રંગોની દુનિયામાં સપ્તરંગી ડૂબકી .
- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- રંગોત્સવમાં ભીંજાતા ભીંજાતા કલર્સની દુનિયામાં લટાર મારવા જેવી છે. એક સમયે પિંક મર્દાના કલર ગણાતો હતો ને બ્લૂ મહિલાઓ પસંદ કરતી હતી!
ક લર એ કુદરતનું સ્મિત છે. પ્રકૃતિનો આત્મા ઓળખવો હોય તો કુદરતમાં ઠેર-ઠેર વેરાયેલાં રંગોમાં તલ્લીન થવું પડે. અનેક રંગનાં વૃક્ષો, સજીવસૃષ્ટિનું અપાર રંગવૈવિધ્ય એ કુદરતની ચિત્રકારી છે. જંગલનો હરિયાળો રંગ સર્જનાત્મકતાનું પ્રતીક છે તો માટીનો ભૂખરો રંગ શાશ્વત વિસર્જનનો સંકેત. આકાશનો આછો બ્લૂ કલર અનેક શક્યતાઓ અને કલ્પનાને પાંખો આપે છે. લાવાનો રાતો રંગ પ્રકૃતિના પ્રકોપને વ્યક્ત કરે છે. કદાચ એટલે જ લાલ આક્રમકતાનો રંગ ગણાતો હશે.
કુદરતમાં પથરાયેલી રંગોની ચાદર માણસને જીવનના રંગોના અનેક ધાગાનો પરિચય આપે છે. રંગ માણસનો મૂડ બદલી શકે છે. રંગોની પસંદગીથી માણસનો મિજાજ કળી શકાય છે ને ચોક્કસ કલરની હાજરી-ગેરહાજરી મૂડ સ્વિંગનું રીઝન બને છે. કલર્સથી અનેક કરામતો થાય છે. કલર્સની સામાજિક ને મનોવૈજ્ઞાનિક અસરો થાય છે. અમુક રંગ પહેરનારને દુનિયા અમુક રીતે જુએ છે. અલગ અલગ કલર્સની માનવજાતે વિશિષ્ટ ઓળખ બનાવી છે. કપડાંમાં ક્યા રંગોનું મેચિંગ થાય છે તેના આધારે માણસની ડ્રેસિંગ સેન્સ નક્કી થાય છે.
કલર્સને કેન્દ્રમાં રાખીને સેંકડો વર્ષોમાં માનવજાતે કંઈ કેટલીય ધારણાઓ બાંધી છે, સેંકડો તારણો કાઢ્યા છે. અપાર આશ્વર્યો બનાવ્યા છે ને એમાંથી વળી ઘણાં ઉકેલ્યા છે. રંગોત્સવ નિમિત્તે આ વિવિધરંગી દુનિયામાં ભીંજાવા જેવું છે.
;;;
સાયન્સ કહે છેઃ રંગોની ઉત્પત્તિનો પ્રાકૃતિક મોટો સ્રોત સૂર્ય છે. સૂર્યના પ્રકાશમાંથી વિભિન્ન તરંગ લંબાઈના પરિણામનું સ્વરૂપ એટલે કલર્સ. એ રંગોને માણસ ઓળખી ન શકે જો એના દિમાગ અને આંખોમાં કુદરતે એવી વ્યવસ્થા કરી ન હોત. પ્રકાશને પારખવાની ક્ષમતાના કારણે માણસનું મગજ કલર્સને ઓળખે છે. પ્રકાશની ગેરહાજરીમાં રંગ ઓળખી શકાતા નથી. પ્રકાશની હાજરી ઉપરાંત આંખોમાં એક કુદરતી વ્યવસ્થા છે, જેને સાયન્સની ભાષામાં ટ્રાઈક્રોમેટિક કહેવાય છે. એ પ્રમાણે આંખો મૂળ ત્રણ રંગોની માહિતી દિમાગને આપે છે. દિમાગ એ ત્રણ ઉપરાંત મેળવણીના રંગો ઓળખી શકે છે. એ બધાની સેંકડો ઝાંય માણસ ઓળખી શકે છે અને એની સંખ્યા લગભગ ૧૦ હજાર જેટલી થાય છે.
