Get The App

તમાકુથી કેન્સર થાય છે એવુ બોર્ડ તમાકુના ખેતરના શેઢે જોયું ખરું

Updated: May 23rd, 2020

GS TEAM

Google News
Google News
તમાકુથી કેન્સર થાય છે એવુ બોર્ડ તમાકુના ખેતરના શેઢે જોયું ખરું 1 - image


ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી

તમાકુથી કેન્સર થાય છે એ અંગે સરકાર જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે ને બીજી બાજુ કોરોના કાળગ્રસ્તમાં બીડી, સિગરેટ અને તમાકુ અને માવાને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ગણના કરીને એ વેચવાની છૂટ આપે છે !

એક વાત સ્વીકારવી પડશે કે તમાકુ અને શરાબના વ્યસન બાબતે તમામ સરકારોએ હસતા હસતા લોટ ફાકવાની મૂર્ખામી કરી છે. તમાકુ અને શરાબની જેટલી અવગણના કરાય છે એનાથી બમણી માવજત કરવામાં આવે છે.

આપણી ગુજરાતી ભાષા 'શું શાં પૈસા ચાર'વાળી નિર્બળ ભાષા રહી નથી ! હવે આપણી ભાષા મબલક વૈચારીક ફસલ લણી આપવાનું સામર્થ્ય ધરાવે છે. આજે ઊંટના અઢારે વાંકા ગણી આપનાર કવિ શ્રી દલપતરામ હોત તો પગથી માથા સુધી તરબોળ થઈને અદ્ભુત અને અમર ઉક્તિઓ નીતારી શક્યા હોત ! અને પોતે ય પૂરેપૂરા વ્યક્ત થવા નીતરતા રહ્યા હોત ને આપણને પણ ભીંજવતા રહ્યા હોત ! જે ભાષામાં લેખક અથવા કવિ વિગેરે સર્જકો જન્મ્યા છે, એ ભાષાનો વિકાસ થયો છે. ભાષા સાથે બાર ગાઉએ બદલાતી બોલીનો પણ પરિચય કરાવ્યો છે. ગુજરાતી ભાષા પાસે ઘણી બધી બોલીઓ છે એમાં, કાઠિવાડી, મહેસાણવી, ચરોતરી અને સુરતી બોલી સાથે મધ્ય ગુજરાતની મુળભૂત સ્થળની બોલી પણ ખરી ! મધ્ય ગુજરાતની બોલીએ ગુજરાતી ભાષાની અસલિયત જાળવી રાખી છે ! સર્જકો પ્રત્યે સમાજમાં જે માન્યતા પ્રવર્તી રહી છે તે વાસ્તવિક હોવા છતાં જોક્સના રૂપમાં રઝળતી કરી દેવાઈ છે. સામાજિક માન્યતામાં પણ સર્જકનું હજી પણ જોઈએ એટલું મહત્ત્વ જળવાયું નથી. ને એ પૂછે છે -

* તમારો વ્યવસાય શો ?

* લેખક અથવા કવિ છું ?

* હા એ તો જાણીએ છીએ. પણ ધંધો શું કરો છો ?

* નવલકથા લખું છું.

* હા એ તો ખબર છે પણ ધંધો ?

સર્જકોએ આવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. સર્જકો વિનમ્ર હોય છે. વિવેકી હોય છે. નહિ તો આ નકરા ધંધાધારી સમાજને રોકડું કહી શક્યા હોત કે તમે જે ધંધો- વ્યવસાય કરો છો, એમાં વપરાતી ભાષા અમે તમને આપી છે. સંસ્કારી ભાષા અમે તમને આપી છે. તમારી પર્સનાલિટીને શોભે એવી સુંવાળી ભાષા અમે તમને શીખવી છે ! અમે ન હોત તો કાઠિયાવાડી બોલીનો તમને પરિચય ન થયો હોત. અમે ન હોત તો ઉત્તર ગુજરાતની બોલી તમારા સુધી કોણે પહોંચાડી હોત ? અમે ન હોત તો સુરતી અને ચણોતરી બોલીથી પણ તમે અજાણ રહ્યા હોત ! કાઠિયાવાડી બોલીમાં સર્જકો થયા તે એમણે એમની બોલી તમારા સુધી પહોંચાડી. એમ ઉત્તર ગુજરાત, ચરોતર અને દક્ષિણ ગુજરાતમાં જે તે બોલીના સર્જકોએ જ વિવિધ બોલીઓનું આદાનપ્રદાન કર્યું. પંચમહાલની આદિવાસી ભાષામાં કોઈ સર્જક ન હોવાથી આપણે આજે પણ આદિવાસી બોલીથી અજાણ રહ્યા છીએ.

