Get The App

સાઈન ઈન હર્ષ - મેસવાણિયા

Updated: Jun 23rd, 2018

GS TEAM

Google News
Google News
સાઈન ઈન હર્ષ - મેસવાણિયા 1 - image

નોકરીના છેલ્લાં દિવસે ન કરવાના કામ કરનારા કર્મચારીઓ!

બેંગ્લુરુનો એન્જિનિયર છેલ્લાં દિવસે ઘોડા ઉપર ચડીને નોકરીએ ગયો તે વીડિયો ગયા વીકમાં વાયરલ થયો હતો

એક જ કંપનીમાં, એક જ ઓફિસમાં લાંબો સમય નોકરી કરી હોય એવા કિસ્સામાં કર્મચારીનું ભાવનાત્મક જોડાણ એ કંપની, સ્થળ અને સહકર્મચારીઓ સાથે થતું હોય છે. કેટલીય ખાટી-મીઠી યાદો એ ઓફિસ સાથે, એ ઓફિસના કર્મચારીઓ સાથે જોડાયેલી હોય ત્યારે છેલ્લા દિવસે ખાલીપાનો અનુભવ થઈ શકે.

પણ દુનિયામાં બધા જ કર્મચારીઓને ઓફિસમાં સારો જ અનુભવ થયો હોય એવું બનતું નથી. ઘણાં કર્મચારીઓને કડવા અનુભવો ય થાય છે. ઘણાંને નોકરીમાંથી કોઈને કોઈ કારણોસર કંપનીએ જ રજા આપી હોય છે. એવા કિસ્સામાં છેલ્લા દિવસે કંઈકનું કંઈ કારસ્તાન કરીને કંપની-બોસ-સહકર્મચારીઓને પાઠ ભણાવવા ઘણાં કર્મચારીઓ આતુર હોય છે!

છેલ્લાં દિવસે મેગેઝિનના કવરપેજ ઉપર ન્યૂડ કાર્ટૂન મૂકી દીધું!
કંપનીને પાઠ ભણાવવા આતુર હોય એવા જ એક કર્મચારીનું નામ છે લ્યૂક બેન્જ. ઓસ્ટ્રેલિયાના બિટ નામના મેગેઝિનનો ટાઈપસેટર લ્યૂક બેન્જ ઓસ્ટ્રેલિયા છોડીને અમેરિકા સ્થાઈ થવાનો હતો. એ નોકરી છોડે તે પહેલાં જ મેગેઝિને તેને બદલે કોઈ નવા કર્મચારીને નોકરીએ રાખી લીધો. રિપ્લેસમેન્ટ આવી ચૂક્યું હોવાથી લ્યૂકની નોકરી ગમે ત્યારે જાય તેવા સંજોગો હતાં. આમેય તે અમેરિકા સેટ થવાનો હતો એટલે તેણે મેગેઝિનના મેનેજમેન્ટ સામે બદલો લેવાનું વિચાર્યું.

નોકરીના છેલ્લાં દિવસે તે મોડે સુધી રોકાયો. મેગેઝિનનો એડિટોરિયલ સ્ટાફ ઘરે જતો રહ્યો પછી મેગેઝિનમાં સેટ થયેલી તમામ તસવીરોને બદલે તેણે અશ્લિલ તસવીરો મૂકી દીધું. એ આટલેથી ન અટક્યો, તેણે મેગેઝિનના કવરપેજ ઉપર પોતાનું જ ન્યૂડ કાર્ટુન મૂકી દીધું. મેગેઝિનની નકલો રાતે જ છપાવાની હતી. સવાર સુધીમાં તો ઘણી નકલો ગ્રાહકો સુધી રવાના થઈ ચૂકી હતી. મેગેઝિનના પ્રકાશકોને આ ગરબડની જાણ થઈ તે પછી બીજા દિવસે સવારે નકલો પાછી ખેંચવાનો આદેશ થયો, પરંતુ ત્યાં સુધીમાં લગભગ ૩૫ હજાર કોપી ગ્રાહકો સુધી રવાના થઈ ચૂકી હતી.

