Get The App

ભાડાનું મકાન .

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
ભાડાનું મકાન                                              . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'હું અભિસારના પ્રેમમાં છું. તારી સાથે થયો હતો તેના કરતા પણ વિશેષ પ્રેમ મને થઈ રહ્યો છે. મને સમજાતું નથી કે હું શું કરું કે કહું.

સુ મેરુનગરનો એક ઈતિહાસ રહ્યો છે. રાણીપમાં આવેલું આ સંકુલ હકીકતે ૧૬૦ એપાર્ટમેન્ટનું એક નાનકડું નગર જ હતું. આ સુમેરુ નગરમાં બી બ્લોકમાં એક નવો માણસ રહેવા આવ્યો હતો.

બી-૨૦૪ નંબરમાં અભિસાર પાઠક રહેવા આવ્યો હતો. આ ફ્લેટ સુનિલ પંડયા અને અવંતિકા પંડયાનો હતો પણ તેઓ કેનેડા સેટલ થઈ ગયા હતા. આ ફ્લેટ ઘણા વખતથી ભાડે ચાલતો હતો. તેમાં હવે અવંતિકાનો ભાઈ રહેવા આવી ગયો હતો. 

અભિસાર આખો દિવસ અખબારની ઓફિસે ગયો હોય અને રજા હોય તો મોટાભાગે ઘરમાં પુરાયેલો હોય. બાલ્કનીમાં બેસીને ચા પીવે અને કંઈક લખતો જાય.

એક સાંજે અભિસાર ઘરે બેઠો બેઠો લખવાનો પ્રયાસ કરતો હતો. તેના કાને ચિરપરિચિત સંવાદો પડયા જે મોટાભાગે સવારના સમયે તે ચા પીતા પીતા છાપુ વાંચતો હોય ત્યારે કાને પડે.

'નેત્રી, તને કેટલી વખત કહ્યું કે, તું તારી ગમતી કોઈ પ્રવૃત્તિ કરી જો. તને જે આનંદ આવે તેમાં તારું મન પરોવી જો. આમ આખો દિવસ ઘરમાં પુરાઈ રહીશ તો કંટાળી જઈશ.' - હિરેને કહ્યું. 

'તમને ખબર છે કે મને બહાર જવું ખાસ પસંદ નથી. આ ક્યારેક આસપાસના લોકો સાથે વાત થઈ જાય છે પણ મારા રસના વિષયો આ શહેરમાં નથી. તમે તમારી નોકરી કરો અને મને મારા હાલ ઉપર છોડી દો. મને તક મળશે તો હું મારું કરી લઈશ. તમને બે ટાઈમ ચા, ટિફિન અને રાત્રે જમવાનું સરસ મળી જશે. તેમાં કોઈ ફેરફાર નહીં આવે.' - નેત્રીએ કહ્યું અને પછી અફાટ સન્નાટો છવાઈ ગયો.

અભિસારને ઘણી વખત નવાઈ લાગતી કે, તેની બાજુના મકાનમાં બે લોકો રહે છે. તેઓ યુવાન છે, થોડા સમય પહેલાં જ પરણ્યા હોય તેવા દેખાય છે છતાં અત્યંત નિરસ જિંદગી જીવે છે. હિરેન મોટાભાગે તેની નોકરીમાં હોય છે. સવારે નવ વાગ્યે ટિફિન લઈને જતો રહે છે. સાંજે સાત વાગ્યે આવે અને પછી થોડીવાર ચા પીવા બાલ્કનીમાં બેસે, પછી નવ વાગ્યે ડિનર કરીને દસ વાગ્યે ઉંઘી જવાનું. તેણે ક્યારેય આ બાબતે રસ લીધો નહોતો.

બંનેની જિંદગી આ રીતે પસાર થઈ રહી હતી. એક તરફ હિરેન અને નેત્રી તથા બીજી તરફ અભિસાર. તેમની દિનચર્યા ખૂબ જ સરળ અને એક જ લાઈનમાં ચાલતી હતી. એક દિવસ આ નિત્યક્રમમાં બ્રેક પડયો.

અભિસાર એક સવારે બાલ્કનીમાં આંટા મારતો મારતો કંઈક વાંચી રહ્યો હતો અને એક કોમળ સ્વર તેના કાને પડયો...

'તો તમને બશીર બદ્ર ગમે છે એમ ને. તમે આસમાન વાંચી રહ્યા છો પણ તેમની આહટ અને આમદ નામની રચનાઓ પણ ખૂબ જ સરસ છે.' - નેત્રી બાજુની બાલ્કનીમાંથી બોલી.

