Get The App

રમેશ બુદિહાલ : દરિયાના મોજા પર સવારી કરી ઈતિહાસ રચી રહેલો યુવાન

Updated: Aug 24th, 2025

GS TEAM

Google News
Google News
રમેશ બુદિહાલ : દરિયાના મોજા પર સવારી કરી ઈતિહાસ રચી રહેલો યુવાન 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- કેરળના અત્યંત સાધારણ પરિવારના રમેશે સર્ફિંગની રમત પાછળ આખી જિંદગી દાવ પર લગાડી દીધી ને આખરે એશિયન ચેમ્પિયનશિપમાં ચંદ્રક જીતનારા સૌપ્રથમ ભારતીય તરીકેની સિદ્ધિ મેળવી

ક્ષિ તિજના સિમાડા હંમેશા વિસ્તરતા રહે છે અને તેના થકી જ સફર સતત આગળ વધતી રહેવાની સાથે સાથે નવા સીમાચિહ્નોના કીર્તિમાન સ્થાપિત કરતી રહે છે. સતત પ્રવાસને જારી રાખવાનો નિર્ધાર જ વિકાસનો માપદંડ બની રહે છે, જ્યાં સુધી આગળ વધવાની ધગશ અને તેની પાછળ પ્રયાસ કરતાં રહેવાનો જુસ્સો અકબંધ છે, ત્યાં સુધી ઈતિહાસમાં નવા સ્વર્ણિમ પ્રકરણોનો પ્રવેશ ચાલુ જ રહે છે. 

વિશાળ દરિયા કાંઠો ધરાવતા ભારતમાં હજુ સર્ફિંગ -સેઈલિંગ જેવી રમતો માંડ-માંડ ડગ માંડતા બાળક જેવી જ સ્થિતિમાં રહી છે. રાષ્ટ્રીય રમતોના સમગ્રદર્શન પર નજર નાંખતાં, આ રમતો આકાશમાં દૂર ક્યાંય ટમટમતા તારલા જેવી જરુર લાગે, પણ તેમની ઉપસ્થિતિને નજરઅંદાજ કરી ન શકાય. આ રમતોને ધબકતી રાખવા માટે આખેેઆખી જિંદગીનું સમર્પણ કરી દેનારી ઘણી વિશિષ્ટ પ્રતિભાઓ હોય છે, જે કોઈ પણ પ્રકારની આશા-અપેક્ષા વિના જ બસ રમતને આગળ ધપાવવાના પ્રયાસ-યજ્ઞામાં સતત આહૂતિનું અર્પણ કરતી રહે છે. આવા જ વરસોવરસના પ્રયાસો થકી જ ભારતને દરિયાના મોજા પર સવારી કરવાની - સર્ફિંગની રમતની એશિયન ચેમ્પિયનશિપમાં સૌપ્રથમ ચંદ્રક મળી શક્યો છે.

ભારતના રમેશ બુદિહાલે તમિલનાડુના મહાબલીપુુરમના દરિયા કાંઠે યોજાયેલી એશિયા ખંડના દેશોની સર્ફિંગની સ્પર્ધામાં પુરુષોની ઓપન વિભાગની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. જેના થકી એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપની વ્યક્તિગત સ્પર્ધામાં ચંદ્રક વિજેતા દેશોની યાદીમાં ભારતે પણ પ્રવેશ મેળવી લીધો. ૨૭ વર્ષના રમેશનો કાંસ્ય ચંદ્રક, પણ ભારતમાં સર્ફિંગની રમતને ધબકતી રાખવાના પ્રયાસને વધુ દ્રઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. 

સર્ફિંગ બોર્ડને સહારે દરિયાના ઉછળતાં મોજા પર સવારી કરવાની રમત યુરોપ-અમેરિકામાં તો ભારે લોકપ્રિયતા ધરાવે છે, પણ ભારતમાં તેને વધુ આગળ લઈ જવા માટે રમેશ બુદિહાલ જેવા યુવા સર્ફર્સ પ્રયાસ કરી રહ્યા છે. એશિયન ચેમ્પિયનશિપમાં ચીન, સાઉથ કોરિયા, જાપાન, માલદિવ્સ, સિંગાપોર, ચાઈનીસ તાઈપેઈ, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, સાઉદી અરેબિયા સહિતના ૨૦ દેશોના ૧૫૦ જેટલા સર્ફરોએ એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. જેમાં પુરુષોના ઓપન વિભાગમાં રમેશ બુદિહાલે બધાને ચોંકાવતા ફાઈનલમાં પ્રવેશ મેળવવાની સાથે ચંદ્રક પણ જીતી બતાવ્યો હતો. 