મારી એક નવલકથામાં જ આવું કંઈ થવાનું છે એનાં સરકારનેય નેટા પહોંચી ગયા હતા. આ 'નેટાં' શબ્દની જ ભાંજગડ ઉભી થઈ. મિટિંગ થઈ મને પણ બોલાવવામાં આવ્યો ને પૂછ્યું, 'નેટાં એટલે શું ?' મેં કહ્યું વર્તારો ! ગામડાના ખેડૂતો ટીંટોડીના ઇંડા પરથી નેટાં જોતાં કે આ ચોમાસું કેવું જાશે. હોળી સળગે ત્યાં ખાડો ખોદવામાં આવે, એમાં અમુક દાણા ભરીને કૂલડી દાટવામાં આવે. બીજે દિવસે હોળી ટાઢી પડે એટલે હોળીના ખાડામાં દાટેલી કૂલડી કાઢે. એમાંના દાણા જુએ અને વરસ કેવું જશે એવાં નેટાં કાઢવામાં આવે છે. પ્રથમ તો એમણે એમ પૂછ્યું કે, આ 'નેટાં' શબ્દ મેં પહેલીવાર સાંભળ્યો. મેં કહ્યું એમાં મારો શું વાંક ? મારા ગામમાં આ શબ્દ બોલાય છે અને આ શબ્દ સાંભળતાં સાંભળતા જ હું મોટો થયો છું એટલે એમણે સાવ ડફોળ જેવી વાત કરી - 'ડિક્ષનરીમાં આ શબ્દ નથી !' મેં કહ્યું એમાં ય મારો વાંક ? ને એમનો છેલ્લો પ્રશ્ન - 'ડિક્ષનરીમાં ન હોય એ શબ્દ તમે કઈ રીતે લખી શકો ?' એટલે વિનમ્ર મેં એમને વિનમ્રતાપૂર્વક કહ્યું - 'અમે ડિક્ષનરી પાસેથી શબ્દો લેતા નથી ડિક્ષનેરીને શબ્દો આપીએ છીએ. એટલે જ ડિક્ષનેરી બે હાથે ઉંચકવી પડે એવી વજનદાર થઈ ગઈ છે !' અને એ પછી સન્નાટો.

ભાષાનો જ્યાં મહિમા થયો છે ત્યાં સંસ્કારિતા ખીલી ઉઠી છે. ભાષાનો સદ્ઉપયોગ થયો છે ત્યાં સભ્યતાની મહેંક વર્તાય છે. આજકાલ ભાષા રાજકારણીઓ માટે ખૂબ જ ઉપયોગી થઈ પડી છે. ભાષાનો દુરૂપયોગ પણ રાજકારણીઓમાં જ થયો છે. ભાષાના તમામ ઇજ્જતદાર શબ્દોને આ લોકોએ સાવ ઇજ્જત વગરના નપુંસક બનાવી દીધા છે ! આજકાલ રાજકારણની પૃષ્ઠભૂમિમાંથી જન્મેલા 'વંદે ભારત' અને 'આત્મનિર્ભર ભારત'ના જોરશોરથી હાલરડાં ગવાય છે. એ હાલરડાની ગૂંજમાં જીવતરનો ભાર ઉંચકીને રસ્તે રઝળતા નિઃસહાય શ્રમજીવીઓનું હૃદયદ્રાવક કલ્પાંત દબાઈ ગયું છે !

આ કલ્પાંત તો એકવીસમી સદી એના લમણે લખાવીને આવી હોય એમ એકવીસમીને બદલે 'એક વસમી' સદી તરીકે ઓળખાવા લાગી છે. એકવીસમી સદી ધમાચકડી લઈને આવી છે ઝંપતી નથી ને ઝંપવા દેતી પણ નથી ! એની અણધારી આક્રમકતા હોય છે જખમ રૂઝાય તે પહેલાં તો ઓચિંતી આક્રમકતા એણે તૈયાર જ રાખી હોય છે.

