ પાવડર બનાવ્યો. આ પાવડરમાં કોઈ કેમિકલ કે પ્રિઝર્વેટીવનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો. તેથી કિંમત થોડી વધારે રાખવી પડી અને પાવડર બનાવવાની પ્રક્રિયા પણ મહેનત માંગી લે તેવી હતી. ચીકુ પાવડરની ગુણવત્તા સારી હોવા છતાં બજારમાં સારી પ્રતિક્રિયા મળી નહીં. થોડું નુકસાન પણ ગયું. પરંતુ મહેશ ચૂરી નિરાશ થયા વિના વિચારવા લાગ્યા કે હવે શું કરી શકાય ? તે કહે છે કે રિસર્ચમાં તમને ક્યારેક સફળતા ન મળે, પરંતુ શીખવા ચોક્કસ મળે. તેમણે બોરડીમાં પાર્લર શરૂ કર્યું અને ત્યાં ચીકુ કુલ્ફી, મીઠાઈ વગેરે બનાવવા પર ધ્યાન આપ્યું. ચીકુ પાર્લર પરની ટેગ લાઈન હતી - 'સબ કુછ ચીકુ.'

2016માં શરૂ કરેલા આ ચીકુ પાર્લર પર આજે ચીકુની એકવીસ પ્રકારની પ્રોડક્ટ મળે છે. અને બીજા ચાર પાર્લર પણ ચાલે છે. મહેશ ચૂરીનો આની પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ હતો કે ગામના લોકોને રોજગારી આપવી અને ગ્રાહકોને સ્વસ્થ અને શુદ્ધ પ્રોડક્ટ આપવી. અહીં આખું વર્ષ ચીકુનો પાવડર બને છે અને એમાંથી અન્ય પ્રોડક્ટ બને છે. દરેક વસ્તુનું પેકિંગ પેકેજિંગ ફેક્ટરીમાં થાય છે. ફેક્ટરીમાં કામ કરવા માટે આદિવાસી મહિલાઓને તાલીમ આપવામાં આવી. સવારે આઠથી બે વાગ્યા સુધી કામ કરવાનું અને પગાર આખા દિવસનો આપવામાં આવે છે. ચીકુની સીઝનમાં રોજના ત્રણસો કિલો ચીકુ ખરીદે છે અને એને માટે પચીસ ખેડૂતો નક્કી કર્યા છે. બજારમાં ચીકુના ભાવ ઓછા થાય તો પણ મહેશભાઈ જે ભાવ નક્કી કર્યા હોય તે જ આપે છે.

એક બીજી મહત્ત્વની વાત એ છે કે ચીકુ ઝાડ પરથી પાકીને નીચે પડી જાય તેને ખેડૂતો ફેંકી દે અથવા ઓછી કિંમતે વેચે. પરંતુ મહેશ ચૂરી એવા ચીકુનો જ વધુ આગ્રહ રાખે છે જે ઝાડ પરથી પડયા હોય કારણ કે કાચા ચીકુ તોડયા હોય તેમાં કૃત્રિમ રીતે પકવવાનો ભય રહેતો હોય છે. તેઓ ઈચ્છે છે કે સમગ્ર દેશમાં ચીકુની ખેતી કરી રહેલા ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં આગળ વધે. ઘણા લોકો એમની પાસે એમના બ્રાંડની ફ્રેંચાઈ માગે છે. પરંતુ તેઓ કહે છે કે ખેડૂતો જાતે ચીકુ ઉગાડે, એનું પ્રોસેસિંગ કરે અને પોતાનું પાર્લર ખોલે. આમાં કંઈ પણ મદદની જરૂર હોય તો મહેશ ચૂરી તે કરવા તૈયાર છે. આજે ચાર પાર્લર દ્વારા એક કરોડનો વ્યવસાય કરી રહ્યા છે. તેઓ કહે છે કે મને પૈસા કે કીર્તી નથી જોઇતી ગ્રાહકનો સંતોષ અને ખેડૂતોની ખુશહાલી એ એમનો મોટો પુરસ્કાર છે.


Tags :