વેલ, બાળક જન્મે પછીના મહિનાઓમાં સૌથી પહેલો લાલ રંગ પારખે છે. બીજા રંગો એ પછી ધીમે ધીમે ઓળખવાનું શરૂ કરે છે. લાલ રંગની લંબાઈ સૌથી વધુ હોવાથી એ ઝડપથી ઓળખાય છે. લાલ અને પીળા રંગના સતત સંપર્કમાં રહેવાથી ભૂખ ઉઘડે છે. તો વળી, બ્લૂ રંગ ભૂખ ઠારે છે. લાલ તો પાછો આક્રમકતા અને હિંસાનોય કલર છે. અહિંસા અને શાંતિનો કલર શ્વેત છે એટલે જ લગભગ બધા ધર્મોની સ્વર્ગની કલ્પનામાં વ્હાઈટ રંગનું પ્રભુત્વ છે!
પુરુષો અને સ્ત્રીઓની રંગ પારખવાની ક્ષમતા જુદી જુદી હોય છે. પુરુષો કાયમ રંગ ઓળખવામાં ગોટાળા કરે છે અને મહિલાઓ સેકન્ડમાં રંગ ઓળખી કાઢે છે. એ પાછળ બંનેની શરીરરચના જવાબદાર છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે પુરુષ માટે પહેલી નજરે લાલ એટલે પ્યોર લાલ. એના શેડ્સ પારખવામાં પુરુષ ગોથે ચડી જાય છે. પરંતુ મહિલા એક જ નજરમાં લાલ, મરૂન અને ટમેટાં લાલને કાચી સેકન્ડમાં અલગ તારવી બતાવે છે. આ તો થઈ એક કલરની વાત, મોટાભાગના કલર્સના શેડ્સ પારખવાની સ્ત્રીની આવડત અનોખી છે અને આવું થવાનું કારણ છે એક્સ ક્રોમોસોમ. પુરુષમાં એક્સ-વાયની જોડી હોય છે, જ્યારે સ્ત્રીમાં એક્સ-એક્સની. રંગ વૈવિધ્ય એક્સ ક્રોમોસોમમાં હોવાથી સ્ત્રીને એ ક્ષમતા બેવડી મળે છે.
વાદળી દુનિયાનો સૌથી પોપ્યુલર કલર છે. બે-એક વર્ષ પહેલાં થયેલાં એક સર્વેક્ષણમાં જણાયું કે ૪૦ ટકા લોકોનો ફેવરિટ કલર બ્લૂ છે. લાલ અને લીલો રંગ અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે રહ્યો હતો. આશ્વર્યજનક રીતે પીળો લોકોને ઓછો ગમતો રંગ છે. ઓરેન્જ રંગનેય લોકોએ ઓછો પસંદ કર્યો હતો. આ સર્વેક્ષણ પહેરવેશમાં પસંદ થતાં રંગો પર આધારિત હતો. દુનિયામાં મોટાભાગના લોકો પાસે એકથી વધુ રંગની પસંદગી હોય ત્યારે બ્લૂ રંગનાં કપડાં મેદાન મારી જાય છે.
એકથી વધુ રિસર્ચ કહે છે એમ પિંક કલર ગુસ્સા પર ઠંડું પાણી રેડે છે. ને કદાચ એટલે જ પિંકને મહિલાની સૌમ્ય પ્રકૃતિ સાથે જોડવામાં આવ્યો હશે? અચ્છા, પિંક કલર મહિલાઓનો અને બ્લૂ પુરુષોનો - એવી વ્યાપક માન્યતા અત્યારે છે. બ્યૂટી પ્રોડક્ટ્સમાં એટલે જ પિંક પેકેજિંગ થાય છે. મહિલાઓ ગુલાબી રંગ વધારે પહેરે છે પણ પુરુષો ઘેરો ગુલાબી રંગ પહેરે તો કાર્ટૂનમાં ખપી જાય છે! પુરુષો માટે વાદળી રંગ અને સ્ત્રીઓ માટે ગુલાબી એવી માન્યતા પાછળના કારણોય રસપ્રદ છે.
;;;
આજે બાળકોનાં રમકડાંના સ્પષ્ટ બે રંગના ભાગ જોવા મળે છે. છોકરાઓ માટેની સાઈકલ, કાર કે બીજું કંઈ પણ હોય એનો કલર વાદળી હોય. રમકડું આખું વાદળી ન હોય તો એકાદ ભાગ વાદળીથી રંગ્યો હોય. છોકરીઓનાં રમકડાંનો રંગ મોસ્ટલી પિંક હોય. કપડાંમાં પણ એવું ક્લાસિફિકેશન દેખાય. બાળકોને ગિફ્ટ કરવાના કપડાં લેવા દુકાનમાં જાઓ તો દુકાનદાર સૂચન કરશે - બેબી હોય તો પિંક લઈ જાવ. બાબા માટે બ્લૂ બેસ્ટ.
