Get The App

'સંતાન એ સંતાન છે, એનો પ્રકાર ન જોવાય, આપણા ઘરમાં મોકલેલા જીવાત્મા ભગવાનની જ થાપણ છે

Updated: May 23rd, 2020

GS TEAM

Google News
Google News
'સંતાન એ સંતાન છે, એનો પ્રકાર ન જોવાય, આપણા ઘરમાં મોકલેલા જીવાત્મા ભગવાનની જ થાપણ છે 1 - image


કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

'બેટા, મારી સેવા માટે જ નહીં, દેવની સેવા કે કથા સાંભળવા પણ રજા ન લેવાય. ફરજ એ જ દેવતા છે. ફરજને ભોગે પોતાનું અંગત કામ ન જ કરાય.'

લગ્નનાં દસ વર્ષ બાદ અર્પિતા ખુશખુશાલ છે, ડૉક્ટરે આપેલા સમાચાર જાણીને. ડૉ. શીતલબહેને કહ્યું કે અભિનંદન અને શુભેચ્છા. તમે મા બનવાનાં છો. અને ઘેર આવ્યા બાદ અર્પિતાના પતિ મિ. વિશ્રુતે આખી કોલોનીમાં પેંડા વહેંચ્યા હતા. અર્પિતાના સસરા સુમંતરાય બધું છોડી દેવપૂજામાં બેસી ગયા હતા.

પરંતુ જ્યારે અર્પિતાએ દીકરીને જન્મ આપ્યો ત્યારે મિ. વિશ્રુત ઉદાસ થઈ ગયા હતા. અર્પિતાને પણ લાગ્યું હતું કે ભાગ્યે તેને સાથ નથી આપ્યો. પણ ડૉ. શીતલબેન શાહે તેને આશ્વસ્ત કરતાં કહ્યું હતું : 'અર્પિતા, દીકરી જન્મી એમાં નિરાશ થવાની વાત ક્યાં આવી ? તમારી માતા નારી છે માટે તમે છો. મારી માતા નારી છે માટે હું છું... નવરાત્રિમાં આપણે સૌ મા અંબાના ગરબા ગાઇએ ત્યારે સ્ત્રીશક્તિનો જ જયજયકાર કરતા હોઇએ છીએ.' ધનની દેવી મહાલક્ષ્મી, જ્ઞાનની દેવી સરસ્વતી, રક્ષણકર્તા દેવી મહા કાળી, એમ માનો કે કોઈ દેવીનો અંશ બની તમારી કૂખે પુત્રી અવતરી છે.'

અર્પિતાના સસરા સુમંતરાય ડૉક્ટરની વાતો ભાવપૂર્વક સાંભળતા હતા. એમણે કહ્યું : 'ડૉક્ટર મેડમ, તમારી વાત સો ટકા સાચી છે. સંતાન એ સંતાન છે. એનો પ્રકાર ન જોવાય. ઈશ્વરે કરુણાપૂર્વક આપણા ઘરમાં મોકલેલ એક જીવાત્મા ભગવાનની જ થાપણ છે એમ માની એને વધાવવી જોઈએ.' - કહી સુમંતરાયે નવજાત બાળકીના કપાળ પર મીઠી ચૂમી ભરી હતી. અને કહ્યું હતું : 'અર્પિતા વહુ, આજથી આ બાળકીની માતા પણ હું અને પિતા પણ હું. મારામાં પ્રાણ હશે ત્યાં સુધી એને પારાવાર લાગણી અને પ્રેમ પ્રદાન કરતો રહીશ.'

અર્પિતાને સસરાજીના લાગણીવેડા લેશમાત્ર ગમ્યા નહોતા. વિશ્રુતને પણ પોતાના પિતાની ભાવના ગમી નહોતી.

અર્પિતાને ડૉક્ટરે રજા આપી એટલે ઉદાસ મને ઘેર આવી. નામકરણ વિધિ રાખવામાં તેને રસ નહોતો. પણ સસરા સુમંતરાયે કહ્યું : 'આજથી આ બાળકીની જવાબદારી મારી. એનું નામ પણ હું જ પાડીશ. એનું નામ રાખીશુ આયુષી. આયુષીના માથે આશીર્વાદ રેલાવતો હાથ મૂકતાં દાદા સુમંતરાયે કહ્યું...

