Get The App

'ભવરણમાં નર્મદ-સિંહ સિપાઈ,જોજે ધીરજથી હસીને ભવાઈ.'

Updated: Aug 23rd, 2025

GS TEAM

Google News
Google News
'ભવરણમાં નર્મદ-સિંહ સિપાઈ,જોજે ધીરજથી હસીને ભવાઈ.' 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- રે નર્મદ! આખરે તને નોકરી! તૂટેલી તારની વીણા જેવું એ જીવન હતું. આ નોકરી ત્રણ વર્ષ કરી ન કરી અને ગુજરાતના આ કવિરાજનો ઉચ્ચ આત્મા પ્રભુના દરબારમાં પહોંચી ગયો

આ જે ૨૪મી ઓગસ્ટે અર્વાચીન સાહિત્યની યુગમૂર્તિ સમા કવિ નર્મદનો જન્મદિવસ. આ જન્મદિવસને 'વિશ્વ ગુજરાતી ભાષા દિન' તરીકે ઉજવવાની પ્રણાલી છે. 'યાહોમ' કરીને કશુંક નવું કરી નાખવાનો ઉત્સાહ ધરાવતા કવિ નર્મદે ગુજરાતી પ્રજાને પદ્ય વાંચતી કરી હતી. અંગ્રેજ લેખકો સ્ટીલ અને એડિસનના સ્પૅક્ટેટર જેવું ગદ્યાત્મક લખાણ કરવાની તેને હોંશ હતી. 'ડાંડિયો' સામયિક દ્વારા ગુજરાતને જગાડતા નર્મદે ગદ્ય વાંચવા અણટેવાયેલી પ્રજાને ગદ્ય વાંચતી કરવાનો ઉપક્રમ રાખ્યો. કવિતા ક્ષેત્રે 'જય જય ગરવી ગુજરાત' અને 'અવસાન સંદેશ' જેવી કવિતા આપી. એના જમાનામાં એણે વીર નર્મદ કે સુધારક નર્મદ તરીકે ઓળખવામાં આવ્યો, પણ સાહિત્યમાં તે કવિ નર્મદ તરીકે વિશેષ જાણીતો થયો.

કવિતા ક્ષેત્રે ઘણા નવા પ્રયોગો કર્યા. એ પહેલા સમાજ સુધારક હતો. પછી લેખક હતો અને ગુજરાતી ગદ્યનું પ્રભાવ ખીલવનારા નર્મદે એકલે હાથે કરેલા નવપ્રસ્થાનોને કારણે એ આપણો પ્રાણવંતો પૂર્વજ લાગે, પરંતુ આપણા એ પૂર્વજે ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે શિક્ષકની નોકરી છોડીને કલમને ખોળે જીવવાની પ્રતિજ્ઞા કરી એ વીર નર્મદે સ્વપ્નો સરજ્યાં, અજબ ઈમારત ચણી અને ચણનારની નજર સામે ઈમારત માત્ર ઈંટ-ચૂનો બની રહી. સમયવીર નર્મદ પોતે પોતાની ભરતીનાં પાણી ઓટમાં જતાં જોઈ રહ્યો. રે સમય તારી બલિહારી ! મુંબઈ બંદરે સ્વાગત માટે ઊમટતી દશ દશ હજારની મેદનીને બદલે પગપાળા ચાલવાનો એ બેતાજ બાદશાહને વખત આવ્યો, પણ એ પુરુષસિંહ પોતાના પરાજયથી લેશ પણ ન ડર્યો, પડયું પાનું નિભાવી લેવાની કાયરતા ન દાખવી. એણે કહ્યું:

'આભ પડો પૃથ્વી ગડો, લય પામો સંસાર,

પ્રેમશૌર્યને કારણે વિપ્ર ક્ષત્રિય અવતાર !'

બ્રાહ્મણ થઈને એણે ક્ષત્રિયની વીરતા ને ધીરતા બતાવી. પ્રજાએ એને જ સિંહાસને બેસાડયો હતો ત્યાંથી તે પોતે જાતે ઊતરી ગયો : માનની, સ્વમાનની, કીર્તિની, કાંચનની તમા ન કરી. એ નિર્ભય વીરે છળ-પ્રપંચ ન આદર્યા. સત્યને બાપોકાર જાહેર કર્યું :

'મારો સુધારાનો નશો ઊતરી ગયો છે. મારો કંઈ નવું કર્યાનો કેફ ચાલ્યો ગયો છે. પાછા વળો ! ભૂલ્યા ત્યાંથી સવાર ગણો !'

