- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર
ચંદ્રધર શર્મા ગુલેરી લિખિત 'ઉસને કહા થા' (૧૯૧૫) હિંદીની પ્રશિષ્ટ નવલિકા છે. બિમલ રોયે તેના પરથી, સુનીલ દત્ત અને નંદા અભિનિત, ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ રહ્યો નવલિકાનો સંક્ષેપ :
બીજાં શહેરોના ટાંગાવાળા ભલે એલફેલ બોલતા હોય, પરંતુ અમૃતસરમાં તેમની જ બિરાદરીવાળા, ભારે ધીરજથી, દરેક રાહદારી માટે રોકાઈને, 'બચો ખાલસા જી' 'હટો ભાઈ જી', 'આને દો બાછા' કહેતા, સફેદ ફેંટા, ખચ્ચરો, બતકો, શેરડી અને ખુમચાવાળાના જંગલમાંથી માર્ગ કાઢી લે છે. આવા વિસ્તારમાં એક કિશોર અને એક કિશોરી ચોકની દુકાન પર મળી ગયાં. પેલાના કેશ અને પેલીના સુથના (પાયજામા) પરથી દેખાતું હતું કે બન્ને શીખ છે. 'તું ક્યાં રહે છે?' 'અતરસિંહની બેઠકમાં, મારા મામા થાય.' 'હું ય મામાને ઘરે આવ્યો છું, એમનું ઘર ગુરુ બજારમાં.' ખરીદી કરીને બેય સાથે ચાલ્યાં. 'તારી સગાઈ થઈ ગઈ?' સ્મિત સાથે કિશોરે પૂછયું. 'ધત્' કહીને કિશોરી દોડી ગઈ. દર બીજે-ત્રીજે દિવસે બન્ને બજારમાં ભટકાઈ જતાં. કિશોર ફરી પૂછતો, 'તારી સગાઈ થઈ ગઈ? 'ધત્' કરીને પેલી ભાગી જતી. એક વાર કિશોરે પૂછયું ત્યારે કિશોરી બોલી, 'થઈ ગઈ સગાઈ, જોતો નથી આ રેશમી ઓઢણી?' ઘેર જતાં કિશોરે એક છોકરાને નાળામાં ધકેલી દીધો,કૂતરાને પથ્થર માર્યો અને કાછિયાની લારીમાં દૂધ ઢોળ્યું.
દ્રશ્ય બદલાય છે. ખાઈમાં બેઠેલા જમાદાર લહનાસિંહ અને સૂબેદાર હજારાસિંહ બબડે છે, 'આ કેવી લડાઈ? લુધિયાણા કરતાં દસ ગણી ઠંડી! ઉપરથી વરસાદ અને હિમ! બેઠે બેઠે હાડકાં અકડાઈ ગયાં. કાન ફાડી નાખતા ધમાકાઓથી ધરતી ધૂ્રજે છે. જો બેયોનેટ લઈને હુમલો કરવાનો ઓર્ડર મળે તો બતાવી દઈએ!' લહનાસિંહ આખી રાત પોતાની કામળી માંદા બોધાસિંહને ઓઢાડતો હતો, અને પોતે સગડીની ગરમીથી ચલાવી લેતો હતો. પોતે કીચડમાં પડયો, બોધાસિંહને સૂકી લાકડીના પાથરણે સુવાડતો હતો. ત્યાં અફસરનો હુકમ છૂટયો, 'સૂબેદાર હજારાસિંહ! માઇલની અંતરે પચાસ જર્મન સૈનિકો ખાઈમાં બેઠા છે. તમે બધાં નીકળો અને ત્યાં કબજો જમાવો. અહીં દસ સૈનિક મારી પાસે છોડતા જાઓ.' સૂબેદાર નીકળી પડયો. પાછળ રહેલા જમાદાર લહનાસિંહને શક પડયો. તેણે અફસર સાથે વાતો કરીને જાણી લીધું કે એ નકલી છે, જર્મનોનો મળતિયો છે. તેણે નકલી અફસરને ઠાર માર્યો. એક જવાનને હુકમ કર્યો કે સૂબેદારને તેની ટુકડી સાથે પાછો બોલાવી આવ. એટલામાં સિત્તેર દુશ્મન સૈનિકો ત્રાટક્યા. આ બાજુ આઠ શીખ. લહનાસિંહે તાકી તાકીને અનેકને માર્યા, પણ તેની પાંસળી ગોળીથી વીંધાઈ. 