આમ તો અર્પિતાએ પોતાની કંપનીમાંથી પ્રસૂતિ માટે બે માસની રજા મંજૂર કરાવી હતી, પણ આયુષીના દાદાનો તેના પ્રત્યેનો લગાવ જોતાં એક મહિના પછી આયુષીને તેને દાદાને સોંપી અર્પિતા નોકરી પર હાજર થઈ ગઈ હતી.

દાદા સુમંતરાયે આયુષી ખાતર પોતાનું જીવન ધરમૂળથી બદલી નાખ્યું હતું... રાત્રે પણ આયુષીને તેની મમ્મી પાસે સૂવાડવાને બદલે પોતાની પાસેના પારણામાં સૂવાડતા. મોડી રાત સુધી એને પારણે ઝૂલાવતા. બોટલનું દૂધ પીવડાવતા. આયુષી સહેજ રડે તો તેને ખોળામાં લઇને પંપાળતા. તેમનો સેવાપૂજાનો ક્રમ પણ બદલાઈ ગયો હતો. પહેલાં આયુષીની સેવા પછી દેવ સેવા. તેઓ માનતા કે માણસને ઠારવું એ દેવી-દેવતાને ઠારવા બરાબર છે. પહેલાં તેઓ વાત્સલ્યપૂર્વક આયુષીને નવડાવતા. પાવડર છાંટી વસ્ત્રો પહેરાવતા અને બાટલીનું દૂધ પીવડાવી પોઢાડી દેતા. અને સ્વગત બોલતા : 'દેવી, હવે દેવપૂજા કરું ને ! તમારી સેવામાં કશી કસર રહી ગઈ હોય તો માફ કરશો.'

આયુષી, આયુષી, આયુષી. દાદા સુમંતરાયની જીભ પર બીજો શબ્દ નહોતો. અર્પિતાએ પતિ વિશ્રુતને કહ્યું : 'દાદાજીને ઉંમરની અસર થઈ છે. માનસિક સંતુલન બરાબર નથી ! ડૉક્ટરની સલાહ લેવી છે ?'

મિ. વિશ્રુતે અર્પિતાની વાતનો સાફ ઇન્કાર કરતાં કહ્યું : 'હજી મારા પિતાશ્રીની ઉંમર 55 વર્ષની છે. આ ઉંમરે માનસિક સંતુલન ગુમાવવાનો પ્રશ્ન જ નથી. મૂળ વાત છે આયુષી પ્રત્યેના પ્રેમની. દુનિયામાં બે પ્રકારનાં માણસો હોય છે : પ્રેમની વાતો કરનારા અને બીજા હકીકતમાં પ્રેમ કરનારા. ગોપીઓ શ્રીકૃષ્ણના પ્રેમની વાતો નહોતી કરતી, કૃષ્ણને સાચા હૃદયથી પ્રેમ કરતી હતી. પ્રેમ એ જીવવાનો વિષય છે. વાતો કરવાનો નહીં. દાદાજીએ પોતાનું અસ્તિત્વ આયુષી પ્રત્યેના પ્રેમમાં ઓગાળી દીધું છે. એ જોઈ આપણે હરખાવું જોઈએ.'

વર્ષો વીતતાં ગયાં. આયુષી જેમ-જેમ મોટી થતી ગઈ, તેમ-તેમ દાદાજીનો તેના પ્રત્યેનો પ્રેમ વધતો ગયો. અને કિંડર ગાર્ટન સ્કૂલમાં દાખલ કરાવવા પણ સુમંતરાય પોતે જ ગયા હતા.

રાત્રે સૂતા પહેલાં દાદાજી આયુષીને અવનવી વાતો કહે. એને માટે બાળ સાહિત્યમાંથી પસંદ કરેલી પ્રેરક કથાઓ તૈયાર રાખે અને રસપૂર્વક વાર્તાઓ કહી સંભળાવે. આયુષી હરખભેર એ વાર્તાઓ સાંભળે અને દાદાજી પાસેના મીની કૉટ પર ઊંઘી જાય. સુમંતરાય રાત્રે પણ ત્રણ-ચાર વાર જાગીને જુએ કે આયુષી નિરાંતે ઊંઘે છે કે નહીં : આયુષી પ્રાથમિક શાળામાં દાખલ થઈ ત્યારે અર્પિતા તેને માટે ટયૂટર રાખવા ઇચ્છતી હતી. પણ સુમંતરાયે કહ્યું : 'હું જ એનો ટયૂટર. ટયૂટરના વિદ્યાર્થી સાથેના સંબંધો યાંત્રિક અને ઘડીઆળના કાંટા પર કેન્દ્રિત હોય. સાચી લાગણીથી ભણાવતા ટયૂટર્સ માંડ જોવા મળે. આયુષીનું મારે મારી રીતે ઘડતર કરવું છે.'

