- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- દુર્યોધનના કપાળમાં જે ચોટ વાગી હતી તે તો ભુલાઈ ગઇ, પરંતુ દ્રૌપદીના કટુ વચનથી દિલમાં લાગેલા વાણીના તીરને એ સહી શક્યો નહીં
સ વારનો સૂર્ય પોતાનાં સોનેરી કિરણોની જાજમ પૃથ્વી પર પાથરતો હતો. આકાશમાં હજી ઉષાની આછેરી લાલી પથરાયેલી હતી. હવામાં હૂંફાળી તાજગી હતી. આવે સમયે ભગવાન બુદ્ધના વિહારની આસપાસ એમનું શિષ્યવૃંદ એકત્ર થયું હતું. લાંબા સમય પછી ભગવાન બુદ્ધ આજે મૌન સમાપ્ત કરવાના હતા. આથી આસપાસનાં નગરોમાંથી હજારો માનવી એમની અમૃતધારા સાંભળવા ચાતકની પેઠે આતુર હતા.
ભગવાન બુદ્ધ એમના વિહારના દરવાજે આવ્યા. મૌનનો સમય પૂરો થવાની ઘડીઓ ગણાતી હતી. એમની મધુર વાણી ક્યારે પ્રગટે એની સહુ રાહ જોતા હતા.
ચોતરફ પ્રભાતની એક નિસ્તબ્ધ શાંતિ હતી. વાતાવરણમાં દિવ્યતાનો અનુભવ થતો હતો. આવે સમયે કલરવ કરતું એક પંખી આવ્યું અને મધુર ગીત-ગુંજન કરવા લાગ્યું. પંખીના કલરવમાં મધુર આનંદનો મહાસાગર ઊછળતો હતો. એના સુંદર ગીતમાં એક પછી એક અવનવા ભાવ ઊભરાતા હતા.
વિહારના દરવાજે આવીને ઊભેલા ભગવાન બુદ્ધ મૌન જ રહ્યા. એમની આંખો બિડાઈ ગઈ. તેઓ એ પંખીનું દિવ્ય-ગીત મૌન ધારણ કરીને સાંભળતા રહ્યા.
ભગવાન બુદ્ધ મૌન હતા, તેથી એમના શિષ્યવૃંદની જનમેદનીમાં એક નીરવ શાંતિ ફેલાઈ ગઈ. અવનવા અને અનોખા ભાવ પ્રગટાવતું પંખીનું એ મધુર ગીત પૂરું થયું, ત્યારે આસપાસની શૂન્યતા વધુ ગહન બની. નીરવ શાંતિની એક છાપ ઊપસી આવી અને ચોતરફ અલૌકિક વાતાવરણ છવાઈ ગયું.
કશુંય બોલ્યા વિના ભગવાન બુદ્ધ એમના વિહારમાં પાછા ગયા !
આ દિવસે એમનું મૌન એ જ એમનું પ્રવચન બન્યું. આવી મૌનની વાણી આજે માનવી ભૂલી ગયો છે. મૌનથી મોટો કોઇ શબ્દ નથી. મૌનના જેવું કોઇ અસરકારક પ્રવચન નથી. જે મૌન કહે છે તે વાણી લાખ ઉપાયે પણ શબ્દોથી બોલી શકાતી નથી. શબ્દોમાં આલેખાયેલા કોઇ પણ અનુભવ કરતાં મૌનનો અનુભવ ઘણો ગહન અને સઘન હોય છે.
માનવી એ શબ્દોનો સોદાગર બન્યો છે અને આજે એ શબ્દો જ એની આત્મખોજના શત્રુ બની રહ્યા છે. આ શબ્દોનો ઉપયોગ માનવીએ છળપ્રપંચ માટે કર્યો છે. શબ્દોને વિચાર વ્યક્ત કરવાનું સાધન કહેવામાં આવે છે, પરંતુ હકીકતમાં શબ્દો દ્વારા માનવીએ પોતાના વિચારો છુપાવવાનું કાર્ય કર્યું છે. ગોળ ગોળ બોલવું, અસત્ય બોલવું, સતત બોલીને સાચી વાત છુપાવવી, અથવા તો મનમાં હોય કંઇક અને સાવ જુદું જ બોલવું, કામ કરવાની અનિચ્છા હોય તો એવા કામને પોતાના દરજ્જાથી નીચું કામ કહેવું. કોઇ આળસુ હોય તો આ કામ કરવું એમાં તે શી મોટી વાત ? એમ કહીને આ કામને ટાળશે. જ્યારે કોઇ નિંદાખોર કામની અયોગ્યતા બતાવી એને આઘું હડસેલશે, ચિત્તમાં વિચાર જાગે અને મુખથી એ અભિવ્યક્ત થાય, માનવીનું ચિત્ત અને તેનું મુખ તદ્દન નજીક હોવા છતાં આકાશ-પાતાળનું અંતર ધરાવે છે.