'વાહે ગુરુજી કી ફતહ'ના ઘોષ સાથે સૂબેદારની ટુકડી પાછી ફરી. જર્મન સૈનિકો ઘંટીના બે પડ વચ્ચે દળાઈ ગયા. દોઢ કલાકે ઘાયલોને લેવા ગાડીઓ આવી પહોંચી. લહનાસિંહે તાવમાં બબડતા બોધાસિંહને ગાડીમાં બેસાડયો અને સાથે તેના બાપ સૂબેદાર હજારાસિંહને પણ. સૂબેદારે લહનાસિંહને સાથે આવવા જોર કર્યું, પણ 'હું ઠીક છું, બીજી ગાડી આવે તેમાં જઈશ' કહી તે ધરાર ન બેઠો. લહનાસિંહે સૂબેદારને એટલું જ કહ્યું, 'સૂબેદારનીને કહેજો કે એણે મને જે કહ્યું હતું, તે મેં કર્યું.' ગાડી ઊપડી ગઈ પછી લહનાએ સાથીદારને કહ્યું, 'મારો કમરબંધ ખોલી નાખ. લોહીથી તરબતર છે... ઉસને કહા થા!' તેને યાદ આવતું હતું, યુદ્ધમાં જવાનો હુકમ આવ્યો ત્યારે સૂબેદારે લહનાને પોતાને ગામ બોલાવ્યો હતો, 'આપણે સાથે નીકળીશું.' એકાંત મળતાં સૂબેદારનીએ લહનાને પૂછયું હતું, 'મને ન ઓળખી?- અમૃતસર- તારી સગાઈ થઈ ગઈ?-ધત્- હા થઈ ગઈ!' લહનાને કિશોરકાળનો સ્નેહ સાંભર્યો. સૂબેદારની બોલી, 'તેં ટાંગાના ઘોડાની લાત ખાઈને મારા પ્રાણ બચાવ્યા હતા. મારો ધણી અને એકનો એક દીકરો બોધાસિંહ મોરચે જાય છે. એમના પ્રાણ પણ બચાવજે. હું ભિક્ષા માગું છું.'
હવે લહનાનાં સાનભાન રહ્યાં નહોતાં. તે પોતાનું ગામ યાદ કરતો હતો, 'આ વરસે આંબે ફળ બેસશે. બધાં ખૂબ ખાજો.' થોડા દિવસો બાદ અખબારમાં છપાયું, 'ફ્રાંસ અને બેલ્જિયમ, સૂચિ ક્ર. ૬૮, રણભૂમિમાં લડતાં મર્યો, શીખ રાઇફલ્સ, જમાદાર લહનાસિંહ.'
આ પ્રેેમ અને કુરબાનીની કથા છે. કોઈ પૂછશે, કિશોરકાળમાં થોડી મુલાકાતો થઈ એમાં પ્રેમ થઈ ગયો? એને સારુ કંઈ પ્રાણ ન્યોચ્છાવર કરી દેવાય? મીર તકી મીરનો શેર છે, 'રોજ મિલને પે નહીં નિસ્બતે ઈશ્કી મૌકૂફ, ઉમ્ર ભર એક મુલાકાત ચલી આતી હૈ' પ્રેમ થવા માટે એક વારનું મળવું પૂરતું છે. પહેલી નજરના એ પ્રેમમાં શરતો નહોતી, અપેક્ષા નહોતી, નરી નિર્દોષતા અને મુગ્ધતા હતી. શીખ સૈનિક મરવા માટે તૈયાર જ હોય, એમાં વળી પ્રેમની દુહાઈ ભળી. પ્રેમ અને યુદ્ધ મહાકાવ્યના અને ફિલ્મના પ્રિય વિષયો રહ્યા છે. 'યુદ્ધસ્ય કથા રમ્યા.' કિશોરકાળના રમતિયાળ દિવસોની વાત કરવા માટે લેખકે અમૃતસરના ટાંગાવાળાનું અને કિશોર-કિશોરીના સંવાદોનું રમતિયાળ શૈલીમાં વર્ણન કર્યું છે. મહાભારતમાં કુંતીએ કર્ણ પાસે એના જન્મનું રહસ્ય ખોલ્યું અને પોતાના ચાર પુત્રોની જિંદગીનું રક્ષણ માગી લીધું. સૂબેદારનીએ લહનાસિંહ પાસે બચપણની મુલાકાતોનું રહસ્ય ખોલીને ધણી-પુત્રના પ્રાણોનું રક્ષણ માગી લીધું. કર્ણને આપણે ટ્રેજિક હીરો- કરુણાંત મહાનાયક- ગણીએ છીએ. લહનાસિંહને પણ આપણે કરુણાંત નાયક ગણી શકીએ.