'પણ જોજો, એને તમારી રીતે ઘડવામાં જૂનવાણી બનાવી ન દેતા.' અર્પિતાએ વ્યંગ્યમાં કહ્યું હતું.

'હું વ્યક્તિની સ્વતંત્રતાનો આદર કરનારો માણસ છું. મારા વિચારો કોઇના પર લાદવાની મને આદત નથી. હા, અતિ આધુનિકતા વ્યક્તિના મૂળભૂત ઉદાત્ત સંસ્કારો છીનવી લઈ એને 'યંત્રમાનવ' ન બનાવે, એનું ધ્યાન રાખવું એ પણ વડીલોની ફરજનો ભાગ છે. અને હા, કાલની જ વાત. આયુષીને લેસનમાં 'લાખ્ખો વંદન કરીએ ભારત ભોમને રે.' નિબંધ લખવાનું કહ્યું હતું : આયુષીએ કહ્યું : 'દાદાજી, મને તમે એવો સરસ નિબંધ લખી આપો કે ક્લાસમાં મારી વાહવાહી થાય.'

ત્યારે મેં એને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું : 'બેટા, તારે લેખનમાં તારી સર્જનાત્મક શક્તિ ખિલવવાની છે. મારે તને પાંગળી નથી બનાવવી. ચાલ, હું તને નિબંધના મુદ્દા સમજાવું, પણ નિબંધ તો તારે જ લખવાનો છે. અર્પિતા વહુ, તમે વિશ્વાસ રાખજો, તમારી દીકરીને સવાઈ કરીને તમને સોંપીશ મારી જવાબદારીમાં અંતિમ શ્વાસ સુધી હું પાછો નહીં પડું.'

સેકંડરી-હાયર સેકંડરીનું શિક્ષણ પૂરું કરી આયુષીને કૉલેજમાં દાખલ કરવાનો પ્રશ્ન ઉભો થયો. અર્પિતા તેને આઇ.એ.એસ. માટેની પરીક્ષાની તૈયારી કરાવવા ઇચ્છતી હતી. પોતે આર્ટસ ગ્રેજ્યૂએટ હતી એટલે આયુષીને પણ અર્પિતાએ આર્ટસ ફેકલ્ટીની કૉલેજમાં પ્રવેશ અપાવ્યો. દાદાજીને મન પણ એ ગમતી વાત હતી.

દાદાજી દરરોજ સાંજે મંદિરે જતા, પણ આયુષીને પોતાની સાથે આવવાનો લેશમાત્ર આગ્રહ નહોતા કરતા. પરંતુ આયુષીને દાદાજી સાથે મંદિરે જવામાં રસ હતો. દાદાજી ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર હતા. આયુષી સાથે હોય ત્યારે તે દેવી-દેવતાઓ વિશેની પૌરાણિક વાતો કહેતા. એ વાતોનો પ્રતીકાત્મક અર્થ પણ સમજાવતા. આયુષી જિજ્ઞાસાપૂર્વક પ્રશ્નો પૂછતી. દાદાજી પોતાની જાણકારી મુજબ સરસ જવાબો આપી તેને સંતુષ્ટ કરતા.

દાદાજી ઇચ્છતા હતા કે આયુષી સરકારી અધિકારી બને, એક આદર્શ અધિકારી, જેની નસેનસમાં દેશભક્તિ, પ્રામાણિકતા અને સેવા નિષ્ઠા હોય. એટલે કોલેજના પ્રથમ વર્ષથી જ એને વિવિધ વિષયોના જ્ઞાન માટે સજ્જ કરવાની તૈયારી કરી દીધી હતી. તેને માટે અખબારો, સામયિકો તથા આઇ.એ.એસ.ની પરીક્ષાની પૂર્વ તૈયારીમાં ખપ લાગે તેવાં કટિંગ્સ અને પુસ્તકોમાંથી જરૂરી પ્રકરણોની ઝેરોક્ષ તેને માટે સુલભ બનાવતા. આયુષી દાદાજીનો પ્રેમ જોઈ ગદગદ્ થઈ જતી. ઘણીવાર આયુષી કહેતી : 'દાદાજી, પપ્પા મને પરણાવી દેશે એ પછી તો મારે તમારાથી છૂટા પડવું જ પડશે. તમારા વગર હું કેવી રીતે જીવી શકીશ ?'