'આ તો મારે બશીર બદ્ર અને તેમની રચનાઓ વિશે એક લેખ તૈયાર કરવાનો છે એટલે' - અભિસારે સહજ જવાબ આપ્યો.

'અરે, વાહ બશીર સાબ ઉપર લેખ લખવાનો છે. તમે શું કામ કરો છો.' - નેત્રીએ સવાલ કર્યો.

'હું ન્યૂઝ ગુજરાત અખબારમાં કામ કરું છું. પત્રકાર છું અને લેખન પણ કરું છું. રવિવાર અને બુધવારની પૂતમાં મારા સાપ્તાહિક લેખ આવતા હોય છે.' - અભિસારે કહ્યું.

'અમે ભાડે રહેવા અહીંયા આવ્યા ત્યારે મેં ફેરિયા સાથે ઝઘડીને કોપી શરૂ કરાવી હતી.' - નેત્રીએ કહ્યું.

'હું બંને પૂત આખી વાંચી જાઉં છું. મને તમારા અખબારની બંને પૂત ગમે છે. તમારું નામ શું છે.' - નેત્રી આગળ બોલી.

'અભિસાર પાઠક.' - અભિસારે કહ્યું.

'અરે તમે અભિસાર પાઠક છો. તમારા કાંટાની ક્યારીમાં પુષ્પ અને દીવાદાંડી એમ બે લેખ આવે છે. હું તમને વાંચુ છું. તમે ગત રવિવારે જે રેવતી અને દયાનંદની વાર્તા લખી હતી તે હૃદયસ્પર્શી હતી.' - નેત્રી એટલું બોલીને મલકાઈ ઉઠી.

'થેંક્યુ સો મચ. તમે ખરેખર સારા વાચક છો. તમને રેવતી અને દયાનંદની વાર્તા ખબર છે તેનો મને સવિશેષ આનંદ છે. મારે લાયક કોઈ કામ હોય તો અચૂક કહેજો.' - અભિસારે કહ્યું અને પુસ્તકમાં ધ્યાન કેન્દ્રીત કરવા મથવા લાગ્યો.

'ભલે.' - નેત્રી એટલું કહીને પોતાના ઘરમાં અંદર જતી રહી.

બીજા દિવસે સવારે સાડા નવ વાગ્યે અભિસારના ઘરનો ડોરબેલ વાગ્યો. 

'આ રાખો, બશીર સાબની ઉત્તમ રચના આસ છે. આ સિવાય ઉજાલે અને બશીર બદ્ર પણ છે. તમને આ ત્રણેય સંગ્રહ ગમશે.' - નેત્રીએ સીધા જ અભિસારના ઘરમાં અંદર આવતા કહ્યું. અભિસાર થોડો અસહજ થઈ ગયો.

'આભાર, પણ મારે હવે જરૂર નથી. મારે જોઈતી માહિતી મળી ગઈ છે. હવે વધારે અભ્યાસની જરૂર નથી.' - અભિસારે કહ્યું.

'ઘણી વખત માણસને પહેલું મળ્યું હોય એ સારું લાગે પણ પાછળથી મળ્યું હોય તે ઉત્તમ હોય તેવું બને. મારા કારણે નહીં પણ એક વખત બશીર સાબ માટે આ વાંચી જોજો.' - નેત્રીએ કહ્યું અને અભિસાર અનાયાસ મલકાઈ ગયો.

'તો સાહિત્યપ્રેમી છો..' - અભિસારે ખુરશી તરફ ઈશારો કરતા કહ્યું.

'હા. માત્ર પ્રેમી નહીં પણ અભ્યાસુ હતી. લગ્ન કર્યા બાદ પ્રેમી સાથે રહ્યો છે સાહિત્ય જતું રહ્યું છે. તમે મદદ કરશો તો સાહિત્ય પ્રેમ જીવંત થશે. હું તમને પરેશાન નહીં કરું પણ મદદ ચોક્કસ કરીશ.' - નેત્રીએ દરવાજા તરફ જતા કહ્યું અને અભિસારે માથું હલાવીને હામી ભરી દીધી.

આ ઘટના બાદ નેત્રીની સવારની ચા અને ક્યારેક સાંજનો ચા-નાસ્તો બધું જ અભિસારને ત્યાં થતું. વાતો, વાર્તા, સાહિત્ય, સર્જન અને બીજું ઘણું ચર્ચાતું. નેત્રીને કદાચ અભિસાર વધુ પડતો ગમવા લાગ્યો હતો. તેનું ખેંચાણ વધતું જતું હતું. 

એક રાત્રે નેત્રી અને હિરેન બેડ ઉપર પડયા પડયા વાતો કરતા હતા ત્યાં નેત્રીએ બોમ્બ ફોડયો.

