મનુષ્ય ચેતના સૂક્ષ્મ શરીર થકી એસ્ટ્રલ યાત્રા કરી સંકટના સમયે સહાય કરે છે!
અગોચર વિશ્વ - દેવેશ મહેતા
કોઈપણ વ્યક્તિ યોગ્ય ચૈતસિક પ્રક્રિયાથી પોતાની ચેતનાને પોતાની શરીરથી બહાર કાઢી શકે છે અને પળભરમાં હજારો કિલોમીટર દૂર પહોંચાડી શકે છે...
અ મેરિકાના વિખ્યાત પરામનોવિજ્ઞાની, યુ.સી.એલ.એ ન્યૂરો સાઈકિઆટ્રિક ઇન્સ્ટિટયૂટના પ્રાધ્યાપક ડૉ. થેલ્મા મોસે (1918-1997) હિપ્નોસિસ, ઘોસ્ટ, લેવિટેશન, ઓલ્ટરનેટ મેડિસિન, કિરલિયન ફોટોગ્રાફી અને એસ્ટ્રલ બોડી જેવા વવિષયો પર ખૂબ સંશોધન કર્યું હતું. 'માયસેલ્ફ એન્ડ આઈ' 'ધ પ્રોબેબિલિટી ઑફ ધ ઇમ્પોસિબલ : સાયન્ટિફિક ડિસ્કવરીઝ એન્ડ એકસ્પ્લોરેશન ઇન ધ સાઇકિક વર્લ્ડ' અને 'બોડી ઇલેક્ટ્રિક : એ પર્સનલ જર્ની ઇન ટુ ધ મિસ્ટ્રિઝ ઑફ પેરાસાઈકોલોજિકલ રીસર્ચ, બાયોએનર્જી એન્ડ કિરલિયન ફોટોગ્રાફી' નામના તેમના પ્રસિદ્ધ પુસ્તકોમાં આ સંશોધનો સરસ રીતે રજૂ થયેલા છે.
મનોચિકિત્સા વિજ્ઞાની ડૉ. થેલમા મોસે અનેક પ્રયોગો કરી એ સાબિત કરી બતાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ યોગ્ય ચૈતસિક પ્રક્રિયાથી પોતાની ચેતનાને પોતાની શરીરથી બહાર કાઢી શકે છે અને પળભરમાં હજારો કિલોમીટર દૂર પહોંચાડી શકે છે. એની ચેતના એના સૂક્ષ્મ શરીર થકી 'એસ્ટ્રલ જર્ની' કરી પાછી પોતાના શરીરમાં આવી જાય છે. પોતાના પ્રિય સ્વજન કે મિત્રના જીવનમાં કોઈ સંકટ આવ્યું હોય તો સૂક્ષ્મ દેહ થકી એની જાણકારી મેળવી, પોતાના સ્થૂળ દેહથી છૂટું પડી તે સંકટનું નિવારણ પણ કરી આવે છે.'
અમેરિકાના વુડલેન્ડના શરીર વિજ્ઞાની, ચિકિત્સક ડૉ. જિયો બર્નહાટના પોતાના જ જીવનમાં આવી ઘટના બની એટલે તે પણ આના સમર્થક બની ગયા. તેમણે પોતાના સ્વાનુભવની વાત પેરાસાઇકોલોજીના મેગેઝિનમાં પ્રગટ પણ કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું 'ઇ.સ. 1971ની આ ઘટના છે. એ સમયે મારો પુત્ર વિયેટનામના યુદ્ધમાં ગયેલો હતો. એક દિવસે હું બેઠો હતો ત્યારે મારું મન બેચેન અને ઉચાટ ભર્યું થઇ ગયું.
મે વારંવાર મારા પુત્રની યાદ આવવા માંડી. મે થયું કે મારો પુત્ર મારું અત્યંત સ્મરણ કરી મને મદદ માટે પોકારી રહ્યો છે. આ આંતર અનુભૂતિ અને ઉત્કટ દૂરાભાસની સાથે જ મને લાગ્યું કે જાણે મારું શરીર હવાથી પણ હલકું બની ગયું છે. મારી ચેતના અત્યંત ઝડપથી આકાશમાં ગતિ કરી રહી છે.