તુરંત નવો અંક પ્રસિદ્ધ કરીને મેગેઝિનના પ્રકાશકોએ આખી ઘટના વાંચકોને જણાવી, વાંચકોની માફી માગી. મેગેઝિન મેનેજમેન્ટે લખ્યું હતું:'અમારું કવરપેજ હાઈજેક થયું હતું. અમારા બહુ જ વહાલા અને તરંગી ટાઈપસેટર લ્યૂક બેન્જે આ પરાક્રમ કર્યું હતું. અમે ધારતા હતા એનાથી વધુ સમય એ ઓફિસમાં યાદ રહેશે!'
જોકે, કંપનીએ તેની સામે કોઈ જ ગંભીર પગલાં ભર્યા ન હતા. નોકરીના છેલ્લા દિવસે એક કર્મચારીએ કરેલા વિચિત્ર પરાક્રમની એ ઘટનાને આખા ઓસ્ટ્રેલિયાના અખબારોમાં ય સ્થાન મળ્યું હતું. કર્મચારી સામે કંપનીએ કોઈ પગલાં ન ભર્યા તે બદલ કંપનીની ય પ્રશંસા થઈ હતી. એવી જ પ્રશંસા ગયા વર્ષે ટ્વિટરને ય મળી હતી.

ટ્વિટરમાં કામ કરતા બેહતિયાર ડયસેક નામના કર્મચારીએ નોકરીના છેલ્લાં દિવસે ગત વર્ષે નવેમ્બરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ જ ડિલિટ કરી દીધું. ૧૧ મિનિટ સુધી ટ્રમ્પનું અકાઉન્ટ બંધ રહ્યું પછી ટ્વિટર યુઝર્સની ફરિયાદના આધારે ટ્વિટરે ફરીથી ચાલુ કરી દીધું, પરંતુ પછી ટ્વિટર મેનેજમેન્ટે જ ખુલાસો કર્યો કે નોકરીના છેલ્લાં દિવસે કર્મચારીએ 'ભૂલ'થી પ્રેસિડેન્ટનું અકાઉન્ટ ડિલિટ કર્યું હતું. જર્મનીનો બેહતિયાર અમેરિકામાં સ્ટૂડન્ટ વિઝા ઉપર હતો અને ટ્વિટરમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કાર્યરત હતો.
બેહતિયાર વિરૃદ્ધ ટ્વિટરના મેનેેજમેન્ટે કોઈ પગલાં ન ભર્યા. ટ્વિટરના મતે બેહતિયારે પ્રમુખનું અકાઉન્ટ ભૂલથી ડિલિટ કર્યું હતું. ટ્વિટરની ઈમેજને  ધક્કો પહોંચે એવું કોઈ કામ કર્યું ન હતું.
ફ્લાઈટ રસ્તામાં હતી ત્યારે જ ક્રુ મેમ્બરે રાજીનામુ આપી દીધું

૨૦૧૦માં સ્ટીવન સ્લેટર નામનો વિમાનનો એક કર્મચારી પેસેન્જર્સથી એટલો પરેશાન થઈ ગયો કે ૨૦ વર્ષની નોકરી તેણે એક જ ઝાટકે મૂકી દીધી. પિટ્સબર્ગથી ન્યૂયોર્કની ફ્લાઈટ રસ્તામાં હતી તે દરમિયાન તેણે ફ્લાઈટ ન્યૂયોર્ક પહોંચે એટલી ધીરજેય ન રાખી અને રસ્તામાં જ જાહેરાત કરી દીધી કે હું એ લોકોનો બહુ આભારી છુું, જેમણે ૨૦ વર્ષથી મને સાથ-સહકાર આપ્યો. આજે હું નોકરી છોડું છું.

નોકરી છોડતા પહેલાં સ્ટીવને વધુ સામાન લઈને મુસાફરી કરવા માંગતા તમામ મુસાફરો સામે આકરા પગલા ભર્યા. આખી જિંદગીનું એક જ દિવસમાં વસૂલ કરવાનું હોય એમ સ્ટીવને વધુ સામાન ધરાવતા મુસાફરોને એ સામાન અલગથી મોકલવા ફરજ પાડી અને ફફડાટ ફેલાવી દીધો. ફ્લાઈટમાં સિનિયરે હસ્તક્ષેપ કર્યો તો સ્પષ્ટ સંભળાવી દીધું:'એ કામ કામ મારું છે અને મારા કહેવા પ્રમાણે જ થશે!'

