Get The App

ગોધરા પ્લેગના સંકટમાં પણ વલ્લભભાઈની કુટુંબભાવના અડગ રહી

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
ગોધરા પ્લેગના સંકટમાં પણ વલ્લભભાઈની કુટુંબભાવના અડગ રહી 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- 'પૂજ્ય નરસિંહભાઈ, અહીં પ્લેગનું જોર વધી રહ્યું છે. રોજના દસ કેસ થાય છે અને ઉંદરો ઘણાં મરે છે. કોર્ટમાં કામકાજ અટકી પડયું છે, અને આવતા બે-ત્રણ મહિના સુધી શરૂ થાય તેવું લાગતું નથી...'

- વલ્લભભાઈ, મોટાભાઈ નરસિંહભાઈ સાથે...

ગુ જરાતની એક મહત્ત્વની ઈતિહાસઘટના, જે ગુજરાતના માર્ગે આખા દેશમાં અને  વિશ્વમાં નોંધનીય બની, તે ગોધરા નગર છે. પંચમહાલના પ્રવેશદ્વારે આવેલું આ શહેર તે વખતે અને આ સદીમાં પણ (ઈ.સ.૨૦૦૨) અનેક બાબતો, ઘટનાઓ અને ઉથલપાથલો માટે ઈતિહાસનું કાળું પ્રકરણ બની રહ્યું છે. તેમાં વલ્લભભાઈ પટેલના પોતાના જીવનના મહત્ત્વના વળાંકો તથા પ્રવાહો પણ બાકાત નથી.

હા જી, વલ્લભભાઈનો ગોધરા પ્રવેશ અને ગોધરાસંબંધ તેમના પૂર્વ જીવન માટે સીમાચિહ્ન રૂપ છે. કારણ કે ઈ.સ.૧૯૦૦ના જૂલાઈ મહિનામાં તેઓ ખેડા જિલ્લો છોડીને, ભણતરના કે શાળાજીવનના વર્ષો છોડીને, એકલા-એકલવાયા જીવનને છોડીને જ્યારે ગોધરા પ્રવેશ કરે છે, ત્યારે તેમનાં વ્યવસાયિક જીવન અને સાંસારિક જીવનનો પ્રારંભ થાય છે. જો કે તેમનો આ ગોધરા નિવાસ ઘણો ટૂંકો, માત્ર દોઢ-બે વર્ષનો જ રહ્યો હતો. છતાં વકીલાતના એ પ્રારંભિક વર્ષો હોવાના કારણે, પત્ની ઝવેરબા સાથે પહેલી વખત લગ્નજીવનનો સહવાસ શરૂ થયો હોવાને કારણે અને પ્લેગ જેવી મહામારીમાં પણ અડગતાની એરણે સફળ ઘડતર થયું હોવાને કારણે વલ્લભભાઈનો ઈ.સ. ૧૯૦૦થી ૧૯૦૨ સુધીનો ગોધરાનિવાસકાળ અનેક બાબતોમાં નોંધનીય વળાંક બને છે.

વકીલાત માટેની ડિસ્ટ્રીક્ટ પ્લીડરની પરીક્ષા પાસ કર્યા પછી, જેમ નડિયાદના અનેક વરિષ્ઠ વકીલોએ વલ્લભભાઈને પોતાના આસીસ્ટન્ટ કે સહાયક તરીકે પ્રેક્ટીસ શરૂ કરવા આમંત્ર્યા હતા, તે રીતે ગુરુબંધુ વિઠ્ઠલભાઈએ પોતાના નાનાભાઈને વકીલાતમાં ભાગીદાર તરીકે જોડાવા માટે ગોધરા બોલાવ્યાં હતા. કારણ કે એ સમયે વિઠ્ઠલભાઈએ તો મુંબઈથી આ વકીલાતની પરીક્ષા પાસ કરીને ઈ.સ.૧૮૯૫થી ગોધરામાં પોતાની વકીલાત શરૂ કરી દીધી હતી. આથી તેઓ ત્યાં પૂરેપૂરા ગોઠવાઈ ગયા હતા. પરંતુ કોઈના મહોતાજ નહીં રહેવાની ખુમારી અને સ્વતંત્ર રહેવાની પ્રકૃતિને કારણે વલ્લભભાઈએ મોટાભાઈની આ ઓફર સ્વીકારી નહોતી.