'તમને બાજુવાળો અભિસાર કેવો લાગે છે.' - નેત્રી બોલી.

'સારો દેખાય છે, માણસ પણ સારો છે. વરસ થવા આવ્યું પણ ક્યાંય કોઈ બબાલ નથી. ક્યારેક તને એની સાથે વાત કરતા જોઈ છે. તને કેવો લાગે છે.' - હિરેને જવાબ આપ્યો.

'હું અભિસારના પ્રેમમાં છું. તારી સાથે થયો હતો તેના કરતા પણ વિશેષ પ્રેમ મને થઈ રહ્યો છે. મને સમજાતું નથી કે હું શું કરું કે કહું. તારી સાથે પ્રેમ હતો, ગુલાબીપણું હતું પણ લગ્ન બાદ માત્ર શુષ્કતા ફેલાઈ ગઈ હતી. હવે મારા મનમાં ફરી રંગો ઉભરાયા છે જે અભિસારની સ્યાહીમાંથી આવ્યા છે.' - નેત્રીએ ખૂબ જ ઠંડા કલેજે કહી નાખ્યું.

'ઠીક છે. તારો જે નિર્ણય હશે તે મને મંજૂર છે. હું કોઈ જ ચર્ચા કરવા માગતો નથી.' - હિરેને આટલું કહીને પડખું ફેરવી લીધું.

'અભિસાર, મારે એક વાત કરવી છે.' - બીજા દિવસે સવારે ચાના કપ લઈને આવેલી નેત્રીએ કહ્યું.

'બોલો.' - અભિસારે કહ્યું.

'એક સ્ત્રી જે પ્રેમીને પરણી હોય છતાં જીવન શુષ્ક હોય તો શું કરવું જોઈએ. તેના આકરા અને અકળાવનારા દાંપત્ય વચ્ચે સ્ત્રીને કોઈ નવી વ્યક્તિ ગમી જાય તો શું કરવું જોઈએ.' - નેત્રીએ સવાલ કર્યો.

'આ અંગત અનુભવ છે કે, એક સ્ત્રી સહજ સવાલ છે.' - અભિસારે સ્થિતિ કળતા કહ્યું.

'અંગત લાગણી છે. મારા ત્રણ વર્ષથી ચાલતા સુકાયેલા દાંપત્ય ઉપર અભિસાર નામના આભમાંથી લાગણીઓનો વરસાદ થયો છે. અભિસાર મને લાગે છે કે હું તારા પ્રેમમાં છું. મારે હવે શું કરવું જોઈએ. તારું આ વિશે શું માનવું છે.' - નેત્રીએ કહ્યું.

'હું તમને અઠવાડિયા પછી આવતા સોમવારે જવાબ આપીશ. તમે પ્લીઝ અત્યારે તમારા ઘરે જશો મારે ટૂરમાં જવાનું છે. કેબ નીચે આવી ગઈ છે.' - અભિસારે કહ્યું અને નેત્રી ચાના કપ લઈને ચાલી ગઈ.

અઠવાડિયા બાદ નેત્રીએ સોમવારે અભિસારના ઘરનો દરવાજો ખખડાવ્યો તો એક યુવતીએ દરવાજો ખોલ્યો.

'અભિસાર...' - નેત્રી બોલી.

'અભિસારભાઈ તો સુરત શિફ્ટ થઈ ગયા. આ મકાન તેમણે મને અને મારા હસબન્ડને રહેવા આપ્યું છે. અમે નવા ભાડુઆત છીએ.

 તમે પડોશમાં રહો છો?' - યુવતીએ કહ્યું.

'હા, હું નેત્રી, બાજુમાં જ રહું છું.' - નેત્રીએ કહ્યું.

'હા તમારા માટે એક કવર આપ્યું છે અભિસારભાઈએ.' - પેલી મહિલાએ એટલું કહ્યું અને પાસેના કબાટના ડ્રોઅરમાંથી કવર કાઢીને આપી દીધું. નેત્રી લઈને જતી રહી. નેત્રીએ ઘરે જઈને કવર ખોલ્યું તો અંદર એક પત્ર હતો. તેમાં લખ્યું હતું,

'પ્રિય નેત્રી,

મકાન ભાડાનું હોઈ શકે પણ ઘર નહીં. સંસાર પોતાનાથી ચાલે છે, પોતાના બદલવાથી નહીં. મને માફ કરજે.' 

નીચે બશીર બદ્રનો એક શેર ટાંક્યો હતો...

'ન જાને કબ તિરે દિલ પર નઈ સી દસ્તક હો,

મકાન ખાલી હુઆ હે તો કોઈ આયેગા...'