તે પછી તેણે ફ્લાઈટમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો અને સામાન્ય મુસાફરની અદાથી સીટ ઉપર જગ્યા લઈ લીધી. અચાનક નોકરી છોડવા બદલ સ્ટીવનને દંડ પેટે કંપનીને ૧૦ હજાર ડોલરની રકમ ચૂકવવી પડી.
જોબના આખરી દિવસે કેકમાં ક્રિએટિવિટી બતાવી

ક્રિસ હોલમસ નામના બ્રિટિશ કર્મચારીનો કિસ્સો થોડો જુદો હતો. ૨૦૧૩માં ક્રિસ હોલમસ બ્રિટિશ એરપોર્ટ ઓથોરિટી માટે કામ કરતો હતો. તેણે કોઈ જ નોટિસ આપ્યા વગર અચાનક નોકરી મૂકી દીધી, પણ તેનો નોકરી મૂકવાનો અંદાજ મેનેજમેન્ટને ગમી જાય એવો હતો.

ક્રિસ કેકના બિઝનેસમાં ઝંપલાવવા માગતો હતો. તેણે એ મેસેજ આપવાના હેતુથી લંડનના એરપોર્ટ મેનેજમેન્ટને એક કેકમાં જ રાજીનામુ આપ્યું. કેક ઉપર લખાયેલી રાજીનામાની એ તસવીર તે વખતે ફેસબુકમાં ખૂબ શેર થઈ હતી. નોટિસ આપ્યા વગર અચાનક જોબ મૂકવા છતાં એરપોર્ટ ઓથોરિટીએ ક્રિસ ઉપર કોઈ જ કાર્યવાહી ન કરી. ક્રિએટિવ રાજીનામુ આપવા બદલ અધિકારીઓએ તેની પ્રશંસા કરી તે નફામાં!

એનિમેશન આર્ટિસ્ટનો ડાન્સિંગ વીડિયો
મારિયા શિફરિન નામની એક તાઈવાનની એનિમેશન આર્ટિસ્ટ તેના બોસથી એટલી પરેશાન થઈ ચૂકી હતી કે તેણે નોકરીના છેલ્લાં દિવસે વીડિયો બનાવીને યુટયૂબ ઉપર મૂક્યો. વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું કે આ વીડિયો મારા બોસ માટે! વીડિયોમાં મારિયા ખુદ ડાન્સ કરતી હતી અને એ ડાન્સમાં તેણે ક્રિએટિવ રીતે ઓફિસના વર્ક કલ્ચરની ટીખળ કરી હતી.

વીડિયોના અંતે મારિયાએ બોસની ટીકામાં ટીપ્પણી કરતા કહ્યું હતું:'મારા બોસને હંમેશા કંપનીની યુટયૂબ ચેનલમાં મૂકાયેલા વીડિયોમાં કેટલા વ્યૂ મળ્યા એની જ ચિંતા રહેતી હોય છે. વીડિયોને કેટલાં વ્યૂ મળે છે તેના આધારે કર્મચારીને ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટીનું સર્ટિફિકેટ મળે છે. એમ કહો તો ય ચાલે કે યૂટયૂબમાં વીડિયો ન ચાલ્યો હોય તો એ કર્મચારીનું જાણે કોઈ જ અસ્તિત્વ નથી. યૂટયૂબમાં વીડિયોને વ્યૂ ન મળે તો અમારા બોસ માટે તમે કશા કામના રહેતા નથી. બોસની એ પસંદને ખાસ ધ્યાનમાં રાખીને મેં મારા ડાન્સનો આ વીડિયો બનાવ્યો છે. શક્ય હોય તો વધુમાં વધુ લોકો સુધી આ વીડિયો પહોંચાડીને મારા બોસની વ્યૂની ઈચ્છા પૂરી કરો!'

મારિયાની વિનંતી પછી એ વીડિયોને ૨ કરોડ લોકોએ જોયો હતો. બોસની ક્રિએટિવ ટીકા કરતો આ વીડિયો તાઈવાનમાં હીટ થયો હતો. મજાની વાત એ છે કે ક્રિએટિવ ફિલ્ડની કંપનીએ પણ મારિયાના વીડિયોનો જવાબ વીડિયોથી આપ્યો હતો. કંપનીના મેનેજરે એનિમેટેડ વીડિયો બનાવીને બતાવ્યું હતું કે તેણે કઈ રીતે મારિયા શિફરિનનું રાજીનામું સ્વીકાર્યું! એ વીડિયોને પણ એક કરોડ લોકોએ જોયો હતો. ઈનશોર્ટ, એનિમેશન કંપની અને મારિયા વચ્ચેની વીડિયો-વીડિયોની રમતમાં ત્રણેક કરોડ લોકોને મનોરંજન મળ્યું હતું!