આપણામાં કહેવત છે - 'પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના પગલાં બારણામાંથી જ ઓળખાઈ જતા હોય છે. એકવીસમી સદી એટલે એ મિલેનિયમનું પહેલા ખોળાનું સંતાન કહેવાય ! આવતામાં જ એણે એની તાસીર દેખાડી આપી. એકવીસમી સદીનું પહેલું પગલું ધરતી પર મૂકતાં જ ગુજરાતની ધરતી હૈયાફાટ ધૂ્રજી હતી અને આખું ય કચ્છ ઘમરોળી નાખ્યું હતું ! કચ્છના ધરતીકંપે કચ્છનું ધનોતપનોત કાઢી નાખ્યું. આલીશાન બિલ્ડીંગો છિન્નભિન્ન થઈને ધરતી ધરતી પર ઢોળાઈ ગઈ હતી અને માણસો એના કાટમાળ હેઠળ દટાઈ ગયા હતા. હસતા ખેલતા કિલ્લોલ કરતા શહેરના શહેર કબ્રસ્તાન બની ગયા હતા. નજરે જોયા પછી એ દ્રશ્યો આજે ય આપણી છાતીમાં કણસે છે. એ જખમ તો હજી લોહીઝાણ જ હતા ને બીજા વર્ષે સામુહિક માનવ સંહારે કોઈની લાજ રાખી નહોતી. આ રીતે આ એકવીસમી સદી નિર્દયતો હતી જ નિર્લજ્જ પણ હતી. એ નિર્લજતા આજે પણ બળાત્કારીના રૂપમાં આપણને શર્મિન્દા કરે છે ! એકવીસમી સદી દરેક રીતે ગોઝારી પુરવાર થઈ છે. આવી છે ત્યારથી દર વર્ષે ક્યાંક ને ક્યાંક બૂમો પડાવતી રહે છે. નોટબંધીથી લઈને લૉકડાઉન સુધીની એની શેતાનિયત જંપતી પણ નથી ને જંપવા દેતી પણ નથી ! કહેવાય છે કે ઝેરનાં પારખા ન થાય. પણ હવે એવું બધું થવા માંડયું છે. માણસો ઝેરના પારખા કરવા જેટલા હિંમતવાન થઈ ગયા છે અથવા કાં તો કંટાળી ગયા છે. એક તરફ જિંદગી મૃત્યુના પારખા કરી રહી છે અને બીજી બાજુ વર્તમાન પરિસ્થિતિ સાથે ટેવાઈ જવા મથી રહી છે.'

લૉકડાઉનમાં છૂટ આપવાની બાબત કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોનાં માથે ધકેલી દીધી છે. કેન્દ્ર દ્વારા ધકેલાયેલા આદેશ મુજબ ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વિભાગો (ઝોન) બનાવીને વિભાગોની સ્થિતિ મુજબ આંશિક છૂટછાટની જાહેરાત કરવામાં આવી છે. 'ક્યાં કેટલું ઉઘાડું ને ક્યાં કેટલું ઢાંકેલુ રાખવા અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. આમ તો આંશિક ઉઘાડ જ રહેશે. મોટા ભાગનું ઘણું બધું ઢાંકેલું છે તે ઢાંકેલું જ રાખવામાં આવશે. દરેક બાબતમાં અગાઉથી ચાલ્યો આવતો શિરસ્તો આ વખતે પણ રાબેતા મુજબ ચાલી રહ્યા છે. પૂરેપૂરું કશું ય ઉઘડવાનું નથી !

જ્યાં ઉઘડવાનું છે ત્યાં પણ જાણે કરેલા નિયમોનું કન્ટેઇન્મેન્ટ અને નોન કન્ટમેઇમેન્ટ જેવા અંગ્રેજી અંગ્રેજી શબ્દપ્રયોગો દુકાનદારોને અસમંજસમાં નાખી દીધા છે. કારણ કે કન્ટેઇન્મેન્ટનો તો અર્થ થાય સેટીસફેક્શન અથવા 'સંતોષજનક' એટલે કે જે ઝોનમાં સંતોષજનક લાગશે એ ઝોનમાં છૂટછાટ અપાશે અહીં સુધી તો વાત સમજમાં આવે છે પણ વર્તમાન પરિસ્થિતિમાં 'સંતોષ'ની શી વ્યાખ્યા કરવી ? સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું છેકે છૂટછાટને એમ ના માની લેતા કે કોરોના ખતમ થઈ ગયો છે. જે રીતે સાવધાની રાખતા આવ્યા છો એ રીતે સાવધાની રાખવાની છે.

