- આજકાલ-પ્રીતિ શાહ
- પર્યાવરણની રક્ષા અને સંરક્ષણ માટે મારીને ઘણા ઍવૉર્ડ મળ્યા છે. એમાંનો એક છે કેરળ સરકાર દ્વારા અપાતો ચીફ મીનીસ્ટર્સ ફોરેસ્ટ મેડલ
આ જે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની અસર અનુભવી રહ્યું છે. ગ્રીન કવર ઘટતું જાય છે, પરંતુ જે લોકો નાનપણથી જ પ્રકૃતિની ગોદમાં ઉછર્યા છે, તેમને માટે તો પ્રકૃતિ તેમના હૃદયનો જ નહીં, બલ્કે આત્માનો અંશ છે આવું એક નામ છે મારી. કેરળના પલક્કડમાં આવેલી સાયલન્ટ વેલી નેશનલ પાર્કમાં મારીનું બાળપણ વીત્યું છે. મુદુગા જનજાતિમાં જન્મેલા મારીના પિતા લેચિઅપ્પન વનવિભાગ અંતર્ગત દૈનિક મજૂર તરીકે કામ કરતા હતા. ત્યાં કામ કરતા કરતા અનુભવે તેઓ જંગલની અનોખી વિશિષ્ટતા વિશે પણ જ્ઞાન ધરાવતા હતા. ૧૯૭૦ના દાયકામાં દેશમાંથી પર્યાવરણીય વૈજ્ઞાનિક અને સંરક્ષણવાદીઓ સાયલન્ટ વેલીમાં બાયાડાયવસટીના અભ્યાસાર્થે આવતા, ત્યારે તેઓ દુર્લભ વનસ્પતિઓ અને જીવજંતુઓ વિશે ઝીણામાં ઝીણી માહિતી આપતા. નાનપણથી જ મારી પિતા સાથે રહ્યો અને એને પણ આમાં રસ પડવા લાગ્યો.
મારીએ સાતમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો અને અભ્યાસ છોડીને સોળ વર્ષની ઉંમરે સાયલન્ટ વેલીમાં જ અસ્થાયી રૂપે ચોકીદાર તરીકે જોડાયો અને સતત પિતા સાથે રહેવા લાગ્યો. તેના પિતા જંગલની નાનામાં નાની વિગતથી માહિતગાર હતા અને એટલા હિંમતવાળા હતા કે તેમને જંગલના અંદરના ભાગ સુધી જવામાં પણ લેશમાત્ર ડર લાગતો નહોતો. ૧૯૭૬માં જ્યારે કેરળ સ્ટેટ ઇલેક્ટ્રીસિટી બોર્ડે ૨૪૦ મેગાવોટનો હાઈડ્રોઇલેક્ટ્રીક ડેમ બનાવવાનું નક્કી કર્યું કે જેથી સાયલન્ટ વેલીના જંગલનો આઠ કિલોમીટરનો વિસ્તાર ડૂબમાં જતો હતો, ત્યારે તેનો વિરોધ કરવામાં પર્યાવરણવિદોની સાથે મારીના પિતા લેચિઅપ્પન અને મુદુગા જનજાતિના અનેક લોકો તેમાં સામેલ હતા. પિતાના અવસાન પછી આજે મારી ઈકોટુરિસ્ટ અને પર્યાવરણવિદોને જંગલની ટુર કરાવે છે. આજે મારીને સાયલન્ટ વેલીમાં આવેલ ઓર્કિડની જુદી જુદી જાતિ, પક્ષીઓ અને જીવજંતુઓ મળીને ૧૩૫ જેટલાનાં નામ મોઢે છે.
સાયલન્ટ વેલીમાં એને કોઈ બહારનું પ્રાણી કે પંખી દેખાય અથવા તો કોઈ વિશિષ્ટ બાબત દેખાય તો તે તરત જ તેની તસવીર લે છે. તે કોઈ વ્યવસાયી ફોટોગ્રાફર નથી, પરંતુ આવી બાબતોનું ડાક્યુમેન્ટેશન કરવા તસવીર લે છે. તેની આ સારી ટેવ જોઈને ૨૦૦૨માં એક વ્યક્તિએ તેને કેમેરા ભેટમાં આપ્યો છે, પરંતુ તે આ બધા ફોટા પાડીને વનવિભાગની આફિસમાં આપી દે છે, જેથી જળવાઈ રહે. પોતાના જીવનની એક વાત કરતા હસીને કહે છે કે ૨૦૧૩માં અહીં પ્રિન્સ ચાર્લ્સને મળવાનું થયું હતું અને દુભાષિયા દ્વારા વાત કરવાની તક પણ મળી હતી, પરંતુ તે સમયે એવી ખબર નહોતી કે આ આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, પણ હવે સમજાય છે.