હું વુડલેન્ડથી હજારો માઇલ દૂર એ અજાણી જગ્યાએ પહોંચી ગયો છું જ્યાં મારો પુત્ર યુદ્ધની કામગિરી પર નિયુક્ત થયેલો છે. ત્યાં જઇને હું જોઉં છું તો ચારે તરફ આગ લાગેલી છે. મારો પુત્ર જોન એક તંબુમાં ફસાયેલો છે. એના ઉપર એક ભારે વજનની ટ્રંક પડેલી છે. તે એની નીચે દબાયેલો પડયો છે. હું તરત તેની પાસે ધસી જાઉં છું અને તેના શરીર પર પડેલી ટ્રંકને હટાવી દઉં છું. એનો હાથ પકડી, એના શરીરને ટેકો આપી તેને તંબૂની બહાર લાવી થોડે દૂર સલામત જગ્યાએ બેસાડી દઉં છું.
એ પછી થોડી પળોમાં જ હું મારા સ્થૂળ શરીરમાં પાછો આવી ગયો હોઉં એવું મને લાગ્યું. આંખો ખોલી તો એવું લાગ્યું કે જાણે તંદ્રા તૂટી ના હોય, મારી પત્ની મારા હાથની નાડી તપાસી રહી હતી. મેં તેને પૂછ્યું - 'શું થયું છે મને ?' તેણે કહ્યું - 'તમે થોડા અસ્વસ્થ, તંદ્રાવસ્થામાં સરી ગયા હો એવા દેખાતા હતા.' મેં તેને મારા અનુભવની વાત કરી. તેણે કહ્યું - 'લાગે છે કે તમને કોઈ દિવાસ્વપ્ન આવી ગયું હતું.' પણ મેં તેને કહ્યું કે ના આ સ્વપ્ન નહોતું. આ સ્વપ્નથી કંઇ જુદું હતું. મને એ સાચી ઘટના જ લાગે છે. છતાં હું જૉન પાસે કેવી રીતે જઇ આવ્યો એ મને જરાય સમજાતું નથી.'
છ મહિના પછી જૉન રજાઓમાં ઘેર આવ્યો ત્યારે તેણે યુદ્ધના અનુભવોનું વર્ણન કરતી વખતે પેલા અગ્નિકાંડની ઘટનાનું બયાન કર્યું. તેણે તેનાપિતા ડૉ. બર્નહાટને એમ પણ કહ્યું - 'તમારા જેવી જ દેખાતી વ્યક્તિએ મારા તંબૂમાં પ્રવેશી મારા શરીર પર પડેલી વજનદાર ટ્રંક ખસેડી મારો હાથ પકડી મને તંબૂની બહાર લઈ જઈ આગથી મારું રક્ષણ કર્યું હતું. તેના પિતાએ કહ્યું - 'તે મારા જેવી દેખાતી વ્યક્તિ જ નહીં, હું પોતે જ હતો. કોઈ અગમ્ય રીતે હું ત્યાં પહોંચી ગયો હતો. મેં તારી માતાને પણ આ સઘળી હકીકત કહી હતી. પણ તે વખતે તેણે એવું માની લીધું હતું કે એ મારું દિવાસ્વપ્ન હતું. ડૉ. થેલમા મોસ જણાવે છે કે દૂરબોધ- ટેલિપથી દ્વારા આ સંકટની જાણ ડૉ. બર્નહાટના સચેતન મનને થઇ ગઇ હતી અને એમનું સૂક્ષ્મ શરીર જૉનને બચાવવા તત્ક્ષણ તેની પાસે પહોંચી ગયું હતું !''
ડૉ. થેલમા મોસે રજૂ કરેલી આવી અન્ય ઘટનાઓ પણ નોંધપાત્ર છે. 1908માં બ્રિટનમાં 'હાઉસ ઑફ લોર્ડસ' અધિવેશન ચાલી રહ્યું હતું. એમાં વિરોધી દળે સરકારની વિરુધ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો હતો. એ દિવસે બધાના મત લેવાના હતા. સરકારને બચાવવા માટે સત્તારૂઢ પક્ષના બધા સભ્યોનું સદનમાં હાજર રહેવું જરૂરી હતું. સત્તાધારી દળના સભ્ય સર કોર્નરાશ ગંભીર બીમારીમાં પટકાયેલા હતા.