ને નર્મદે-વીર નર્મદે જે સુધારા માટે ત્રીસ ત્રીસ વર્ષની જહેમત ઉઠાવી હતી, આગળ મશાલ લઈને દોડયો. એ મશાલને આગેકૂચ કરતી થંભાવી. જોખમ તરફ ઝૂકતી ગાડીને આગળ વધતાં અટકાવવા તે હાથ ઊંચા કરીને મારગ વચ્ચે ખડો થઈ ગયો. ને બુલંદ સ્વરે બોલ્યો :

થોભો, થોભો, ઓ સુધારાવાળાઓ ! દારુમાં ધર્મ નથી. માંસમાં ધર્મ નથી, સ્વેચ્છાચારમાં સુખ નથી. સ્વચ્છંદમાં ઉન્નતિ નથી ! હું કહું છું કે સદાચાર એ ધર્મ ! ઊંચા વિચાર એ પવિત્રતા ! ને નર્મદ પોતાના પ્રથમના સુધારાના વિચારોને બતાવવા 'ધર્મવિચાર' નામનો નવો ગ્રંથ લખવા બેઠો.

પણ કવિના વિચારોના પલટા સાથે એની સ્થિતિએ પણ પલટો ખાધો. મૂળથી ઉદાર હાથ, બાદશાહી ખર્ચો ! હાથ ધીરે ધીરે તંગીમાં આવતો ગયો, અને લેણદારોના તકાજા શરૂ થયા. અનાજવાળા, દૂધવાળા આંટાફેરા ખાવા લાગ્યા. સિંહ, નર્મદસિંહ ભારે તંગીમાં સપડાઈ ગયો. ઋણના દાનવે એના તન-મનનો કબજો લઈ લીધો, છતાં નર્મદ એ નર્મદ !

એક દિવસ કાઠિયાવાડનો એક યાચક એની પાસે આવ્યો. એની પાસે મિત્રનો ભલામણ-પત્ર હતો. નર્મદે પોતાના મહેતાજીને કહ્યું, 'આને સો રૂપિયા આપો.' મહેતાજી અવાક થઈ ને સામે જોઈ રહ્યો. ઘરમાં ઝેર ખાવા રૂપિયો પણ ક્યાં હતો ? એણે યાચકને બે દિવસનો વાયદો કરી વિદાય કર્યો. રસોડામાં તો હાંડલાં હડીઓ કાઢતાં હતાં.

નર્મદે પૂછ્યું : કેમ આજે રસોડામાં ગરમી નથી ?

'સિલકમાં પાવલી (ચાર આના) છે.' મહેતાજીએ કહ્યું. 'અરે યાર ! પાવલીમાંથી થાય તે કર. એ પણ જીવનનો એક રંગ છે ! બે આનાના પૌંઆ ને બે આનાના દૂધથી એ દિવસનું જમણ રંગીન થઈ ગયું !'

આટઆટલી તંગી અનુભવવા છતાં નર્મદે કોઈ આગળ દીનતા ન દર્શાવી, હાથ લાંબો ન કર્યો. એક વાર કોઈ મિત્રે હજાર રૂપિયા ભેટ મોકલ્યા, તો મહેતાજીને બોલાવીને કહ્યું :

'પેલા યાચક બ્રાહ્મણને આમાંથી સો રૂપિયા આપી દેજો. પછી અનાજવાળાને અને દૂધવાળાને ચૂકવજો !'

આવા હૃદયના રાજવી નર્મદના વીતતા દિવસો દોહ્યલા બન્યા. નર્મદ વાંરવાર ઉચ્ચારવા લાગ્યો : 'હું બહુ દુ:ખી છું, ઋણસિંધુમાં નિમગ્ન છું.'

ધીરે ધીરે દશા કરુણ થવા લાગી. આજ મળ્યું તો કાલનું ઠેકાણું રહ્યું નહિ ! કુટુંબીઓ માંદા હોય તો માવજતનાં સાધનો નહિ, લેણદારોની તંતુ ચાલુ જ હોય, જ્યાં નજર નાખે ત્યાં નિરાશા જ સાંપડે.

પણ નર્મદે દુ:ખ પાસે દીનતા ન ધરી. એણે હારતા રણધીરની જેમ વિપત્તિના ભયંકર ખડક પર ઊભા રહીને નિર્ણય કર્યો :

'ધીર થઈને બધું સહેવું.'

'મરી જવું, પણ ટેક છોડવો નહિ !'