શબ્દોએ માનવીને બહુરૂપી બનાવ્યો તો એની સાથોસાથ એની નિખાલસતાનો પણ છેહ ઉડાડી દીધો. એક વાર અકસ્માત ભેટી ગયેલા માનવીને આખા ભવમાં ફરીથી ન મળવાની ઇચ્છા હોય છતાં વિદાય લેતી વખતે ચહેરો ઉદાસ કરીને માનવી કહેશે કે આપણે વખતોવખત મળીશું તો ઘણો આનંદ થશે. અણગમતી બાબતને ગમતી બનાવવા માટે શબ્દોના ફરેબી વાઘા પહેરાવીએ છીએ. આવા શબ્દોના સહારે માનવી એક મહોરું લઇને ફરતો હોય છે.
આ દિલ અને દેખાવની વિસંવાદિતા આજના માનવીનાં તમામ દુ:ખોનું મૂળ છે. એની અંદરની સૃષ્ટિ અને બહારની સૃષ્ટિ, બંને જગ્યાએ એક જૂઠાણાનું નાટક ચાલે છે. જે માનવીના આત્માને સતત બેચેન અને બેહાલ રાખે છે. આનો એક જ ઉપાય છે કે માનવીએ પોતાની અંદરની સૃષ્ટિ અને બહારની સૃષ્ટિને એક કરવી. વિચારો અને વક્તવ્યતા વચ્ચે સંવાદિતા સાધવી, દિલ અને દેખાવનું સમીકરણ કરવું.
કેટલીક વ્યક્તિઓ સતત બોલતી જ રહેતી હોય છે. આ બોલવા પાછળ અહં કે આડંબરની અભિવ્યક્તિ જ હોતી નથી. અતિશત બોલનારને માટે સહુને અણગમો થાય છે. સતત બોલનારની કોઇ કિંમત રહેતી નથી, વળી બોલવું એ તો તીર જેવું છે. તીર છૂટયું તે છૂટયું, કોઇના હૈયાને ઘાયલ કર્યા વિના એ રહેશે નહીં.
મહાભારતનું મહાયુદ્ધ કૌરવો અને પાંડવો જુગટું રમ્યા એથી રચાયું નથી. મહાભારતનું મહાયુદ્ધ તો આવા શબ્દોના તીરને કારણે ખેલાયું. યુદ્ધ જ્યાં જ્યાં થાય તેની પાછળ ડંખ કે દ્વેષ હોય જ. દુર્યોધન એક વાર ઉતાવળથી મહેલમાં પ્રવેશ કરતો હતો. સામે બારણું નહીં, પણ કાચ હતો અને કાચમાં બારણાનું પ્રતિબિંબ પડતું હતું. દુર્યોધને એ પડેલા પ્રતિબિંબને સાચું માન્યું. જેવો અંદર જવા ગયો કે કાચ સાથે અથડાઈ પડયો. આમેય ભ્રમ જ માનવીના અથડાવાનું કારણ બને છે. સામે ઝરૂખામાં ઊભેલી દ્રૌપદી આ દ્રશ્ય જોઇને ખડખડાટ હસી પડી અને બોલી ગઈ,
'આંધળાના દીકરા આંધળા જ હોય ને !'
દુર્યોધનના કપાળમાં જે ચોટ વાગી હતી તે તો ભુલાઈ ગઇ, પરંતુ દ્રૌપદીના કટુ વચનથી દિલમાં લાગેલા વાણીના તીરને એ સહી શક્યો નહીં. એણે મનોમન વિચાર કર્યો.
'અરે, આણ તો મારું નહીં, પણ મારાં મારા માતા-પિતાનું અપમાન કર્યું.'
અપમાનનો ડંખ વેરની વસૂલાત માટે ઝંખવા લાગ્યો. દુર્યોધન મનોમન બોલી ઊઠયો,
'તેં મને આંધળાનો દીકરો કહ્યો! આવું ઘોર અપમાન ! તને નિ:વસ્ત્ર ન કરું તો હું દુર્યોધન નહીં.'
આ અપમાન દુર્યોધનના અંતરમાં જડાઈ ગયું. રાત-દિવસ વેરની આગ સળગતી રહી અને તેમાંથી મહાભારતનો દાવાનળ પ્રગટયો.
