પરિવાર : એક સમૃધ્ધ પાઠશાળા
આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ
વિભક્ત કુટુમ્બની સૌથી મોટી સમસ્યા બાળઉછેરની. બાળ ઉછેર તેમને મન પાર્ટટાઈમ જોબ છે. નોકરી માટે દોડધામ કરતાં માબાપ બાળકને આયાને હવાલે કરે છે અથવા નર્સિંગ-બાલમંદિરોને સોંપે છે
ત્યારે વિભક્ત કુટુમ્બો ન્હોતાં. 'હું ને મારા એ'ની એકલ પેટી સ્વાર્થી સંસ્કૃતિ ન્હોતી. પરિવારનો અર્થ દાદા-દાદી મોટા બાપા, ભાઇ-ભાભી, નાનાં-મોટાં, ફોઈ, ભત્રીજા, ભાણેજડાં બહેનો ક્યારેક વિધવા થયેલી કોઈ બહેન-ફોઈ, સાથી-ભાગિયા, બળદ, ભેંસ, પાડાં અને રેલ્લાં કેટલો મોટો પરિવાર !! એ મોટા પરિવારમાં બાળક ક્યાં અને કેવી રીતે મોટું થઇ જાય તેની માબાપને ખબરેય ના પડે. મા તો ઢગલો કામમાં અટવાઈ હોય અને પરિવારનાં સદસ્યોની હથેલીમાં બાળક હસતું-રડતું મોટું થઇ જતું... સમજણું થઇ જતું. હૂંફાળા સંયુક્ત પરિવારમાં ઉછરેલું બાળક તંદુરસ્ત હતું, માયકાંગલું ન્હોતું... આજના વિભક્ત કુટુમ્બમાં મોટાં થતાં બાળકોની તુલનામાં તો તમને સંયુક્ત કુટુમ્બમાં ઉછરેલું બાળક હાસ્યના ફુવારો લાગશે. ખડતલ હોય, સશક્ત હોય, સમજુ અને સૂઝવાળું પણ હોય એ સૂઝ સમજ એનામાં આવ્યાં ક્યાંથી ?
આજે વિભક્ત કુટુમ્બની અનેક સમસ્યાઓ છે. એમાં સૌથી મોટી સમસ્યા બાળઉછેરની. બાળ ઉછેર તેમને મન પાર્ટટાઈમ જોબ છે. નોકરી માટે દોડધામ કરતાં માબાપ બાળકને આયાને હવાલે કરે છે અથવા નર્સિંગ-બાલમંદિરોને સોંપે છે. ઊંચાં જીવન ધોરણ કાજે આપણે આપણા સંતાનોનાં ભાવિ વિશે સ્વસ્થ વિચાર સુધ્ધાં કરતા નથી. સમય નથી અને હવે તો રસ પણ ક્યાં છે ? લોહીની સગાઈનો પ્રેમ છે સાચી સમજદારીનો પ્રેમ નથી - આપણી દોડધામ શા માટે ? એનો ઉત્તર આપી કેવળ આશ્વાસન લઇએ છીએ પણ ખરેખર વિભક્ત પરિવારોમાં બાળકની ઉપેક્ષા જ થાય છે.
સંયુક્ત પરિવારમાં બાળક દાદા-દાદી પાસેથી અપાર હેત ઉપરાંત પૌરાણિક વાર્તાઓનો ખજાનો મેળવે છે. રાજા, રાણી, પ્રધાન, ઓરમાન-વહાલો જેવા શબ્દોની વિભાવના સમજે છે. ઋષિ-ગુરુકુલ-શિષ્ય જેવા શબ્દોને ઉકેલે છે પાપ-પુણ્યના સંસ્કારો ઝીલે છે. સારું ખોટું નક્કી કરતું થાય છે.
ભાઈ-બેન, દાદા-કાકા સૌની સાથે સમૂહમાં જીવે છે કોઈ મહેમાન આવે તો તેને કેવી રીતે બોલાવાય. કેવી રીતે તેનું સ્વાગત થાય, પંગતમાં કેવી રીતે જમવા બેસાય ? આ બધું તે અન્ય સભ્યોના અનુકરણમાંથી શીખી લેતુંહોય છે તેને ભાષા પણ શીખવવી પડતી નથી. ઘણા અઘરા લાગતા શબ્દો પણ એ વાપરવા લાગે છે.