નિરાશાનાં રણ વધુ ને વધુ વિસ્તરતાં જતાં હતાં, ને પોતાને 'ભવરણનો સિપાહી' કહેનાર નર્મદ તંગીમાં આવતો જતો હતો. કેટલાક મિત્રો, જે નર્મદને છોડી ગયા નહોતા, તેઓએ નર્મદ માટે નોકરીની શોધ કરી, એક ગોકુળદાસ તેજપાલ ધર્માદા ખાતાના સેક્રેટરી તરીકે એકસો રૂ.ના પગારે એની નિમણૂંક કરાવી. પછી ૨૦૦ રૂ. થયો.

નિમણૂકનો પત્ર નર્મદને મળ્યો. નર્મદ એ બંધ પત્ર ફોડયો. વાંચતાં વાંચતાં એ પુરુષસિંહની આંખોમાંથી આંસુની ધારા ચાલી. કવિએ પત્ર વાંચી એ કાગળનો મિત્ર પર ઘા કર્યો. મિત્રમંડળે કાગળ વાંચ્યો પણ વાતાવરણ એટલું ભારે હતું કે ઘણી વાર સુધી કોઈ કંઈ બોલી શક્યું નહિ. સિંહને સાંત્વન શું !

થોડી વારે વળી જખમાયેલા કવિ-દિલમાંથી દર્દ નીકળ્યું, 'ઓહ ! સદાવ્રતનું અન્ન ખાવાનો સમય મારે આવ્યો ! રે, પરમાત્મા ! ખરે, તારી ગતિ અકળ છે. વારુ, ભાઈઓ ! કાલક્રીડાની એ પણ બલિહારી છે. ૨૪ વર્ષ લગી તંગ ખેંચી રાખેલી લગામ આજે હું હાથમાંથી મૂકી દઉં છું. તમ સહુ જેમાં પ્રસન્ન એમાં મારી અનુકૂળતા.'

કવિ થોડી વાર થોભ્યા. વળી એકદમ બોલ્યા : 'ભાઈઓ ! હવે મારા દુ:ખી જીવનનો અંત પણ પાસે છે, એટલું નક્કી માનજો, મારું હૃદય આ આઘાત નહિ જીરવી શકે.'

આ સાંભળી આખી મંડળી પણ ગદ્ગદિત થઈ ગઈ. કવિનો એક શિષ્ય તો મોટેથી રડી પડયો. આ સાંભળી કવિનાં પત્ની ડાહીગૌરી બહાર દોડી આવ્યાં, ને છંછેડાઈ ને બોલ્યાં : 'તમે બધા આ શું કરવા બેઠા છો ? મારો રાજા કોઈ ના દાસ છે નહિ અને થશે પણ નહિ.'

કવિએ ઉદાસીન યોગીની ઢબે કહ્યું : 'શાબાશ ડાહી ! તું સિંહણ છે. પણ સૌની એમ મરજી છે, તો હું પણ બીજાની મુરલીના નાદ પ્રમાણે નાચ કરતાં શીખીશ.'

આ શબ્દો હૈયાવિદારક હતા. કવિએ છેલ્લે કહ્યું : 'ભગવાનની લીલા ! એ જ્યાં દોરે ત્યાં અભિમાન મૂકી દોરાવું.' કવિ આ પછી અંદર જવા માટે ઊભા થયા, પણ તેમને ટેકાની જરૂર પડી.

આઠ દિવસ વીતી ગયા. નિયત દિવસે કવિ કપડાં પહેરી નોકરીએ ચાલ્યા. હૈયું ઘણું કઠણ કરીને રાખ્યું હતું, પણ છેવટે બોલી જવાયું : 'ચોવીસ વર્ષે ટેક મૂકીને નોકરી કરવા જાઉં છું. ચોવીસ અવતારે પણ લજ્જા ન રાખી ! પણ ભાઈઓ ! અભિમાન મૂકી નિરભિમાન થવું એ જ જીવનનું ઉચ્ચ શિક્ષણ અને સત્યવિજયનો પરિપાક છે ! આટલું બોલી કવિ ઝડપથી દાદરો ઊતરી ગયા. ટ્રામમાં છલાંગ મારીને બેઠા. ઓફિસમાં જઈ કામ સંભાળી લીધું.' રે નર્મદ ! આખરે તને નોકરી ! તૂટેલી તારની વીણા જેવું એ જીવન હતું. 

આ નોકરી ત્રણ વર્ષ કરી ન કરી અને ગુજરાતના આ કવિરાજનો ઉચ્ચ આત્મા પ્રભુના દરબારમાં પહોંચી ગયો.