એમની સહેજ પણ એવી સ્થિતિ નહોતી કે તે પથારીમાંથી ઉભા થઇ શકે. તેમણે ડૉક્ટરોને બહુ આગ્રહ કર્યો કે તેમને અધિવેશનમાં જવા દે પણ તેમણે એમની વાત માની નહીં. એમને જવા દેવામાં આવ્યા નહીં. પરંતુ વિસ્મય ત્યારે સર્જાયું જ્યારે એમને સદનના અનેક સભ્યોએ મતદાન વખતે પોતાનો મત આપતા જોયા હતા. જ્યારે એમની સારવારમાં સલગ્ન ડૉક્ટરો અને નર્સોએ ખાતરીપૂર્વક કહ્યું કે સર કોર્નરાશ એક પળવાર માટે પણ પથારી છોડીને ક્યાંય ગયા નથી.
આવી જ દિલચસ્પ ઘટના બ્રિટિશ કોલંબિયા વિધાનસભાનું અધિવેશન એની રાજધાની વિક્ટોરિયા સીએમાં ચાલી રહ્યું હતું ત્યારે બની હતી. એ સમયે એના એક વિધાયક ચાર્લ્સ વુડ અત્યંત ગંભીર બીમારીમાં પડેલા હતા. ડૉક્ટરોને એમના બચવાની આશા નહોતી. પરંતુ એમની તે અધિવેશનમાં હાજર રહેવાની અત્યંત ઉત્કટ ઇચ્છા હતી.
ડૉક્ટરોએ એમને એક ડગલું પણ ચાલવાની મનાઈ કરી હતી એટલે ના છૂટકે તે ઘેર રહ્યા હતા. પરંતુ સદનના સભ્યોએ એમને વિધાનસભામાં એમની ખુરશી પર બેઠેલા જોયા હતા. અધિવેશન પૂરું થયું ત્યારે જે ફોટોગ્રાફ લેવામાં આવ્યો તેમાં પણ ચાર્લ્સ વુડ બેઠેલા હતા. ડૉ. થેલમા મોસ જણાવે છે કે તેમનું સક્ષ્મ શરીર ત્યાં જઇ સ્થૂળ શરીર રૂપે પ્રતીત થઇ દ્રશ્યમાન થયું હતું.
અમેરિકાની વિખ્યાત અભિનેત્રી એલિઝાબેથ ટેલર પણ ગંભીર બીમાર પડી મરણાસન્ન સ્થિતિએ પહોંચી ગઈ હતી. એને એનેસ્થેસિયા આપી એનું ઓપરેશન થઇ રહ્યું હતું ત્યારે તેને દેહાતીત અનુભવ થયો હતો. ડૉક્ટરોએ શું કર્યું, કોણે શું વાતચીત કરી એ બધું એણે સૂક્ષ્મ શરીરથી સાંભળ્યું હતું અને ભાનમાં આવ્યા બાદ તે બધું અક્ષરશઃ કહી બતાવ્યું હતું. ડૉક્ટરો પણ આ સાંભળી આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને તેની વાત સાચી છે એમ સ્વીકાર્યું હતું.
અર્વાચીન વિજ્ઞાનીઓ દર્શાવે છે કે પ્રાણીઓનું શરીર માત્ર ભૌતિક અણુ-પરમાણુથી બનેલું નથી પણ એના ઉપરાંત એનું ઊર્જા શરીર પણ હોય છે. શરીર વિજ્ઞાનીઓએ એને 'ધ બાયોલોજિકલ પ્લાઝમા બોડી' એવું નામ આપ્યું છે. આપણું યોગશાસ્ત્ર એને જ 'સૂક્ષ્મ શરીર' કે 'લિંગ શરીર' કહે છે.
યેલ યુનિવર્સિટીના ન્યૂરો એકેડેમીના પ્રોફેસર ડૉ. હેરોલ્ડ બર્રે પણ જાહેર કર્યું છે કે પ્રત્યેક જીવંત પ્રાણી ઇલેક્ટ્રોડાયનેમિક ક્ષેત્રથી યુક્ત હોય છે. એમના અનુગામી ડૉ. લિયોનાર્ડ રાબિટ્ઝે એવું સાબિત કર્યું કે આ ઇલેક્ટ્રોડાયનેમિક ફિલ્ડને મસ્તિષ્કના વિચાર, ભાવથી પ્રભાવિત કરી શકાય છે. આપણી ચેતના સૂક્ષ્મ શરીર થકી એસ્ટ્રલ યાત્રા કરી ક્ષણ માત્રામાં ગમે તેટલે દૂર પહોંચી સંકટમાં સહાય કરવાની કામગિરી પણ કરે છે !