અમારી સાથે રહેતો અમારો પૌત્રનંદ ત્રણ વરસનો જ હશે, એકવાર કાચી ઊંઘમાંથી ઉઠયો, રસોડામાં જતાં જતાં પડતાં પડતાં રહી ગયો. ત્યાં અમે પૂછ્યું - 'બેટા શું થયું ?' તરત તેણે કહેલું - 'દાદા, અડવડિયું આવ્યું' હું તો છક થઇ ગયો. કોણે તેણે આ શબ્દ શીખવ્યો હશે ? પણ ઘરમાં દાદા-દાદીને ક્યારેક એવું થાય ત્યારે એ શબ્દ વપરાયો હશે અને તે એના કાને પડયો હશે. કેવો શબ્દ સંસ્કાર !! આવા જ વર્તનના આચારના સંસ્કારો પણ એનામાં સહજ રીતે આવી જતા હોય છે. કાકા-કાકી પાસેથી ખેતરની ઓળખ, વનસ્પતિની ઓળખ એ ઉંમરે મનમાં દ્રઢ થઇ જાય છે.
કચરો વાળવો, વાસણ માંજવાં, બાવાં પડવાં, શાક કાપવું આ બધાં કામો મોટેરાંનાં ભલે રહ્યાં, પેલું બાળક એ ઘરમાં જોતું હોય એટલે એને પણ તેમ કરવાની સમજ પડતી જાય છે. ભાણામાં જોઇએ તેટલું જ ખાવાનું લેવાય, અને બગાડ ના કરાય એ સંસ્કાર પણ સમૂહભોજન રીતિમાં સહજ પ્રાપ્ત થાય છે.
કરકસરનો ગુણ પણ ત્યાંથી જ કેળવાય છે - મોટાં બા કારેલાનું શાક બનાવતાં ત્યારે એનાં છોતરાં કાઢી એમાંથી મુઠિયાં પણ કરતાં, વાપરેલા લીંબુની ફાડથી વાસણ સાફ કરતાં, ઘરના ચૂલાની રાખ ચાળી માટલામાં ભરી રાખતાં, એનાથી વાસણ ચકચકાટ થતાં આ બધા પદાર્થ પાઠ તેમની પાસેથી શીખવા મળતા. સમયસર ઉઠવું, ન્હાવું - ધોવું - સૂવું - ખાવું - પીવું - સત્ય બોલવું જેવી મોટેરાંની પ્રવૃત્તિઓમાંથી બાળક પારિવારિક મૂક શિક્ષણ પ્રાપ્ત કરે છે.
પોતાનાં વહાલસોયાં બાળકોને આયાને કે બેબી સિટીંગના ટીચરને ભરોસે મૂકીને હાથમાં કૂતરાની સાંકળ પકડીને ફરવા નીકળી પડતી સન્નારીઓને કોણ સમજાવે કે સો શિક્ષકની ગરજ તમે કેવી રીતે સારી શકો ? મા-બાપના સમયની ખેંચમાંથી જ સંતાનના સંસ્કારની ખેંચ ઊભી થાય છે. આ સમય સંકટની વિકટ સમસ્યામાંથી બહાર નીકળવા પરિવારની વિભાવના પાસે જવું જ પડે. માબાપ તરીકેનો દરજ્જો મેળવવો અને મા-બાપ બનવું એ બંને અલગ ઘટનાઓ છે.
પરિવારમાં દાદા-દાદી સંસ્કારોની મોટી ખાણ છે. તેમની વાર્તાઓમાંથી ઉત્તમ પ્રકારનું ઘડતર થાય છે તેમની હાજરી જ નોખા પ્રકારની સાત્વિકતા ઉભી કરે છે. જીવન જીવવાની અદ્ભુત ગુરુચાવીઓ તેમની પાસેથી મળે છે. દાદીમાના નિત્યક્રમમાંથી ભૂલકાં ધર્મશિક્ષા પામે છે.. પહેલી અને ત્રીજી પેઢી વચ્ચેના આદાનપ્રદાનથી મીઠાં ફળ ચોથી પેઢીને પ્રાપ્ત થતાં હોય છે. ઘરનાં વડીલની સારસંભાળ લેવાય તો બાળકના મનમાં પણ વડીલનું માન વધે છે. આમન્યા જળવાય અને એની મેળે વિનય-વિવેકની સ્થાપના થાય. અનાજને બાર મહિના જાળવવા દીવેલ દેવાતું હોય છે આ આજની પેઢીને કોણે આપ્યું ? ઉધરસ થાય તો હળદરનો પ્રયોગ કરવાનું કોણે શીખવ્યું ? આવા તો કેટલાય પ્રયોગો પરિવારમાંથી પરંપરામાંથી બાળક પ્રાપ્ત કરે છે. મૂલ્ય શિક્ષણ એ રીતે જ ઘરમાંથી બાળક મેળવે છે. ઘર જ ઉત્તમ સંસ્કારપીઠ છે.