દ્રૌપદીના કટુ શબ્દોએ કેટલો બધો સંહાર સર્જ્યો ! શબ્દો સંહાર સર્જી શકે છે.
આજે તો શબ્દો માત્ર ખડખડાટ રહી ગયા છે. શબ્દ બાહ્ય છે, અર્થ આંતરિક છે, પરંતુ આજે માત્ર શબ્દ બોલાય છે, એનો અર્થ ખોવાઈ ગયો છે. એમાં પણ આપણા દેશને બે જીવલેણ ચેપી રોગ લાગુ પડયા છે. આ રોગ મલેરિયા કે ટાઈફોઇડ કરતાં ઘણા ખતરનાક છે. આ છે ગપ્પાં મારવાં અને નિંદા કરવી, ખરજવું થયું હોય અને વારંવાર ચળ આવે અને જેમ જેમ એ ખણતા જઇએ તેમ ગમે ખૂબ, પણ ચળ વધતી જાય. તેવું આજે નિંદાને માટે કહી શકાય. જિહ્વા ઇંદ્રિય પર માણસનો કોઇ કાબૂ રહ્યો નથી. એની જીભ જેટલું બીજાનું બૂરું બોલે છે, એનો એકસોમો ભાગ પણ બીજાનું સારું બોલવામાં વાપરતો નથી.
માનવી શબ્દોને પાણીની પેઠે વાપરે છે. ખરેખર તો એને ઘીની માફક વાપરવા જોઇએ. માણસ શબ્દોની બાબતમાં ઔચિત્ય અને વિવેક ગુમાવી બેઠો છે. જરૂર હોય કે ન હોય, બસ બોલ્યે જ જાય છે.
બહુ વાતો કરનાર માનવી ક્યારેક જીવનના સત્યને પામી શકતો નથી. શબ્દનો ગણગણાટ બંધ થાય ત્યારે જ આત્માનો અવાજ સાંભળી શકાય છે. સ્વયંને જાણવા માટે મૌન જરૂરી છે અને પોતાની જાતને જાણ્યા વિના કોઇ સત્ય સુધી પહોંચી શકતું નથી.
શબ્દોની ખૂબી એ છે કે એનો પથરાટ કરવામાં આવે તો એ નિષ્પ્રાણ બની જાય છે. એનો જેટલો સઘન વપરાશ, એટલી એની ચોટ વધુ. તારની ભાષા જુઓને ! તારના આઠ શબ્દો આઠસો શબ્દોનું કામ કરે છે. આમ શબ્દને સઘનતાથી વાપરવામાં આવે તો એમાં એકાગ્રતા આવી જાય છે અને આને કારણે એની તીવ્રતા વધી જાય છે. નિર્જીવ શબ્દોમાં નવી તાકાત પેદા થાય છે. એનો એક એક શબ્દ ક્રાંતિની આગ ફેલાવી શકે છે. જો માનવી આવશ્યક વાતો જ કરે, તો એના ઘણા શબ્દો ઓછા થઇ જશે. શક્તિના બચાવ ઉપરાંત એના શબ્દોમાં ઘણી તાકાત આવશે.
શબ્દોના અતિવપરાશની માફક શબ્દોના પુનરાવર્તને ઘણાં અનિષ્ટો સર્જ્યાં છે. અમુક શબ્દો જે પહેલી વાર સાંભળતાં આપણને અજાણ્યા લાગે, તે વારંવાર સાંભળતાં આત્મીય બની જાય છે. પહેલીવાર સાંભળીએ ત્યારે એ શબ્દો પર શબ્દો વિશે થોડી શંકા જાગે, પરંતુ વારંવાર સાંભળવાથી એ શબ્દોમાં આસ્થા રોપાય છે. અસત્યનું નિરંતર ઉચ્ચારણ કરીને એને સત્ય તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આપણા રાજકારણીઓએ ક્યાં કશું બાકી રાખ્યું છે! આમ શબ્દોના પુનરાવર્તનથી એક ભ્રમ ઊભો કરવામાં આવે છે અને આ ભ્રમ માનવીને ખોટે માર્ગે લઇ જાય છે. આથી તો યહૂદીઓમાં એક નિયમ છે કે કોઇએ પરમાત્માનું નામ લેવું નહીં. આપણે પરમાત્માના નામનું એટલું બધું પુનરાવર્તન કર્યું છે કે શબ્દ એનું ગૌરવ અને દિવ્યતા ખોઈ બેઠો છે.