ત્યારે દાદાજી કહેતા : 'આયુષી, કદાચ તારા ભાવી સસરાજી મારા કરતાં પણ વધારે પ્રેમાળ હોઈ શકે. તેઓ તને મારી ખોટ સાલવા ન પણ દે. દીકરી, એક વાત ખાસ યાદ રાખજે : 'નફરતનો જવાબ નફરતથી આપીશ તો નફરતનો બમણો પાક તને પાછો મળશે. એટલે પ્રેમ જમા કરાવીશ તો વહેલો મોડો પણ એ પ્રેમ ફળશે. દરેક છોડે નવી ભૂમિમાં વિકસવા વધતે-ઓછે અંશે સંઘર્ષનો સામનો તો કરવો જ પડે છે.'

'દાદાજી, હું તમારો ફોટો મારા પર્સમાં રાખીશ. તમારા આશીર્વાદ જ મારું બળ બનશે. તમે તો દાદાજી એવી વિભૂતિ છો કે તમારા આશીર્વાદ કોઈક ભાગ્યશાળીને જ મળે.' આયુષીએ કહ્યું હતું.

'ચાલ હવે સૂઈજા દીકરી, વખાણ માણસને બગાડે છે. ભોજનની ભૂખ કરતાં પણ પ્રશંસાની ભૂખ માટે માણસ તડપતો હોય છે. હું ઘરનો વડીલ છું. ભગવાને મને આ ઘરનાં સહુને સુખી કરવાની જવાબદારી સોંપી છે. એમાં હું આ ઘર પર કશો ઉપકાર નથી કરતો, ભગવાને સોંપેલી જવાબદારી અદા કરી રહ્યો છું.... ભગવાનને એમ લાગશે કે મને હવે આ જવાબદારીમાંથી મુક્ત કરવાનો સમય પાકી ગયો છે ત્યારે...'

'બસ, બસ, બસ. આગળ એક પણ અમંગળ શબ્દ બોલ્યા છો, તો તમને મારા સમ. મારા દાદા કાળને પણ હંફાવી સવાસો વર્ષ જીવે એવા પવિત્ર માણસ છે. દાદાજી, કાલે મારે એક વિષય પર વક્તવ્ય આપવાનું છે.

'લાઇફ એઝ આઇ સી'. કાલે મને મુદ્દા આપજો.' કહી આયુષી પોતાના બેડરૂમમાં ચાલી ગઈ હતી.

જોરદાર પૂર્વ તૈયારીને કારણે સ્નાતક પછી આઇ.એ.એસ.ની સ્પર્ધાત્મક પરીક્ષામાં આયુષીએ ઝળહળતી ફત્તેહ મેળવી. ટ્રેઇનિંગ બાદ ઑફિસર તરીકે તેની નિયુક્તિ થઈ. અર્પિતા અને દાદાજીનું એક સ્વપ્ન પૂરું થયું.

આયુષી પોતાના ટેબલ પર દાદાજીનો ફોટો રાખતી. પ્રાર્થના કરતી અને ત્યાર બાદ પોતાનાં વહીવટી કામો નિષ્ઠાપૂર્વક શરૂ કરતી. એક વાર એક સ્ટાફ મેમ્બરે પૂછયું : 'આ કોઈ સંતનો ફોટો છે ? એમના આશીર્વાદ ફળે તેમ હોય તો અમે પણ તેમના દર્શને આવીએ.'

'અરે ભાઈ ! આ મારા પવિત્ર દાદાજીનો ફોટો છે. માણસો દરેક સંત કે દેવ પાસે કશી અભિલાષાપૂર્ણ કરવાના ઇરાદે શા માટે દર્શનની ઇચ્છા ધરાવે છે ? તમારા ઘરમાં પણ તમારાં દાદા-દાદી હશે. એમને દેવ માનો, એટલું પૂરતું છે. આશીર્વાદ માટે લાયક બનવું પડે. આશીર્વાદના ભિખારી ન બનાય.' - આયુષીએ કહ્યું હતું.

દાદાજીની ઉમ્મર હવે 80ની આસપાસ થઈ ગઈ હતી. આયુષીની ઉમ્મર 23 વર્ષની થઈ હતી. દાદાજીના આગ્રહને વશ થઈ એણે સાદી વિધિથી મિ. સંગત સાથે લગ્ન કરી લીધાં હતાં. અને કોઈ મોટો સમારંભ રાખવાને બદલે મોટી રકમ વૃધ્ધાશ્રમમાં દાન રૂપે આપી દીધી હતી.