ઈ.સ.૧૯૦૦ની સાલમાં જોગાનુજોગ એવું બન્યું કે વિઠ્ઠલભાઈએ પોતાની વકીલાત ગોધરાથી બોરસદ કોર્ટમાં, તબદીલ કરી, એટલે વલ્લભભાઈનો ગોધરા પ્રવેશનો માર્ગ મોકળો બનેલો. પરંતુ દુકાળમાં અધિકમાસ નડે, તેમ વલ્લભભાઈને ગોધરામાં પહેલાં જ વર્ષે પ્લેગની મહામારીનો મરણતોલ ફટકો પડયો. પ્લેગમાં સપડાયેલાં પોતાના મિત્રપુત્રના દીકરાની તેમણે કાળજીથી સેવા કરી, તો ય તે તો ગયો. એને સ્મશાને વળાવીને આવ્યાં ત્યાં તો પોતાને પણ પ્લેગની ગાંઠ નીકળી હોવાનું અનુભવ્યું. એમાંથી તેઓ માંડ બચ્યાં. આવા કપરાં કાળે પણ વલ્લભભાઈએ પોતાની અડગતા, પરદુ:ખભંજન પ્રકૃતિ અને કુટુંબ વત્સલતા કદી છોડી નથી.

કારણ કે આ મહામારીના સમયે તેમણે પોતાના બીજા નંબરના નરસિંહભાઈ ઉપર ગોધરાથી કરમસદ એક પત્ર લખ્યો હતો. ઈ.સ.૧૯૦૧ની ૧૬મી માર્ચે લખેલાં આ પત્રમાં તેમણે પ્લેગના મહાસંકટને કારણે વકીલાતના વ્યવસાયમાં આવેલી મંદી અને કરમસદના કુટુંબીજનોની ચિંતા વ્યક્ત કરતી લાગણી દર્શાવી હતી. વળી આ પત્રની વિગતો પરથી એમ પણ જાણી શકાયું કે એ વખતે વલ્લભભાઈ સાથે ગોધરામાં એકલા પત્ની ઝવેરબા જ નહોતા રહેતાં, પરંતુ પોતાના નાનાભાઈ કાશીને પણ તેમણે ગોધરામાં રાખ્યાં હતા. આ પત્ર તે સમયની વલ્લભભાઈની ગોધરા-દશાનો તાદ્રશ્ય ચિતાર આપે છે, તેઓ લખે છે કે.....

'પૂજ્ય નરસિંહભાઈ, અહીં પ્લેગનું જોર વધી રહ્યું છે. રોજના દસ કેસ થાય છે અને ઉંદરો ઘણાં મરે છે. કોર્ટમાં કામકાજ અટકી પડયું છે, અને આવતા બે-ત્રણ મહિના સુધી શરૂ થાય તેવું લાગતું નથી. હમણાં તો ઘરમાં છે તેનાથી ચલાવીએ છીએ, પણ તે બાબતની ચિંતા કરવી નહીં.

તમને કેવી રીતે મદદરૂપ થઈ પડું તેનો દિવસરાત વિચાર કર્યા કરું છું. અત્યારે તો લાચાર છું, પણ મારી સ્થિતિ સુધરે ત્યારે જરૂર તમને આધાર આપીશ. પ્લેગ વધારે ફેલાશે તો કાશીભાઈને કરમસદ મોકલી આપીશ.

ત્યાંના કુશળ સમાચાર મોકલશો. પૂ. પિતાશ્રીને મારી યાદ આપજો. કંઈ કરવાનું હોય તો મને જણાવજો. વલ્લભભાઈના પ્રણામ.'

એક વાત એવી પણ જાહેર છે કે વલ્લભભાઈએ પોતાની વકીલાત ગોધરાથી બોરસદ તબદીલ કરી, તેમાં બંધુત્વભાવના હતી. એટલે કે બોરસદમાં વકીલાત કરતાં ગુરુબંધુ વિઠ્ઠલભાઈને ત્યાંની કોર્ટમાં ઘણી મુશ્કેલીઓ હતી, માટે તેમને મદદ કરવા માટે વલ્લભભાઈ ગોધરા છોડીને બોરસદ ગયા હતા. પરંતુ આ જ ગાળામાં વલ્લભભાઈએ પ્લેગની મહામારી સંદર્ભે મોટાભાઈ નરસિંહભાઈને લખેલાં આ પત્રની વિગતો જોતાં એમ પણ સમજાય છે કે આર્થિક સંકડામણને કારણે પણ તેમને ગોધરા છોડવાનો નિર્ણય કરવો પડયો હતો.