ડિસ્ટન્સિંગ જાળવવું, માસ્ક પહેરવો, સાબુથી હાથ ધોવા વગેરે જાળવવામાં તકેદારી રાખવી પડે અને એ તકેદારી રાખવામાં માનસિકતા સતત કોરોનાગ્રસ્ત જ રહેવાની હોય તો કન્ટેનમેઇન્ટનો સંતોષજનક સ્વાદ કઇ રીતે ચાખવો ? વેપારીઓને એ સમજાતું નથી કે સંતોષજનક સ્થિતિ કોને સમજવી ? ઘરમાં રહો અને સુરક્ષિત રહોનું ફરમાન પાછું ન ખેંચાય અને મોઢા પરથી માસ્ક દૂર ન થાય ત્યાં સુધી સંતોષજનક ભાવના મનમાં કઈ રીતે ઉપજવાની હતી ?

આનો એક જ ઉપાય છે પરિસ્થિતિથી દૂર ભાગો નહિ.પરિસ્થિતિ સાથે જીવવાની ટેવ પાડો ! પરિસ્થિતિ સાથે જીવવા ટેવાઈ જશો તો માસ્ક અને ડિસ્ટન્સિંગમાં પણ જે છે તે સંતોષજનક લાગશે ! સંતોષની વ્યાખ્યા બદલવી પડશે કારણ કે લૉકડાઉનમાં પણ છૂટછાટ આપ્યા વગર છૂટકો નથી ! છૂટછાટ હશે તો પૈસો બજારમાં ફરતો થશે અને આર્થિક સ્થિતિને અસરકારક ઑક્સિજન પણ મળશે ! લોકો છતે પૈસે જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે વલખા મારે છે પૈસો એક હાથમાંથી બીજા હાથમાં જશે તો સ્થગિત થઈ ગયેલ નાણાંકીય વ્યવહાર પુનઃ શરૂ થશે અને આફતગ્રસ્ત સ્થિતિમાં પણ માનસિક હળવાશ અનુભવતા થઈ જશે !

જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાણું વિગેરે વેચતી દુકાનો ખુલી જશે તો લોકોની માનસિકતા પરનો અડધો અડધ ભાર ઓછો થઈ જશે. હેરકટિંગ સલૂનને પણ જીવનજરૂરિયાતનું સાધન ગણવામાં આવયું એ પણ ખૂબ જ વાજબી છે. પરંતુ પાન- બીડી અને માવાની દુકાનો ખોલવાની છૂટ આપીને તો સરકારે મારા જેવા ચેઇન સ્મોકરોને પણ અચંબામા નાખી દીધા છે ! હાશ, ધુમ્રપાન ઝિંદાબાદ ! તમાકુ જીવલેણ છે, તમાકુથી કેન્સર થાય છે એ અંગે લોકોને ચેતવણી આપવા સરકાર ટેલિવિઝન પરની જાહેરાતો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે ને બીજી બાજુ કોરોના કાળગ્રસ્તમાં બીડી, સિગરેટ અને તમાકુના માવાને જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ગણના કરીને એ વેચવાની છૂટ આપે છે !

એક વાત તો સ્વીકારવી પડશે કે તમાકુના અને શરાબના વ્યસન બાબતે અત્યાર સુધીની તમામ સરકારોએ હસતા હસતા લોટ ફાકવાની મૂર્ખામી કરી છે. તમાકુ અને શરાબની જેટલી અવગણના કરવામાં આવે છે એનાથી બમણી એની માવજત કરવામાં આવે છે.

તમાકુથી કેન્સર થાય છે એવી બીડીના બંડલો પર અને સિગારેટના પાકિટ પર જાહેરાત કરવામાં આવે છે. પરંતુ તમાકુથી કેન્સર થાય છે એવું મોટું બોર્ડ કોઈ તમાકુના ખેતરના શેઢે લાગેલું જોયું તમે ? એનો અર્થ એ કે સરકાર તમાકુના ઉત્પાદનોને પ્રોત્સાહિત કરે છે ! શરાબના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવામાં સરકારે વિજય માલિયાને કંઈ કેટલીય બેન્કો ઠાલવી આપી છે આ તો માત્ર દાખલારૂપ છે પરંતુ ખરેખર તો દરેક બાબતોમાં સરકારોની બેવડી નીતિ જોવા મળી છે આ બેવડી નીતિને જાકારો નહિ અપાય ત્યાં સુધી તંદુરસ્ત રાજકારણ જોવા નહિ મળે.

Tags :