સાસરે વિદાય થતી વખતે આયુષીએ કહ્યું હતું : 'દાદાજી, હું તમારાથી વિખૂટી પડતી નથી. હરહંમેશ તમે મારી સાથે જ છો. પણ મને એક વચન આપો.'

'એક શું હજારો વચનને તું લાયક છે. તારા વિના મારાથી પણ જિંદગીમાં ખાલીપો કેમ જીરવાશે એ પ્રશ્ન છે. બોલ, મારે કયું વચન તને આપવાનું છે ?' - દાદાજીએ કહ્યું.

'એ જ કે દર વર્ષે મારે ઘેર તમારે દસ દિવસ રહેવાનું... મને તમારી સેવાની તક આપવાની. આજે હું જે કાંઈ છું તે તમારે કારણે છું...' આયુષીની આંખ બોલતાં-બોલતાં ભીની થઈ ગઈ હતી.

'બેટા, તારે ત્યાં દસ દિવસ રહેવા આવીશ, પણ ભોજન મારા મિત્રને ઘર કરીશ. અમે જૂનવાણી માણસો. અમારા સંસ્કાર શીખવે છે કે દીકરીના ઘરનો અન્નનો દાણો પણ ન ખવાય. તું યાદ કરીશ એટલે હાજર-' અને દાદાજીએ આયુષીને ઉષ્માભરી વિદાય આપી હતી.

દાદાજી અંદરથી ભાંગી પડયા હતા. આયુષી જ એમના જીવનનો પર્યાય હતી. દાદાજી સૂનમૂન રહેતા, પણ પોતાની મનોવેદના કોઇની સમક્ષ વ્યક્ત નહોતા કરતા એ વાતને દોઢ વર્ષ વીતી ગયું. દાદાજી આપેલા વચન મુજબ આયુષીને ઘેર દસ દિવસ રહી આવ્યા. આયુષીએ મન મૂકીને એમની સેવા કરવા દસ દિવસની ઑફિસમાં રજા લીધી. પણ દાદાજીએ કહ્યું : 'બેટા, મારી સેવા માટે જ નહીં, દેવની સેવા કે કથા સાંભળવા માટે પણ રજા ન લેવાય. ફરજ એ જ દેવતા છે. ફરજને ભોગે પોતાનું કશું અંગત કામ ન જ કરાય.' અને આયુષીએ રજા કેન્સલ કરાવી.

એ પછી એક મહિને આયુષીના માતા બનવાના સમાચાર જાણી કુટુંબમાં ખુશાલી વ્યાપી ગઈ. સમયાનુસાર ખોળો ભરવાની વિધિ સંપન્ન થઈ અને આયુષીને પિયરમાં તેડી લાવવામાં આવી. સંતાન જન્મવાને ટાણે દાદાજી હાજર હશે એ વિચાર માત્રથી રોમાંચિત થઈ ગઈ હતી.

અને ડૉક્ટરની સૂચના અનુસારના સમયે આયુષીને નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવી.

આયુષીએ પુત્રીને જન્મ આપ્યો. દાદાજીને ખબર આપવામાં આવી. આયુષીએ નર્સને કહ્યું : 'મને બોલપેન આપશો ?'

નર્સે બોલપેન આપી. આયુષીએ નવજાત બાળકીના હાથમાં લખ્યું : 'દાદાજી.'

આયુષીએ પુત્રીને જન્મ આપ્યો એનાથી દાદાજી ખૂબ જ આનંદિત થયા હતા. વાહનની પણ દરકાર રાખ્યા સિવાય દોડતા-દોડતા હોસ્પિટલ પહોંચ્યા. લિફ્ટ હોવા છતાં બે દાદરા ચઢી સ્પેશ્યલ રૂમમાં પહોંચ્યા. આયુષીએ દાદાજીને વંદન કર્યા. દાદાજીએ નવજાત બાળકીને માથે હાથ મૂક્યો. તેનો હાથ પોતાના હાથમાં લીધો. હાથમાં 'દાદાજી' લખેલું જોઈ ધૂ્રસકે-ધૂ્રસકે રડી પડયા અને થોડી જ વારમાં આયુષીના પલંગ પાસે ઢળી પડયા. ડૉક્ટર્સ દોડી આવ્યા. દાદાજીને તપાસીને કહ્યું : 'દાદાજી નો મોર.' વાતાવરણમાં પડઘાતો હતો એક જ શબ્દ : દાદાજી, દાદાજી, દાદાજી.


Tags :