રમેશ અને તેના પરિવારની વરસોની મહેનત અને સંઘર્ષની ફલશ્રુતિ સમાન આ ચંદ્રક થકી જ ભારતીય સર્ફિંગને એશિયામાં જ નહીં, પણ દેશભરમાં ચમકવાનો અવસર પ્રાપ્ત થયો. રમેશે સાઉથ કોરિયા અને ઈન્ડોનેશિયાના હરિફોને જબરજસ્ત પ્રતિસ્પર્ધા પુરી પાડી અને આખરે ત્રીજુું સ્થાન મેળવ્યું હતુ. જોકે, તેના આ સંઘર્ષને પરિણામે ભારતને આવતા વર્ષે જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી એશિયન ગેમ્સની સર્ફિંગ સ્પર્ધામાં વધુ સ્પર્ધકોને ઉતારવાની તક મળી છે.

રમતોના મહાકુંભ એવા ઓલિમ્પિકમાં સર્ફિંગને પ્રવેશ આપવામાં આવ્યો, તે પછી એશિયન ગેમ્સમાં પણ આ પહેલી જ વખત તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પ્રકારે રમેશ બુદિહાલે દેખાવ કર્યો છે, તે જોતા આવતા વર્ષની એશિયન ગેમ્સમાં તેનો દેખાવ પાયારુપ બની રહેશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. વિશ્વની સમક્ષ ભારતીય સર્ફિંગના ઉભરતા સિતારા તરીકે આગવું સ્થાન હાંસલ કરનારા રમેેશની કારકિર્દી, સાવ અજાણી કહી શકાય તેવી રમતમાં અનેક ઝંઝાવાતો અને સંઘર્ષની થાપટો ખાધા પછી આટલી ઊંચાઈએ પહોંચી શકી છે. 

ગોવામાં એક સાધારણ પરિવારમાં જન્મેલા રમેશનું બાળપણ કેરળના દરિયાકાંઠે વસેેલા રમણીય કોવાલમમાં પસાર થયું. કોવાલમમાં તેનો પરિવાર હસ્તકલાની ચીજ-વસ્તુઓનો નાનકડી દુકાન ચલાવીને ગુજરાન ચલાવતો. ભારતમાં હોવા છતાં રમેશને તેનું ભાગ્ય સર્ફિંગની દિશામાં ખેંચી ગયું. ભારતની મુલાકાતેે આવ્યા બાદ અહીંના ગરીબ બાળકોને વધુુ સારુ શિક્ષણ આપવા માટે પ્રયત્નશીલ બનેલા બેલ્જીયમના એક પ્રવાસી અને શિક્ષક - જેલે રિગોલેની સેબાસ્તીયન ઈન્ડિયન સોશિયલ પ્રોજેક્ટમાં રમેશને તેના માતા-પિતાએ અભ્યાસ માટે મુક્યો. 

રમેશના માતા-પિતા ઈચ્છતા હતા કે, તે ભણી-ગણીને સારી નોકરી કરે અને તેમની આર્થિક મુશ્કેલીઓનો અંત આવે. આ જ સંસ્થા દ્વારા કોવલમ સર્ફિંગ કલબ પણ ચલાવવામાં આવતી અને શાળામાં અભ્યાસ કરતાં બાળકોને સર્ફિંગની તાલીમ અપાતી.  બાળવયે જ તેને અભ્યાસની સાથે સાથે એક પણ રૂપિયાના ખર્ચ વિના જ સર્ફિંગની તાલીમ મળવા માંડી. તબક્કાવાર રમેશનું ધ્યાન અભ્યાસને બદલે સર્ફિંગ તરફ વળવા માંડયું. તેને દરિયાના મોજા પર સવારી કરીને દૂર-સુદૂરની સફર ખેડવાનું મન થતું અને તે હંમેશા સ્પર્ધામાં તેના સાથીઓ કરતાં આગળ નિકળી જવાની કોશીશ કરતો. 

જ્યારે પહેલીવાર રમેશના માતા-પિતાએ તેને દરિયાના વિશાળ મોજા પર સવારી કરતાં જોયો, ત્યારે તેઓ ગભરાઈ જ ગયા હતા. તેઓને પુત્રના ભવિષ્યની સાથેે સાથે આર્થિક સ્થિતિની ચિંતા પણ સતાવી રહી હતી. જોકે, રમેશે માત્ર ૧૫ વર્ષની વયે સર્ફિંગની કોસ્ટલ ઓપન સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી બતાવ્યો. કિશોરાવસ્થામાં ડગ માંડી રહેલા રમેશે તેના કરતાં મોટી ઉંમરના હરિફો સાથેની સ્પર્ધામાં મેળવેલી સફળતાના કારણે તેના માતા-પિતાને પુત્રની પ્રતિભામાં વિશ્વાસ બેઠો. તેમણે રમેશને તેના મનગમતા રસ્તે આગળ વધવાની છુુટ આપી. તેણે આઠમા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો અને પછી તેની બાકીની જિંદગી અનિશ્ચિતતાના દરિયાના મોજા પર એકમાત્ર સર્ફબોર્ડ પર સવાર થઈને પસાર કરવાનો કપરો નિર્ણય લીધો.