એક કર્મચારીના છેલ્લાં દિવસે અન્ય કર્મચારીઓના બધા દિવસો સુધર્યા

વાઈરલ વીડિયોનો આવો જ કિસ્સો ૨૦૧૧માં અમેરિકન સ્ટેટ રોડ આઈસલેન્ડના હોટેલના કર્મચારીનો ય સામે આવ્યો હતો. જોય ડી-ફ્રાન્સેસકો નામના યુવાને એકાએક નોકરી છોડી દેવાનું નક્કી કર્યું. નોકરીના છેલ્લાં દિવસે જોય ડી-ફ્રાન્સેસકો બેન્ડ પાર્ટી લઈને હોટેલ સુધી પહોંચ્યો. હોટેલ મેનેજર કંઈ સમજે તે પહેલાં ડાન્સ કરતો કરતો તે મેનેજરની કેબિનમાં પહોંચી ગયો અને તેના હાથમાં રાજીનામું થમાવી દીધું. તેનો વીડિયો વાયરલ થયો અને લગભગ ૬૦ લાખ લોકોએ એ વીડિયો જોયો.

કર્મચારીએ વીડિયો પોસ્ટ કર્યો તેની સાથે માહિતીમાં લખ્યું હતું એ પ્રમાણે હોટેલના સ્ટાફને ઘણાં લાંબાં સમયથી હોટેલ કર્મચારી યૂનિયનના સભ્ય બનવા બાબતે હોટેલ મેનેજમેન્ટ સાથે મતભેદો ચાલતા હતા. તેના કારણે હોટેલ મેનેજમેન્ટે કર્મચારીઓ સાથે ખરાબ વર્તન શરૃ કર્યું હતું. એનાથી ત્રાસીને જોયે આખરે રાજીનામુ ધરી દીધું.

તેના આ વીડિયો પછી સોશિયલ મીડિયામાં અસંખ્ય લોકોએ હોટેલની ટીકા કરી. કેટલાક લોકોએ તો હોટેલનો બહિષ્કાર કરવાની ય ઝુંબેશ ચલાવી. જોયનો જોબનો છેલ્લો દિવસ રંગ લાવ્યો હોય એમ હોટેલ મેનેજમેન્ટે માફી માગી લીધી. જોયના બલિદાન પછી બંને પક્ષે વાત થાળે પડી ગઈ! જોયે એ નોકરી મૂક્યા પછી બેન્ડ પાર્ટીના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું.

નોકરીના છેલ્લાં દિવસે ઘણાં કર્મચારીઓ મેનેજમેન્ટને પાઠ ભણાવવા કે પછી અન્યથી અલગ કરવા આવા જાત-ભાતના કામ કરતા હોય છે. આવા કર્મચારીઓને શું કહીશું? નિડર, તરંગી કે ક્રિએટિવ?
 

૨૦૧૩માં ક્રિસ હોલમસ બ્રિટિશ એરપોર્ટ ઓથોરિટી માટે કામ કરતો હતો. તેણે કોઈ જ નોટિસ આપ્યા વગર અચાનક નોકરી મૂકી દીધી અને છેલ્લાં દિવસે આ રીતે કેક ઉપર રાજીનામુ આપ્યું હતું
વેગનિઝમને પ્રમોટ કરવાના હેતુથી બેંગ્લુરુનો સોફ્ટવેર એન્જિનિયર રૃપેશ કુમાર છેલ્લાં દિવસે ઘોડે ચડીને ઓફિસ પહોંચ્યો હતો. ખભે લેપટોપ લટકાવીને ઘોડે ચડેલા આ એન્જિનિયરનો વીડિયો ગયા વીકમાં વાયરલ થયો હતો

ઓસ્ટ્રેલિયાના મેગેઝિનમાં કામ કરતા ટાઈપસેટરે મેનેજમેન્ટથી કંટાળીને એવું કારસ્તાન કર્યું કે કવરપેજ ઉપર પોતાનું જ ન્યૂડ કાર્ટૂન સેટ કરી દીધું હતું. મેગેઝિને ૩૫ હજાર વાચકોની માફી માગવી પડી હતી

Tags :