Get The App

ખરી જાતરાનો આરંભ .

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
ખરી જાતરાનો આરંભ                              . 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

જ્યારે પણ નૂતન કૃતિ આરંભો ત્યારે વપરાયેલ રંગ-મિલાવટની જૂની રકાબી તોડી-ફોડી અને ફેંકી દો.

- રિક રૂબીન

સ ર્જન માટેના નિયમો માર્ગદર્શક સિદ્ધાંતો છે. તે  કામચલાઉ માપદંડો છે, રૂપરેખા છે. તે અંતિમ અને નિરપેક્ષ નથી. તે મદદરૂપ મૂલ્યો છે. તે સર્જકના ચિત્તમાં સંસ્કાર રૂપે હોય છે. કલામાં નિયમોત ગણિત, વિજ્ઞાન, પ્રકૃતિ જેવા અફર અને બરડ નથી. નિયમો ક્યારેક કલાકારની મર્યાદાઓ બની જાય છે. જ્યારે કશુંક અપૂર્વ, અનન્ય અને અપવાદ રૂપ રચવું હોય ત્યારે તે અતૂટ સીમાઓ બની જાય છે. તે સર્જક અને સર્જનને સરેરાશ બનાવી નાખે છે. અલબત્ત જાજરમાન કલાકારની મૌલિક અભિવ્યક્તિ તેને તાબે થતી નથી. પોલેન્ડનો એક ડિઝાઈનર જેસેક  ઉત્કો ચિંતામાં હતો. તેની સામે એક પડકાર હતો કે તળીયે જઈ રહેલ એક અખબારની પ્રતોની સંખ્યાને ડિઝાઇન બદલીને  ઉંચે લઈ જઈ શકાય? આવા સમયે તે લંડનમાં આવેલ 'સિર્ક દ સોલેઈલ' નામનું એક ફ્રેંચ સર્કસ જોવા ગયો. કલાકારોના અફલાતૂન કરતબો જોઈ તે અવાક થઈ ગયો પછી તેણે પેલી છાપાની ડિઝાઇન બદલી અને તે સફળ થઈ ગયો. નિયમો અને પરંપરાની પાર જવાનો નિર્ણય ગેમ-ચેન્જર પૂરવાર થયો.

કલા યાત્રા બીબાઢાળ નોકરી કે ઢાંચાઢાળ જવાબદારી નથી. રિક રૂબીન તો કહે છે, 'તંદુરસ્ત કલાકાર તો દરેક નિયમને ભંગૂર કે તોડવા યોગ્ય ગણે છે.' અલબત્ત, નિયમો તોડવાનો અધિકાર માત્ર નિયમોના જાણકારને જ છે. કવિ અને પંખીના ગીતમાં ભેદ છે. પંખી પોતાની માટે ગાય છે તેનું ગીત તેના હોવાનો ઉત્સવ છે. જ્યારે કવિ છંદશાસ્ત્રમાં અટવાય છે, ક્યારેક! અચેતનમાં ઉતરી ગયેલ નિયમો તોડવા મુશ્કેલ છે. તો ક્યારેક આજની નવીનતા અને સફળતા કાલની  ફોર્મુલા બની જાય છે સફળતા રીપીટ કરનાર આખરે લકિરનો ફકીર બની જાય છે. કલામાં અનિશ્ચિતતા એક રોમાંચક સાહસ છે, અસલામતી ઈચ્છવા યોગ્ય છે. કશુંયે  ગઈકાલથી શરૂ કરવાનું નથી હોતું બધું આજે-અહીં-અત્યારે આ પળથી આરંભવાનું હોય છે. પ્રેરણા અમુક સ્થળેથી જ મળે તેમ નથી. જ્ઞાન માત્ર ગ્રંથો અને ગ્રંંથાલયોમાં જ મળે તે ભ્રમ છે. કાવ્યનો વિચાર શિલ્પ જોઈને પણ આવે છે. ભૂલો તો થવા દો પછી ચમત્કાર સર્જાશે. ખોટી કેડી પણ અનન્ય સ્થળે દોરી જાય છે, 'ઓહ.. માય ગોડ' વાળા શિખરે. રખડપટ્ટીમાં શ્રેષ્ઠ સૂર્યોદય અને સૂર્યાસ્ત ભૂલા પડયા પછી અને ખોટી કેડી પર ચાલ્યા પછી  આવે છે. 

એક જ સૂર્ય અનેક સ્થળેથી જોઈ શકાય છે. દરેક પડકાર જ નવી તક-નવી સંભાવના છે. સારો સર્જક પોતાને અંતહીન સ્વરૂપે અભિવ્યક્ત કરી શકે છે. તેની પ્રતીતિ પણ અનંત સ્વરૂપે હોય છે. કદાચ ખરી જાતરાનો  આરંભ નકશાઓ ફાડી નાખ્યા પછી થાય છે.