રમેશનું સ્વપ્ન સાકાર કરવા માટે તેના માતા-પિતા જ ગાંઠના નાણાં ખર્ચીને તેની જરુરિયાત પુરી કરતાં. જોકે, પુુરતા પ્રયોજકો વિના તેમની આર્થિક ભીંસ વધતી ચાલી. વધુમાં ભારતમાં સર્ફિંગ જેવી રમત માટેના ટાંચા સાધનો અને કોઈ પણ પ્રકારની મદદના અભાવને કારણે તેની રાહ મુશ્કેલ બનવા માંડી. આ દરમિયાન રમેશે જ કેરળના પ્રવાસે આવતા સહેલાણીઓને તેમજ સ્થાનિકોને સર્ફિંગનું કોચિંગ આપવાનું શરૂ કર્યું અને તેમાંથી થતી કમાણી થકી પોતાનું સ્વપ્ન સાકાર કરવા આગળ વધતો. આમ કરતાં-કરતાં સમય પસાર થવા માંડયો અને સર્ફિંગમાં તેની કુશળતા વધવા માંડી.

ભારતમાં પણ સર્ફિંગની રમતને આગળ ધપાવવાના પ્રયાસોમાં વધારો થયો અને તેની રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન થવા માંડયું. રમેશની વરસોની મહેનત ધીરે ધીરે ફળ આપવા માંડી. છેલ્લા ચાર વર્ષ દરમિયાન તેણે રાષ્ટ્રીય સર્ફિંગ સિરિઝમાં ટોચના ચાર સર્ફરોમાં સ્થાન જાળવી રાખવામાં સફળતા મેળવી અને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી. આ દરમિયાન જ તેણે બાલી સહિતના વિવિધ દેશોમાં યોજાતી સર્ફિંગ સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો. વર્ષ ૨૦૨૩માં આંતરરાષ્ટ્રીય સર્ફિંગ એસોસિએશન દ્વારા અલ-સાલ્વાડોરની સર્ફ સિટીમાં યોજાયેલી વર્લ્ડ સર્ફિંગ ગેમ્સમાં ભાગ લઈને પોતાનું કૌવત દેખાડયું. જોકે, ગેમ્સનો અનુભવ અને ટોચના સર્ફરો સાથેની મુલાકાતના કારણે રમેશના કૌશલ્યનો પણ વિકાસ થયો. 

તેણે ગત વર્ષે (૨૦૨૪) ઘરઆંગણે યોજાયેલી ઈન્ડિયન ઓપન ઓફ સર્ફિંગ અને મહાબ્સ પોઈન્ટ બ્રેક ચેલેન્જમાં પુરુષોની ઓપન કેટેગરીની સર્ફિંગની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવાની સાથે દેશના ટોચના સર્ફર તરીકેનું સ્થાન હાંસલ કર્યું. અલબત્ત, ગત વર્ષે માલદિવ્સમાં 

યોજાયેલી એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ માટેની ભારતીય ટીમમાં તે સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો અને આ બાબત તેના માટેે આંચકાજનક હતી. જોકે, તેણે આ નિષ્ફળતાની નિરાશામાંથી આગળ વધવાની રાહ શોધી કાઢી અને પ્રયાસો જારી રાખ્યા. આ જ વર્ષે તેણે પિતાનું છત્ર પણ ગુમાવ્યું, જોકે, તોફાની દરિયાના મોજા પરના સર્ફિંગ બોર્ડ પર જે મક્કમતાથી રમેશ તેના પગને ટકાવી રાખે છે, તેવી જ રીતે તેણે જિંદગીના ઝંઝાવાતોનો સામનો જારી રાખ્યો. આખરે તેની સખત મહેનત ઘરઆંગણે યોજાયેલી એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં તેણે સફળતા મેળવી બતાવી.

હવે રમેશનું સ્વપ્ન આવતા વર્ષે એશિયન ગેમ્સમાં સર્ફિંગની રમતમાં ભારતને ચંદ્રક અપાવવાનું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ જ ઓછી જાણીતી રમતોમાં ભારતીય ખેલાડીઓએ વૈશ્વિક સ્તરે આગવી નામના મેળવી છે. રમેશની સફળતાએ ભારતીય રમત જગતનું ધ્યાન હવે સર્ફિંગ તરફ પણ ખેંચ્યું છે. એક તરફ સાહસિક રમતોનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે સર્ફિંગ પણ આગામી સમયમાં તેની આગવી ઓળખ ઉભી કરશે તે નિશ્ચિત છે.