આટલાં વર્ષોથી જંગલમાં ફરતાં મારી પાસે અનેક અનુભવો છે. ઘણી વાર પ્રાણીઓનો સામનો કરવાનો આવ્યો છે. થોડા વર્ષો પહેલાં સંશોધકોને જંગલમાં ફેરવતા હતા, ત્યારે એક મોટા દંતશૂળ ધરાવતો હાથી સામે આવ્યો. દરેક વ્યક્તિ ઝાડની પાછળ સંતાઈને તેને જોવા લાગ્યા. હાથીએ સહુનાં પગલાંનો અવાજ સાંભળ્યો, તેથી તેની સૂંઢને આમતેમ હલાવી પણ તેમના સુધી પહોંચી શક્યો નહીં. એવી જ રીતે એક વખત મારી જંગલમાં પાંદડા અને ફૂલોની સફાઈ કરતો હતો અને અચાનક જ તેની જમણી બાજુ વાઘ દેખાયો. પંદર મિનિટ સુધી એકબીજાની નકલ કરી. મારી બેસી જાય તો વાઘ પણ બેસી જાય. મારી ઊભો થાય તો તે પણ ઊભો થાય. પછી એકદમ જ મારીએ રાડ પાડી અને વાઘ જતો રહ્યો, પરંતુ બીજે દિવસે એ જગ્યાએ મૃત હરણ હતું, ત્યારે મારીને ખ્યાલ આવ્યો કે તેણે ભૂખ્યા વાઘનો સામનો કર્યો હતો. ચિત્તો, રીંછ, વરુ, સાપ જેવાં અનેક પ્રાણીઓનો એણે સામનો કર્યો છે. આવી ઘટનાઓને કારણે ડરવાને બદલે તે પ્રાણીઓની વધુ નજીક હોવાનું અનુભવે છે.
જંગલમાં અનેક મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરીને તે રહે છે. દર પંદર દિવસે તે તેના ઘરે જાય છે. તેમની પત્ની અને ત્રણ બાળકોને પણ જંગલની જિંદગી ગમે છે. ૨૦૧૮માં કેરળમાં પૂર આવેલું ત્યારે સાયલન્ટ વેલીમાં પણ પાણી આવ્યું હતું, ત્યારે ઘણા દિવસો સુધી તે એકલો જંગલમાં રહ્યો હતો. પર્યાવરણની રક્ષા અને સંરક્ષણ માટે મારીને ઘણા ઍવૉર્ડ મળ્યા છે. એમાંનો એક છે કેરળ સરકાર દ્વારા અપાતો ચીફ મીનીસ્ટર્સ ફોરેસ્ટ મેડલ. સાયલન્ટ વેલીની ઈકોસિસ્ટમને જાળવવાનું અને તેનું સંરક્ષણ કરવાનું કામ ૩૩ વર્ષથી અદ્વિતીય રીતે મારીએ કર્યું છે. ઘણા તેને 'એન્સાઇક્લોપીડિયા ઑફ સાયલન્ટ વેલી' કહે છે. મારી કેરળ સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડના સભ્ય છે. ટ્રોપિકલ બાટનીક ગાર્ડન એન્ડ રીસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટયૂટ આફ ફોરેસ્ટ જેનેટિક્સ એન્ડ ટ્રી બ્રીડિંગ, ધ કેરાલા ફોરેસ્ટ રીસર્ચ સેન્ટર જેવી અનેક ખ્યાતનામ સંસ્થાઓએ મારીના કામની નોંધ લીધી છે. સાયલન્ટ વેલીમાં આવતા જીવવિજ્ઞાનીઓ, વનસ્પતિશાસ્ત્રીઓ અને પર્યાવરણ વૈજ્ઞાનિકો મારીની મદદ લે છે. મલયાળમ ફિલ્મ ડાયરેક્ટર લાલ જૉસ ૪૯ વર્ષના મારી પર ડૉક્યુમેન્ટરી બનાવવા માગે છે.