મોટા થયા પછીય આ ક્લાસિફિકેશન દૂર થતું નથી. ગુલાબી એટલે મહિલાનો રંગ, વાદળી એટલે પુરુષોનો કલર. આજે જોવા મળતી આ સ્થિતિ એક સદી પહેલાં ન હતી. ઈનફેક્ટ, આનાથી તદ્ન જુદી હતી. પુરુષોનો કલર પિંક હતો ને સ્ત્રીઓ માટે બ્લૂ કલરની ભલામણ થતી. પ્રથમ વિશ્વયુદ્ધ સમયના દસ્તાવેજો કહે છે એમ તે વખતે બ્લૂ-પિંકના ભાગ પડયા ન હતા. હજારો નર્સ બ્લૂ ડ્રેસ પહેરતી હતી. ફ્રાન્સ સહિત ઘણાં દેશોની આર્મીનો ડ્રેસ બ્લૂ હતો.
એ ગાળામાં પિંક તો મર્દાના રંગ ગણાતો. જગ વિખ્યાત ટાઈમ મેગેઝીને વિશ્વયુદ્ધના સમયગાળામાં એક લેખમાં લખ્યું હતું એ પ્રમાણે અમેરિકાના ન્યૂયોર્ક, બોસ્ટન જેવા શહેરોમાં કપડાંની દુકાન બહાર યુવાનોને પિંક રંગનાં કપડાં પહેરવાની ભલામણ કરવામાં આવતી હતી. જાહેરાતોમાં એવું લખાતુંઃ 'તમે આકર્ષક વ્યક્તિત્વ દેખાડવા ઈચ્છો છો, તો પિંક રંગ પર પસંદગી ઉતારો.' અનુભવી મહિલાઓ નવી વહૂને સલાહ આપતીઃ 'તારો વર સારો દેખાય એવું ઈચ્છતી હોય તો પિંક કપડાં પહેરાવ!' ૧૯૨૫માં આવેલી નોવેલ ધ ગ્રેટ ગેટ્સબીમાં એક જગ્યાએ પિંક રંગને પુરુષોનો રંગ ગણાવાયો છે. એના પરથી બનેલી લિયોનાર્ડોની એ જ નામની ફિલ્મમાં એને ઘણા સીનમાં પિંક કપડાં પહેરાવાયા છે. એ અરસામાં પુરુષોની ટાઈનો રંગ પિંક જોવા મળતો ને મહિલાઓ બ્લૂ ડ્રેસ પર પસંદગી ઉતારતી.
બીજુ વિશ્વયુદ્ધ આવતાં આવતાં પુરુષોની ટાઈનો રંગ પિંકમાંથી બ્લૂ થઈ ગયો ને મહિલાઓનો પસંદીદા રંગ બ્લૂમાંથી પિંક થઈ ગયો. આવું થવા પાછળ બે-ત્રણ મહત્ત્વની ઘટના જવાબદાર હોવાનું કહેવાય છે. હિટલરે ઓળખ માટે કેદીઓને ચિહ્નો આપ્યા હતા. એમાં યહૂદીઓ માટે યલ્લો રંગ રખાયો. હોમોસેક્યુઅલ હોય તેમની ઓળખ પિંક રંગથી કરાતી. યુદ્ધ કેદી સૈનિકોને બ્લૂ રંગ મળ્યો. સમયાંતરે પિંક સજાતીય આંદોલનનો પ્રતીક રંગ બન્યો ને મહિલાઓની પસંદ પણ બનતો ચાલ્યો. વિશ્વયુદ્ધ પછી અમેરિકાનો દબદબો દુનિયાભરમાં વધ્યો હતો. અમેરિકન પ્રમુખ ડ્વાઈટ આઈઝનહોવરનાં વાઈફ ફર્સ્ટ લેડી મેમી મોટાભાગની પબ્લિક ઈવેન્ટમાં પિંક પોશાક પહેરતા. નેકલેસ પણ મેચિંગ પિંક. તે એટલે સુધી કે જૂતાનો રંગ પણ પિંક હોય. ફર્સ્ટ લેડીનો અમેરિકામાં સેલિબ્રેટી જેવો દરજ્જો ત્યારેય હતો. તેમના પગલે અમેરિકામાં કેટલીય મહિલાઓએ પિંક રંગ પર પસંદગી ઢોળી. માર્કેટમાં પિંકની એટલી ડિમાન્ડ વધી કે દુકાનદારો પ્રોડક્ટને 'મેમી પિંક'ના નામે માર્કેટિંગ કરીને વેચી નાખતા.