'ભવરણમાં નર્મદ-સિંહ સિપાઈ !

જોજે ધીરજથી હસીને ભવાઈ !'

આવી સતત ગર્જના કરતા કવિએ ગુજરાતની પ્રજાને અજ્ઞાનની ઘોર નિદ્રામાંથી જગાડી. ભાષામાં નવીન ચેતનાનો સંચાર કર્યો. સુધારાની રણભેરી બજાવી. સમય જતાં કાવ્ય અને ગદ્યક્ષેત્રે એણે કંડારેલી કેડી રાજમાર્ગ બની ગઈ. ભવરણના ઓ સિપાહી ! ગુજરાતી અસ્મિતા કાજે જીવનસંઘર્ષ ખેલનારા જ્યોતિર્ધરને સો સો સલામ !

મનઝરૂખો

ઓક્સફર્ડ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એકવીસ વર્ષના સ્ટિફન હોકિંગ (જ. ૮ જાન્યુઆરી, ૧૯૪૨)ના શરીરમાં એકાએક અણધાર્યા ફેરફારો થવા લાગ્યા. સ્કેટિંગ કરતાં બરફ પર પડી જતાં ડોક્ટરો એમને હોસ્પિટલમાં લાવ્યા અને લાંબી તપાસને અંતે ખ્યાલ આવ્યો કે એકવીસ વર્ષના આ યુવકને મોટરન્યૂરોન ડિસીઝ (ALS) અથવા એમિયો ટ્રોફિક લેટર સ્કલેરોસિસ (ALS) નામના જીવલેણ રોગના હુમલાનો ભોગ બન્યા. લગભગ બધાં જ અંગો લકવાગ્રસ્ત બની ગયા. આ એવી બીમારી હતી કે બીમારનું મગજ એના શરીર પરનું નિયંત્રણ ગુમાવી દે છે. ડૉક્ટરોએ પણ ભવિષ્ય ભાખ્યું કે સ્ટિફન હોકિંગની બે વર્ષથી વધુ આવરદા નથી. એ પછી ન્યુમોનિયા થયો અને શ્વાસોચ્છ્વાસની ભારે તકલીફ થઈ. ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થતાં વાચા ચાલી ગઈ.

પહેલાં તો હોકિંગને એમ થયું કે હવે બ્રહ્માંડ વિજ્ઞાનમાં મેળવેલી પીએચ.ડી.ની પદવીનો શો મતલબ ? સ્ટિફન હોકિંગનાં સઘળાં સ્વપ્નાં આથમી ગયાં હતાં, પરંતુ એનું મગજ બરાબર સ્વસ્થ હતું અને તેથી એણે થિયોરેટિકલ ફિઝિક્સમાં સંશોધન કરવાનું ચાલુ રાખ્યું. એમાં એણે અદ્ભુત સિદ્ધિ મેળવી. ખગોળવિદ્યામાં આગવી નામના હાંસલ કરી. એનું પુસ્તક 'બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ'એ ૨૩૭ સપ્તાહ સુધી 'સન્ડે ટાઈમ્સ'ની બેસ્ટ-સેલર યાદીમાં સ્થાન પામીને વિક્રમ સર્જ્યો. એવું જ એમનું બીજુ ંએટલું જ લોકપ્રિય પુસ્તક 'ધ યુનિવર્સ ઇન એ નટ શેલ' છે.

માથે મૃત્યુનો ડર ઝઝૂમતો હતો છતાં છેલ્લાં ૩૯ વર્ષથી એ સતત સંશોધન કાર્ય કરે છે. એની પ્રથમ પત્ની જેન વાઇલ્ડે એને સમજાવ્યું હતું કે ભવિષ્ય જેવું કશું છે જ નહીં. વર્તમાનમાં જ જીવો. સ્ટિફન હોકિંગ કહે છે કે આજે ક્યારેય મારા જીવનના ભૂતકાળને જોઉં છું, તો થાય છે કે હું કેટલું બધું શાનદાર જીવન જીવ્યો અને મારાં શોધ-સંશોધનોને માટે હું મારી બીમારીનો સૌથી વધુ આભારી છું. એને કારણે બધું છોડીને મારા ધ્યેયને વળગી રહ્યો. સ્ટિફન હોકિંગે બ્લેક હોલ, વિશ્વની ઉત્પત્તિના સિદ્ધાંત 'બિગ બેંગ' અને બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓ વિશે સંશોધન કર્યું. આજે તેઓ બ્રહ્માંડના અંતિમ રહસ્યની શોધ કરી રહ્યાં છે.