સર્જનનો સહારો માનવીને!
હું એક બીમાર વ્યક્તિ છું જેને હું સંભાળું છું. હું મારી જાતને કહું છું કે તું નિષ્ફળ વ્યક્તિ નથી. માત્ર એક એવી વ્યક્તિ છું જેને મદદની જરૂર છે
સોળ વર્ષની માનવી મહેતાની નોઈડાની તેજસ્વી વિદ્યાર્થિની તરીકે ગણના થતી. બોર્ડની પરીક્ષામાં ચોરાણું ટકા માર્ક મેળવ્યા હતા. ગણિતમાં ખૂબ હોશિયાર ગણાતી માનવી એક દિવસ સાધારણ સમીકરણનો ઉકેલ મેળવી શકી નહીં. ગણિત તેનો પ્રિય વિષય હતો, પણ શું થઈ રહ્યું છે તેની તેને સમજ પડી નહીં. પરિવારે જોયું કે પુત્રીમાં કંઈક પરિવર્તન થઈ રહ્યું છે. શરૂઆતમાં તો લાગ્યું કે કોઈ સ્ટ્રેસ હશે અથવા તબિયત સારી રહેતી નહીં હોય. ક્યારેક લાગ્યું કે કોઈની નજર લાગી ગઈ હશે, પરંતુ માનવી નસીબદાર હતી કે પરિવાર રૂઢિચુસ્ત નહોતો. પિતા એન્જિનિયર છે અને માતા રેડિયો જોકી અને શિક્ષિકા. દાદીમા આધ્યાત્મિક પુસ્તકો વાંચતા હોય. છેવટે કોઈ પણ પ્રકારના તર્કવિતર્કને બદલે દાદીમાએ એને ડૉક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું.
ડૉક્ટરોએ માનવીને તપાસી અને તેમને સ્કીઝોઅફેક્ટીવ ડીસઑર્ડરની શંકા પડી, પરંતુ જેમ જેમ તેનું અવલોકન કરતા ગયા તેમ તેમ તેને બાયપૉલર અફેક્ટીવ ડીસઑર્ડર છે તેવું નિદાન થયું. આજે બત્રીસ વર્ષની માનવી કહે છે કે ત્યારે મને બાયપોલર એટલે શું તેની ખબર નહોતી, પરંતુ એટલી જ ખબર હતી કે કોઈ ડર લાગતો હતો જે હંમેશા મારો પીછો કરી રહ્યો હોય તેમ જણાતું. ડૉક્ટરે એના પરિવારને કહ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને ખબર પડે કે તેને બાયપોલર અફેક્ટીવ ડીસઆર્ડર (બીપીએડા) છે તો તેની આત્મચેતના તૂટી જાય છે. તે માત્ર ભવિષ્ય પર જ નહીં ભૂતકાળ પર પણ પ્રશ્નો ઊભા કરે છે. દરેક મનોદશા, દરેક નિર્ણય સંદિગ્ધ લાગે છે. આ કોઈ મૂડમાં પરિવર્તન નહીં, પરંતુ એક મનોવિકાર હોય છે જે મૂડ, ઊર્જા અને કાર્યપ્રણાલીમાં અત્યંત પરિવર્તન લાવે છે. ક્યારેક અત્યંત અવસાદગ્રસ્ત તો ક્યારેક ઉન્માદી અવસ્થા વચ્ચે વ્યક્તિ ઝૂલ્યાં કરે છે. માનવીના જીવનમાં પણ તે જોવા મળ્યું. ક્યારેક મન સુન્ન થઈ જાય અને જીવન જીવવાની ઇચ્છા જ રહેતી નહીં. તો ક્યારેક ઉન્માદમાં આવી જતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂક્યા કરતી. અજાણી વ્યક્તિ સાથે વાતો કરતી. તેને એમ લાગતું કે તે પણ વડાપ્રધાન બની શકે છે. માનવી કહે છે કે આ બધું તેને રોમાંચક લાગતું, પણ સાથે સાથે ડરામણું પણ લાગતું.