પિંકની પોપ્યુલારિટીમાં અભિનેત્રીઓનો રોલ પણ ખરો. મેરિલિન મૂનરો ફિલ્મી પાર્ટીઓમાં રેડ કે પિંકમાં જ જોવા મળતાં. આ રંગો ધ્યાન ખેંચે એવા હોવાથી તેમણે કદાચ એના પર પસંદગી ઉતારી હશે. પરંતુ એ ગાળાના ગોસિપ મેગેઝીનો માટે તેમનો ડ્રેસ પણ ચર્ચાનો વિષય બનતો. સફળ અભિનેત્રીનું જોઈને ઘણી ઉભરતી અભિનેત્રીઓ પણ પિંક પહેરતી થઈ. આખરે પિંકનું માર્કેટ જામ્યું. બ્યૂટી પ્રોડક્ટ્સમાં પિંક પેકેજિંગનો દબદબો વધ્યો. અમેરિકાનો પ્રભાવ દુનિયાભરમાં ઝીલાયો. પરિણામે પિંક જગતભરની મહિલાઓનો ગમતો રંગ બની ગયો. અથવા તો પિંકમાં જ પ્રોડક્ટ-કપડાં મળતાં થયા એટલે એ કલર ગમવા માંડયો. દોઢેક દશકામાં એટલું પરિવર્તન આવી ગયું કે બ્લૂને બદલે પિંક રંગ મહિલાઓની પસંદગીના કલરનું ટેગ મેળવી ગયો ને પુરુષોના ભાગે બ્લૂ આવી ગયો.
;;;
મનોવિજ્ઞાનના દૃષ્ટિકોણથીય રંગના અસંખ્ય સંશોધનો થયા છે, થઈ રહ્યાં છે. બહુ ડાર્ક રંગ નિરાશાનું પ્રતીક ગણાય છે. લાઈટ રંગો હકારાત્મક છે. આ બાબતે ધાર્મિક માન્યતા અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણમાં ઘણું સામ્ય છે.
આ બધા સંશોધનો-તારણો વચ્ચે કુદરતના બધા રંગોની એક આગવી વિશેષતા છે. આગવો મિજાજ છે. બધા રંગોમાં રંગાઈ જવું એ જ લાઈફ છે. જેમ એક રંગ કરતાં અનેક રંગોનું મેઘધનુષ આકર્ષે છે એમ વ્યક્તિત્વમાં, પોશાકમાં, મિજાજમાં અલગ અલગ રંગો હોય તો વ્યક્તિ વધારે આકર્ષક બને છે.
હેપી હોલી!
સફેદ કાર વધુ સલામત
અમેરિકાની નોર્થ કેરોલિના યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયાની એડીલેડ યુનિવર્સિટીના બે જુદા જુદા સંશોધનમાં ઈન્ટરેસ્ટિંગ તારણ અપાયું કે સફેદ કાર સૌથી સલામત છે. બીજા રંગની કાર કરતાં બ્લેક-ગ્રે રસ્તા પર સફેદ કાર તુરંત ધ્યાનમાં આવતી હોવાથી માર્ગ અકસ્માતનું જોખમ અન્ય રંગની કાર કરતાં ૫૮ ટકા ઘટી જાય છે. બરફિલા પ્રદેશને બાદ કરતાં સફેદ કાર દુનિયાભરના રસ્તાઓમાં સૌથી સલામત રંગ ગણાવાયો. સલામતીના મામલે સિલ્વર રંગ બીજા ક્રમે છે. એક કાર કંપનીના સર્વેક્ષણમાં જણાયું કે કારનો વ્હાઈટ રંગ બહુમતી લોકોને પસંદ પડે છે. વ્હાઈટ મેઈન્ટેઈનન્સમાં સરળ છે અને ખરાબ થાય ત્યારે મેળવણી ઈઝી છે એટલે એ રંગ પર લોકો પસંદગી ઉતારે છે. લાલ અને બ્લૂ એ પછીના ક્રમે આવે છે.