આત્મા, કર્મ, પરલોક અને મોક્ષ જેવી અધ્યાત્મક ક્ષેત્રની પાયાની સંસ્કારિતા પરિવારમાંથી પ્રાપ્ત થાય છે - એટલે પરિવારની પાઠશાળા જેવી બીજી કોઈ પાઠશાળા જગતમાં નથી.
માના ખોળાથી કોઈ મોટું જગત નથી, પિતાથી કોઈ મોટો સલાહકાર નથી,
બહેનથી વધુ કોઇનું હેત નથી, ભાઈથી મોટો કોઈ ભાગીદાર નથી એટલે પરિવાર એજ સુંદર જીવન છે.
દાદા-દાદીની વાતો, સાથી-ભાગિયાની ખેતરની વાતો, ભાઈ-ભાભીનું હેત, કાકા-કાકીનું વાત્સલ્ય, ફોઇનો ઠપકો, મા-બાપનો પ્રેમ બાળમાનસને વિશિષ્ટ સંસ્કારો આપે છે. પરિણામે બાળકમાં માનવતા, કરુણા, સદાચાર, નીતિ, સંયમ અને ધર્મના સંસ્કારો સહજ રીતે એમાં દાખલ થઇ જાય છે. પુસ્તકો કે પાઠશાળામાંથી ન મળે એવું પરિવારના આચરણમાંથી બાળક પામે છે. એની અસરકારકતા વધુ હોય છે.
આજે તો બહુ નાની ઉંમરના બાળકોને શાળાને હવાલે કરાતાં જોઉં છું ત્યારે દુઃખ થાય છે. કક્કો આવડયો કે ગણતરી આવડી એટલે આપણે ફુલાઈને ફાળકો થઇએ છીએ એ બાળકની પ્રગતિ નથી. આપણા વિચાર પ્રમાણે બાળકનો વિકાસ કરવાનો ના હોય, એનામાં જે કંઇ છે તેનો વિકાસ કરવાનું ધ્યાને રહેવું જોઇએ. બાળકની ઝંખનાઓને જાણ્યા વગર આપણે તેને એન્જિનિયર, ડોક્ટર બનાવવાનાં સ્વપ્નાં રોપીએ છીએ. એની પ્રગતિ મંદ પડે ત્યારે તે હતાશ થાય છે. એટલાં માબાપ પણ હતાશ થતાં હોય છે પરિવારનાં પ્રેમ પામેલાં બાળકો એ હતાશા સહન કરી જાણે છે ત્યારે વિભક્ત પરિવારનાં બાળકોમાં નવી સમસ્યાઓ સર્જાય છે. ભગવાને મોકલેલા મહેમાનને તમારે તમારા પરિવારમાં કેવી રીતે સાચવવા એ તમારા ઉપર નિર્ભર છે.
શાળા કે કોલેજમાં અપાતી માહિતી તમારા બાળકે કેટલી કંઠસ્થ કરી લીધી તે શિક્ષણ નથી જ, પણ તમારા પરિવારમાંથી તેણે કેવા સંસ્કાર ગ્રહણ કર્યા, કેવી સમજણ કેળવી, કેવી જિજ્ઞાસાને સંતોષવાની રીત અપનાવી એ વાત મહત્ત્વની છે. જીવનને સમજવાની અને માણવાની સંવેદનાશક્તિ આપે તે જ સાચું શિક્ષણ અને તેના સાચા પાઠ પરિવારમાંથી જ બાળક મેળવતું હોય છે.