આવી પરિસ્થિતિમાં જ એણે કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. કૉલેજમાં ઘણી પ્રવૃત્તિઓમાં ભાગ લેતી અને સામાજિક અભિયાન પણ ચલાવતી. માનવીએ તેની ખાસ મિત્ર કાજલથી પાંચ વર્ષ સુધી પોતાની બીમારી છુપાવી રાખી, પરંતુ તેની અતિસક્રિયતા અને ખામોશીની પેટર્નથી કાજલને ખ્યાલ આવ્યો. માનવીએ જ્યારે તેને પોતાની પરિસ્થિતિની જાણ કરી ત્યારે તેમની મિત્રતા વધુ ગાઢ બની અને કાજલ તેને મદદરૂપ થવા લાગી. માનવી છેલ્લાં સોળ વર્ષથી દવાઓ લે છે, જે એને જીવવામાં મદદ કરે છે. ઉન્માદ અને અવસાદના હુમલા ઓછા થયા નથી. ક્યારેક ગુસ્સો પણ આવે છે, તો ક્યારેક તે પથારીમાંથી ઊઠી શકતી નથી. વજન વધવું, યાદશક્તિ ઓછી થવી, અનિદ્રા જેવી દવાની ઘણી કિંમત ચૂકવી છે, પરંતુ દવા વિના જીવી શકાય તેમ નથી, પરંતુ તે હવે પોતાના મૂડ પર નજર રાખે છે. પારિવારિક સ્વીકૃતિ અને સામાજિક સમર્થન આવા લોકો માટે મજબૂત સુરક્ષા કવચ છે તેવું ડૉક્ટરો કહે છે અને માનવી પણ માને છે કે પરિવાર અને મિત્રનું સમર્થન તેનો બહુ મોટો આધાર છે.
આ બધી પરિસ્થિતિ વચ્ચે તેની રચનાત્મકતા ચાલુ રહી છે. ઉન્માદી અવસ્થામાં તેના મનમાં વિચારોનું પૂર આવે અને કલાકો સુધી કવિતા લખે છે. આઘાતને સમજવા, ઘટના પર નજર રાખવા અને અન્ય લોકો સાથે જોડાવા માટે લેખન તેનો સહારો બન્યું છે. તે માનસિક સ્વાસ્થ્ય અંગે એક બાયપોલર વ્યક્તિની કવિતા નામે બ્લોગ, પોડકાસ્ટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવે છે. આ કોઈની સહાનુભૂતિ માટે નહીં, પરંતુ તે પોતે પહેલાં જે એકલતા અનુભવતી હતી તેવું કોઈ વ્યક્તિ ન અનુભવે તેવો તેનો હેતુ છે. રોગના નિદાન પહેલાં આત્મહત્યાનો વિચાર આવેલો, પરંતુ તે મરવા નહોતી માગતી તે પોતાના દર્દને ખતમ કરવા માગતી હતી. માનવીને સમજાયું કે એક જ સમયમાં તમે ઠીક થઈ શકો છો અને નથી પણ થઈ શકતા, પરંતુ અસફળતા પ્રગતિને અટકાવી શકતી નથી. તે કહે છે કે, 'હું કોઈ દુ:ખદ કહાની કે રોગ પર સફળતા મેળવનારી વ્યક્તિ નથી. હું એક બીમાર વ્યક્તિ છું જેને હું સંભાળું છું. હું મારી જાતને કહું છું કે તું નિષ્ફળ વ્યક્તિ નથી. માત્ર એક એવી વ્યક્તિ છું જેને મદદની જરૂર છે.' આજે માનવી મહેતા સ્વતંત્ર લેખિકા છે અને માનસિક સ્વાસ્થ્ય અંગે ઑનલાઇન પર પોતાની વાત, બાયપોલર ડીસઑર્ડર, થેરપી અને દુ:ખ અંગે વાત કરે છે. ઘણા લોકો થેરપિસ્ટ શોધવામાં એની મદદ લે છે, પીડિતોનો સહારો બને છે. જો કોઈની એકલતા થોડી પણ ઓછી થાય, તેને મદદ મળે તો પોતાના વિશે સમાજ શું કહેશે તેની એને ચિંતા નથી. તે માને છે કે મૃત્યુ આરામદાયક હોય શકે છે, પરંતુ સાહસ જીવવામાં, કોઈ ચીજથી ઉપર ઉઠીને જીવનને પસંદ કરવામાં છે.


